કોણ છે એ લોકો જે દિવસરાત આપણને બદનામ કરતા રહે છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 28 નવેમ્બર 2018)

માકર્સવાદીઓની કે ડાબેરીઓની કે સેક્યુલરોની રીતરસમને જો સારી રીતે સમજવી હોય તો તમારે તાજેતરના ઈતિહાસનાં માત્ર બે જ ઉદાહરણોનો અભ્યાસ કરવાનો રહે. એક નિર્ભયા કેસ અને બીજો કિસ્સો અરવિંદ કેજરીવાલનો.

માકર્સવાદીઓને ગળથૂથીમાંથી તાલીમ મળેલી હોય છે અરાજકતા ફેલાવવાની. એને તેઓ ‘સમાજમાં પરિવર્તન’ લાવવાની પ્રક્રિયાનું રૂપાળું લેબલ ચિટકાડી દેતા હોય છે. અરાજકતા ફેલાવવા માટે સમાજમાં ભાગલા પાડવા પડે. સમાજમાં ભાગલા પાડવા માટે લોકોમાં અસંતોષની લાગણી પેદા કરવી પડે અને આવી લાગણી પેદા કરવા માટે લોકોમાં અન્યાયબોધ જાગૃત કરવો પડે.

હું રોજના બસો રૂપિયા કમાઈને સો રૂપિયામાં બે ટંકનું ભરપેટ ભોજન કરીને બાકીના સો રૂપિયાની બચત કરીને સંતોષભર્યું જીવન જીવતો હોઉં ત્યારે કોઈ ડાબેરી-સામ્યવાદી આવીને મારા કાનમાં ઝેર રેડી જાય કે પેલા ઉદ્યોગપતિને જો, એની દીકરીના લગ્નમાં હજાર-હજાર રૂપિયાનું પાન મહેમાનોને ખવડાવશે જેને પાંચ મિનિટમાં ચાવીને થૂંકી નાખવામાં આવશે. આ બધી જાહોજલાલી કોના હિસાબે? તારા જેવાઓનું શોષણ કરીને, તમને અન્યાય કરીને આ બધી કમાણી કરેલી છે. લાલ સલામ કરતા અર્બન નક્સલવાદીઓની આવી દલીલ મને તરત ગળે ઊતરી જશે. હું ‘અન્યાય’ ‘અન્યાય’ના પોકારો કરીને મારા જેવા બીજા હજારો દેખાવકારોની પંગતમાં જઈને બેસી જઈશ અને ન લેવા ન દેવા પેલા ઉદ્યોગપતિની રિફાઈનરીના વિસ્તરણના પ્રોજેક્ટમાં બાધા નાખવા માટે બાંયો ચડાવી દઈશ. દેશના વિકાસનું જે થવાનું હોય તે થાય, હું તો મને થયેલા ‘અન્યાય’નો બદલો મેળવીને જ રહીશ!

વાંચવામાં બેવકૂફ જેવી અને હાસ્યાસ્પદ લાગે એવી વાત છે તે. છે જ, પણ આ જ થતું આવ્યું છે આ દેશમાં. અહીં જ નહીં, બ્રિટનના ખાણ મજૂરોથી માંડીને ફ્રાન્સના એરલાઈન્સ વકર્ર્સ સુધીના તમામ લોકોને ઉશ્કેરીને ડાબેરીઓએ-માકર્સવાદીઓએ જે તે દેશની આર્થિક પરિસ્થિતિને ખોરવી નાખવાના પ્રયત્નો કર્યા છે. એક જમાનામાં આપણે ત્યાં મેધા પાટકર નામની કોઈ મહિલા નર્મદા યોજના આડે રોડાં નાખ્યા કરતી હતી જેને પરદેશથી ફંડિંગ મેળવતી એનજીઓઝનો ટેકો રહેતો અને આ ટેકા વડે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ જઈને નર્મદા યોજનાને વિલંબમાં નાખ્યા કરતા. મોદીએ આવીને છ જ મહિનામાં આવી એનજીઓની બહેનજીઓની સાન ઠેકાણે લાવી દીધી, એમની ‘સેવા સંસ્થા’ના દરવાજે તાળાં મારી દીધાં.

માકર્સવાદીઓ, નક્સલવાદીઓ, ડાબેરીઓ, સામ્યવાદીઓ, સેક્યુલરવાદીઓ વગેરે વાદીઓ બધા એ જ ગટરના કોક્રોચ છે. વાંદાઓની પ્રજાતિ જુદી જુદી હોઈ શકે, પણ એમની પ્રકૃતિ એકસરખી રહેવાની એવું જ આ ભાંગફોડવાદીઓનું હોય છે. વળી પાછા તેઓ પોતાની તોડફોડને ‘ક્રાન્તિ’નું નામ આપતા ફરતા હોય છે.

અરવિંદ કેજરીવાલ આવી જ ‘ક્રાન્તિ’ કરવા આવ્યા હતા. અમારી સ્કૂલમાં ચોથા ધોરણમાં મોનિટરની ચૂંટણી વખતે એક વિદ્યાર્થીએ બધાને પ્રોમિસ આપ્યું હતું કે મને જો મોનિટર બનાવશો તો હું દર શનિવારે આખા કલાસને મફત પિપરમિન્ટ ખવડાવીશ. ચૂંટણી પહેલાં એણે બધાને પાર્લેની એક એક ઑરેન્જ પિપરમિન્ટ આપી પણ ખરી. ચૂંટાઈ ગયો. બીજા અઠવાડિયે એણે ગલ્લાંતલ્લાં કર્યાં. ત્રીજા અઠવાડિયે એ ઍબસન્ટ રહ્યો. ચોથા શનિવારે સ્કૂલ છૂટ્યા પછી એ ઉતાવળે દફતર લઈને ઘરભેગો થવા જતો હતો ત્યારે અમે બધાએ ઘેરી લીધો અને અડધો કલાક સુધી એને માર્યો. એ પછી આખું વર્ષ અમે દર શનિવારે એ છોકરા પર હાથ સાફ કરવાની પ્રેક્ટિસ કરતા રહ્યા.

એ છોકરો મોટો થઈને અરવિંદ કેજરીવાલ બન્યો. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં એણે મતદારોને પ્રોમિસ આપવા માંડ્યાં: મને ચૂંટી કાઢો હું તમને વીજળી મફત આપીશ, પાણી મફત આપીશ, શિક્ષણ મફત આપીશ, જે કઈ જોઈતું હશે તે બધું મફત આપીશ. મતદારોએ એને ચૂંટી કાઢ્યો, પણ એકેય પ્રોમિસ ન પાળ્યું એટલે છાશવારે એનું મોઢું શ્યાહીથી કાળું કરવામાં આવે છે, ક્યારેક કોઈ એને થપ્પડ મારી જાય છે, ક્યારેક ચંપલે ચંપલે ફટકારે છે, ક્યારેક મરચાંની ભૂકી એની આંખમાં નાખવામાં આવે છે.

તમને ખબર છે કે દિલ્હીમાં પૉલ્યુશનનું તૂત આ કેજરીવાલના આવ્યા પછી ઊભું થયેલું છે? ત્રણ-ચાર વર્ષ પહેલાં એવી કોઈ હોહા નહોતી. કેજરીવાલે અરાજકતા ફેલાવવા માટે જે ગતકડાં શરૂ કર્યાં એમાંનું સૌથી મોટું દિલ્હીમાં પૉલ્યુશનનું ગતકડું છે. પ્રદૂષિત હવા બધે જ છે. જગત આખામાં છે. વર્ષોથી છે. ન્યૂ યોર્ક વગેરેની પ્રદૂષિત હવાના ઉલ્લેખો હૉલીવૂડની ફિલ્મોમાં તેમ જ ત્યાંના લિટરેચરમાં તમને વાંચવા મળશે. લંડન જેને બેઉ કિનારે વસેલું છે તે થેમ્સ નદી ગટર બની ગઈ હતી. કેજરીવાલે એકી-બેકી નંબરની ગાડીઓ અને બીજા ઘણાં ગતકડાં કરીને દિલ્હીને એવું બદનામ કરી નાખ્યું છે કે આજની તારીખે તમે યુ ટ્યુબ પર ઈન્ડિયા વિશેની ટોપ ટેન-ફિફ્ટીન વાતો જેવી કોઈ વીડિયો સર્ચ કરીને જુઓ તો એમાં ઊડીને આંખે વળગે એવી રીતે દિલ્હીના પ્રદૂષણનો ઉલ્લેખ જોવા મળશે. દિલ્હીની પ્રદૂષિત હવામાં એક દિવસ જીવવું એટલે રોજની પચાસ સિગારેટ પીવી એવો કુપ્રચાર કેજરીકાકાને લીધે આખી દુનિયામાં થયેલો છે. દિલ્હીમાં જ નહીં, ભારતમાં અનેક ઠેકાણે પ્રદૂષિત હવા છે જ. મુંબઈથી ભરૂચ જતા હશો તો હાઈવે પર તમારી કારના કાચ બંધ હશે તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ વાપી આવ્યું, આ અંકલેશ્ર્વર આવ્યું – એટલી પ્રદૂષિત હવા ત્યાંના ઉદ્યોગોને કારણે છે. એ તો રહેવાની. જગતમાં બધે જ હોય છે અને ક્રમશ: એના ઈલાજો પણ થવાના, પણ દિલ્હી જેટલી બદનામી જગતના બીજા કોઈ શહેરે નથી અનુભવી – ઓલ થેન્ક્સ ટુ ઍનાર્કિસ્ટ કેજરીવાલ.

અને દિલ્હીની બદનામી માટે બીજી જે વાત તાજેતરના ઈતિહાસમાં જવાબદાર થઈ તે નિર્ભયા કેસ. દિલ્હીને જ નહીં, સમગ્ર ભારતની બદનામી કરવામાં આવી. ભારત જાણે બળાત્કારીઓનો દેશ હોય એવી છાપ ઈન્ટરનૅશનલ મીડિયા માટે આપણે ઊભી કરી. આપણે એટલે આપણા માકર્સવાદી મીડિયાએ.

ભારતની બદનામી થાય એમાં આ માકર્સવાદીઓને રસ હોય છે. એ જ એમનો હેતુ હોય છે. આપણે કહ્યા કરીએ છીએ કે વિદેશી મીડિયા ભારતની બદનામી કરે છે, ભારત વિશેની નાની નાની ખરાબ વાતોને હદ બહાર ચગાવે છે, ભારતની સિદ્ધિઓને દબાવી દે છે અને સામે પક્ષે પોતાના દેશોની મોટામાં મોટી ખરાબીઓને ઢાંકી દઈને ક્ષુલ્લક સિદ્ધિઓને ચગાવીને આપણા સુધી પહોંચાડે છે. વિદેશી મીડિયાને આવું કરવા માટે સાથ કોનો મળે છે? આપણે ત્યાંની ફોરેન ફંડિંગવાળી એનજીઓઝનો અને આપણે ત્યાં (એક જમાનામાં) ખભા પર બગલથેલો લઈને ફરતા માકર્સવાદી પત્રકારોનો.

મીડિયામાં આપણા પોલીસતંત્ર વિશે, બ્યૂરોક્રસી કે સરકારી તંત્ર વિશે, રાજકારણીઓ વિશે, સામાજિક બદીઓ વિશે કે બે જાતિઓ વચ્ચેના સંઘર્ષ વિશે જ્યારે જ્યારે તમે ન્યૂઝ આયટમો વાંચો છો ત્યારે એ બધા જ સમાચારોનો સ્રોત આ માકર્સવાદી પત્રકારો તથા એમને આર્થિક સહિતની મદદો કરતી એનજીઓઝ એવું માની લેજો. આપણો દેશ ભ્રષ્ટાચારીઓનો, અપ્રામાણિક લોકોનો, અસહિષ્ણુઓનો અને કૂપમંડુકોનો દેશ છે એવી છાપ ઊભી કરવા આ માકર્સવાદી પત્રકારો ઉછળી ઉછળીને દિવસરાત કામ કરતા રહ્યા. એમના કામની આડે કોઈ દેશપ્રેમી હિન્દુવાદી પત્રકાર આવે તો એનું કાસળ કાઢી નાખતા આ લોકો અને કોઈ જો લોખંડી પત્રકાર નીકળે અને આ લોકોની તલવારથી શિરચ્છેદ ન પામે તો એને ગામનો ઉતાર ગણીને સાઈડલાઈન કરી નાખે આ લોકો. ભારતની ઈમેજ બગાડવામાં, સાચા ભારતને પ્રોજેક્ટ ન થવા દેવામાં અને વિદેશોમાં ભારતીયોએ મોં નીચું રાખીને જીવવું પડે એવું વાતાવરણ ઊભું કરવામાં ભારતના માકર્સવાદીઓએ છેલ્લાં 70 વર્ષ દરમ્યાન પોતાનાથી બનતું બધું જ કર્યું છે. છેક છેલ્લી પાયરી પર ઊતરીને આ લોકોએ આપણા ગૌરવભર્યા ઈતિહાસની સાથે ચેડાં કરીને એ ઈતિહાસને સુવર્ણ અક્ષરે લખનારા સાવરકર, સરદાર, શ્યામાપ્રસાદ, દીનદયાલ સહિતના સ્વર્ગસ્થ તેમ જ અનેક વિદ્યમાન મહાપુરુષોને હાંસિયામાં ધકેલી દીધા.

આજની તારીખે પણ ભારતના મીડિયાનો ઘણો મોટો હિસ્સો માકર્સવાદીઓના કબજામાં છે અથવા તો એ લોકોની અસર હેઠળ છે. કોઈ પણ જમાનામાં, કોઈ પણ ક્ષેત્રમાં સાચું બોલનારાઓની અને સાચું કામ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી હોવાની. કમનસીબે મીડિયામાં પણ આવું જ છે. મેડિકલ, શિક્ષણ, બૅન્કિંગ, મૅનેજમેન્ટ વગેરે ડઝનબંધ ક્ષેત્રોમાં સાચું બોલનારા ઓછા હોય તો એટલું નુકસાન નથી જેટલું મીડિયામાં સાચું બોલનારાઓ ઓછા હોય ત્યારે થતું હોય છે. ખોટું બોલનારા, કરનારા જ્યારે મીડિયા પર છવાઈ જતા હોય છે ત્યારે સામાન્ય નાગરિક ગુમરાહ થઈ જાય છે. એ ગૂંચવાઈ જાય છે. એ દ્વિધામાં મુકાઈ જાય છે. સાચું શું અને ખોટું શું એવું નક્કી કરી શકતો નથી ત્યારે એ ટુ બી ઑન સેફર સાઈડ પોતે અત્યાર સુધી જે માનતો આવ્યો છે અને બીજા લોકો જેમાં માને છે તે વાતને વળગી રહે છે. એને વિચાર પણ નથી આવતો કે પોતે જ વાતને વળગી રહેવા માગે છે કે બીજાઓ જે વાતને માને છે તે વાતો તો આ માકર્સવાદીઓએ 70 વર્ષ દરમ્યાન કરેલા પ્રચારનું પરિણામ છે.

સાચું પૂછો તો મારું આ જ ફ્રસ્ટ્રેશન છે. આટઆટલીવાર સમજાવવા છતાં આ પબ્લિક સમજતી કેમ નથી?

આજનો વિચાર

આળસુ પત્ની અને સમજદાર પતિ એટલે… સાંજે જમવામાં ખીચડી.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: વિરાટ-અનુષ્કા ઈટલીમાં પરણ્યાં, પ્રિયંકા ચોપરા નિકની સાથે જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાની, રણવીર-દીપિકા ઈટલી પરણીને આવ્યાં. પકા, તું ક્યાં પરણવાનું વિચારે છે?

પકો: ગામમાં પંચની વાડીમાં.

3 COMMENTS

  1. ફસ્ટ્રેસન : આટલી આટલીવાર સમજાવવા છતાં આ પબ્લિક સમજતી કેમ નથી ?
    સમજાતું નથી આપણી પ્રજા ક્યારે જાગશે ! વાંચ્યું સાંભર્યું અને કાઢી નાખ્યું .એક અસાધારણ ક્રાંતિ ક્યારે આવશે ? બધું નમાલુ થતું દેખાય છે . ચાલો મોદીજીની
    ગહનતાભરી વાતોને વિઘ્ન સંતોષીઓની ઊંઘી બેઅક્કલ વાતોથી ગજબ છે લોકો ભ્રમીટ થઈ જાય છે . અસ્તુ .

  2. સર, મોટાભાગના લોકોને અભ્યાસની જાત મહેનત નથી કરવી હોતી. મારા પરિચયમાં એવા ઘણા લોકો છે જે માત્ર હેડલાઈનો વાંચીનેજ તારણ પર પહોંચી જાય છે. ઘણા લોકો એવા મળે છે જે દ્રઢ પને માનતા હોય છે કે “ભલા માણસ ટીવી પર આવે છે એટલે સાવ ખોટું ના હોય” અને આપણે એમને સમજાવીએ કે “સાવ સાચુએ નથી હોતું” તો પણ એમને પેલા ટીવી વાળના તોડ મરોડ સત્યમાં વધુ મજા આવતી હોય છે.
    લોકશાહીનો કહેવાતો ચોથો સ્થંભ જ્યારે પોતાની ફરજ પૂર્વગ્રહરહીત થઈને નિષ્ઠાપૂર્વક ન બજાવતો હોય ત્યારે લોકશાહીના જતન માટે લોકશાહીના મૂળ આધાર સ્થંભ એટલે લોકોએજ સજાગ અને સાવધ રહેવું અત્યન્ત આવશ્યક છે.

  3. JANTA ne gumraah karnara aa badha VADIO ne khuulla padva election sudhi thoda thoda time na distance per lakhta j raheso jethi vadhare ne vadhare loko ne khaber pade. . .khubaj Saras lekh ??????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here