બેચાર સારાં કામ કરી લેવાથી કોઈ મહાન બની જતું નથીઃ સૌરભ શાહ

(લાઉડમાઉથઃ બુધવાર, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨)

જીવનમાં ક્યારેકને ક્યારેક બેચાર સારાં કામ તો સૌ કોઈ કરે. નાનુંમોટું સારું કામ કરીને આપણે સંતોષનો ઓડકાર લઈએ કે આપણે સારા માણસ છીએ, કુટુંબ-સમાજ માટે ઉપયોગી છીએ કારકિર્દીમાં સફળ છીએ વગેરે.

કોઈ ક્રિકેટર ટીમને જરૂરી હોય ત્યારે એકાદ વખત સેન્ચ્યુરી મારે કે પછી છેલ્લા બોલે છગ્ગો ફટકારે ત્યારે તત્પૂરતા ગાળા વાટે ચારેકોર એની ખ્યાતિ છવાઈ જતી હોય છે પણ એને કારણે એ મહાન ક્રિકેટ બની જતો નથી. થોડાંક સારાં ગીતા ગાઈ નાખવાથી કે થોડીક સારી કવિતાઓ લખી નાખવાથી તમે તમારા ક્ષેત્રના લેજન્ડ બની જતા નથી. મુઠ્ઠી ઊંચેરા પુરવાર થવા માટે તમારે એક કરતાં વધારે વાર પુરવાર કરવું પડે કે તમારા માટે જરૂરી એવી પ્રતિભા તમારામાં ઠાંસીઠાંસીને ભરેલી છે. એ પછી પણ તમે દર વખતે સેન્ચ્યુરી ફટકારી શકવાના નથી, દર વખતે સુપરહિટ ટ્યુન સર્જી શકવાના નથી કે દર વખતે યાદગાર પંક્તિઓ લખી શકવાના નથી. ક્યારેક ઝીરોમાં કે ક્યારેક તમારા પર બહુ મદાર રાખ્યો હોય પણ તમે નવ્વાણુમાં આઉટ થઈ જાઓ એવું બને.

સમજવાનું એ છે કે તમે સતત તમારું કામ કરતા હો ત્યારે અચાનક તમારા કોઈ એક કામને વિશેષ સફળતા મળી જતી હોય છે, તમારા માટે મેગા સક્સેસની પળ આવી જતી હોય છે. સુપરડુપર સફળતાની આવી અનેક ક્ષણો પરોવાઈને જે વિજયમાળા તૈયાર થાય તેને કારણે છેવટે નક્કી થતું હોય છે કે તમે લેજન્ડ છો કે નહીં, તમારું કામ તમારા ગયા પછી પણ લોકોને યાદ રહેશે કે નહીં.

તમારામાં ગમે એટલી ડેલન્ટ હોય તો પણ તમારાં તમામ કામને મેગા સફળતા મળવાની નથી. મેદાનમાં ઊતરીને દરેક વખતે સેન્ચ્યુરી ફટકારશો જ એની કોઈ ગૅરેન્ટી નથી હોતી. સુપરસ્ટારની બધી જ ફિલ્મો પ્રેક્ષકોને ગમે કે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવે તેવું બનવાનું નથી.

ચાલો, હવે એક પ્રોજેક્ટ એવો હાથમાં લઈએ જેમાં મેગા સક્સેસ મળે – એવું વિચારીને કોઈ કામ શરૂ થાય છે ત્યારે મોટા ભાગે તો એમાં ધારી સફળતા મળતી નથી. ક્યારેક તો એ સુપર ફ્લોપ જ પુરવાર થાય છે. આજે તો સેન્ચ્યુરી જ મારવી છે એવું નક્કી કરીને પેવેલિયનમાંથી નીકળીને પિચ પર જતો ક્રિકેટર સેન્ચ્યુરી મારીને જ પાછો આવશે એની કોઈ ગેરન્ટી નથી હોતી. સુપર હિટ ફિલ્મ બનાવવી છે એવું નક્કી કરીને કોઈ ફિલ્મ બનાવવા જાય ત્યારે ઘણે ભાગે તો ઊંધે માથે એ પછડાતો હોય છે. અન્ય સફળ ઉદ્યોગપતિઓને જોઈને કોઈ નક્કી કરે કે હું પણ એમના પગલે ચાલું તો મને પણ એવી જ સફળતા મળશે તો તો આજે સૌ કોઈ કરોડપતિ બનીને રાજમહેલમાં રહેતા હોત.

મેગા સફળતા પામવાની કોઈ સ્ટાન્ડર્ડ ફૉર્મ્યુલા હોતી નથી અને આમ છતાં કોઈ ફૉર્મ્યુલા શોધવી જ હોય તો તે એ છે કે સતત જીવ નીચોવીને કામ કરતા રહો, નિષ્ફળતા આવે તો હાર્યા વિના કે માથે હાથ દઈને બેસી પડ્યા વિના, આગળ વધતા રહો – કામ ચાલ્યા કરતું હશે તો ક્યારેક એવા સંજોગો ઊભા થશે જ્યારે તમને પણ આશ્ચર્ય થાય એવી સફળતા મળશે. ક્યારે મળશે એ કોઈને ખબર નથી. તુલસીદાસ કહે છે એમ ‘જોગ, લગન, ગ્રહ, બાર, તિથિ’ આ બધું અનુકુળ થાય ત્યારે આવી મેગા સફળતાની ઘડી સર્જાય.

અને આવી એક નહીં, અનેક મેગા સફળતાઓ મળે ત્યારે તમે લેજન્ડ ગણાઓ. અને આ માટે તમારે એક મોટી સફળતા મળી ગયા પછી એના નશામાં ચાલ્યા કરવાને બદલે તરત જ એક સ્ટ્રગલર તરીકે આ ક્ષેત્રમાં આવ્યા હો એવી જીદથી આગળ વધવાનું હોય છે. ખૂબ સારું કામ કરવું હોય તો સતત કામ કરતાં રહેવું પડે. જે કંઈ કામ થશે એ બધું જ સોમાંથી સો માર્ક્સ લાવે એવું નહીં હોય એવું માની લીધા પછી પણ તમારો પ્રયત્ન, એ કામ કરતી વખતે, એવો હોવો જોઈએ કે આ કામમાંથી સત્તાણું-અઠ્ઠાણું-નવ્વાણું મળે તો નહીં ચાલે, સોમાંથી સો જ જોઈશે. પછી કામનું પરિણામ ધાર્યા મુજબનું આવે કે ન આવે. નવું કામ પણ આ જ મેન્ટાલિટીય કરવાનું હોય છે.

જિંદગીમાં કરવાં તો મોટાં જ કામ કરવાં છે બાકી નાનાં કામો તો શું કરવાનાં, એવી મીડિયાકર જિંદગી નથી જીવવી-આવી માનસિકતાથી જેઓ જીવે છે તેઓ ક્યારેય ન તો મોટી સફળતા મેળવે છે, ન ઇવન નાની. મોટી સફળતાઓ કંઈ રસ્તામાં નથી પડી હોતી કે તમે ત્યાં પહોંચીને ઉપાડી લો. આજના દિવસે એક કામ કર્યું. એવી રીતે કર્યું કે રાત્રે થાકીને લોથપોથ થઈ ગયા. સંપૂર્ણ રીતે નિચોવાઈ ગયા. બીજે દિવસે આરામ કરવા માટે રજા લેવાનું મન થાય એટલા થાકી ગયા. પણ બીજે દિવસે વહેલા ઊઠીને તાજામાજા થઈને ફરી કામે લાગવાનું. રાત્રે ફરી લોથપોથ થઈને સૂઈ ગયા. ત્રીજે દિવસે તાજામાજા. આ રીતે આખું વરસ કામ કર્યું હોય, એક વરસ નહીં વરસોનાં વરસ કામ કર્યું હોય, શરીર અને મનને સ્વસ્થ રાખીને-બંનેની ભરપૂર કાળજી લઈને કામ કર્યું હોય ત્યારે એક પછી એક મેગા સફળતાઓ જીવનમાં આવતી રહે, તમે ને લેજન્ડ બનાવીને તમારા ગયા પછી પણ દુનિયા તમને યાદ રાખે એવાં કામ તમારી પાસે કુદરત કરાવતી રહે.

પણ આ રીતે સતત કામ કરતાં રહેવું, થાક્યા વિના, હાર્યા વિના, સફળતા મળે કે નિષ્ફળતા તેની પરવા કર્યા વિના એ કોઈ કાચાપોચાનું કામ નથી. એના માટે પોલાદી મન જોઈએ. એવું મન રાતોરાત ઘડી શકાતું નથી. વર્ષોની સાધના, તપશ્ચર્યા પછી એવું મન સર્જાતું હોય છે. મનની શક્તિની સાથે તંદુરસ્ત શરીર જોઈએ અને તન-મન બેઉની સ્વસ્થતા માટે બેકાબૂ બની જતી જિંદગી પર નિયમન રાખવું પડે. ખાઈપીને મોજશોખમાં વીતી જતી જિંદગી છોડીને ખરા અર્થમાં જિતેન્દ્રીય બનવું પડે- દરેકે દરેક ઇન્દ્રિયને કાબૂમાં રાખતાં શીખવું પડે. નિષેધની વાત નથી, પ્રતિબંધની પણ વાત નથી. પરંતુ બેલગામ કે આડેધડ જીવાતા જીવનથી બચવાની વાત છે.

સમય બહુ કિંમતી છે એવું બધા કહેતા રહે છે અને આપણે સાંભળી સાંભળીને થાકી ગયા કે વીતેલો સમય પાછો આવવાનો નથી. તે છતાં હજુ સુધી સમજ્યા નથી કે સમયની બચત કરવી એટલે શું? સમય કંઈ પૈસાની જેમ બચાવવો શક્ય નથી કે અત્યારે ન વાપર્યો અને સંઘરી રાખ્યો તો ભવિષ્યમાં ખપ પડ્યે એને વાપરી લઈશું. સમય બચાવીને એને વ્યાજે મૂકી શકાતો નથી, એને ઇન્વેસ્ટ કરીને દોઢો-બમણો કરી શકાતો નથી.

સમય બચાવવો એટલે જે કામો તમારા લક્ષ્ય માટે ઉપયોગી નથી થવાનાં એવાં કામોથી દૂર રહેવાનું. સિમ્પલ. અત્યારે હું જે પ્રવૃત્તિ કરું છું તે શું મારા જીવનમાં મેં જે મેળવવા ધાર્યું છે તે લક્ષ્યપ્રાપ્તિ માટે ઉપયોગી થવાનું છે? જો ના, તો એ કામમાંથી બહાર નીકળી જઈએ – એનું નામ સમયની બચત કરી કહેવાય. જીવનમાં શું શું નથી કરવું એ વાત સમજીએ અને ચુસ્તપણે એને અમલમાં મૂકી શકીએ તો સમયની બચત કરતાં આવડી ગયું છે એવું માની લેવું. એક પછી એક મેગા સફળતાઓ મેળવનારાઓ પાસે આપણા જેટલો જ સમય હોય છે પણ એમને સમજાઈ ગયું હોય છે કે કઈ કઈ વાતોમાં સમય આપવો જરૂરી નથી. આ એમની બચત થઈ જેનો ઉપયોગ તેઓ પોતાનું કામ કરવામાં વાપરતા હોય છે. એટલે તમને લાગતું હોય છે કે આ મહાનુભાવો આટલાં બધાં કામ કેવી રીતે કરી લેતાં હોય છે.

જે કામની નથી એવી બાબતોમાં સમય વીતાવીને આપણે ફરિયાદ કરતા રહીએ છીએ કે આપણી પાસે સમય નથી. મહાનુભાવો એવી વાતોથી દૂર રહે છે એટલે એમની પાસે આપણા કરતાં વધારે સમય રહે છે. છેવટે નિશાન તાકવા માટેનાં તીર આપણા ભાથામાં જેટલાં હોય એના કરતાં અનેકગણા એમના ભાથામાં જમા થાય છે. સમજો ને કે આપણી પાસે દસ તો એમની પાસે સો. આપણાં દસેદસ તીર નિશાન પર લાગે અને એમનાં અડધો અડધ તીર નિશાન મૂકી જાય તોય આપણા કરતાં પાંચગણી સફળતા તેઓ મેળવે છે. આ રીતે પછી એક સફળતાઓ ઉમેરાતી જાયત્યારે લેજન્ડનો જન્મ થતો હોય છે.

લાયન્સ પ્લીઝ

રોજ સવારે સૂરજ ઊગે છે અને કહે છે કે જાતને બદલવી હોય તો આજનો દિવસ સૌથી શુભ છે.

— અજ્ઞાત્

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here