સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક (ભાગ પહેલો) : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: મહા વદ નોમ વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022)

ન્હાનાલાલ મોતીલાલ ત્રિવેદીને તમે નથી ઓળખતા. સ્વામી સચ્ચિદાનંદને ઓળખો છો. અમારે બેઉને ઓળખવા હતા, જરા નિકટથી. એમની સાથે ચોવીસ કલાક ગાળવા હતા. એમની સાથેની પરોઢનો, એમની હાજરીના મધ્યાહ્નનો અને એમના સાન્નિધ્યવાળી સાંજનો અનુભવ લેવો હતો. એટલે આગલી સાંજે જ પહોંચી ગયા, કહો કે મોડી સાંજે અને સંકોચ સાથે કબૂલ કરીએ તો અમે દંતાલીના આશ્રમે પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. સ્વામી સચ્ચિદાનંદ નિયમ મુજબ સાંજે સાત વાગ્યે પોતાના આવાસમાં જઈને પ્રવૃત્તિહીન બની જવાને બદલે સમયસર પહોંચવામાં ન માનતા અડબંગ અતિથિઓની રાહ જોઈ રહ્યા હતા.

અમદાવાદથી વડોદરા જતાં ધોરી માર્ગ પરના નડિયાદની નજીક ખેડા જિલ્લાનું નાનકડું ગામ દંતાલી મળી આવે. બિલકુલ પેટલાદને અડીને. ટ્રેનમાં આવો તો આણંદથી અડધો કલાક. આ જ મલકમાં બીજું એક દંતાલી છે, પણ સ્વામીજીવાળું દંતાલી કહો એટલે ઠીક ભક્તિનિકેતન આશ્રમ પર આવી પહોંચો.

પહોંચતાં પહોંચતાં રાતના આઠ થઈ ગયા. સ્વામીજીના સ્મિતભર્યા આવકારે ઉચાટ ઓછો કરી નાખ્યો અને ‘ભૂખ્યા થયા હશો… જમવાનું તૈયાર જ રાખ્યું છે’ એવા એમના હૂંફાળા શબ્દોએ રહ્યોસહ્યો સંકોચ પણ ઓછી કરી નાખ્યો. સામાન્ય સંજોગોમાં આશ્રમમાં સૂર્યાસ્ત પહેલાં ભોજન આટોપાઈ જાય છે. ન્હાનાલાલ ત્રિવેદી અને સ્વામી સચ્ચિદાનંદ બેઉની ઓળખાણો જાણે એક સાથે થતી જાય છે.

એક કાર્યાલય અને મેડે સ્વામીજીનો પોતાનો આવાસ જ્યાં સૂતી વખતે ભર ઉનાળે પણ સ્વામીજી પંખો નથી વાપરતા. ‘શા માટે?’ ‘ચાલે છે.’ બસ, સાદો સરળ જવાબ.

બ્રહ્મચારી બાબાઓના ફાઇવ સ્ટાર આશ્રમ જેવો આ આશ્રમ નથી. અહીં ઍરકંડિશન્ડ કુટિયા નથી અને ચુસ્ત વસ્ત્રોમાં ફરતી યુવાન ભક્તબાળાઓ નથી. અહીં એક નાનકડો વૃદ્ધાશ્રમ છે, સાર્વજનિક દવાખાનું છે, અન્નક્ષેત્ર છે, સાદું મંદિર અને જરૂર પડતી સગવડો ધરાવતું અતિથિગૃહ છે. એક કાર્યાલય અને મેડે સ્વામીજીનો પોતાનો આવાસ જ્યાં સૂતી વખતે ભર ઉનાળે પણ સ્વામીજી પંખો નથી વાપરતા. ‘શા માટે?’ ‘ચાલે છે.’ બસ, સાદો સરળ જવાબ. સગવડો પાછળ દોડવું નહીં અને સહજતાથી આવેલી સગવડોને ત્યાગ કે અપરિગ્રહ જેવા શબ્દોથી કોઈને પ્રભાવિત કરવા માટે પાછી ઠેલવી નહીં. સ્વામીજી ગુજરાતભરમાં પ્રવચનો આપે છે. એક ગાડી આશ્રમમાં છે. આ સફેદ કૉન્ટેસાનું એસી સ્વામીજી ત્યારે જ ચલાવે છે, જ્યારે સફરમાં ડ્રાઇવર ઉપરાંત કોઈ સાથે હોય. એસી વિનાના વાહનમાં બેસાય જ નહીં અને એસીની હવાનો સંપૂર્ણ નિષેધ છે- એવા બે અંતિમોની વચ્ચેનો આ મધ્ય માર્ગ ગમ્યો. સ્વામીજી આમેય અંતિમોના કે દુરાગ્રહોના માણસ નથી. એમનું સાધુજીવન એક સંસારી જેટલું જ ઉદ્યમી અને પ્રવૃત્તિશીલ છે અને જો તમે એમને સંસારી પુરુષ ગણવા લલચાઓ તો તમને એમનું જીવન એક સાધુ કરતાંય વધુ પવિત્ર, વધુ સાત્ત્વિક જણાશે.

‘તીવ્ર વૈરાગ્યની ધૂનમાં 1953માં એક રાત્રે માત્ર સવા રૂપિયો મૂઠીમાં લઈને મેં ગૃહત્યાગ કર્યો.’ 1986માં પ્રગટ થયેલી સ્વામી સચ્ચિદાનંદની સુપ્રસિદ્ધ આત્મકથા ‘મારા અનુભવો’નું આ પ્રથમ વાક્ય. હજારો નકલો આ વર્ષોમાં વેચાઈ ગઈ છે. ગુજરાતી પ્રકાશન દુનિયા માટે આ એક વિક્રમ છે. ધાર્મિક પુસ્તકો હજારોની સંખ્યામાં વેચાય એમાં કોઈ નવાઈ નથી. પરંતુ ‘મારા અનુભવો’ આજકાલ જેને ‘ધાર્મિક સાહિત્ય’માં ખપાવાય છે એવું પુસ્તક નથી.

સ્વામી સચ્ચિદાનંદ માટે ધર્મ કોઈ કર્મકાંડની વિધિ કે સામાન્યજનને પલાયનવાદી બનાવવાની પ્રક્રિયા નથી.

સ્વામી સચ્ચિદાનંદને મળીને કે એમને વાંચીને જાણનારા લોકોને ખબર છે કે તેઓ કોઈ સામાન્ય સંન્યાસી નથી. ભગવાં કપડાં તથા અસંસારી નામ – આ બે ઓળખચિહ્નોને કારણે કોઈક ભણેલો ગણેલો વર્ગ ક્યારેક થાપ ખાઈને એમને ટીલાંટપકાંવાળા બાપુબાબા માની વિમુખ થઈ જતો હશે તો એ ખોટ એ વર્ગની હશે. માત્ર નામ તથા કપડાંના પ્રભાવ હેઠળ તણાઈને આવનારો અને ગાડરિયા પ્રવાહમાં તણાવામાં માનનારો વર્ગ સ્વામી સચ્ચિદાનંદને સાંભળીને આઘાતથી ઘડીભર મૂઢ બની જતો હશેઃ સ્વામીજી પોતે જ કેમ સાધુબાવાઓની આટલી ટીકા કરતા હશે.

સ્વામી સચ્ચિદાનંદ માટે ધર્મ કોઈ કર્મકાંડની વિધિ કે સામાન્યજનને પલાયનવાદી બનાવવાની પ્રક્રિયા નથી. સ્વામીજી માટે ‘ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદ્‌ગુણો વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા.’ તેઓ માને છે કે ‘ભારત પર ચિંતનનો પ્રભાવ પાડનારાઓ વધુ પડતા નિવૃત્તિમાર્ગી, મોક્ષમાર્ગી, પરલોકસુધારાવાદી તથા આ લોકનાં દુઃખને સહન કરી લેવાના પક્ષના રહ્યા છે.’ સ્વામીજી કહે છે કે, ‘ધર્મ અને અધ્યાત્મ દ્વારા લોકો પર સતત ઇચ્છાશક્તિનો ક્ષય કરનારું ચિંતન સ્થપાતું રહ્યું છે.’

‘મને ખ્યાલ પણ ન હતો કે મારો પ્રભુ મને એવું સત્યદર્શન કરાવશે કે મારો પ્રિય મોક્ષ માર્ગ જ એક ભ્રાન્તિ સાબિત થઈ જશે. ભારે આઘાત અને આંચકા સાથે મારો એ માર્ગ છૂટી ગયો’ : સ્વામી સચ્ચિદાનંદ

પોતાના જીવનના ઉદ્દેશ વિશે સચ્ચિદાનંદજી બિલકુલ સ્પષ્ટ છેઃ ‘મારી સામે મુખ્યતઃ મારો ધર્મ, મારું રાષ્ટ્ર, મારી પ્રજા અને આ બધાના પ્રશ્નો રહ્યા છે. (વાંચન અને ભ્રમણ કરતાં કરતાં) નિરીક્ષણ દ્વારા આ બધા પ્રશ્નો સમજવા તથા તેના ઉપાયો શોધવાની દ્રષ્ટિ રહી છે.’ એકવીસ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સાધુ બની જનારા સ્વામીજી કબૂલ કરે છેઃ ‘જો હું માત્ર પરલોકવાદી કે મોક્ષમાર્ગી હોત તો મારી આ નિરીક્ષણની દૃષ્ટિ વિકસી ન હોત. જોકે મૂળમાં તો હું મોક્ષમાર્ગી જ હતો, પણ મેં પરમેશ્વરને સતત પ્રાર્થના કરી કે મને સત્યનું દર્શન કરાવ, ભ્રાન્તિથી અજ્ઞાનથી છોડાવ. મને ખ્યાલ પણ ન હતો કે મારો પ્રભુ મને એવું સત્યદર્શન કરાવશે કે મારો પ્રિય મોક્ષ માર્ગ જ એક ભ્રાન્તિ સાબિત થઈ જશે. ભારે આઘાત અને આંચકા સાથે મારો એ માર્ગ છૂટી ગયો. કેટકેટલી પ્રિય ભ્રાન્તિઓ છૂટી છૂટતી રહી છે. ભ્રાન્તિઓ છોડવાની પણ વેદના થાય છે, કારણ કે તેની સાથે વર્ષોની ગાઢ આત્મીયતા બંધાઈ ગઈ છે. હવે હું મોક્ષમાર્ગી કે પરલોકમાર્ગી નથી, કલ્યાણમાર્ગી છું. માત્ર મારા માટે જ નહિ, સૌના માટેનું કલ્યાણ, મર્યા પછીનું કલ્યાણ નહિ, પણ આજનું-જીવતાંનું કલ્યાણ.’

દંતાલીના આશ્રમમાં રાત્રે જમ્યા પછી અતિથિગૃહના ઓરડા સુધી સ્વામીજી મૂકવા આવે છે. સાથે એક આશ્રમવાસી પાસે અમારા માટે તાસકમાં સફરજન, કેળાં અને ચપ્પુ મગાવીને રૂમમાં મૂકાવે છે. સ્વામીજી માટે આજ રાતની ઊંઘ દોઢ કલાક પાછી ઠેલાઈ ગઈ છે. ‘રાત્રે તમે ઊંઘતાં પહેલાં શું કરો?’ પ્રશ્ન પૂછતી વખતે અમારા મનમાં ધ્યાન કે પૂજાપાઠ કે નામસ્મરણ જેવા ઉત્તરો મળશે એવો વિચાર આવ્યો હતો. ‘કશું નહીં, પથારીમાં પડીએ અને ઘસઘસાટ ઊંઘ આવી જાય!’ સ્વામીજી બાળસહજ નિર્દોષતાથી કહી દે છે.

સ્વામીજી વાચકોને જ્યારે પોતાની વાત કહે છે ત્યારે તેઓ પોતાની જાતને પ્રોજેક્ટ કરતા નથી, પરંતુ પોતાના અનુભવ દ્વારા- વાચન અનુભવ તથા ભ્રમણ અનુભવ દ્વારા- જે નિરીક્ષણ થયું છે અને એ નિરીક્ષણમાંથી જે મંથન નીપજ્યું છે તેનો પરિપાક તેઓ વાચકોમાં વહેંચે છે

1932ના એપ્રિલની 22મીએ મહેસાણા જિલ્લાના મોટી ચુંદર ગામ (વતનઃ મુજપુર)માં જન્મેલા ન્હાનાલાલ ત્રિવેદીના પિતા મોતીલાલ ત્રિવેદી વ્યવસાયે શિક્ષક હતા. 1953માં એકવીસ વર્ષની ઉંમરે ન્હાનાલાલ ત્રિવેદી જાતે જ સાધુનો વેશ ધારણ કરી ચૂપચાપ ઘર છોડી દે છે. ‘મારા અનુભવોનાં સવા પાંચસો પાનાંમાં (એ વખતે હૅન્ડ કમ્પોઝમાં જગા વધારે રોકાતી. કમ્પ્યુટર ટાઈપસેટિંગ આવ્યા પછી કન્ટેન્ટ એટલું જ રહ્યું, પાનાં ઘટીને ચારસો જેટલાં થઈ ગયાં) સ્વામીજીએ દંતાલીમાં આશ્રમ કર્યો અને આશ્રમમાં સમાજસેવાની પ્રવૃત્તિ શરૂ કરીને આશ્રમની માલિકી પોતાની પાસે ન રાખતાં એનું ટ્રસ્ટ કરી દીધું ત્યાં સુધીની, 1976ની સાલ સુધીની પોતાની જીવનકથા આલેખી છે.

ત્યારબાદનાં વર્ષો વિશે ‘મારા અનુભવોઃ ભાગ-2’માં લખવા વિચાર્યું હશે એવું એ પુસ્તકની પ્રસ્તાવનાનો ઉત્તરાર્ધ વાંચીને પ્રતીત થાય છે. પરંતુ 1976 પછી સ્વામીજીએ પુસ્તકો લખવાનું શરૂ કર્યું. 1988-89માં ‘સંદેશ’ની રવિવાર પૂર્તિમાં ‘લોકસાગરને તીરે તીરે’ સાપ્તાહિક કૉલમ શરૂ કરી. વિદેશયાત્રાનાં ચાર પુસ્તકો (‘વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો’, ‘પૃથ્વી પ્રદક્ષિણા’, ‘આપણે અને પશ્ચિમ’ અને ‘ઇજિપ્ત-ઇઝરાયેલની ઝાંખી’) તથા ભારતના ઉત્તરાખંડની યાત્રાનું એક પુસ્તક (‘હિમાલયને હિંડોળે’) સહિત કુલ ત્રીસ પુસ્તકો લખ્યાં. ત્રીસમું પુસ્તક ‘મારી બાયપાસ સર્જરી’ શીર્ષક હેઠળની પુસ્તિકા છે. સ્વામીજીનાં સ્વાનુભવનાં પુસ્તકો તેમજ એમના ચિંતન મનનના નિષ્કર્ષમાંથી નીપજેલાં પુસ્તકો (‘ભારતીય દર્શનો’, ‘આપણે અને સમાજ’, ‘સંસાર રામાયણ’, ‘ગીતા અને આપણા પ્રશ્નો’, ‘અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા’, ‘ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ’ તથા ‘આવેગો અને લાગણીઓ’ ઇત્યાદિ) વાંચી લો તો સમજી શકાય કે આ બધું લખાણ ‘મારા અનુભવો’ના ભાગ બીજાના વિકલ્પરૂપે જ લખાયું છે, કારણ કે સ્વામીજી વાચકોને જ્યારે પોતાની વાત કહે છે ત્યારે તેઓ પોતાની જાતને પ્રોજેક્ટ કરતા નથી, પરંતુ પોતાના અનુભવ દ્વારા- વાચન અનુભવ તથા ભ્રમણ અનુભવ દ્વારા- જે નિરીક્ષણ થયું છે અને એ નિરીક્ષણમાંથી જે મંથન નીપજ્યું છે તેનો પરિપાક તેઓ વાચકોમાં વહેંચે છે. સ્વામીજીનું તમામ ચિંતન અંગ્રેજીમાં જેને ડાઉન-ટુ-અર્થ કહીએ તે પ્રકારનું છે. સ્વામીજીએ જ કહ્યું છે એમ એમને આ ધરતી પરના જીવનમાં, એ જીવનના પ્રશ્નોને સમજવામાં અને શક્ય હોય એટલા ઉકેલોને પ્રગટ કરવામાં રસ છે. પરલોકમાં કે મૃત્યુ પછીના જીવનમાં કે પછી આત્મા-પરમાત્માની ટિપિકલ થિયરીઓમાં એમને રસ નથી. ‘મારી બાયપાસ સર્જરી’નાં 64 પાનાઓમાં વચ્ચે એક જગ્યાએ તેઓ લખે છેઃ ‘(ભાનમાં આવ્યા પછી) મને જે રિપોર્ટ આપવામાં આવ્યો તેમાં બતાવવામાં આવ્યું છે કે દશેક મિનિટ સુધી મારા હૃદયને સંપૂર્ણ રીતે બંધ પાડી દેવામાં આવ્યું હતું… આ માટે ડૉક્ટરોએ એક એવા મશીનની શોધ કરી છે, જે હૃદય તથા ફેફસાં બંનેનું કામ કરતું રહે… અમેરિકામાં બાયપાસ સર્જરીની વીડિયો કૅસેટ જોઈ હતી ત્યારે પ્રશ્ન થયો હતો કે તો પછી આત્માનું શું?

‘ગુમરાહો બીજા હજારો-લાખોને ગુમરાહ કરતા હોય છે અને આત્મવાદના રવાડે ચઢાવી વ્યર્થનાં તપો, વ્રતો, કઠોર નિયમો વગેરે પળાવતા હોય તો તે માત્ર હાસ્યાસ્પદ નહિ, દયાપાત્ર પણ છે’: સ્વામી સચ્ચિદાનંદ

“અમને કાશીમાં સમજાવવામાં આવ્યું હતું કે જીવાત્મા હૃદયમાં રહે છે અને તેનાથી જ આખું શરીર કાર્ય કરે છે. આ વાત તો હવામાં ઊડી ગઈ. કેટલીક વાર તો આખું હૃદય જ બદલી નાખવામાં આવે છે. કોઈ પણ પૂર્વગ્રહમુક્ત વિચારક માટે આત્મવાદ કલ્પનામાત્ર થઈ જશે. દશ મિનિટ સુધી હું મશીન દ્વારા જીવતો રહ્યો. હૃદય તો બંધ કરી દેવાયું હતું. માણસનું જીવવું, શ્વાસ લેવો વગેરે તમામ પ્રક્રિયાઓ તો અંગોની વ્યવસ્થાથી થતી હોય છે. આ વ્યવસ્થામાં ત્રુટિ થાય એટલે માણસ બીમાર થાય. ગેરેજમાં જેમ ગાડી રિપેર થાય તેમ દવાખાનામાં શરીરને રિપેર કરવાથી લાંબું જીવી શકાય છે. રિપેર ન કરો તો વહેલું મરી જવાય. જો મારી વાત સાચી હોય તો આત્મસાક્ષાત્કાર, પુનર્જન્મ, પ્રારબ્ધ, વિધિના લેખ, મરણતિથિ વગેરે માન્યતાઓ નક્કી કલ્પનામાત્ર થઈ જાય.

“આવાં કાલ્પનિક તત્ત્વો પાછળ જીવન ખર્ચી નાખનાર, કઠોર તપ સાધના કરનાર ખરેખર તો ગુમરાહ અને દયાપાત્ર કહેવાય. આવા ગુમરાહો બીજા હજારો-લાખોને ગુમરાહ કરતા હોય છે અને આત્મવાદના રવાડે ચઢાવી વ્યર્થનાં તપો, વ્રતો, કઠોર નિયમો વગેરે પળાવતા હોય તો તે માત્ર હાસ્યાસ્પદ નહિ, દયાપાત્ર પણ છે. ભૂતપ્રેત વગેરે કલ્પનામાં છે એટલે અવગતિયા થવાની વાત અને એમાંથી શ્રાદ્ધ કે મહાનારાયણ બલિ જેવી ક્રિયાઓ વ્યર્થ જ છે. પ્રજા ભ્રમમાંથી છૂટે તો ઘણા અનર્થોથી બચી જવાય.”

સ્વામીજી સૂવા જતા રહ્યા અને અમે ચંપકભાઈ તથા ખોડાભાઈ સાથે સ્વામીજી વિશે, આશ્રમની પ્રવૃત્તિ વિશે, એમના વિશે અને અમારા વિશે અલકમલકની વાતો કરતા રહ્યા. રાત્રે સાડા બારે પહેલું બગાસું આવવાની તૈયારી હતી અને બેઉ વડીલ આશ્રમવાસીઓએ અમને બત્તી બંધ કરીને પોઢી જવાનું સૂચન કર્યું. આંખમાં આગલી બે રાતના સળંગ ઉજાગરા હતા. ચંપકભાઈએ પૂછ્યું, ‘સવારે કેટલા વાગ્યે ઉઠાડીએ તમને?’ ‘સ્વામીજી કેટલા વાગે ઊઠશે?’ અમે પૂછ્યું. ‘ત્રણ વાગે’, ખોડાભાઈએ જવાબ આપ્યો અને અમે પણ ખોડાભાઈને બહાદૂરીપૂર્વક જણાવી દીધું: ‘અમને ચાર વાગે ઊઠાડી દેજો.’ ખોડાભાઈએ કરચલિયાવાળા – બોખા મોઢે હસતાં હસતાં કંઈક વિચારતાં વિદાય લીધી કે શહેરથી આવેલા અડબંગ અતિથિઓએ અહીં માંડ્યું છે શું?

સાચું પૂછો તો અમે ગોઠડી માંડી હતી સ્વામીજી સાથે. મુંબઈથી અમદાવાદ થઈને દંતાલી પહોંચતાં સુધીમાં અનેક પ્રશ્નો મનોમન થતા રહ્યા. આશ્રમના અતિથિગૃહની બારીમાંથી વાતા શુદ્ધ ગ્રામીણ પવનને અનુભવતાં અને સળિયા પાછળથી આવતી સુદ ત્રીજની આછી ચાંદનીને જોતાં જોતાં અમે વિચારોના ચકડોળે ચડી ગયા. ઊંઘ ક્યારે આવી અને કોણ લઈ આવ્યું એની ખબર પડે એ પહેલાં ખોડાભાઈ શરીર ફરતે ચોરસો ઓઢીને બારણું ખખડાવી ખાટલા પાસે આવી ગયાઃ ‘ઊઠો ભાઈ, ચાર વાગી ગયા.’

આશ્રમની પરોઢ પહેલાંની શાંતિ અમને કહેતી હતી કે આ ભૂમિ કોઈ સામાન્ય જગ્યા નથી. ગુજરાતની સામાજિક, ધાર્મિક, રાજકીય અને વૈચારિક ક્રાન્તિનું જન્મસ્થળ દંતાલીનો આ આશ્રમ છે એવું આવતી કાલે લખાનારો ઇતિહાસ કહેશે. આ વિધાનમાં સહેજે અતિશયોક્તિ નથી. બહુ જવાબદારીપૂર્વક આ વાત લખાઈ છે.

પોણો કલાક ગ્રેસનો ઉમેરી અમે દંતશુદ્ધિ કરી આશ્રમની નીરવ શાંતિને ખલેલ ન પડે એ રીતે ખુલ્લામાં ટહેલવા નીકળ્યા. બ્રાહ્મ મુહુર્તમાં શું શું કરવું એનું આખું લિસ્ટ નરસિંહ મહેતાએ એક વખત આપ્યું હતું પણ શહેરમાં એ ખોવાઈ ગયું હતું. દંતાલીમાં જડી આવ્યું:

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા,
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા.
કવિ હોય તેણે સદ્‌ગ્રંથ બાંધવા…
આપણે આપણો ધર્મ સંભાળવો,
કર્મનો મર્મ લેવો વિચારી…

અમારા કર્મનો મર્મ પાછલી ખટ ઘડીએ એમ કહેતો હતો કે અમારે ‘અ ડે ઇન ધ લાઇફ ઑફ સ્વામી સચ્ચિદાનંદ’ પ્રકારનો લેખ લખવો હોય તો આ ઘડીએ જ સ્વામીજીને મળવું જોઈએ. પણ પ્રાતઃ પોણા પાંચ વાગ્યે એમના આવાસ પર ટકોરા શી રીતે મારવા? ત્યાં જ ‘જય જય…’ ઉપરની બાલ્કનીમાંથી રણકદાર અવાજ સંભળાયો. ગુડ મૉર્નિંગની ટેવ છુટી જાય એવો અવાજ. અમે લાઇટના ઝાંખા અજવાળામાં સ્વામીજીનો સ્વયંપ્રકાશિત ચહેરો જોયો અને સામે કહ્યું, ‘જયશ્રી કૃષ્ણ’. સ્વામીજીએ ઠાવકાઈથી બે હાથ ઊંચા કરતાં પૂછ્યું, ‘દંતમંજન છે? ચા સાત વાગ્યે રસોડામાં બનશે પણ ઊઠીને તરત ચા પીવાની ટેવ હોય તો અત્યારે પણ બની શકશે.’ અમે વિવેકપૂર્વક ઉત્તર આપ્યો અને સ્વામીજી ફરી લાંબી બાલ્કનીમાં મૉર્નિંગ વોક માટે પ્રવૃત્ત થયા. અમે ચિત્ત શાંત કરીને આશ્રમની નીરવતાને સાંભળતા રહ્યા.

આ સંન્યાસી ભારત તથા વિશ્વ આખું રખડ્યા છે. અનેકવાર ભારતની ધાર્મિકતાને એમણે ઉપરતળેથી તપાસી છે..

આશ્રમની પરોઢ પહેલાંની શાંતિ અમને કહેતી હતી કે આ ભૂમિ કોઈ સામાન્ય જગ્યા નથી. ગુજરાતની સામાજિક, ધાર્મિક, રાજકીય અને વૈચારિક ક્રાન્તિનું જન્મસ્થળ દંતાલીનો આ આશ્રમ છે એવું આવતી કાલે લખાનારો ઇતિહાસ કહેશે. આ વિધાનમાં સહેજે અતિશયોક્તિ નથી. બહુ જવાબદારીપૂર્વક આ વાત લખાઈ છે. સ્વામીજીનાં પ્રવચનો સાંભળવાની જેમને તક ન મળી હોય એમણે એ પ્રવચનોની કેસેટો સાંભળવી જોઈએ. પોણા બસો કરતાં વધુ વિષયો પરનાં પ્રવચનોની દોઢ દોઢ કલાકની એક કેસેટ નવી બ્લેન્ક કેસેટ કરતાંય ઓછી કિંમતે (માત્ર રૂપિયા પચ્ચીસ પ્રતિ કેસેટ) આશ્રમમાં ઉપલબ્ધ છે. કેસેટ મગાવવાની સગવડ ન હોય તો સ્વામીજીનાં ત્રીસમાંથી કોઈ પણ એક પુસ્તકનું અધ્યયન કરો – બાકીનાં 29 તાત્કાલિક વાંચવાની ઇચ્છા ન થાય તો કહેજો. આ સંન્યાસી ભારત તથા વિશ્વ આખું રખડ્યા છે. અનેકવાર ભારતની ધાર્મિકતાને એમણે ઉપરતળેથી તપાસી છે. અહીંના લોકજીવનનો એમને ફર્સ્ટ હૅન્ડ અનુભવ છે. ભારતના ઇતિહાસનો એમણે પૂરોપૂરો અભ્યાસ કર્યો છે. એક સંન્યાસી હોવા છતાં એમણે હિન્દુસ્તાન પર છેલ્લાં ત્રણ હજાર વર્ષથી થયેલાં આક્રમણોની વ્યવસ્થિત કથની 300 પાનાંના પુસ્તક ‘ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં લખી છે. દરેકે વાંચવા જેવું છે આ પુસ્તક. અનેક સંદર્ભગ્રંથોનો નિચોડ છે એમાં. ભગવાં પહેરનાર સ્વામીજીને શી જરૂર હતી આ લોહિયાળ અતીતમાં હાથ નાખવાની? આ પુસ્તક દ્વારા તેઓ પાંચ તારણો પ્રજા સમક્ષ મૂકવા માગે છે જેમાંનું સૌથી મહત્ત્વનું તારણ એ છે કે ભારતના નકારાત્મક અધ્યાત્મે આ લોક કરતાં પરલોકને સુધારવા પર ભાર મૂક્યો, જેને કારણે સૈનિક કે સેનાપતિ થવા કરતાં સાધુ થઈ જવા તરફ વધુ પ્રેરણા મળી. ભારતીય ધર્મોએ અહિંસા પર અત્યંત ભાર મૂક્યો જેને કારણે આ પ્રજા ક્રૂર આતતાયીઓ સામે ટકી શકી નહીં; અને કર્મફળવાદ અર્થાત્ પ્રત્યેક કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે એવી દ્રઢ માન્યતાને કારણે આખી પ્રજાની મનોદશા યુદ્ધવિમુખ થઈ ગઈ. સ્વામીજી મક્કમપણે માને છે કે, ‘પ્રજાને યુદ્ધખોર મનોદશાવાળી તો ન જ બનાવવાની હોય પણ પોતાના માથે તોળાતી તલવાર પ્રત્યે પણ ઉપેક્ષા કરી મંજીરાં વગાડવા બેસી જાય તેવી મનોદશાવાળી પણ ન જ બનાવી શકાય.’

સ્વામીજી કહેતા હોય છેઃ ‘તમે સવાર-સાંજ ભગવાનનું નામ લો. પણ એ સિવાય આખો દિવસ તમારું કામ તો કરો. આ શું જ્યારે ને ત્યારે હિમાલય જતા રહેવાની વાત!’

‘ગીતા અને આપણા પ્રશ્નો’ સ્વામીજીનું ભગવદ્‌ ગીતા પરનું ભાષ્ય છે. પોતાની અદ્‌ભુત મૌલિકતા એમણે ઠાંસોઠાંસ આ પુસ્તકમાં ભરી છે. પહેલું જ પ્રકરણ ‘યુદ્ધ અને ગીતા’ વિશેનું છે. એક કુશળ રાજનીતિજ્ઞની કલમે લખાયેલું હોય એવું આ દીર્ઘ પ્રકરણ છે. એની લીટીએ લીટીએ તમને આધુનિક ચાણક્યની કલમનાં દર્શન થાય. એક અન્ય પ્રકરણ ‘ગીતા અને કર્મ’માં ફિલસૂફ સચ્ચિદાનંદજી પ્રગટ થાય. ગીતાના પ્રસિદ્ધ અને અત્યંત વ્યવહારુ શ્લોક ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલહેતુર્ભુર્મા તે સંગોસ્ત્વકર્મણિ’ વિશે સ્વામીજીનું અત્યંત સ્પષ્ટ અર્થઘટન જુઓઃ

“કર્મસિદ્ધાંતમાં આ શ્લોકનું ભારે મહત્ત્વ છે. તેમાં બે મહત્ત્વનાં લક્ષ્યો તથા બે પોષક તત્ત્વો સ્પષ્ટ કરાયેલાં છેઃ

“1. કર્મ કરવામાં તારો અધિકાર છે. અર્થાત્ સારું-ખોટું જે ઠીક લાગે તે તું કરી શકે છે. 2. કર્મનાં પરિણામ મેળવવામાં તું સ્વતંત્ર નથી, પણ તેમાં કર્મનિયંતાની વ્યવસ્થા તારે સ્વીકારવાની છે. જેમ કે એક માણસ કોઈનું ખૂન કરી નાખવામાં તો સ્વતંત્ર છે, પણ પછી તેની સજા મેળવવા કે ન મેળવવામાં એ સ્વતંત્ર નથી. જો ફળ એટલે કે પરિણામમાં પણ જીવાત્માને સ્વતંત્રતા મળી હોત તો અપરાધીઓ દંડ કે ભારે દંડનું પરિણામ સ્વીકારત નહિ. માટે ઇચ્છા ન હોવા છતાં પરિણામ તો મેળવવું જ રહ્યું.

“આ બે મૂળ સિદ્ધાંતોને સાધ્ય કરવા બે ગૌણ તત્ત્વો કહે છેઃ તું કર્મફળનો આસક્ત ન થા અને અકર્મમાં એટલે કે અપ્રવૃત્તિમાં પણ તારી આસક્તિ ન હો. અર્થાત્ પ્રવૃત્તિ કર્યા વિના માત્ર બેસી રહેવાનું જીવન પણ ન હો.”

આશ્રમનો સૌના ઉપયોગ માટેનો એક વિશાળ બંબો નહાવાનું પાણી ગરમ કરી રહ્યો છે. ભારતના ઉચ્ચ કોટિના સંતોનાં બાવલાંની બે લાંબી હરોળથી ઓપતા આશ્રમના મુખ્ય કમ્પાઉન્ડમાં આછો પ્રકાશ છવાઈ રહ્યો છે. પત્રકાર તરીકેની અનિયમિત ટાઇમટેબલ ધરાવતી જિંદગીમાં કેટલીય વખત સૂર્યોદય જોઈને પથારીમાં ઘસઘસાટ ઊંઘ માટે પડતું મૂકતા અમે આજે સૂરજ નારાયણ દર્શન દે એ પહેલાં જ નહાઈધોઈને અને દાઢી છોલીને તૈયાર થઈ જઈએ છીએ. છ વાગ્યે આશ્રમના મંદિરમાં આરતીનો સમય છે. એ પહેલાં ધૂન ગવાય છે. આરતીનો આરંભ થાય એ પહેલાં સ્વામીજી પણ મંદિરમાં આવીને સૌની સાથે જોડાય છે. એકદમ સાદગીભર્યા મંદિરમાં કોઈ મોંઘાં આભૂષણો વિનાની રાધાકૃષ્ણની સુંદર પ્રતિમાઓની સામે આરતી થાય છે. સ્વામીજી કહેતા હોય છેઃ ‘તમે સવાર-સાંજ ભગવાનનું નામ લો. પણ એ સિવાય આખો દિવસ તમારું કામ તો કરો. આ શું જ્યારે ને ત્યારે હિમાલય જતા રહેવાની વાત!’

જમવામાં નિયમ એવો કે તમામ આશ્રમવાસીઓની સાથે જ જમવાનું. કોઈ સ્પેશ્યલ મેનુ નહીં કે એકાંતમાં જઈને જમવાની ટેવ નહીં.

રસોડામાં સ્વામીજી અમને ચા પીવડાવે છે અને ખાખરા-બિસ્કિટ-ચવાણાના ડબ્બામાંથી આગ્રહ કરીને નાસ્તો પીરસે છે. ‘સવારે ઊઠીને તમને શું પીવાની ટેવ છે?’ અમે પૂછ્યું. જવાબ મળ્યોઃ ‘કશું નહીં’. ‘ચા કૉફી, ઉકાળો કશુંક તો પીતા હશો?’ ‘ના, મને ટેવ જ નથી’, સ્વામીજી હસતાં હસતાં કહે છે અને ઉમેરે છેઃ ‘બે ટંકનું ભોજન પૂરતું છે. વચ્ચે કશું જ નહીં’ ભોજનમાં પણ સ્વામીજી મિતાહારી. એ જેટલું જમે એટલું જ આપણે ખાઈશું એવું માનીને એમની સાથે જમવા બેસીએ તો અડધા ભૂખ્યા ઉઠીએ. પણ તમને આગ્રહ કરીને જમાડે. આગલી રાતે ખીચડીમાં ભારોભાર ઘી નાખીને જાતે ચમચી વડે ફીણી આપી હતી. જમવામાં નિયમ એવો કે તમામ આશ્રમવાસીઓની સાથે જ જમવાનું. કોઈ સ્પેશ્યલ મેનુ નહીં કે એકાંતમાં જઈને જમવાની ટેવ નહીં. અગાઉ ઘણા નિયમો રાખ્યા હતા કે અમુક ચીજો ખાવી અને અમુક ન જ ખાવી. પણ એને કારણે પ્રવાસ દરમિયાન જમાડનારને ઘણી તકલીફો પડતી. કોકવાર જે મળે તે જમી લેવું પડે ત્યારે પોતાને તકલીફ થતી. આથી જ હવે નિયમ એવો કે બધું જ ખાવું, મરચાં પણ. અને સરપ્રાઇઝ ઓફ સરપ્રાઇઝ અગિયાર વાગ્યે લંચ વખતે અમારી સાથે સ્વામીજીએ પણ લાંબા મરચાંનાં તીખાં ભજિયાં ખાધાં.

વધુ આવતી કાલે.

( આ મુલાકાત ૧૯૯૬માં એક ગુજરાતી સાપ્તાહિકના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થઈ )

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

14 COMMENTS

  1. સ્નેહી સૌરભભાઈ,
    💐 જય સચ્ચિદાનંદ ! 👏
    આજે જીવનના ધમપછાડામાં જે હંમેશાં ફરિયાદ કરે છે,કે મરવાનો એ સમય નથી, તેમની સામે પૂજ્ય સચ્ચદાનંદજીનાં અમૂલ્ય પુસ્તકોનો સારાંશ, ગાગરમાં સાગર ભરી, વર્તમાન ગુજરાતી યુવા સમાજને ભેટ ધરવાના આપના ભગીરથ પુરૂષાર્થ વંદનને પાત્ર છે,

    આપને હાર્દિક અભિનંદન અને
    કોટી કોટી ધન્યવાદ ! 🙏

  2. સ્નેહી સૌરભભાઈ,

    💐 જય સચ્ચિદાનંદ ! 👏

    આજે જીવનના ધમપછાડામાં ફસાયેલ
    યુવાપેઢી, જે હંમેશાં ફરિયાદ કરે છે,કે
    મારવાનો એ સમય તેમની સામે પૂજ્ય સચ્ચદાનંદજીનાં અમૂલ્ય પુસ્તકોનો સારાંશ સારાંશ, ગાગરમાં સાગર ભરી, વર્તમાન ગુજરાતી યુવા સમાજને ભેટ ધરવાના આપના ભગીરથ પુરૂષાર્થ વંદનને પાત્ર છે ! 🤞

    💐 ‘ આપને હાર્દિક અભિનંદન
    અને
    કોટી કોટી ધન્યવાદ ! ‘🙏

  3. સ્વામીજી વિશે લેખ વાંચી ઘણો આનંદ થયો.

  4. આ પહેલો જ લેખ સ્વામીજીનાં દર્શન માટે ઉત્સુક કરી રહ્યો છે.
    ઈશ્વરકૃપા થશે તો એમનું સાન્નિધ્ય મળશે એ વિચાર જ મનમાં તુરત વિચાર કરનારની અકર્મતા બહુ આક્રમક રીતે રજુ કરે છે .. અને એ જ આ લેખ વાંચવાની અસર છે.. સાર્થકતા છે.
    દિલથી શુભેચ્છા અને લેખ માટે અંતઃકરણથી પ્રણામ.

  5. સ્વામીજી વિષે ઘણું જાણવા મળ્યું. તેઓ સંસારમાં રહીને સાધુ છે. બહુ જ વ્યવહારુ છે. અમારે સ્વામીજીને મળવા જવું હોય તો એપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવી? જણાવશોજી.

    • એમના દરેક પુસ્તકની પ્રસ્તાવના નીચે સંપર્કસૂત્ર નોંધ હોય છે.

    • સ્વામી સચ્ચિદાનંદના કોઈ પણ પુસ્તકની પ્રસ્તાવનાના અંતે એમના સંપર્કસૂત્ર આપ્યા હોય છે.

  6. સરસ અદભુત મઝા આવી. ઘણું જાણવા મળ્યું.
    સિ રીઝ વાચી.

  7. ‘જય સચ્ચિદાનંદ’…’મારા અનુભવો’ વિચાર કરવા ફરજ પાડે એવી આત્મકથા છે. તમારી આ સિરીઝ વાંચી ‘મારા ઉપકારકો’ અને ‘અગવડમાં આરાધના’ લઈ આવ્યો છું અને હાલ વાંચું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here