ખરા સમયે પડખે ઊભો રહે તે જ સાચો સંબંધ – પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ ( આઠમો લેખ) : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: સોમવાર, મહા સુદ તેરસ, વિક્રમ સંવત ૨૦૭૮. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨)

‘કોઈ માણસ એવો નહીં હોય કે જેના ઉપર કોઈને કોઈએ ઉપકાર ન કર્યો હોય. માણસની ખરી મહત્તા એ છે કે પોતાના ઉપકારકોને કેટલા યાદ કરે છે અને પોતાના વિરોધીઓને કેટલા માફ કરે છે.’

‘મારા ઉપકારકો’ની પ્રસ્તાવનામાં સ્વામી સચ્ચિદાનંદે ઉપરોક્ત વાક્યો લખીને આ પુસ્તક લખવાનો એમનો આશય સ્પષ્ટ કર્યો છે. સ્વામીજી માને છે કે જે લોકો મરતાં પહેલાં પણ ઉપકારકોનો આભાર નથી માની શકતા તે કૃતઘ્ન છે. અને જે લોકો પોતાના વિરોધીઓને માફ નથી કરી શકતા તે ડંખીલા માણસ છે.’

સ્વામીજી લખે છેઃ
‘મારા આ જીવનમાં મારા ઉપર ઉપકાર કરનારા અનેક માણસો મને મળ્યા છે. તે નામો એટલાં બધાં છે કે બધાં વિશે તો લખવું મુશ્કેલ છે. પણ તેમાંથી જે થોડાક લોકો યાદ આવ્યા તેમનો મેં અહીં આભાર માન્યો છે.’

આભાર માનવામાં સ્વામીજીએ જે ધારાધોરણ નક્કી કર્યાં તે આ મુજબ છેઃ

1.જે લોકો લાંબા સમય સુધી કશી અપેક્ષા રાખ્યા વિના સ્વામીજીની કે આશ્રમની સેવા કરતા હોય તેઓનો આભાર માનવો. જે લોકો કાંઈને કાંઈ અપેક્ષા રાખીને સેવા કરતા હોય તેમને જતા કરવા.

2.જે લોકોએ સંબંધ બગાડ્યા વિના સંબંધ સાચવ્યો હોય તેમને યાદ કરવા.

3.જેમણે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી નિઃસ્વાર્થ સેવા કરી હોય તેમને યાદ કરવાં.

‘જીવન ભાગ્યે જ આઘાત વિનાનું હોય છે. એ સુખ- દુઃખ વિનાનું હોતું નથી. જેને ઘણું સુખ હોય છે તેને આઘાત પણ ઘણો હોય છે’:સ્વામી સચ્ચિદાનંદ

વીસેક વર્ષ પહેલાં (2004માં) લખાયેલા આ પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વામીજીએ નોંધ્યું છેઃ ‘હું હવે બોંતેરમું વર્ષ પાર કરી રહ્યો છું. કદાચ નફામાં જીવી રહ્યો છું. મને આશા ન હતી કે હું આટલું લાંબું જીવન જીવી શકીશ… આ પુસ્તક મારા જેવા બીજા પણ જે મરણની નજીક પહોંચ્યા છે તેમને કંઈક પ્રેરણા આપશે.’

ખંભાતનિવાસી મયંકભાઈ પરીખ વિશે વાત કરતાં બાપજી લખે છેઃ

‘જીવન ભાગ્યે જ આઘાત વિનાનું હોય છે. એ સુખ- દુઃખ વિનાનું હોતું નથી. જેને ઘણું સુખ હોય છે તેને આઘાત પણ ઘણો હોય છે. સુખ-દુઃખ વિનાનો કોઈ જીવંત માણસ હોતો જ નથી. સત્સંગ અથવા અધ્યાત્મનો અર્થ એટલો છે કે તમે આ બંનેને કેટલું પચાવી શકો છો. પચાવવાનો અર્થ એ છે કે તમે વિચલિત તો થતા નથી ને? ઘણા લોકો એવો ભ્રમ ફેલાવે છે કે જ્ઞાનીને સુખ-દુઃખ હોતું જ નથી. આ તદ્દન ખોટી વાત છે. જેને પણ સંવેદના હોય તેને સુખ-દુઃખ હોય જ.’

દંતાલીને અડીને જ પેટલાદ અને પેટલાદથી ત્રીસેક કિલોમીટરના અંતરે ખંભાત. મયંકભાઈ ખંભાતમાં રહે. ખંભાતમાં પરીખકુટુંબ એટલે ભદ્ર કુટુંબ. શ્રોફની પેઢી. કુટુંબ સંતોષી. પેઢીઓથી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયને અનુસરે. ખંભાતનાં વૈષ્ણવ મંદિરોનો વહીવટ પણ કરે અને રણછોડજીના મંદિરનો પણ વહીવટ કરે.

વર્ષો પહેલાંની વાત. સ્વામીજીએ ખંભાતમાં ચાર્તુમાસ કર્યો ત્યારે બીજા અનેક લોકોની સાથે તેઓ મયંકભાઈ પરીખના સંપર્કમાં પણ આવ્યા. સ્વામીજી લખે છેઃ

‘ધીરે ધીરે અમારો પરિચય ગાઢ થયો. પરિચયો ક્ષણિક પણ હોય છે અને ચિરંજીવી પણ હોય છે. પરિચયો દુઃખદાયી થઈ શકે છે. અને સુખદાયી પણ થઈ શકે છે. બન્ને પક્ષે કેવી અપેક્ષાઓ અને કેવો સ્વભાવ છે તે મહત્વની વસ્તુ છે.’

તે વખતે મયંકભાઈનાં ત્રણેય સંતાનો નાનાં. એક પુત્ર મોન્ટુ અને બે દીકરીઓ. સમયની સાથે મોન્ટુ મોટો થયો. તેને વડોદરા ભણવા માટે મોકલ્યો. તેને રહેવા માટે મકાન પણ લીધું. માતાપિતાને બહુ મોટી આશા આ દીકરા ઉપર, એટલે તેને કશી વાતની કચાશ ન રહી જાય તેનીઈ પૂરી કાળજી રાખી. મોન્ટુ વડોદરામાં ભણે. રજાઓમાં ખંભાત આવજા કરે. પરીખ કુટુંબ આનંદમાં દિવસો વ્યતીત કરે.

તેવામાં એક દિવસે સમાચાર આવ્યા કે મોન્ટુ ટ્રક નીચે આવી જવાથી મૃત્યુ પામ્યો છે. પરીખ પરિવાર ઉપર તો જાણે આભ તૂટી પડ્યું. મયંકભાઈ અને મીરાંબહેન બન્નેની સ્થિતિ સાવ નાજુક થઈ ગઈ તે બન્ને ભાંગી પડ્યાં. અરેરે, ભગવાન, તેં આ શું કર્યું? બન્નેના આઘાતની કોઈ સીમા નહિ.

સ્વામીજી કહે છેઃ’માનસિક આઘાતવાળા માણસને નવરો ન રખાય. તેનું મન કોઈ ને કોઈ કામમાં પરોવાયેલું રહે તો આઘાતની અસર ઓછી રહે.’

સ્વામીજી પોતાની વ્યથા વર્ણવતાં લખે છેઃ ‘તે દિવસે હું દોડતો પહોંચી ગયો અને મોન્ટુના શબ આગળ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. મોન્ટુ બહુ સુંદર અને ડાહ્યો છોકરો હતો. મારાથી પણ નિયંત્રણ કરી શકાયું નહિ. આશ્વાસન આપીને હું પાછો દંતાલી આવ્યો. પણ મને થયું કે આ દંપતીને હજી વધુ આશ્વાસનની જરૂર છે. કેટલાય દિવસો સુધી હું રોજ સાંજે ખંભાત જાઉં અને બન્નને આશ્વાસન આપું.’

મોન્ટુના જવાથી પિતા મયંકભાઈને જીવન પ્રત્યેનો ઉત્સાહ તૂટી પડ્યો. ‘કોના માટે ધમાલ કરવાની?’ ધંધા પ્રત્યે થોડી ઉદાસીનતા આવી ગઈ. બાપજી કહે છેઃ

‘માનસિક આઘાતવાળા માણસને નવરો ન રખાય. તેનું મન કોઈ ને કોઈ કામમાં પરોવાયેલું રહે તો આઘાતની અસર ઓછી રહે.’

સ્વામીજીને એમનાં પુસ્તકોની રોયલ્ટી મળે. તેનો ઇન્કમટેક્સ ભરવાનો થાય. સ્વામીજીને આ બાબતમાં કશી સૂઝબઝ નહિ અને કશો રસ પણ નહિ. એમણે આ કામ મયંકભાઈને સોંપ્યું. અને તેમણે હોંશે હોંશે ઉપાડી લીધું. મહિનામાં બેએક વાર દંતાલી આવે બધા ચોપડા લખે અને નિયમિત ટેક્સ ભરી દે. કેટલાંય વર્ષોથી આ કામ મયંકભાઈ કરી રહ્યા છે.

સચ્ચિદાનંદજી જેવા સંત કોઈના મૃત્યુ પર ધ્રુસકે ધ્રુસકે રડે એ જાણીને આપણી આંખો ભીની થઈ જાય. સંસારનો ત્યાગ કરી દીધા પછી પણ સાધુના મનમાં માનવસહજ લાગણીઓનું ઝરણું સદાય વહેતું હોય છે. એટલે જ તો આવા સંત કરુણાના સાગર હોય છે.

સ્વામી સચ્ચિદાનંદે એક વાર કહેલું કે એમનાં પુસ્તકો છપાતાં થયાં ત્યારે પોતે એમાંથી રોયલ્ટીની કશી કમાણી ન થાય એવા આશયથી એને કૉપીરાઇટ-ફ્રી કરવા માગતા હતા. સંન્યાસીની શા માટે કોઈ કમાણી કે આવક હોવી જોઈએ – એવો એમનો આશય. સ્વામીજીએ કહેલું કે સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ એ વખતે એમને સલાહ આપી હતી કે તમારાં પુસ્તકોના કૉપીરાઇટ તમે તમારી પાસે જ રાખો, જતા ન કરો. તેનાં બે કારણ છે. તમારી રોયલ્ટીની આવક આવતી હશે તો તમારા માસિક ખર્ચ માટે તમે સ્વતંત્ર હશો, કોઈની પાસે આશા નહીં રાખવી પડે. બીજું, તમારા પુસ્તકો પ્રગટ કરવાનો અધિકાર તમારી પાસે જ હશે તો તેનો ફાયદો એ કે ગમે તેવા લોકો તમારી ચોપડીઓ નહીં છાપે, એમાં મનફાવતી કાપકૂપ કરીને એને વિકૃત નહીં બનાવે, તમારા વિચારોની રજુઆતમાં કોઈ પોતાનાં સ્વાર્થી તત્વો ઉમેરી નહીં શકે.

સ્વામીજીના ગળે આ વાત ઉતરી અને તમામ પુસ્તકોનાં કૉપીરાઇટ એમણે પોતાની પાસે જ રાખ્યાં છે. આ પુસ્તકોના વેચાણની રૉયલ્ટીમાંથી ઘણી મોટી રકમ એમને મળતી હોવી જોઈએ. પણ આ રકમ તેઓ પોતાની પાસે નથી રાખતા. જે આશ્રમ પોતે બાંધ્યો છે, જેના ટ્રસ્ટમાં દાનની રકમ આવે છે તે પોતાના નામને કારણે, કામને કારણે આવે છે તે આશ્રમના ટ્રસ્ટમાં તેઓ દર મહિને, પોતાની પાછળ થતા માસિક ખર્ચની રકમ આ રૉયલ્ટીમાંથી મૂકવી દે છે અને બાકીની રકમ સમાજસેવાનાં કાર્યોમાં વાપરી નાખે છે. લેખક તરીકે પોતાને પ્રકાશક તરફથી મળતી ભેટ નકલો માટે એમણે આશ્રમમાં એમના બેસવાનો જે હીંચકો છે તેની જમણી તરફ એક સ્ટોરરૂમ જેવી નાની ઓરડી બનાવી છે તેમાં આ પુસ્તકો ગોઠવવાની વ્યવસ્થા કરી છે. સ્નેહી-પરિચિતોને તેઓ આગ્રહ કરી કરીને એ રૂમમાં મોકલીને જે પસંદ હોય તે પુસ્તકોની જેટલી નકલ જોઈતી હોય તે ભેટરૂપે આપી દે છે. વ્યવહાર અને ત્યાગ આ બેઉ એમની પાસેથી શીખવાનાં છે.

બાપજી લખે છેઃ ‘સહજ ઉદાર માણસ સૌને વહાલો લાગે છે. આવી સહજ ઉદારતા પરમેશ્વરે જેને આપી હોય તેવું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.’

બીજા એક ઉમદા ઉપકારક સી.પી. પટેલ – ચંદુભાઈ પટેલની ઉદારતા વિશે વાતો કરતાં સ્વામીજી એમની વીરતા વિશે ઉલ્લેખ કરે છેઃ ‘…21 વર્ષ પહેલાં (આ પુસ્તક 2004માં પ્રગટ થયું તેના 21 વર્ષ પહેલાં) તે મારા પરિચયમાં આવ્યા ત્યારે તેઓ સરકારી નોકરી કરતા હતા. મને લાગે છે કે પંચમહાલ જિલ્લામાં કોઈ તાલુકાના તે મામલતદાર હતા… અમલદારના વ્યક્તિત્વની સાથે સેવકપણું પણ ખરું… એક વાર એક સભામાં મારા માટે કાંઈક ખતરા જેવું લાગતાં તેઓ પોતાની રિવોલ્વર લઈને પહોંચી ગયેલા અને મારી સાથે રહેલા. જોકે, આવું કશું જ હતું નહિ. તેમની ધારણા માત્ર હતી. પણ તો પણ ખરા સમયે પડખે ઊભો રહે તે જ સાચો સંબંધ કહેવાય.’

સી.પી. પટેલની એક ખાસિયત એ કે તેમને અડધી રાતે કામ બતાવો તો પણ તે કામ કરવા તત્પર જ હોય. કોઈ બહાનું કાઢીને છૂટી જવાની જરાય વૃત્તિ નહીં. એટલું જ નહીં, જે કામ હાથ પર લે તે તન-મન-ધનથી પહેલામાં વહેલી તકે પાર પાડવાનો પ્રયત્ન કરે, કદી પણ વિલંબ ન થવા દે.

સી.પી. પટેલની ઉદારતા વિશે વાત કરતાં સ્વામીજી લખે છેઃ

‘પરમેશ્વર જ્યારે કોઈને યશસ્વી જીવન આપવા માગે છે ત્યારે તેને ઉદારતાનો ગુણ આપે છે… ઉદારતા બે પ્રકારની હોય છે. 1. પ્રસંગ ઉદારતા તથા 2. સહજ ઉદારતા… કેટલાક લોકો રોજના કરકસરિયા હોય છે પણ પ્રસંગ સમયે ઉદાર થઈ જતા હોય છે. આવા માણસોના પ્રસંગો દીપી ઊઠતા હોય છે… બીજો માણસ સહજ ઉદાર હોય છે. પ્રસંગ હોય કે ન હોય પ્રત્યેક સમયે તેની ઉદારતા ઝળક્યા જ કરતી હોય છે. આવા લોકો સમૂહમાં ચા-નાસ્તો કરવા હોટલમાં જાય છે ત્યારે જાણી કરીને સૌથી પહેલાં કાઉન્ટરે પહોંચી જાય છે જેથી બીજો કોઈ પૈસા આપી ન દે. ‘પૈસા તો મારે જ આપવા છે’ એવું તેનું કાયમી-સહજ ગણિત હોય છે… નોકર-ચાકર ભગત-ભિખારીથી લઈને સગાં-વહાલાં-મિત્રો વગેરે સૌને તેઓની સહજ ઉદારતાનો લાભ મળતો રહે છે. આ સહજ ઉદાર માણસ સૌને વહાલો લાગે છે. આવી સહજ ઉદારતા પરમેશ્વરે જેને આપી હોય તેવું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.’

સી.પી. પટેલની એક ખાસિયત એ કે તેમને અડધી રાતે કામ બતાવો તો પણ તે કામ કરવા તત્પર જ હોય. કોઈ બહાનું કાઢીને છૂટી જવાની જરાય વૃત્તિ નહીં. એટલું જ નહીં, જે કામ હાથ પર લે તે તન-મન-ધનથી પહેલામાં વહેલી તકે પાર પાડવાનો પ્રયત્ન કરે, કદી પણ વિલંબ ન થવા દે.

સ્વામીજીએ સી.પી. પટેલને ટ્રસ્ટમાં લીધેલા. ઘણાં વર્ષો સુધી તેઓ ટ્રસ્ટી રહ્યા. પણ પછી પોતાના અંગત જીવનના કોઈ કારણસર એક દિવસ કશું પણ કહ્યા વિના તેમણે રાજીનામું ધરી દીધું. રાજીનામું પાછું લેવા તેમને સમજાવ્યા, પણ તે ન માન્યા. ‘મારે કારણે સંસ્થાને સહન કરવું પડે તે યોગ્ય નહીં.’ તેવો તેમનો દ્રઢ જવાબ હતો. સ્વામીજી લખે છેઃ

‘કેટલાક લોકો સંબંધ હોય ત્યારે અનુકૂળ થઈને વાણી-વ્યવહાર કરે પણ સંબંધ છૂટી જાય ત્યારે તરત જ વિરોધી બનીને નિંદક બની જાય. આવા લોકોને ખાનદાન ન કહેવાય.’

‘રાજીનામું આપ્યા પછી પણ તેઓ આજ દિવસ સુધી એવો ને એવો સંબંધ રાખે છે. જાણે કશું બન્યું જ નથી. કેટલાક લોકો સંબંધ હોય ત્યારે અનુકૂળ થઈને વાણી-વ્યવહાર કરે પણ સંબંધ છૂટી જાય ત્યારે તરત જ વિરોધી બનીને નિંદક બની જાય. આવા લોકોને ખાનદાન ન કહેવાય.’

કિશોરભાઈ અને મૂળચંદભાઈ વિશેના પ્રકરણમાં સ્વામી સચ્ચિદાનંદ લખે છેઃ

‘ભ્રમણશીલ માણસને ઉતારો તો જોઈએ જ. ત્યાગી મનાતા, પુરુષોને પણ કોઈ આશ્રમ, મંદિર, ધર્મશાળા કે ઉપાશ્રય કે પછી કોઈનો આવાસ રહેવા-ઉતરવા તો જોઈએ જ… જેની પાસે હોટલમાં ઊતરવાના પૈસા નથી કે ધાર્મિક બંધનના કારણે શક્યતા નથી તેમને તો ઇચ્છા કે અનિચ્છાએ થોડી ઘણી ઓશિયાળ રાખવી જ પડશે. મારે પણ જુદી જુદી જગ્યાએ જવાનું થાય ત્યારે રાતવાસો રહેવાનું થાય તો કોઈને કોઈ જગ્યાએ ઉતરવાનું થાય. સુરતમાં મૂળચંદભાઈ અમીનના ત્યાં અને રાજકોટમાં કિશોરભાઈ બોસમિયાના ત્યાં. બંને ઘરો ઉદાર અને લાગણીઓથી હૂંફાળા. પારકા ઘેર ઊતર્યા છીએ તેવું ન લાગે. આખા ઘરના માણસોના ચહેરા ઉપર ભાવ જ ભાવ દેખાય. રાજકોટમાં કિશોરભાઈ છેક દૂર સુધી મને લેવા આવે. બીજી તરફ સુરતમાં મૂળચંદભાઈના પુત્ર આશિષ પણ છેક ઑક્ટ્રૉયનાકા સુધી લેવા આવે, જેથી કોઈને રસ્તો પૂછવો ન પડે… આવા મૂળચંદભાઈ તથા તેમનો પરિવાર તથા કિશોરભાઈ તથા તેમનો પરિવાર મારી ઘણી સેવા કરે છે. ઘણી વાર અન્ય લોકો પોતાને ત્યાં મારો ઉતારો રાખવા ઇચ્છા રાખે. પણ મને બદલ બદલ કરવામાં રસ નથી. જ્યાં ઘર જેવી આત્મીયતા થઈ ગઈ હોય ત્યાંથી ખસવાનું ન ગમે.’

લાલજીભાઈ પટેલ વિશે લખતાં સ્વામીજી કહે છેઃ ‘લાગણીઓ હૃદયમાં વસતી હોય છે એટલે આવા સંબંધોને હાર્દિક અથવા દિલી કહેવાય છે. આવા સંબંધો કશી ગણતરી વિના, લાભાલાભના વિચાર વિના હૃદયથી બંધાઈ જતા હોય છે. કશી અપેક્ષા ન હોવાથી તે લાંબા ચાલે છે. આવા સંબંધોમાં એક જ અવરોધ હોય છેઃ ‘કાચા કાન’. જો માણસ કાચા કાનનો હોય અને કોઈની ભંભેરણીમાં આવી જાય તો સંબંધ તૂટી શકે છે. તૂટીને પણ છૂટી નથી શકતો. પહેલાં તે સંયોગમાં હતો, તો હવે વિયોગમાં પણ તે સંબંધ રહેવાનો તો ખરો જ. કારણ કે હૃદય સાથે જોડાયેલી વસ્તુને જલદી ઉખાડી શકાતી નથી. પણ જો માણસ કાચા કાનનો ન હોય અને પૂર્ણ બુદ્ધિશાળી હોય તો આવા હાર્દિક સંબંધો ચિરસ્થાયી અને સુખ આપનારા બની શકે છે.’

‘મારા ઉપકારકો’માં ઉમદા સ્વભાવની વ્યક્તિઓ વિશે વાતો કરતાં કરતાં સ્વામીજીએ સંબંધો, વ્યવહાર, સ્વાર્થ, ત્યાગ વિશે ઠેકઠેકાણે ચિંતન કર્યું છે. પુસ્તકના આરંભે જ એમણે સ્પષ્ટતા કરી છેઃ

‘પુસ્તકમાં ઘટના કરતાં ચિંતનનો અંશ વધારે છે. ખરી વાત તો એ છે કે ઘટનાના માધ્યમથી મેં મારા વિચારો ચિંતનરૂપે વ્યક્ત કર્યા છે. આ ચિંતન રાષ્ટ્રલક્ષી, ધર્મલક્ષી અને સમાજલક્ષી છે. વાચકોને કદાચ ઉપયોગી થશે તેવી આશા છે.’

વાચકો માટે અમુલ્ય ખજાનો ઠાલવતા ‘મારા ઉપકારકો’ પુસ્તક વિશે વધુ આવતી કાલે.

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. જય દ્વારકાધીશ,
    સ્વામી સચ્ચિદાનંદ વિશેનાં બધાજ લેખો બહુજ વાચવા ગમે છે, તેમજ તેના વિશેના નવા લેખો નો પણ તેટલો જ ઇંતજાર રહેછે.

    આભાર સહ,

  2. સ્વામી સચ્ચિદાનંદ જી ના પુસ્તકો અનુભવો નું ભાથું છે
    આમ જ પીરસતા રહો

  3. આપના બધા જ લેખો ઉત્સાહ અને આનંદ થી વાચું છું. સ્વામી સચ્ચિદાનંદ. લેખો જાણે દિવસ બનાવી દે છે. એક અદ્ભુત વ્યક્તિત્ત્વ ઍક અદ્ભુત લેખક ની કલમે. વંદન.

  4. Kevu સરસ કહેવાય,!! તમારા તરફથી સારી-સારી books nu ચિંતન, cream, રોજ મળ્યા કરે …ટેવ પડી ગઈ મને તો…!

  5. બધા જ લેખો ગમે છે, વિષય ગમે તે હોય.
    તમારું લખાણ અને મૌલિક વિચારો

  6. લેખન ની વિચાર ધારા અને શૈલી ખૂબ ગમી. ભવિષ્ય માં આવું લખવાની પ્રેરણા મળી.

  7. દયા સામાન્ય માણસને શોભે, રાજસત્તાને નહીં. એને કારણે ભારતને
    અગાઉ ધણું નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here