(લાઉડ માઉથઃ ‘સંદેશ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022)
મારો જન્મ કોઈ બીજી જગ્યાએ થયો હોત તો, શાળા-કૉલેજનું શિક્ષણ મેં કોઈ અન્ય સ્થળે લીધું હોત તો, આજીવિકા કે કારકિર્દી માટે મેં આ નહીં પણ પેલું ક્ષેત્ર પસંદ કર્યું હોત તો, મારાં લગ્ન આની સાથે થયાં એના કરતાં કોઈ બીજી વ્યક્તિ સાથે થયાં હોત તો – આપણી નિષ્ફળતાઓને ઢાંકવા આવાં અનેક કારણો મનમાં છવાઈ જતાં હોય છે. આપણે ધારેલી સફળતા નથી મળતી ત્યારે એને જસ્ટિફાય કરવા માટે, વાજબી ઠેરવવા માટે આવાં કારણો હાથવગાં હોય છે.
સદ્ગુરુ કહે છે કે જિંદગીમાં આદર્શ પરિસ્થિતિ જેવું કશુ હોતું જ નથી. તમે જે પરિસ્થિતિમાં છો, તમે નિર્ણય લઈ લીધો છે એમાં તમારું જે કંઈ સર્વશ્રેષ્ઠ છે તે સર્વસ્વ હોમી દો- આપોઆપ એ પરિસ્થિતિ, એ નિર્ણય તમારી જિંદગીની બેસ્ટ પરિસ્થિતિ, જિંદગીનો બેસ્ટ નિર્ણય બની જશે. સદ્ગુરુ એટલે સદ્ગુરુ જગ્ગી વાસુદેવ જેમનો કોઇમ્બતોરમાં આશ્રમ છે અને વર્તમાન યુગના વિચારક-ચિંતક એવા સાધુસંતોમાં જેમનું નામ અગ્રીમ હરોળમાં મૂકાય છે.
પેરન્ટ્સને એમ હોય છે કે આપણું છોકરું કોઈ મોટી સ્કૂપલમાં ભણશે તો મોટું થઈને એ કોઈ મહાન માણસ બની જશે.
મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનું બહુ મોટું નામ છે. ખૂબ મોંઘી ફી છે. એટલી ફી ભરવાની તમારી તૈયારી હોય તો પણ તમારા બાળકને એમાં ઍડમિશન મળશે જ એની કોઈ ગૅરન્ટી નથી હોતી. પેરન્ટ્સને એમ હોય છે કે આપણું છોકરું કોઈ મોટી સ્કૂપલમાં ભણશે તો મોટું થઈને એ કોઈ મહાન માણસ બની જશે. માબાપ ભૂલી જાય છે કે ધીરુભાઈ પોતે ક્યાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યા હતા! એ તો ચોરવાડની ગામઠી શાળામાં ભણીને ભારતના લેજન્ડરી ઉદ્યોગપતિ બન્યા અને તાતા-બિરલાની હરોળમાં મૂકાયા. તમારું સંતાન, જો એનામાં કૌવત હશે તો એ મ્યુનિસિપાલટીની શાળામાં ભણીને પણ ધીરુભાઈ કરતાં સવાયું કામ કરીને એમનાથીય વધુ નામ-દામ કમાશે.
કેટલાકને અફસોસ હોય છે કે કૉલેજમાં જતી વખતે મેં અમુક લાઇન લેવાને બદલે તમુક લાઇન શું કામ લીધી. તમે જે કોઈ ક્ષેત્ર પસંદ કર્યું તેમાં જો તમે ગળાડૂબ રહીને કામ કરતા રહ્યા હોત તો આવો અફસોસ ક્યારેય ન થયો હોત.
અભ્યાસ માટે કઈ સ્કૂલ બેસ્ટ, કઈ કૉલેજ બેસ્ટ, નોકરી-ધંધા માટે કયું ક્ષેત્ર બેસ્ટ, પરણવા માટે કયું પાત્ર બેસ્ટ, રહેવા માટે કયું શહેર બેસ્ટ એનો નિર્ણય લેવામાં કેટલાક લોકો અટવાયા કરે છે. આવી બાબતોમાં શ્રેષ્ઠ જેવું કશું હોતું જ નથી. તમે બેસ્ટ માનીને જે પસંદ કરશો તેમાં જો તમારો જીવ રેડીને આગળ વધવાની દાનત નહીં હોય તો એ બેસ્ટ તમારા માટે વર્સ્ટ બની શકે છે.
પણ જે નિર્ણય લઈ લીધો તેને બેસ્ટ બનાવવાની જવાબદારી તમારી જે એવું સમજાય તો જ શ્રેષ્ઠ મેળવવાના પ્રયાસની યાત્રા શરૂ થઈ શકે.
મારી પાસે જો વધારે સારી પેન હોત તો શું વધારે સારું લખી શકતો હોત? મારી પાસે ઉમદા ક્વોલિટીનો કાગળ અને દુનિયાની સારામાં સારી શાહીનો ખડિયો હોત તો મારાં લખાણો વધુ સારાં લખાતાં હોત? ટ્રાફિકનો અવાજ, ધૂળિયું વાતાવરણ અને શહેરી ધમાલને છોડીને હું કુદરતના સાન્નિધ્યમાં જઈને ચોખ્ખી હવામાં શ્વાસ લેતાં લેતાં લખું તો શું વધારે સારું લખાવાનું છે.
બીજાઓને સફળતા કેવી રીતે મળી છે એ જોવા જશો તો આપોઆપ તમારી પરિસ્થિતિની સરખામણી એમની પરિસ્થિતિ સાથે કરતાં થઈ જશો.
ના. એ તો બધી દિલ્લગી છે. મારાથી સારું નથી લખાતું ત્યારે હું મારી ઓછી મહેનતનો કે મારી ટેલન્ટની ધાર કાઢવામાં રહી ગયેલી મારી કસરનો, મેં નહીં કરેલા ચિંતન-અભ્યાસના રિયાઝનો વાંક કાઢવાને બદલે મારી પેન, કાગળ, શાહી અને મારા વાતાવરણનો વાંક કાઢીને મારી જવાબદારીમાંથી છટકી જવાની કોશિશ કરતો હોઉં છું. મારામાં રહેલું હન્ડ્રેડ પર્સેન્ટ મારે નીચોવી નથી દેવું અથવા તો મારી આવડત ઓછી છે એવું દુનિયાને જણાવવું નથી એટલે હું જાતજાતનાં બહાનાં કાઢું છું. આંગણ અને નૃત્ય સાથે જોડાયેલી કહેવત આવી જ કોઈક પરિસ્થિતિ જોઈને પ્રચલિત થઈ હશે.
બીજાઓને સફળતા કેવી રીતે મળી છે એ જોવા જશો તો આપોઆપ તમારી પરિસ્થિતિની સરખામણી એમની પરિસ્થિતિ સાથે કરતાં થઈ જશો. પછી નાની મોટી વાતે તમે તમારી જિંદગીમાં ખોડખાંપણ કાઢતા થઈ જશો – એને તો ધંધો કરવામાં પેલાનો સાથ મળ્યો એટલે આગળ વધી ગયો, એની પાસે આ નોકરી આવી ગઈ એટલે એની કરિયર બની ગઈ, એની લાઇફ પાર્ટનરને લીધે એની લાઇફ બની ગઈ.
આવું કશું હોતું નથી, ભઈલા.
એની જગ્યાએ ધારો કે તમને એવો પાર્ટનર, એવી નોકરી કે એવી વાઇફ મળી હોત તો પણ તમે અત્યારે જ્યાં છો ત્યાં જ રહ્યા હોત. હકીકત એ છે કે એમને જે કંઈ મળ્યું એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની આવડત એમનામાં હતી, જે કંઈ પરિસ્થિતિમાં એ હતા તે પરિસ્થિતિમાં એમણે પોતાનું સર્વશ્રેષ્ઠ નીચોવી દેવામાં કોઈ કામચોરી કરી નહીં, કોઈ બહાનાબાજી કરી નહીં એટલે તેઓ છેક ત્યાં પહોંચી ગયા અને તમે બિચારા થઈને ત્યાંના ત્યાં રહી ગયા.
સદ્ગુરુએ બીજી પણ એક એકદમ મૌલિક વાત કહી છે. ‘વાતચીતથી કે ચર્ચાઓ કરવાથી જ્ઞાનની સીમાઓ વિકસે છે એવું આપણે માની લીધું છે. પણ ક્યારેક ચૂપ રહીને જોજો. ચર્ચાવિચારણાનું મહત્ત્વ આપણે વધારે આંકી દીધું છે.’
સમજવા જેવી વાત છે. સદ્ગુરુની સાથે સૌ કોઈ તરત સહમત નહીં થાય. બુદ્ધિજીવીઓ તો તરત તર્કની તલવાર લઈને કૂદી પડશે. ભલે. સદ્ગુરુની વાતને સમજવાની કોશિશ કરીએ.
મૌનમાં ઘણી મોટી તાકાત છે, જે વાણીમાં નથી. મૌન એટલે મોઢું બંધ રાખવું એટલું નહીં. મૌન રહીને ઈશારાઓથી કે લખીને વ્યવહાર કરવો એ કંઈ સાચું મૌન નથી. મૌન રહીને મનમાં નામસ્મરણ કરવું એ સારી વાત છે પણ મૌનનો ખરો મહિમા આત્મચિંતન કરવાનો છે, જાત સાથે સંવાદ સાધવાનો છે. આને કારણે કોઠાસૂઝ વિકસે છે. તમારામાં કુદરતે જે કંઈ આપ્યું છે તેને તમારી સમક્ષ બહાર લાવવાની તક તમે મૌન હો ત્યારે મળે છે.
પણ તમને મૌનનું મહત્ત્વ ખબર જ નથી, તમને ચૂપ રહેતાં આવડતું જ નથી એટલે તમારી કોઠાસૂઝ વિકસતી નથી એટલે તમને કોઠાસૂઝ પર આધાર રાખવાને બદલે ઠેર ઠેર ભટકીને લોકોના અભિપ્રાયો જાણીને નિર્ણયો લેવાની ટેવ પડી ગઈ છે.
જાત પર ભરોસો રાખીએ. વારંવાર અને દરેક વાતે લોકોને પૂછપૂછ કરવાની જરૂર નથી. બધી વાતોને ચર્ચાના ચાકડે ચડાવવાની જરૂર નથી. દરેક વાતમાં બીજાઓની સંમતિ લેવાની જરૂર નથી, એમના અભિપ્રાયોમાં દુનિયાનું બધું ડહાપણ સમાઈ ગયું છે એવું માનીને ચાલવાની જરૂર નથી.
ચૂપચાપ જીવીએ. મૌન રહીને જાત સાથે સંવાદ સાધીએ. ક્રમશઃ કોઠાસૂઝ પ્રગટતી જશે, પ્રગટ્યા પછી વિકસતી જશે.
કોઠાસૂઝથી લેવાયેલા નિર્ણયો પણ ક્યારેક ખોટા પડી શકે છે, ક્યારેક નુકસાનકારક પણ નીવડી શકે છે. તો શું બીજાઓના કહેવાથી લેવાયેલા નિર્ણયો ખોટા નથી પડતા? નુકસાનકારક પુરવાર નથી થતા? બીજાઓ તમને અભિપ્રાય આપતી વખતે હંમેશાં છટકબારી રાખતા હોય છે જેથી ભવિષ્યમાં કોઈ નુકસાન થાય તો એમનો વાંક કાઢવામાં ન આવે. એમના અભિપ્રાયોમાં જો-તોની ભાષા હોય છે, ફૂદડી મૂકીને લખ્યું હોય છે કે કન્ડિશન્સ અપ્લાય અને પછી ઝીણા અક્ષરમાં બધી સોપચાસ શરતો અને ડિસ્ક્લેઇમર લખ્યાં હોય છે. માટે વાતેવાતે બીજાની પાસે જઈ જઈને સલાહો ભેગી કરવાની ટેવ છોડીને મૌન રહીને અંદરથી જે અવાજ આવે તેને અનુસરવું.
તો આજે બે વાત સદ્ગુરુ જગ્ગી વાસુદેવે શીખવાડીઃ જગતમાં શ્રેષ્ઠ જેવું કશું છે જ નહીં, જે મળે છે તેને શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્નો કરવાના હોય છે. અને બીજી વાત- લોકોની વાતોમાં અટવાયા કરવાને બદલે પોતાની કોઠાસૂઝ પ્રમાણે ચાલવું.
સાયલન્સ રપ્લીઝ!
કોઈ પણ કળાકૃતિ વિશે તમારો અભિપ્રાય પ્રગટ કરતાં પહેલાં સાંભળવાની કોશિશ કરો કે એ કળાકૃતિ તમને શું કહેવા માગે છે.
-અજ્ઞાત્
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
જય દ્વારકાધીશ,
આપ શ્રી ના લેખ વાંચતી વખતે તન મા અને મન મા energy
ઉત્પન્ન થતી હોય તેવી અનુભૂતિ થાય છે.
આપ શ્રી નો આભાર વ્યક્ત કરુછુ.
Nice Article but some time due to believe in astrology I stuck some where and not able to decide my own voice
સરસ મનનીય લેખ
Really find this article very useful
I have the same habit but now onwards I definitely change this.
ખુબજ સરસ, અદ્ભૂત લેખ છે
Could you give archive month of your Banaras street food article
Have you tried the search option on the newspremi.com site. It is just below the logo on the right hand side. Type બનારસ and all the articles will appear. You can start reading date wise.
It’s good that your articles are coming everyday now a days
Very right…daily dose.
મારા માતા અને પિતા આ લેખ નો સાર અમને એક કહેવત માં કહી ગયા હતા. એ કહેતા કે નિર્ણય કર્યો કે એને સાચો માની આગળ વધી જાઓ. ફોઈ ને મૂછ હોત તો કાકા કહેવાત, એવા જો અને તો વચ્ચે નહીં અટવાયા કરવાનું.