ઉપવાસના ચોથા દિવસની સવારેઃ સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝ, શનિવાર, ૨૮ માર્ચ ૨૦૨૦)

આજે છ વાગ્યે જાગીને સવા સાતે આ નોંધ લખવા મારા સ્ટડીરૂમમાં આવ્યો છું. સવારના વહેલા ઊઠી જવું મારા માટે નવી નવાઈની વાત નથી. બહારગામની ટ્રેન કે ફ્‌લાઈટ પકડવા પરોઢિયે ઊઠવાનું જ હોય છે. એ પહેલાં બપોરના છાપા માટે નોકરી કરતા ત્યારે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને સવારે પાંચ વાગ્યે ઑફિસમાં હાજર થઈન કામે લાગે જતા.(મોર્નિંગ પેપરમાં કામ કરતી વખતે મધરાત પછી જે સમયે ઘરે પાછા ફરતા અલમોસ્ટ એ જ સમયે બપોરના છાપાની નોકરી કરવા ઊઠી જતા).

ચૈત્ર નવરાત્રિના ઉપવાસ પહેલી વારના છે. અગાઉ આસોની નવરાત્રિમાં નકોરડા ઉપવાસ કર્યા હતા, માત્ર પાણી પર, એ તમે જાણો છો. આ વખતે એકટાણું છે. ચોવીસ કલાકમાં માત્ર એક જ વખત ભોજન. બપોરે એકથી બેની વચ્ચે. સાંજ પડ્યા પછી એક નાનું ફ્રુટ અથવા સાદું દૂધ. અફકોર્સ સવારે ડિટોક્‌સનો વર્ષો જૂનો નિયમ ચાલુ જ છે. એક ગ્લાસ હુંફાળું પાણી, એક ગ્લાસ ગિલોય નાખેલો કારેલા-ટમાટર-કાકડીનો જ્યુસ અને એક ગ્લાસ તાજાં આમળાનો જ્યુસ (જેમાં ફ્રેશ લીલી હળદરનો રસ પણ ઉમેરવાનો એવું એક વરસ પહેલાં મારી આંખના ઑપરેશન પછી મારા વડીલમિત્ર ડૉ. પ્રકાશ કોઠારીને ત્યાં રાત રોકાયો તે વખતે વેણુબેને આ લીલી હળદરવાળું શીખવ્યું).

ડિટોક્‌સને કારણે શરીર શુદ્ધ રહે અને ઈમ્યુનિટી વધે. કોરોનાનો પ્રસાર વધારે થવાનું એક કારણ એ કે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ. દિવસ દરમ્યાન તરસ લાગે કે ન લાગે પાણી પીધા કરવાનું એવી ટેવ ઘણા વખતથી પડી છે – ડિહાઈડ્રેશનથી બચી જવાય. જે જમાનામાં ઘરની બહાર જતા – મૉલમાં, થિયેટરમાં કે કોઈની સાથે મીટિંગ કરવા (આહા, શું જમાનો હતો એ) ત્યારે હાથમાં પાણીની બાટલી અચૂક હોય. મુંબઈમાં આમેય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું અંતર પ્રેક્‌ટિકલી એક ગામથી બીજે ગામ જતા હોઈએ એટલું. અને હવે ભારતના દરેક પ્રમુખ નગરની જેમ મેટ્રોના બાંધકામને કારણે ટ્રાફિકને લીધે માર્ગ કાપતાં બમણો-ત્રણગણો સમય લાગે. એટલે પાણી સાથે રાખવાનું.

ઘરમાં હોઈએ ત્યારે ચાનું ગરમ પાણી પીવાનું. દૂધ કે બીજું કશું પણ નાખ્યા વિનાનું, માત્ર ડાર્ક સોનેરી રંગનું પાણી. આ ઉપવાસ દરમ્યાન સવારે ને સાંજે એકએક વખત પીવાય છે. કાઠિયાવાડી કડક મીઠી ચા, કે આદુ-ફુદીનાવાળી મસાલાવાળી ગુજરાતી ચા નાનપણથી ક્યારેય પીધી નહોતી. આ ફિલ્ડમાં આવ્યા પછી ઑફિસોમાં કામ કરતાં કરતાં પીતો થઈ ગયો. પણ ચાનો બંધાણી ક્યારેય નથી થયો. જે જમાનામાં દારૂ-સિગરેટ લાઈફસ્ટાઈલમાં વણાઈ ગયાં હતાં ત્યારે પણ ચા (કે કૉફી)નું બંધાણ નહોતું. હવે તો સિગારેટ છોડે ચારથી વધુ વરસ થઈ ગયાં. દારુ મૂકે બે વરસ થવા આવશે.

દૂધ-ખાંડવાળી ચા કોઈને ત્યાં ગયા હોઈએ તો પી લેવાની પણ ઘરમાં ખાંડ વગરની કાળી ચા પીવાની. બ્લેક ટીના સ્વાદનો રાઝ એ છે કે આપણી નૉર્મલ ટીની જેમ ગરમાગરમ પીશો તો નહીં ભાવે. રૂમ ટેમ્પરેચર કરતાં થોડીક જ વધારે ગરમ રહે ત્યાં સુધી ઠરવા દેવાની અને પછી વાઈન પીતા હોઈએ એમ નાના નાના ઘૂંટડા મમળાવીને પીવાની. બ્લેક ટીનો સ્વાદ ભાવી જાય તો એક આખું વિશ્વ ખુલી જાય. સેંકડો પ્રકારની બ્લેક ટી આ દુનિયામાં છે. મારા ઘરમાં ડઝનથી વધારે જાતની છે. એમાંથી અર્લ ગ્રે અને ઇંગ્લિશ બ્રેકફાસ્ટ મારી ફેવરિટ છે. પણ જો અનુકૂળતા હોય તો લિપ્ટન યલો લૅબલની એક ચમચી ભુકીને, એક લીટર જેટલા બરાબર ઉકળી ગયેલા પાણીમાં, ગેસ પરથી ઉતારીને સહેજ ઠંડું થવા દીધા પછી બરાબર સવા બે મિનિટ (પાણી ક્યું વાપરો છો એના પર આધાર છે, ક્યારેક અઢી મિનિટ પણ જોઈએ) સુધી રાખીને ગાળી લેવાનું. પછી બે-ત્રણ મિનિટ પાણીને રેસ્ટ આપવાનો, વિસમવા દેવાનું. પછી કપમાં કાઢીને લગભગ ૩૫ ડિગ્રી ટેમ્પરેચર થાય ત્યારે ઘૂંટડે ઘૂંટડે પીવાની. ઉપવાસમાં પણ દિવસના બે વાર આવી ચા તો બને જ છે.

પણ સવારનો હૅવી બ્રેકફાસ્ટ સદંતર બંધ. બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે ‘શું ખાઉં શું ખાઉં’વાળી ભૂખ મટાડવા માટે જે કંઈ ખવાતું હોય તે પણ બંધ. લંચ પછી બે-ત્રણ-ચાર કલાકે, હજુ રાતના ભોજનને તો ઘણી વાર છે એવો વિચાર આવે એટલે સાંજના પાંચેક વાગ્યાની નાનકડી ભૂખને સંતોષવા માટે કંઈક ખાવાનું થતું તે પણ બંધ. રાત્રે જમ્યા પછી તરત તો નહીં પણ, કામકાજ લાંબુ ચાલ્યું હોય તો વળી પાછી કૃત્રિમ ભૂખ લાગે એને સંતોષવા પણ રસોડામાં જઈને ખાંખાખોળા કરવા પડે – હવે એ પણ બંધ.

અત્યારે વિચાર આવે છે કે દિવસ દરમ્યાન આપણે કેટલું બધું બિનજરૂરી ખા ખા કરીએ છીએ.

ઉપવાસનો નિર્ધાર કર્યો ત્યારે મનમાં હતું કે અશક્તિ લાગશે કે સુસ્તી લાગશે તો પણ નવ દિવસ તો પૂરા કરવા જ છે. પણ બીજા દિવસની સવારે, ગઈકાલે સવારે અને આજે સવારે – અશક્તિ તો લાગતી જ નથી, ઊલટાની સ્ફુર્તિ લાગે છે. શરીરમાં નવી એનર્જીનો સંચાર થયો હોય એવું લાગે છે. સવારે ઊઠીને આટલી તાજગી રહેવાનું કારણ એ કે બપોરે જે ભોજન કર્યું હોય તેનું આઠ કલાકમાં પાચન થઈ ગયું હોય. શરીરને ભોજન પચાવવા માટે જે જદ્દોજહદ કરવી પડે તે હવે રાત્રિભોજન બંધ હોવાથી કરવાની નથી. શરીરની એનર્જી એટલી બચી જાય છે.

આપણામાં એક બહુ ખોટી માન્યતા છે કે ખોરાક વધારે લઈએ તો શક્તિ વધારે આવે. ના એવું નથી. જેટલો ખોરાક વધારે એટલી એને પચાવવા માટેની શરીરની શક્તિ વધારે ખર્ચાય. વધારે ખોરાક નહીં, હળવો ખોરાક તમને તાજામાજા રાખે છે એનો પ્રત્યક્ષ અનુભવ આ દિવસોમાં થઈ રહ્યો છે. નવરાત્રિ પછી ૧૪મી એપ્રિલ સુધી તો ઉપવાસ ચાલુ જ રાખવા છે. અને અત્યારે જે શારીરિક-માનસિક સ્ફૂર્તિ લાગી રહી છે તે જોતાં લાગે છે કે આ વાત લાઈફસ્ટાઈલમાં વણાઈ જશે. ટચ વૂડ.

ચાલો હવે, જલદી જલદી તૈયાર થઈને ટીવી સામે ગોઠવાઈ જવાનું છે. નવ વાગ્યે રામાયણનો પહેલો એપિસોડ આવશે, બાર વાગ્યે મહાભારતનો પહેલો એપિસોડ આવશે, કેટલું બધું કામ છે! આ હિસાબે જોતાં તો લાગે છે કે લૉકડાઉન પૂરું થઈ ગયા પછી જિંદગી બહુ આકરી લાગવા માંડશે.

• • •

8 COMMENTS

  1. મન અને શરીર નો સમન્વય જરૂરી છે. સરસ બહુજ સરસ ? ? ?

  2. Totally agree with you sir, your experiments inspires me, specifically experiment with food, started skip dinner, evening snacks is little challenge for me. After reading your article decided to drink more and more luke warm water, this will help me to reduce food

  3. Sirjee, very much happy to read that left wine from last two yrs, heartily request now never think for same.

  4. સૌરભભાઈ, ખૂબ જ સરસ લેખ…
    આમાં મને તમે 1) ડિટોક્સ વિશે વિગત માં જણાવો અને બીજું તમે લગભગ ખાવા માટે જૈન પદ્ધતિ અપનાવી લીધી છે એવું લાગે છે જે સારું જ છે.. મારે ય ડિટોક્સ વિશે જાણવું છે તો આપ જણાવશો અથવા એની કોઈ લિંક મોકલશો…

    હિમાંશુ શાહ.. અમદાવાદ.

    • રોજ સવારે
      1. નવશેકું પાણી એક ગ્લાસ
      2. એક ગ્લાસ વોર્મ પાણીમાં 30ml આમળાંનો જ્યુસ વત્તા 15ml લીલી હળદરનો જ્યુસ. સીઝનમાં કાઢીને ડીપ ફ્રીઝમાં સાચવી ને રાખવાનો. ઇમરજન્સીમાં પતંજલિનો આમળાંનો જ્યુસ અને હળદરનો પાઉડર નાખીને પીવાનું.
      3 ગિલોય એટલે કે ગળો નો રસ પતંજલિ માં તૈયાર મળે એક નાની ચમચી. એક આખા કારેલા, એક નાની ખીરા કાકડી અને એક ટામેટા ને સ્લો જ્યુસરમાં નાખીને એક ગ્લાસ ભરવાનો. ગિલોય ઉમેરી પી જાઓ. સ્વાદ કેળવી લેવાનો. સાદા મિક્સરમાં પણ નીકળે. ગાળવો પડે અને પાણી ઉમેરીને મિક્સરમાં નાખવાનો.

  5. સૌરભ ભાઈ. અમને તો આજે આપ ના લખાણ થી પેટ ભરાઇ ગયું..આપ નો ઉપવાસ આમજ ચાલે..અમને આમ ગુજરાતી ભાષા નો રસથાળ પિરસાય.વાહ..ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ સાથે આપ નો આશિક વાચક..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here