તમારી આસપાસ કેવા લોકો છે? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, ૨૩ માર્ચ ૨૦૨૧)

ભગવાનની છબી કે મૂર્તિ ઘરમાં શું કામ રાખીએ છીએ? સ્વજન-પ્રિયજનની તસવીરો શું કામ ફ્રેમ કરીને ભીંત પર લટકાવીએ છીએ? કામ કરવાના ટેબલ પર કે પછી પાકીટમાં/લોકેટમાં શા માટે એમની તસવીર રાખીએ છીએ?

એક જ શબ્દમાં જવાબ જોઈતો હોય તો એ છે – પ્રેરણા. એમની પરોક્ષ હાજરી આપણને કશુંક કરવા માટે ઉત્સાહ આપે છે અને કશુંક ન કરવા માટે ચેતવે છે.

જો પરોક્ષ હાજરીનું આટલું મહત્વ હોય તો પ્રત્યક્ષ હાજરીનું કેટલું બધું મહત્વ હોવાનું? આપણે જેમની સાથે સમય ગાળીએ છીએ એની પસંદગી કરવામાં કેટલી કાળજી રાખીએ છીએ? ક્યા પ્રકારના લોકો, કેવી માનસિકતા ધરાવતા, કેવું બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકો સાથે આપણે ઈન્ટરઍક્‌શન કરીશું કે સંપર્કમાં આવીશું એ વિશે ક્યારેય જાગ્રત બનીને આપણે નિર્ણય લીધો છે ખરો? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે મનમાં આવી કોઈ જાગૃતિ નથી હોતી કે આ વ્યક્તિને મારે મળવું જોઈએ કે નહીં, જો મળવું જ પડે એમ હોય તો ક્યાં, કેટલા સમય માટે મળવું જોઈએ? એ વ્યક્તિ સાથે વૉટ્‌સઍપ વગેરે પર કેટલો વ્યવહાર રાખવો જોઈએ? કેટલાક લોકો ટૉક્‌સિક હોય છે. તમે એમને પારખી જાઓ પછીય તેઓ ગમે તેમ કરીને એમનું ઝેર ફેલાવવા તમારા સંપર્કમાં આવશે. આવા લોકોને વૉટ્‌સઍપ કે ટ્‌વિટર કે ફેસબુક વગેરે પર બ્લૉક કરી દેવાથી પાપ નથી લાગવાનું. કોઈક મેળાવડા કે પાર્ટી વિગેરેમાં તેઓ ભટકાઈ જાય અને પરાણે તમારો સમય લેવાની કોશિશ કરે કે તમારા ગળે પડવાની કોશિશ કરે તો એમને માઠું લાગશે એવી પરવા કર્યા વિના મક્કમતાથી અને વિવેકથી એમનાથી દૂર થઈ જવામાં કોઈ શરમ ન હોય.

તમારો સમય, તમારું જીવન, તમારું વાતાવરણ અને તમારી માનસિકતા કિંમતી છે. કોની સાથે કેટલો સંપર્ક રાખવો, રાખવો કે નહીં, એ તમારે નક્કી કરવાનું હોય છે – બીજા કોઈએ પણ નહીં. કામધંધા કે સામાજિક વ્યવહારો માટે અનિવાર્યપણે જેમના સંપર્કમાં આવવું જ પડે એમ હોય એમની સાથે કવચ, બખ્તર કે મહોરું પહેરીને ખપ પૂરતો સમય ગાળીને તરત જ દૂર થઈ જવાનું હોય. અન્યથા તમે ક્યારેય જિંદગીમાં ઊંચાં શિખરો તરફ નજર નહીં કરી શકો. ભીડમાં અટવાઈ ગયેલા તમારા વ્યક્તિત્વને ક્યારેય નવો નિખાર નહીં આપી શકો.

સારી વ્યક્તિઓ, તમારામાં કશુંક ઉમેરો કરે એવી વ્યક્તિઓ, જેમની પાસેથી તમે કંઈક પામી શકો એમ હો એવી વ્યક્તિઓ રસ્તે રઝળતી નથી હોતી. મોતીની જેમ દરિયાના ઊંડાણમાં ધરબાયેલી હોય છે. તમારે ઘણું બધું જોખમમાં મૂકીને મરજીવાની જેમ એ મોતી સુધી પહોંચવાનું હોય છે.

તમારા જીવનને સ્પર્શતી એકેએક વ્યક્તિનું મહત્વ છે, આ દરેકેદરેક વ્યક્તિ તમારા જીવનમાં સારી કે ખરાબ વાતો ઉમેરી શકતી હોય છે. વરસને વચલે દહાડે ફોન પર બે મિનિટ વાત કરનારી વ્યક્તિનો પણ તમારા પર સારો કે માઠો પ્રભાવ પડતો હોય છે, એવી વ્યક્તિ પણ તમારા મૂડને કે તમારા ચૈતન્યને અપલિફ્‌ટ કરી શકતી હોય છે, ઑફ્‌ફ પણ કરી શકતી હોય છે.

એકલા પડી જઈએ ત્યારે આપણે કરીએ છીએ શું? ગમે તે ગમે તે વ્યક્તિનો સંગ શોધીએ છીએ. એમને રૂબરૂ મળીને, એમની સાથે ફોન પર વાતો કરીને કે પછી વૉટ્‌સએપ પર ચૅટ કરીને આપણો સમય વ્યતીત કરીએ છીએ. પછી એ જ વ્યક્તિ સાથે વાંકું પાડીને મનમાં એના વિશે ભલુંબૂરું વિચારતા રહીએ છીએ. બહેતર એ છે કે આવી કોઈ કંપની શોધવાને બદલે જાત સાથે રહીએ, પોતાની કંપની માણીએ.

આપણને આપણી પોતાની કંપની માણતાં પણ નથી આવડતું. ઘરમાં કે પ્રવાસમાં કે બહાર કોઈની રાહ જોવાતી હોય ત્યારે કે પછી બીજા એવા અનેક સમયે આપણે માનસિક રીતે સાવ એકલા હોઈએ છીએ. આવા સમયે મનના એકાંતને કેવો ખોરાક આપવો એની ખબર નથી હોતી. મન વિચારોના ચકડોળે ચડી જાય છે. કંટાળી જાય તો ફોન ખોલીને એમાં પરોવાઈ જાય છે. ઘરમાં હોઈએ તો ટીવી ઑન કરીને ટાઈમપાસ કરવા માંડે છે, છેવટે છાપું ઊંચકીને જે સમાચાર સાથે કંઈ લેવાદેવા નથી એને વાંચવા માંડે છે.

જેમ કઈ વ્યક્તિ સાથે કેટલું હળવુંમળવું એનો નિર્ણય કરવો તમારા માટે ખૂબ અગત્યનું છે એમ જ મનમાં ક્યા વિચારોને સ્થાન આપવું અને ક્યા વિચારોને દૂર રાખવા એ કામ પણ અગત્યનું છે. આમાં સ્વિચ ઑન, સ્વિચ ઑફ શક્ય નથી. તમારી આસપાસનું વાતાવરણ તમારે તૈયાર કરવાનું છે જે રાતોરાત નથી થવાનું. તમારે તમારી આસપાસનું ભૌતિક અને માનસિક વાતાવરણ સર્જવા માટે તનતોડ મહેનત કરવાની છે. ક્યારેક આવું કરવામાં ટૂંકા ગાળાના ગેરફાયદા નજરે ચડશે. ક્યારેક આવું કરવામાં લાંબા ગાળાના ભવિષ્યની અસલામતી લાગશે. નક્કી તમારે કરવાનું છે કે તમારે ભવિષ્યના આવા કલ્પિત ભયને ધ્યાનમાં લઈને નિર્ણયો કરવા છે કે તમારો વર્તમાન બહેતર બનાવવા માટેની જહેમત કરવી છે.

રાત થોડીને વેશ ઝાઝા એવું આપણે સાંભળ્યું છે. સાચું જ છે. જિંદગીમાં કરવા જેવાં કામ અગણિત છે અને એ કરવાનો સમય સીમિત છે. સહી નિર્ણયો લેતાં શીખવાનું છે અને આ શિખતાં શીખતાં જ જિંદગીનો મોટા ભાગનો સમય વિતી જશે એવું લાગે. તો પછી જિંદગી જીવીશું ક્યારે, એને માણીશું ક્યારે?

એવું નથી. આ બધું શીખવાનું ચાલે છે એ જ ક્ષણો ખરેખર જીવવાની હોય છે, માણવાની હોય છે.

આજનો વિચાર

કાગડો કોયલના અવાજને દબાવી શકે, પણ પોતાનો અવાજ મધુર ન બનાવી શકે. નિંદા કરનારી વ્યક્તિ સજ્‌જનને બદનામ કરી શકે, પણ પોતે સજ્‌જન તો ન જ બની શકે.

— આચાર્ય વિજ્ય રત્નસુંદરસુરિ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. જિંદગી માં કશુંક પામવા ની ઈચ્છા રાખતી દરેક વ્યક્તિ માટે એક મનનીય પ્રવર્ચન. મુંબઈ માં ૨૫ વર્ષ વિતાવ્યા
    પછી અને જિંદગી ના ૫૦ વરસ પૂરા કર્યા પછી નોકરી અર્થે ફેમિલી ને મુંબઈ માં રાખી ને હું ૭ વરસો સુધી કુવૈત માં ‘એક્લવાસ’ માં રહ્યો. અને મારી જિંદગી જ બદલાઈ ગઈ. કેમ જે મુંબઈ ની “ભીડભાડ” થી મુક્ત થઈ ન હું
    મારી જાત માં ખોવાઈ જતાં શીખી ગયો. હવે મને એકલતા ગમે છે. નિવૃત થયા પછી આજે ૭૭ માં વર્ષે પણ હું નિત્ય નવું શીખવામાં – કોઈ અશક્ય એવો પ્રોજેક્ટ શરૂ કરીને તેને શક્ય કરવા ની કોશિશ માં એક અનેરો આનંદ અનુભવું છું. મિત્રો – તમે આઠ દશ લાખ રૂપિયા ગુમાવો તો જુગાર માં કદાચ એકાદ બાજી જીતી પાછા મેળવી શકો છો. પણ જિંદગી ના વીતી ગયેલા કલાકો/દિવસો/મહિનાઓ કરોડ રૂપિયા ખર્ચી ને પણ પાછા મળતા નથી. છતાં લોકો સમય ને બદલે પૈસા માટે કેમ કંજુસાઈ કરતાં હશે??????????

  2. Beauuuuuuuuutiful write up .
    Very Impactful .
    Very inspiring.
    Rightly is said…..ur life is all about wt u think wen u r alone and is all about who are you associated with .
    Hearty greetings snd thanks for this write up. I feel this write up is more imp for parents to inculcate this thought process in young generation …sp in midst of many negativities which ve emerged along with advantages of modern techno based society.
    Incilcation rrrright from childhood …else a ltle difficult to practise….rather very difficult to practice..
    Thanks again…..:)
    For giving today subject to be discussed in family

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here