નવ્વાણુંમાં એક ટકો ઉમેરવાનો

અલમોસ્ટ ૨૫ વર્ષ સુધી એકબીજાની સાથે કામ કર્યા પછી આશા ભોસલે અને આર. ડી. બર્મને સાથે બેસીને ગિરીજા ભારતનને ‘સ્ક્રીન’ માટે આ ઈન્ટરવ્યૂ આપ્યો છે. ‘તીસરી મંઝિલ’ ૧૯૬૬માં આવી એ પહેલાં આર. ડી.એ ૧૯૬૫માં ‘તીસરા કૌન’ નામની એક ઓછી જાણીતી થયેલી ફિલ્મ માટે પહેલવહેલી વાર આશાજી પાસે બે સોલો ગવડાવ્યાં. અને એ પહેલાં સચિન દેવ બર્મનને લીધે આશા-પંચમ કામ માટે એકબીજાને મળતાં થઈ ગયેલાં. ૧૯૮૯નો ૧૪ એપ્રિલના ‘સ્ક્રીન’માં પ્રગટ થયેલી આ મુલાકાત આર. ડી. બર્મનના સાંતાક્રુઝસ્થિત ‘મૅરીલૅન્ડ’ બિલ્ડિંગના ફ્લેટના મ્યુઝિક રૂમમાં લેવાઈ. પંચમ એ પહેલાં ‘મૅરીલૅન્ડ’થી ત્રણ મકાન છોડીને આવેલા ‘ઓડીના’ બિલ્ડિંગના ફ્લેટમાં રહેતા. આશાજી મુલાકાતના આરંભે કહે છે:

‘દાદા બર્મન માટે નૌ દો ગ્યારહ (૧૯૫૭)થી મેં રેગ્યુલરલી ગાવાનું શરૂ કર્યું ત્યારથી પંચમ મને દાદા વતી ગીતનું રિહર્સલ કરાવતા. મને યાદ છે કે એક વખત મેં બહુ જ સંકોચ સાથે દાદાને કહ્યું કે મારે તમારી સાથે આંખોં મેં ક્યા જી… ગીતનું રિહર્સલ કરવું છે. તમારો દીકરો તો કેટલો નાનો અને શીખાઉ છે (તે વખતે પંચમસાહેબ ૧૮ વરસના)… આ સાંભળીને દાદા કહે પંચમ પોતે એકદમ તૈયાર સંગીત-કલાકાર છે. તે વખતે મને ખબર જ નહીં કે આંખો મેં ક્યા જી…ની ઓરિઝિનલ ટ્યુન ખુદ પંચમે બનાવી હતી. એ જ રીતે ૧૯૬૫માં એસ. ડી. બર્મને જેમાં મ્યુઝિક આપ્યું હતુ તે તીન દેવિયાં ફિલ્મમાં મારું અને કિશોરનું એક ડ્યુએટ હતું તેની ધૂન પણ પંચમે જ બનાવી હતી એ વાતની ક્યાંય સુધી કોઈનેય ખબર નહોતી. ગીત હતું: અરે, યાર મેરી તુમ ભી હો ગઝબ…’

અહીં આર. ડી. બર્મન માહિતી આપે છે કે, ‘મેં જ્યારે ‘તીસરી મંઝિલ’ માટે આ જા આ જા મૈં હૂં પ્યાર તેરા…ની ટ્યુન બનાવી ત્યારે મેં આશાજી પાસે જઈને જરા અચકાઈને કહ્યું હતું કે આ ગીતમાં જરા અનયુઝઅલ બીટ છે એટલે તમારે થોડું હોમવર્ક કરીને આવવું પડશે… મેં તો આશાજીને ત્યાં સુધી કહ્યું હતું કે તમને જો ન ફાવે તો હું એમાં ફેરફાર કરી આપીશ. જોકે, મારો કોઈ ઈરાદો નહોતો કે હું એમાં સહેજ પણ ફેરફાર કરું, કારણ કે મને ખાતરી હતી આશાજી મારી ડિમાન્ડ મુજબ ગાશે જ અને હું સાચો પડ્યો. આ ગીત આશાજી સિવાય બીજું કોઈ ગાઈ ન શકે એ હું જાણતો હતો.’

પંચમ કહે છે: ‘આશાજીમાં અવાજ દ્વારા અભિનય કરવાની ટેલન્ટ છે. એટલે હીરો-હીરોઈન વચ્ચે મસ્તીભર્યાં સવાલ-જવાબવાળાં ગીતોમાં એમની ગાયકી લાજવાબ હોય છે. કિશોર કુમાર સાથે ગાયેલાં આ ત્રણ-ચાર ગીતો યાદ કરો: ‘જવાની દીવાની’ – (૧૯૭૨)માં જાન-એ-જાં ઢૂંઢતા ફિર રહા અને અગર સાઝ છેડા તરાને બનેંગે, એ પછી ‘બુઢ્ઢા મિલ ગયા’ (૧૯૭૧)માં ભલી ભલી સી એક સૂરત અને ‘સીતા ઔર ગીતા’માં (૧૯૭૨)માં હવા કે સાથ સાથ…’

આશાજી એક નવી વાત લઈ આવે છે: ‘તમને ખબર છે? રેકોર્ડિંગ કરતી વખતે પંચમ હંમેશાં એમની ધૂન પર સ્ટેપ્સ મિલાવીને ડાન્સ કરતા હોય છે. એમને જોઈને તમને રિધમનો ફ્લો ખબર પડે, સોન્ગનો મૂડ બરાબર પકડાય અને તમે પણ એમના હાવભાવ પકડીને ગાયકીમાં કંઈક ઉમેરવાની કોશિશ કરો.’

પંચમની ગાયકો પાસેથી કામ લેવાની સ્ટાઈલ વિશે આશાજી કહે છે: ‘એસ. પી. બાલા-સુબ્રમણ્યમે સાગર (૧૯૮૫) માટે ગાયું ત્યારે સાઉથના આ મહાન ગાયકે કહ્યું હતું કે, ‘આર. ડી. એક એવા મ્યુઝિક ડિરેક્ટર છે જેમના માટે ગાતી વખતે તમને કોઈ ડર નથી હોતો, કોઈ ટેન્શન નથી હોતું…’ પંચમની આ ખાસિયત છે. એ ક્યારેય રેકોર્ડિસ્ટની કૅબિનમાંથી ગાયક પર ગુસ્સો નહીં કરે, ચીડાય પણ નહીં… ગાયકે કોઈ ભૂલ કરી હોય તો પર્સનલી એને જઈને ખભા પર પ્રેમથી હાથ મૂકીને કહેશે કે, લવલી, અલમોસ્ટ પરફેક્ટ જ છે. ૯૯ ટકા સુધી તો પહોંચી ગયા તમે. હવે માત્ર એક ટકો ઉમેરીને ફરીથી ટ્રાય કરીએ?’

અહીં પંચમ ઉમેરે છે: ‘હું જે કંઈ શીખ્યો છું તે મારા ફાધર પાસે શીખ્યો. દાદા બર્મન પાસેથી શીખવા મળ્યું કે બધામાં એકસરખી ટેલન્ટ છે એવું માનીને જ કામ કરવાનું. અહીં કોઈ નાનું-મોટું નથી હોતું. મને બરાબર યાદ છે કે એક ગીતના સિટિંગ વખતે દાદા મારા પર જબરજસ્ત બગડ્યા, ખૂબ ફાયરિંગ આપ્યું. ગુરુ દત્ત ત્યાં હાજર હતા. મને બહુ ખરાબ લાગ્યું. હું રિસાઈને મ્યુઝિક રૂમ છોડવાની તૈયારી કરતો હતો ત્યાં જ દાદાએ બૂમ પાડીને મને રોક્યો અને કહ્યું, ‘ગીતના સિટિંગમાં બીજાઓ સાથે જે વતર્ર્ન થતું હોય તે તારી સાથે પણ થાય એ તું સહન કરી શકતો નથી તો કેવી રીતે તું સ્વતંત્ર મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કામ કરતાં શીખવાનો?’

(સચિનદા પાસેથી પંચમ એ શીખ્યા કે જેમ પિતાજી બધા સાથે એકસરખો વ્યવહાર કરે છે, દીકરા સહિત નાના-મોટા સૌ કોઈને ડાંટે છે એમ મારે પણ બધા સાથે એકસરખો વ્યવહાર કરવાનો, ફરક એટલો કે કોઈ કરતાં કોઈને, નાના-મોટા સહિત કોઈને પણ ડાંટવાના નહીં).

પંચમ કહે છે, ‘દાદા રોજ સવારે હાર્મોનિયમ લઈને બેસી જતા. મૂડ હોય કે ન હોય. ઈન્સ્પિરેશન આપોઆપ આવી જતી. આજની તારીખે પણ હું એમને પગલે જ ચાલું છું. રોજ સવારે હાર્મોનિયમ લઈને બેસી જવાનું… કિશોર કુમાર ૧૯૮૭માં ગયા, રફીસા’બ ૧૯૮૦માં અને મૂકેશજી ૧૯૭૬માં… એમના ચાહકોને એમની કેટલી મોટી ખોટ સાલે છે, તો શું અમને મ્યુઝિક ડિરેક્ટર્સને એ યાદ નહીં આવતા હોય? અમે તો એમના જાદુઈ અવાજ પર કેટલો બધો આધાર રાખતા! કેવા સરસ માણસો હતા! એ દરેકને હું મિસ કરું છું, પણ હવે રહી રહીને સમજયો છું કે સમય કોઈના પણ માટે રોકાતો નથી. એ તો વહ્યા જ કરવાનો. ભૂતકાળ તમને ગમે એટલો યાદ આવતો હોય પણ તમારે તો સમયની સાથે તાલ મિલાવીને વર્તમાનમાં રહીને જ કામ કરતાં રહેવાનું.’

પંચમ વિશે બીજી અગણિત વાતો ‘આશા ભોસલે: અ મ્યુઝિકલ બાયોગ્રાફી’માં છે. રાજુ ભારતનનું આ અણમોલ પુસ્તક ઑનલાઈન ખરીદીને ઘરમાં ઘરેણાની જેમ સાચવવા જેવું છે. પહેલી જુલાઈ આવી રહી છે. બીજા ઘણા વિષયો ધક્કામુક્કી કરી રહ્યા છે. એટલે અહીં અટકીએ. પંચમની યાદ આવે ત્યારે કંઈક વધારે જીવી લેતા હોઈએ એવું લાગે છે. ભરપૂર અને છલોછલ બની જઈએ છીએ. જિંદગીમાં જેને આટલું બધું ચાહતા હોઈએ એને જ આટલું બધું મિસ કરીએ.

આજનો વિચાર

જી.એસ.ટી.નું નવીનવેલી વહુ જેવું છે, જે હજુ સાસરે આવી નથી ને આજુબાજુવાળી ચુગલીખોર પડોસી મહિલાઓએ નક્કી કરી લીધું કે વહુ બહુ જ ખરાબ છે.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

ટીચર: ગુજરાતી લોકો પરિવારમાં એકબીજાને બહુ પ્રેમ કરે છે, તેનું એક ઉદાહરણ આપો.

બકો: ઉપવાસ એક જણ કરે અને સાબુદાણાની ખીચડી આખું ઘર ખાય.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 30 જૂન 2017)

1 COMMENT

  1. સૌરભભાઈ આજે આપણા આરાધ્યદેવ નો જન્મદિવસ છે એમના જન્મદિવસે તમારા લેખોની શ્રેણી સારામાં સારી ગિફ્ટ છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here