તમારે શોષણ કરવું છે કે તમારું શોષણ થવા દેવું છે

લાઉડમાઉથ

સૌરભ શાહ

ગયા અઠવાડિયે ખૂબ જ સ્થૂળ ઉદાહરણ દ્વારા આપણે શોષણની ફરિયાદો કરનારાઓ ક્યારેક કેટલા ખોટા હોય છે એ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઘણી વખત અત્યંત સૂક્ષ્મ સ્તરે આવું શોષણ થતું જોવા મળે છે. પૂરેપૂરું શોષણ કરી લીધા પછી શોષણ કરનાર પોતે મારું શોષણ થયું એવી ફરિયાદ કરવા માંડે છે. એટલા માટે કે જેથી પોતાનો વાંક ક્યાંય ન દેખાય ભવિષ્યમાં સૂક્ષ્મ વ્યવહારોમાં, ખાસ કરીને સંબંધોમાં, ખાસ કરીને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોમાં શોષણ કરનાર વ્યક્તિ ભૂમિકા બદલીને પોતાનું શોષણ થયું છે એવી ફરિયાદ કરવા માંડે છે. ‘એણે મારો યુઝ કર્યો’ એવી ફરિયાદ સાંભળીને તેઓ આપણી સહાનુભૂતિને પાત્ર થવાની કોશિશ કરતા હોય છે.

સ્થૂળ વ્યવહારોના શોષણમાં કહેવાતા શોષણમાં, પણ ફરિયાદી પક્ષ આખી બાજી પોતાના તરફ કહી લેવાની વૃત્તિથી આખુ ચિત્ર ઊભું કરે છે. કોઈ જાણીતો ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કોઈ અજાણી યુવતીને હીરોઈન બનાવી પોતાના કરોડો રૂપિયા દાવ પર લગાવતો હોય છે ત્યારે એ કંઈ સેવાભાવનાથી પ્રેરાઈને નવી છોકરીને હીરોઈન તરીકે સાઈન નથી કરતો. એના માટે આ બિઝનેસ છે અને પોતાના એક-એક પગલાથી એને વધુમાં વધુ આર્થિક ફાયદો થાય એનું મહત્વ એના માટે સૌથી વધારે હોવાનું. આ બાજુ નવી છોકરી પણ પડશે તેવા દેવાશે એવું વિચારીને, અત્યારે જે કંઈ કહેવામાં આવે છે તે બધું જ ‘હા જી હા’ કરીને સ્વીકારી લે છે. તે વખતે જો એને એવું લાગતું હોય કે મારું શોષણ થઈ રહ્યું છે તો એણે કાસ્ટિંગ કાઉચની નજીક પણ ન ફરકવું જોઈએ અને આકરી શરતોના કરાર પર આડેધડ સહીઓ પણ ન કરવી જોઈએ. સામે ચાલીને પોતાના શોષણ માટેની સગવડો ઊભી કરનારી લોકોને તે વખતે આ બધું શોષણસમું લાગતું નથી. કારણકે એને મન આ બધી શરતો અને રમતો પોતાના માટે તૈયાર થઈ રહેલા સ્ટેનિંગ સ્ટોનનો એક ભાગ છે. એક વખત એ આ પગથિયું ચડી જાય એ પછી, એને ખબર છે કે, બાકીનાં પગથિયાં એ સડસડાટ ચડી જશે. માટે જ જેવું એ પહેલું પગથિયું પાર કરી દે કે તરત શોષણની ફરિયાદો પણ શરૂ કરી દેતી હોય છે.

ક્યારેક ધાર્યું ન મળે ત્યારે પણ એ એવું કરે. છાપાંઓમાં તમે વાંચતા રહો છો કે કોઈ યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી કે પેલો પુરુષ એના પર બબ્બે વર્ષ સુધી, દર અઠવાડિયે હોટેલની રૂમમાં લઈ જઈને બળાત્કાર કરતો રહ્યો. અરે, આ રીતે થતા શારીરિક સંબંધોને બળાત્કાર ગણી શકાય? પરસ્પર સંબંધ વિના એક વાર નહીં, બે વાર નહીં, પણ એકસોને ચાર વાર કોઈ પુરુષ કોઈ સ્ત્રીને હોટેલના રૂમમાં લઈ જઈ શકે? એટલું જ નહીં, લઈ જઈને એ યુવતીની મરજી વિરુદ્ધ દર અઠવાડિયે એ એકનું એક કૃત્ય કરી શકે? બબ્બે વર્ષ સુધી? અશક્ય. સંબંધો ગૂંચવાય છે અને યુવતી પોતે એમાંથી બહાર નીકળવા મથે છે ત્યારે કોઈની ઉશ્કેરણીથી કે પછી પોતાના ગુસ્સાને વ્યક્ત કરવા એ પ્રકારના આક્ષેપો કહી બેસે છે. પોલીસ, પ્રેસ અને પ્રજા મૂર્ખ કહેવાતી જો તેઓ આવી ફરિયાદને વજૂદયુક્ત માનીને પેલા પુરુષને ધુત્કારવા, સજા અપાવવા બેસી જાય. અને જો એને કોર્ટમાં ઘસડી જવામાં આવે તો કોર્ટ જો પેલી યુવતીને ખોટી ફરિયાદો કરીને ન્યાયની સિસ્ટમનો દુરૂપયોગ કરવાના આરોપસર દંડ કરવાને બદલે પુરુષને સજા કરે તો કોર્ટ મહામુર્ખ કહેવાય. પણ આવું બનતું રહેતું હોય છે. વારંવાર બનતું રહેતું હોય છે. કોર્ટ નિર્દોષ પુરુષને સજા કરીને પાપમાં પડતી હોય છે.

એક્સપોઈટેશનની તાળી મોટાભાગના કિસ્સાઓમાં બે હાથ વિના પડતી નથી. વેઠિયા મજૂર, ગુલામી પ્રથા કે દલિતોને થયેલા અન્યાય વગેરે જેવા સામાજિક શોષણની વાતોને અહીં અપવાદ ગણીએ. એ ખરેખરું શોષણ હતું અને એની સામે ચાલેલી લડતો વાજબી હતી. જોકે આજના જમાનામાં આવા શોષણને લઈને થતાં આંદોલનોમાં માત્ર રાજકીય હેતુઓ હોય છે અને એ આપણે અલગ ચર્ચાનો મુદ્દો છે.

શોષણની વાતો સાંભળીને ગમે એટલી કરુણ જાગે, કન્ટ્રોલમાં રાખવાની એને આગળપાછળના સંદર્ભો સમજ્યા વિના અને જે બોલાય છે તેના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકી દઈને તમે તમારી જાતને બહુ મોટા દયાવાન સમજીને, કરુણાના સાગર સમજીને, સહાનુભૂતિનો વરસાદ વરસાવો છે, ત્યારે જાણેઅજાણ્યે જેની સામે શોષણની (ખોટી) ફરિયાદ છે એને અન્યાય કરી બેસો છો. માટે ધ્યાન રાખવું. બસ, આટલું જ.

સાયલન્સ પ્લીઝ!

સિંહ હરણનો શિકાર કરે અને મોટી માછલી નાની માછલીને ખાય. શોષણ દ્વારા જ આ દુનિયા ચાલતી હોય છે. વ્યક્તિગત ધોરણે તમે જો આ ચક્રમાંથી છટકી શકો, શોષક બનવાના કે પછી શોષિત બનવાના, તો જ તમે આ જગતમાં કંઈક મહાન કાર્યો કરી શકો.

-અજ્ઞાત્

(સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ, 28 ફેબ્રુઆરી, 2018)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here