‘નોટા’ એટલે હું મરું પણ તને ગંગા સ્વરૂપ કરું

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 30 નવેમ્બર 2018)

લોકશાહી કંઈ દેશ ચલાવવા માટેની આદર્શ પદ્ધતિ નથી પણ અત્યાર સુધીમાં જે કંઈ પદ્ધતિઓ પ્રચલિત થઈ (રાજાશાહી, સરમુખત્યારશાહી વગેરે)એ તમામ કરતાં લોકશાહી બહેતર છે અથવા તો કહો કે એ તમામ કરતાં લોકશાહીમાં ઓછાં દૂષણો છે. એવરેજ પચાસેક ટકા લોકો જ મતદાન કરે અને એ પચાસ ટકા મત દસ ઉમેદવારોમાં વહેંચાઈ જાય પણ એમાંથી જેને વધુમાં વધુ મત મળ્યા હોય તેની પાસે કુલ મતદારોના દસ ટકા મત પણ આવ્યા હોય તો તે જીતી જાય અને જે 90 ટકા મતદારોએ એને વોટ નથી આપ્યો (કે જેઓ મતદાનથી દૂર રહ્યા છે) તેનો એ ચૂંટાયેલો ઉમેદવાર પ્રતિનિધિ બનીને મ્યુનિસિપલ કોર્પોરેશન કે પંચાયત કે વિધાનસભા કે લોકસભામાં જાય એને તમે લોકશાહીની ખૂબી ગણો તો ખૂબી અને ખામી ગણો તો ખામી છે. પણ એ ખામીને દૂર કરવા માટેનો ઉપાય ‘નોટા’ (એન.ઓ.ટી.એ. અર્થાત્ ‘નન ઑફ ધ અબવ’) નથી જ નથી.

ભારતની ચૂંટણીમાં ‘નોટા’નું લાકડું ઘુસાડવામાં આવ્યું 27 સપ્ટેમ્બર 2017ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા દ્વારા. 2014ના જનરલ ઈલેક્શનમાં મતદારોને ‘નોટા’નો વિકલ્પ મળ્યો. અર્થાત્ મતદાનપત્રકમાં જે જે ઉમેદવારોનાં નામ હોય તેમાંનો એક પણ ઉમેદવાર તમને ન ગમતો હોય તો તમારે ‘નોટા’નું બટન દબાવવાનું. ભારતના ચૂંટણી પંચે (ઈલેક્શન કમિશને) નક્કી કર્યું છે કે ‘નોટા’માં પડેલા વોટ્સ ગણાશે ખરા પણ તે બધા જ વોટ ઈનવેલિડ વોટ તરીકે ગણાશે, રદબાતલ થયેલા મત તરીકે ગણાશે અર્થાત્ ચૂંટણીના રિઝલ્ટ પર તેની કોઈ અસર નહીં પડે તેમ જ ડિપોઝિટ ગુમાવવા અંગેની જે ગણતરી છે તેના પર પણ કોઈ અસર નહીં પડે. 2014ના ઈલેક્શનમાં 1 ટકા કરતાં થોડા વધુ, લગભગ 60 લાખ જેટલા કુલ ‘નોટા’ વોટ પડ્યા. અર્થાત્ 60 લાખ જેટલા મતદારોને પોતપોતાના મતદાન ક્ષેત્રમાંથી ઊભા રહેલા એક પણ ઉમેદવાર ચૂંટવાને લાયક લાગ્યા નહીં એટલે આ 60 લાખ મતદારો મતદાન કરવાને બદલે ઘરે બેસી રહેવાનો વિકલ્પ અપનાવવાને બદલે ઘરની બહાર નીકળી, મતદાન મથકે જઈ ‘નોટા’નું બટન દબાવીને પોતાનો ઊભરો ઠાલવી આવ્યા જેનો સંતોષ એમને મળ્યો હશે પણ એમના આ અભિપ્રાયની એક પૈસાની વેલ્યુ ઈલેક્શન કમિશને કરી નહીં, વાજબી રીતે જ ન કરી.

લોકશાહીનો એક પાયાનો ઉસૂલ એ છે કે તમને જે ઉમેદવાર સૌથી વધુ લાયક લાગે તેને મત આપવો. આનો અર્થ એ પણ થયો કે જે ઉમેદવાર સૌથી ઓછો ના-લાયક લાગે તેને તમારે વોટ આપવો. મતદાતા તરીકેની તમારી આ ફરજ છે. ‘નોટા’નું બટન દબાવી આવવાની ફિશિયારી કોઈ કરે છે ત્યારે શું થાય છે? એના એ ફાલતુ ગયેલા મતને કારણે સૌથી વધુ લાયક (અથવા સૌથી ઓછો ના-લાયક) ઉમેદવાર બાકીના તમામ ઉમેદવારો જેવો જ ગણાઈ જાય છે. ‘નોટા’ દ્વારા તમે જે ઉમેદવાર ક્યારેય ચૂંટાવો જ ન જોઈએ તેના માટે જીતવાની તક ઊભી કરો છો કારણ કે જે જીતવો જોઈએ એને તમે તમારો વોટ નથી આપતા. આમાં પક્ષાપક્ષીની વાત નથી. તમને ભાજપનો ઉમેદવાર ન ગમતો હોય તો ભલે કૉન્ગ્રેસીને મત આપો, બેઉ ન ગમતા હોય તો કોઈ ત્રીજા, ચોથા, પાંચમા રાજકીય પક્ષના ઉમેદવારને મત આપો. પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા બધા જ ઉમેદવારો બદમાશ છે એવું તમને લાગતું હોય તો કોઈ અપક્ષ ચૂંટાઈ આવે એ માટે એને વોટ આપો. પણ પસંદગી તો તમારે કરવી જ પડે, કારણ કે જેમ તમે બત્રીસલક્ષણા નથી એમ તમારા ચૂંટણી પત્રકમાંનો કોઈ પણ ઉમેદવાર બત્રીસલક્ષણો હોવાનો નથી. વાસ્તવમાં તો આ દુનિયામાં કોઈ વ્યક્તિ બત્રીસલક્ષણો હોતો નથી. તો પછી તમારી દૃષ્ટિએ જેનામાં 32માંથી સૌથી વધારે લક્ષણો હોય તેને તમારે વોટ આપવો જ જોઈએ (અથવા તમારી દૃષ્ટિએ જે સૌથી ઓછો અપલખણો હોય તેને વોટ આપવો જોઈએ).

‘નોટા’નો વિકલ્પ લોકશાહીના હાર્દની વિરુદ્ધ છે. 2009માં સૌપ્રથમ વાર ઈલેક્શન કમિશને સુપ્રીમ કોર્ટ પાસે ‘નોટા’ માટેની મંજૂરી માગી ત્યારે તત્કાલીન સરકારે આ પ્રપોઝલનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારના વિરોધને માન આપીને ‘નોટા’ને લાગુ પાડવાની ના પાડવી જોઈતી હતી, પણ સરકારની ‘ના’ની સામે કોણ પડ્યું? કોણે પી.આઈ.એલ. (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન)ની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરીને કહ્યું કે ‘નોટા’ લાવો જ લાવો? યુ ગેસ્ડ ઈટ રાઈટ. માકર્સવાદીઓએ, ડાબેરીઓએ, સામ્યવાદીઓએ, પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ (પી.યુ.સી.એલ.)ની સ્થાપના તો બહુ ઉમદા લોકોએ બહુ ઉમદા ભાવનાથી કરી હતી. (એમ તો કૉન્ગ્રેસની સ્થાપના પણ ઉમદા લોકોએ, ઉમદા ભાવનાથી જ સ્તો કરી હતી). જયપ્રકાશ નારાયણથી માંડીને અરુણ શૌરી અને ઈવન અરુણ જેટલી પણ કોઈ એક જમાનામાં પી.યુ.સી.એલ. સાથે સીધા યા આડકતરી રીતે સંકળાયેલા હતા (જેમ ગાંધીજી એક જમાનાની કૉન્ગ્રેસ સાથે સંકળાયેલા હતા, ઈવન સરદાર પણ).

પરંતુ પી.યુ.સી.એલ.નો અસલી ચહેરો ત્યારે બહાર આવ્યો જ્યારે પી.યુ.સી.એલ.નો બિનાયક સેન નામનો નૅશનલ વાઈસ પ્રેસિડેન્ટ (જે પી.યુ.સી.એલ.ના છત્તીસગઢ એકમના જનરલ સેક્રેટરી તરીકે કાર્યરત હતો તે બિનાયક સેન) 2007ની સાલમાં માઓવાદી સાથે દેશને તોડવાની પ્રવૃત્તિઓ કરતાં પકડાયો અને એના પર કેસ ચાલ્યા પછી 2010ની સાલમાં છત્તીસગઢની રાયપુર સેશન્સ કોર્ટે એના પર લાગેલા દેશદ્રોહ સહિતના આક્ષેપોની જાંચતપાસ કરીને એને કસૂરવાર ઠેરવ્યો અને એને તથા બીજા બેને અદાલતે આજીવન કેદની સજા ફરમાવી. અત્યારે છત્તીસગઢની હાઈ કોર્ટમાં એની અપીલ પેન્ડિંગ છે, સુપ્રીમ કોર્ટે એને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. અપીલનો ચુકાદો આવવાનો બાકી છે. એના તરફી ચુકાદો ન આવે ત્યાં સુધી એ સેશન્સ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા પામેલો કન્વિક્ટેડ ક્રિમિનલ જ ગણાય.

બિનાયક સેન નક્સલવાદીઓના હ્યુમન રાઈટ્સ માટે લડતો. એ નક્સલવાદીઓ જેઓ આપણા દેશના પોલીસો, જવાનોને મારી નાખતા. બિનાયક સેનને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા કરી એ પછી એમ્નેસ્ટી ઈન્ટરનૅશનલનું ભારતીય કેન્દ્ર બિનાયકના હ્યુમન રાઈટ્સ માટે લડી રહ્યું છે. એમ્નેસ્ટીવાળાઓ કાશ્મીરમાં જઈને ત્યાંના આતંકવાદીઓના હ્યુમન રાઈટ્સ માટે લડવા બદલ ભારતમાં ખૂબ બદનામ થયેલા છે. પોતાને સેક્યુલર ગણાવીને હિન્દુ રાષ્ટ્રપ્રેમીઓ સાથે લડનારા રાષ્ટ્રવિરોધી લોકો આજે એમ્નેસ્ટી ઈન્ટરનૅશનલમાં ઘૂસીને દેશની ઘોર ખોદી રહ્યા છે. સદ્નસીબે મોદી સરકારે અન્ય એનજીઓઝની જેમ એમ્નેસ્ટીને પણ સકંજામાં લીધી છે. તાજેતરમાં જ એમ્નેસ્ટીના બૅન્ગલોર સ્થિત ભારતીય વડા મથક પર તેમ જ આ સંસ્થાનું ભારતનું કામકાજ સંભાળતા એના ડિરેક્ટર આકાર પટેલ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

દેશદ્રોહી તરીકે પુરવાર થયેલા ક્રિમિનલ બિનાયક સેનને 2013ની સાલમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ‘પોલીસ તંત્રમાં સુધારણા’ અંગેના પાર્ટીના નીતિવિષયક ગ્રુપમાં સામેલ કર્યો છે. આ તો એવું થયું કે દારૂબંધી વિશે નીતિ ઘડવા માટે સરકાર વિજય માલ્યાની સલાહ લે.

‘આપ’વાળા કેજરીવાલો, બિનાયક સેન જેવા નક્સલવાદીઓ, પી.યુ.સી.એલ. કે એમ્નેસ્ટી જેવી સંસ્થાઓ ચલાવતા ડાબેરીઓ, માકર્સવાદીઓ અને સેક્યુલરો આ બધા જ એનાર્કીમાં, અરાજકતામાં માનનારા લોકો છે. દેશના વ્યવસ્થા તંત્રને તહસનહસ કરીને અરાજકતા ફેલાવવી એ જ એમનો એકમાત્ર ઉદૃેશ છે. લોકશાહી દેશમાં પોતે જે ચૂંટણી જીતી શકવાના નથી તે ચૂંટણી બીજું કોઈ જીતી જાય તે એમનાથી સહન થતું નથી. એટલે જ હું મરું અને તને વિધવા (ગં. સ્વ.) કરું એવો શબ્દ વાપર્યો છે, પરંતુ આ કહેવત કઈ છે એ વાચકો જાણે જ છે.

આ કહેવતનો બીજો અર્થ એવો પણ થાય કે જે દૂધ હું પી શકવાનો નથી તે હું ઢોળી નાખીશ, બીજો કેવી રીતે એ પી જાય. ‘નોટા’ દ્વારા અને આવાં બીજાં અનેક કારનામાં દ્વારા માકર્સવાદીઓ આ દેશમાં એ જ કરી રહ્યા છે: જે સત્તા અમે ભોગવી શકવાના નથી, તે અમે તમને પણ ભોગવવા નહીં દઈએ.

આજનો વિચાર

આ નવું આવ્યું: ભા.જ.પા. એટલે ‘ભારે જવાબદાર પાર્ટી’ અને કૉન્ગ્રેસ એટલે ‘કોઈ ગેરન્ટી વગરની સરકાર’.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકાને એક કૉન્ગ્રેસી મિત્રે ફોન કરીને પૂછયું: મોદીએ સાડા ચાર વર્ષમાં શું કર્યું.

બકાએ કહ્યું, ‘કેમ ભાઈ, ભૂલી ગયો? પહેલાં તું મિસ્ડ કૉલ કરતો હતો…’

5 COMMENTS

  1. Nice article and perfectly fits after looking at 5 states results..

    During mahabharat war balram elected for NOTA saying both kaurav and pandav are same and war is only for throne of hastinapur. And didn’t supported any party.. However strangely he appears during climax mace fighting between bhim and duryodhan and trying to influence climax war by forcing each party to follow mace war basic rules..

    Which Krishna (his own younger brother) strongly opposed (as he knew if rules would be followed bhim will loose fight as duryodhan was best mace fighter) and said do not influence war in its climax.. because during start of war u only mentioned u dont support anyone.. however when there is fight between dharm and adharm u should strongly support dharm (or party with comparatively less adharm) and make them strong. By selecting none i.e. nota, u indirectly strengthened adharm.. so now keep mum and view results of final fight and accept it..

  2. We’ll researched and truthful article. Socialists, Communists, Marxists & pseudo secularists have been exposed in their game as anarchists. They will keep trying to bring policies and laws that cripples democracy. Most of the people supporting Socialists don’t know this fact. Be a beacon for them and all, Saurabhbhai.

  3. In my view, NOTA is to be used only when contestants of all major parties have serious criminal background.. marketing of NOTA for political rivalry is nonsense.. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here