હમ્મારા ગઉટ્રા ડઠ્ઠાટ્રેય હય:ઈટાલિયન મમ્મી ઉવાચ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 29 નવેમ્બર 2018)

‘ઓમકારા’માં અજય દેવગણનું કૅરેક્ટર ગણિકાપુત્રનું છે. હીરોઈનના વકીલ પિતા અજયને ધુત્કારમાં ‘અધ્ધા બમ્મન’ કહે છે. અડધો બ્રાહ્મણ, કારણ કે ગામમાં બધાને ખબર છે કે બ્રાહ્મણ પ્રેમીના સંસર્ગને કારણે અજયની મા ગર્ભવતી થઈ હતી. એટલે એ બ્રાહ્મણ ખરો પણ અડધો જ, બાકીનું અડધું લોહી તો ગણિકામાતાનું.

પંડિત જવાહરલાલ નહેરુ કાશ્મીરના કૌલ બ્રાહ્મણ હતા, જેમનું ગોત્ર દત્તાત્રેય. એમના પૂર્વજો કાશ્મીર છોડીને આવ્યા તે પહેલાં કાશ્મીરમાં નહેરની પાસે એમનું ઘર હતું એટલે કૌલ સરનેમ નહેરુ બની ગઈ. (આપણે ત્યાં ટેકરા પાસે રહેનારું કુટુંબ ટેકરાવાળા તરીકે ઓળખાતું થાય કે અન્ડરવર્લ્ડમાં ચેમ્બુરમાં રહેતો ભાઈ કાસિમ ચેમ્બુર તરીકે ઓળખાતો થઈ જાય એમ).

1716માં પંડિત રાજ કૌલ કાશ્મીર છોડીને દિલ્હી આવ્યા. ત્યારે લોકો એમને નહેરુ તરીકે ઓળખવા લાગ્યા. જવાહરલાલનો જન્મ 1889માં એમના પિતા મોતીલાલ મે 1861માં જન્મ્યા. મોતીલાલના પિતા ગંગાધર નહેરુ પુત્રના જન્મના ત્રણ મહિના પહેલાં, ફેબ્રુઆરી 1861માં સ્વર્ગવાસી થયા. ગંગાધરનો જન્મ 1827માં થયો. રાજ કૌલ અને ગંગાધર કૌલની વચ્ચે કમસે કમ ચારેક પેઢી થઈ હશે જેની જાણકારી આપણી પાસે નથી. જરૂર પણ નથી. ગંગાધર નહેરુ દિલ્હીના અંતિમ મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના રાજ્યમાં કોતવાલ હતા. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી અંગ્રેજોએ આ કોતવાલી રદ કરી. આ જ ગાળામાં દિલ્હીમાં મશહૂર શાયર ગાલિબ વસતા હતા જેમને બહાદુરશાહ ઝફર સાથે ઉઠબેસ હતી. ગાલિબની ધરપકડ એક કોતવાલે કરાવી હતી એવું આપણે ગુલઝારસા’બની સિરિયલમાં જોયું છે. અજિત વાચ્છાનીએ એ રોલ કર્યો હતો. આ કોતવાલ જે તવાયફના ગળાડૂબ પ્રેમમાં હતો તે તવાયફ (નીના ગુપ્તા) ગાલિબને દિલોજાનથી ચાહતી હતી. સિરિયલમાં જે કોતવાલનું પાત્ર છે તે રિયલ લાઈફના કોતવાલ ગંગાધર નહેરુ પરથી લીધું હશે કે કેમ તેની આપણને ખબર નથી.

ખબર માત્ર એટલી જ છે કે સંતાનોનું ગોત્ર એ જ કહેવાય જે એમને પિતા તરફથી વારસામાં મળે. જવાહરલાલ સુધી બધું ઠીકઠાક હતું. એમના પુત્રી પારસી ફિરોઝને પરણ્યાં એટલે ટૅક્નિકલી ઈન્દિરા-ફિરોઝના પુત્રો રાજીવ અને સંજય પારસી થઈ ગયા, કૌલ બ્રાહ્મણ મટી ગયા. રાજીવ-સોનિયાના સંતાનો પ્રિયંકા તથા રાહુલ અડધા પારસી – અડધા ઈટાલિયન ગણાય. આમ છતાં રાહુલ ગાંધી જો ધમપછાડા કરીને જીદ પર ઊતરી જવા માગતા હોય તો એમને અડધા નહીં પણ પા (એક ચતુર્થાંશ) દત્તાત્રય કૌલ બ્રાહ્મણ ગણી શકો તમે, કારણ કે રાજીવ ગાંધીમાં માતા તરફથી અડધું લોહી કૌલ બ્રાહ્મણનું હતું, રાજીવજીને તમે અધ્ધા બમ્મન કહી શકો. રાહુલ પા બ્રાહ્મણની કેટેગરીમાં આવે.

નૉર્મલી કોઈ જાતપાતની વાત કરે તો માકર્સવાદી મીડિયા એને ઝૂડી કાઢે: આ તો કાસ્ટિસ્ટ છે, જાતિવાદી છે. અહીં તો જાતિ નહીં, પેટા જાતિ નહીં, પણ એથીય નાના એકમ એવા ગોત્રની વાત છે. એની વાત કરવી એ તો માકર્સવાદી મીડિયા માટે જાહિલ ગંવારપણું ગણાવું જોઈએ. પણ તેઓ ઉછળી ઉછળીને રાહુલ ગાંધીના ગોત્રની વાતો આપણા સુધી પહોંચાડી રહ્યા છે. મારે તો એટલું જ પૂછવું છે કે મોદીકાકા સત્તા પર આવ્યા તે પહેલાં આ સેક્યુલર ભત્રીજાઓનું બ્રાહ્મણપણું ક્યાં હતું? એમની જનોઈઓ ક્યાં હતી? શા માટે 2014 પહેલાં તેઓ રમઝાનના રોજા છોડવા માટે માથે વાટકા ટોપી પહેરીને ઈફતારીઓમાં જઈને ફોટા છપાવતા. શા માટે 2014 પહેલાં આ ‘હમ ભી ડિચ’ બ્રાહ્મણોએ એક પણ મંદિર, તીર્થસ્થાનની મુલાકાત નહોતી લીધી?

હમ ભી ડિચવાળી વાર્તા તમને ખબર હશે જો તમે મારી ઉંમરના હશો તો. પણ એ પછીની જનરેશનના વાચકોમાંથી મોટાભાગનાઓએ ‘હમ ભી ડિચ’ શબ્દપ્રયોગ સાંભળ્યો પણ નહીં હોય. કોઈની દેખાદેખી કરવામાં આપણે પણ ખોટું બોલીને એ લોકો સાથે ભળી જઈએ ત્યારે ‘હમ ભી ડિચ’ શબ્દપ્રયોગ વપરાય. આની પાછળની કથા મઝાની છે. ગામમાં બ્રાહ્મણોની વાડીમાં જમણવાર હતો. ગામમાં વસતા એક તરકડાને (મુસ્લિમને) ત્યાંથી પસાર થતા સુગંધીદાર ભોજન જમવાનું મન થઈ ગયું. એ પણ લાઈનમાં ઊભો રહી ગયો. વાડીમાં પાટલાની પંગત પર સ્થાન આપતા પહેલાં યજમાન તરફથી દરેક બ્રાહ્મણને પૂછવામાં આવતું: તમે કેવા (બ્રાહ્મણ?) જવાબ મળતો: ઔદિચ્ય. એટલે યજમાન એમને ઔદિચ્ય બ્રાહ્મણોની પંગતમાં બેસાડે. પોતાની આગળ ઊભેલા બધા બ્રાહ્મણોને ઔદિચ્ય, ઔદિચ્ય બોલતાં પેલા તરકડાએ સાંભળ્યું પણ ઉચ્ચારો બરાબર ઝીલાય નહીં. સાંભળવામાં ‘ડિચ’ એટલું જ સમજાય. એનો વારો આવ્યો. યજમાને પૂછ્યું: તમે કેવા? તરકડો બોલી ઊઠ્યો: હમ ભી ‘ડિચ’… આ સાંભળીને બધા બ્રાહ્મણોએ ભેગા મળીને પેલા તરકડાને ઊંધો કરીને ઢીબી નાખ્યો અને ટીંગાટોળી કરીને નાતની વાડીની બહાર ફેંકી દીધો.

રાહુલ ગાંધીએ રાજસ્થાન ચૂંટણી પહેલાં પોતાનું ગોત્ર જાહેર કરાવી દીધા પછી સોશિયલ મીડિયામાં જાતજાતનું ટ્રોલિંગ શરૂ થઈ ગયું. કોઈએ કહ્યું કે રાહુલનું ગોત્ર કયું છે તે એની માતાજીના મોઢે સાંભળવાની મઝા આવશે. આ વાંચીને કોઈએ સોશિયલ મીડિયામાં આ લેખમાં વાપરેલા મથાળાવાળું વાક્ય વહેતું કર્યું. રાજસ્થાનના જ નહીં, ભારતભરના મતદારો આ નવા કૉન્ગ્રેસી તરકડાની ટીંગાટોળી કરે એટલી જ વાર છે.

કૉન્ગ્રેસી તરકડા શબ્દપ્રયોગ સભાનપણે અમે વાપર્યો છે. ગુજરાતમાં કફની ઉપર જનોઈ પહેરીને ફરતા, આ બાજુ પોતાને શિવભક્ત કહેવડાવતા હવે પોતાના ગોત્ર વિશે દાવો કરતા પપ્પુની કૉન્ગ્રેસ હિંદુઓની આંખોમાં ધૂળ નાખે છે એ તો બધાને ખબર છે. સૌ કોઈ જાણે છે કે કૉન્ગ્રેસ હિન્દુવિરોધી છે એટલું જ નહીં મુસ્લિમોને પોતાની વોટ બૅન્ક માને છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાંથી છૂટા પડેલા તેલંગણ રાજ્યમાં પણ ચૂંટણી થઈ રહી છે. તેલંગણની રાજધાની હૈદરાબાદ છે જ્યાંના ચાર મિનાર ઉપરાંત ઓવૈસી નામનો કટ્ટરવાદી રાજકારણી ઘણો જાણીતો છે. તેલંગણની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું શું વચનો આપવામાં આવ્યાં છે?

1. મસ્જિદોને (અને ચર્ચોને) મફત વીજળી.

2. મુસ્લિમ યુવાનો માટે સરકારી નોકરીઓ.

3. માત્ર મુસ્લિમો માટેની હૉસ્પિટલો.

4. મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે વીસ લાખ રૂપિયાની સહાય.

5. માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ સહિતની શાળાઓ.

6. મુસ્લિમને નોકરી નહીં આપનાર હિન્દુઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

કૉન્ગ્રેસની આ ખુલ્લી નફ્ફટાઈ પછી પણ ભાજપદ્વેષીઓ કૉન્ગ્રેસને ધર્મનિરપેક્ષ તથા ભાજપને કોમવાદી કહી રહ્યા છે. પણ કૉન્ગ્રેસને ખબર નથી કે 2014ની ચૂંટણી પછી આ દેશમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ રહ્યું છે, મતદારોમાં નીરક્ષીર વિવેક જાગ્રત થઈ રહ્યો છે. કોઈના ‘ડઠ્ઠાટ્રેય ગઉટ્રા’થી આ દેશ ઉલ્લુ બનવાનો નથી.

આજનો વિચાર

લગ્નમાં છોકરીવાળા વધુ ડાન્સ કરે તો સમજી લેવાનું કે એના ઘરની માથાકૂટ હવે તમારા ઘરે આવી રહી છે.

અને છોકરાવાળા જોરશોરથી ડાન્સ કરતા દેખાય તો માની લેવાનું કે ભાઈનું માંડમાંડ ગોઠવાણું છે.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

ટ્રેનમાં બોરીવલીથી ચર્નીરોડ જવા બેઠેલા બકાએ પકાને કહ્યું:

આ વૉટ્સએપ ખરેખર આપણને જીવનમાં આગળ લઈ જાય છે.

પકો: કેવી રીતે?

બકો: જોને, ચર્ચગેટ આવી ગયું!

6 COMMENTS

  1. બહુ સરસ રીતે લેખ ની રજૂઆત કરવામાં આવી છે
    બ્રાહ્મણ અને અર્ધ બ્રાહ્મણ વિશે વાત કરીને સુંદર દ્રષ્ટાંત દ્વારા સરસ રજુઆત

  2. તરકડા :બે બાજુ ઢોલ વગાડનાર :અહીંની વાત બીજે કરનાર :
    તરકડું : ગામમાં પોલીસને કહેતા :
    એ તરકડું આવ્યું સંતાઈ જા :

  3. સુંદર લેખ.. ખરેખર.. આ તરકડા ને હવે લોકો બરાબર ઓળખી ગયા છે.. 28-30 વખત ધોવાયા છતાં ફિરતર સુધરતી નથી.!! સારું છે, ધોવાણ ચાલુ રહેશે.. ???

    એક મિનિટ મા છેલ્લે…
    બકો: હું બે સ્ટેશન આગળ આવી ગયો.. (જો ને ચર્ચગેટ આવી ગયું)
    (Whatsapp પર જ વાંચેલું ??)

  4. “Exellent” Saheb tame aava lekho lakhta rahya to badha “Hum bhi ditch” tamara pachad padi jase. So be careful.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here