આશાજી-પંચમનાં લગ્નના એક જ વર્ષ પછી…

૭ જુલાઈ ૧૯૮૦. પંચમ અને આશાજી લગ્નના બંધનથી બંધાયા. વરસેકમાં જ ગૉસિપબજારમાં વાત આવી કે આ લગ્ન પડી ભાંગ્યું છે. ‘આશા ભોસલે: અ મ્યુઝિકલ બાયોગ્રાફી’ પુસ્તકના લેખક રાજુ ભારતનનાં પત્ની ગિરિજા પણ સ્વતંત્રપણે એક ઉમદા લેખક તથા પત્રકાર. રાજુ ભારતનના કહેવાથી ગિરિજાજીએ આશાજીને ફોન કર્યો. પોતે વાત કરે એના કરતાં પત્ની આશાજી સાથે આ નાજુક મુદ્દા વિશે વાત કરે તો સારું એવી ભાવના. આશાજી તરત ફોન પર આવ્યાં અને તરત ને તરત મળવા આવવાનું આમંત્રણ આપ્યું. આશાજીએ દિલ ખોલીને વાત કરી. ૧૯૮૧ના સપ્ટેમ્બરના અંતમાં થયેલી વાતચીત બીજા મહિને, ૧૫ ઑક્ટોબરના ‘સ્ટાર ઍન્ડ સ્ટાઈલ’ના અંકમાં પ્રગટ થઈ.

આ ઈન્ટરવ્યૂમાં આશાજીએ કહ્યું: ‘કોણ કહે છે કે અમે છૂટાં પડી રહ્યાં છીએ? પ્રેસ અને બીજા લોકો શું કામ અમારા વિશે તદ્દન પાયા વગરની વાતો ફેલાવ્યા કરતા હશે?’ લગ્ન પહેલાં હું અને પંચમ સાથે દેખાતાં ત્યારે પણ અમારી સામે આંગળી ઊઠતી. હવે જ્યારે પરણી ગયાં છીએ ત્યારે કોણ જાણે કેમ પણ લોકોને અમે છૂટાં પડી રહ્યાં છીએ એવી અફવા ફેલાવવામાં પિશાચી આનંદ આવે છે. મારા પર વિશ્ર્વાસ રાખો, અને આ વાત હું હાર્મોનિયમ પર હાથ રાખીને, જે મારા માટે સૌથી પવિત્ર છે, તેના સોગંદ ખાઈને કહું છું કે અમે બેઉ એકબીજા સાથે ખૂબ સુખી છીએ, એકબીજાથી અમને ભરપૂર સંતોષ છે. મને ખબર નથી પડતી કે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે, અમારા ઘરમાંથી તો કોઈએ ફેલાવી જ ના હોય.’

આ બોલતી વખતે આશાજીના અવાજમાં જેન્યુઈન દર્દ ટપકતું હતું.

ગિરિજા ભારતને એમને સધિયારો આપતાં પૂછયું હતું: ‘આ બીજાં લગ્ન પછી પંચમમાં કોઈ સુધારો જોયો તમે?’

આશાજીએ કહ્યું: ‘જે લોકો પંચમને અગાઉથી જાણે છે એમનું કહેવું છે કે પંચમ હવે સારી રીતે સેટલ થઈ ગયા છે. અગાઉના જેવો ઉચાટ એમનામાં દેખાતો નથી. અગાઉ એ ગમે ત્યારે, ગમે તે ખાઈ લેતા. એમનો ટાઈમ ગમે તે રીતે વેડફાઈ જતો, પણ હવે અમને બન્નેને લાગે છે કે અમે એકબીજા માટે રિસ્પોન્સિબલ છીએ. અમને બેઉને ખબર છે કે અમે કોઈ યુવાન પ્રેમીપંખીડાં નથી. પ્રથમ પ્રેમ વખતે જે આંધળુકિયા હોય તે અમારા સંબંધમાં નથી. અમારી રિલેશનશિપ વાસ્તવમાં કમ્પેનિયનશિપ છે જેની અમને બંનેને જરૂર છે. અમે કંઈ ટીનએજ લવર્સની જેમ વર્તતાં નથી. અમને જો એકમેકની કંપનીમાં શાંતિ મળતી હોય, અમે એકબીજાની સાથે પ્રસન્ન રહેતાં હોઈએ તો અમારા લગ્ન માટે એટલું પૂરતું છે.’

આશાજી ગિરિજા ભારતનને આપેલા ઈન્ટરવ્યૂમાં આગળ કહે છે: ‘એક વાત કહું તમને? હું હંમેશાં ખુલ્લી કિતાબ જેવું જીવન જીવી છું. જે કંઈ કરું છું તે ખુલ્લંખુલ્લા કરું છું. મારી જિંદગીમાં કે મારી કરિયરમાં કોઈ પણ તબક્કે, ક્યારેય મેં હું જે નથી તે ચીતરવાની કોશિશ નથી કરી. હું એ લોકોમાંની નથી જે કોઈકની સાથે સ્ટેડી હોય પણ એને પોતાનો ધરમનો ભાઈ ગણાવતી ફરતી હોય. હું મારા કન્વિક્શન્સને બહાદુરીપૂર્વક વળગી રહેતી હોઉં છું.’

આશાજી કહે છે: ‘નસીબજોગે, પંચમ પોતે પણ એમની આસપાસના દંભી લોકોને બરાબર સારી રીતે જાણે છે. પ્લસ એ પોતે એવા ઓલિયા જીવ છે કે મારે પણ એમની સામે કોઈ દેખાડો કરવો પડતો નથી. હું જે છું તે જ રીતે મારે એમની સાથે વર્તવાનું હોય છે એટલે એવો કોઈ બોજ નથી રહેતો મારા પર. સાચું કહું, આને લીધે ઘણી હળવાશ અનુભવાતી હોય છે. એક વાત તમને ખબર છે? પંચમે મને એક વખત પણ પૂછ્યું નથી કે હું ક્યાં જઉં છું, શું કરું છું. તમને અંદાજ પણ નહીં આવે કે આપણે પોતે આપણી મરજીના માલિક હોઈએ ત્યારે કેટલી નિરાંત લાગે, આપણા કબાટમાં શું છે ને શું નહીં એની કોઈનેય પંચાત ન હોય, ક્યારેય એમાં કોઈ ખાંખાખોળા કરતું ન હોય ત્યારે કેવી આઝાદી લાગે. મારે કોઈ સવાલના જવાબ આપવાના નથી હોતા, પંચમ ક્યારેય મારી પૂછપરછ નથી કરતા, ઊલટતપાસ નથી લેતા. એમને મારા પર સંપૂર્ણ ભરોસો છે. જેમને સદ્ભાગ્યે સમજુ પતિ મળ્યો હોય એવી સ્ત્રીને કદી કલ્પનાય નહીં આવે કે સતત કોઈના દાબ નીચે, કોઈની ધાક હેઠળ જીવવું એટલે શું. હું એ બધું અગાઉ જીવી ચૂકી છું એટલે અત્યારે હું ગજબની ખુશી અનુભવી રહી છું.’

આ તબક્કે ગિરિજા ભારતને પ્રશ્ર્ન કર્યો: ‘પંચમનાં મધર મીરાં બર્મને તમારા ને પંચમના આ સંબંધને સ્વીકૃતિ આપી છે? દાદા બર્મનને તમારા અને પંચમ વચ્ચેની લાગણી વિશે જાણ હતી?’

(આર.ડી.નાં પ્રથમ પત્ની રીટા પટેલ અને સાસુ મીરાં બર્મન વચ્ચે ઊભેય નહોતું બનતું. સાસુવહુના એ ઝઘડામાં વધુ ઊંડાણમાં જવું અહીં અપ્રસ્તુત છે. બાકી ટિપિકલ ટીવી સિરિયલ ટાઈપના ઘણા કિસ્સા છે).

આશાજી જવાબમાં કહે છે: ‘કાશ, દાદા આજે જીવતા હોત અને સાંભળતા હોત (સચિન દેવ બર્મન ૩૧ ઑક્ટોબર ૧૯૭૫ના દિવસે ગુજરી ગયા). દાદા બર્મન પોતે મને વારંવાર કહ્યા કરતા કે, આશા, પંચમ અમારા કોઈનું સાંભળતો નથી. એક તું જ છે જે એની પાસે ધાર્યું કરાવી શકે છે. એનું ધ્યાન રાખજે, આશા. તું એની પડખે છે એ જાણીને મને ધરપત છે કે એ સ્થિર થઈને વધારે સારું સંગીત કમ્પોઝ કરશે… દાદા બર્મનના એક્ઝેટ આ શબ્દો હતા. મા (મીરાં બર્મન)એ મને સાસરિયા તરફથી રિવાજ મુજબ જે વહેવાર કરવાનો હોય તેને અનુસરીને સોનાની ઝાંઝરી, ચાંદીનાં વાસણો અને લાલ ઘરચોળું વગેરેની ભેટ આપી છે. આ બધું એમના આશીર્વાદ નથી તો બીજું શું છે? એમના પર એવું કોઈ દબાણ નહોતું કે એ મને સ્વીકારે. હકીકત એ છે કે દાદા બર્મનની હયાતીમાં જ મારો સ્વીકાર થઈ ચૂક્યો હતો. મા હજુ પણ વારતહેવારે અમારા સાંતાક્રુઝના ઘરે આવતાં હોય છે (જે જગ્યા હવે આર.ડી. બર્મન ચોકના નામે ઓળખાય છે જ્યાંનો રામ-શ્યામ સેવપૂરીવાળો પંચમનો ફેવરિટ હતો અને હવે તો આ કૉલમના કેટલાય વાચકોનો પણ ફેવરિટ બની ગયો છે). અમે પણ ખારમાં ‘જેટ’ બંગલે જઈને એમનાં ખબરઅંતર પૂછતાં હોઈએ છીએ. મા અમારી સાથે નથી રહેતાં એનું કારણ એટલું જ છે કે એમણે આખી જિંદગી બહુ શાંતિથી ગાળી છે ને એમને અમારી લાઈફસ્ટાઈલ બહુ ધાંધલધમાલવાળી લાગતી હોય છે. બીજું, અલમોસ્ટ આખી જિંદગી એમણે દાદા બર્મન સાથે ‘જેટ’માં ગાળી છે એટલે એમની તમામ સ્મૃતિઓ એ જગ્યા સાથે જોડાયેલી છે… કલકત્તામાં પંચમ જેમને ત્યાં ઊછર્યા તે એમનાં નાનીમા (મીરાં બર્મનનાં માતા) પણ મને કહેતા હોય છે કે અમારા લગ્ન પછી પંચમ વધારે ઠરીઠામ થયા છે.’

આશાજી અને પંચમની એકસાથે લેવાયેલી એકમાત્ર મુલાકાત ‘સ્ક્રીન’ના ૧૪ એપ્રિલ ૧૯૮૯ના અંકમાં પ્રગટ થઈ હતી. આ દીર્ઘ મુલાકાતની હવે દુર્લભ થઈ ગયેલી સ્ક્રિપ્ટ પણ આ પુસ્તકમાં છે. કાલે.

આજનો વિચાર

કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના.

– આનંદ બક્ષી

એક મિનિટ!

બકાએ ઓવરસ્પીડિંગ કરીને ગાડી ઠોકી.

કોર્ટમાં જજસાહેબે પૂછયું: ‘બોલ, શું સજા આપું? ૩ મહિના જેલ કે ૩૦ હજાર રૂપિયા?’

બકો: ‘સાહેબ રૂપિયા જ આપો ને તો ગાડી પણ રીપેર થઈ જાય.’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 29 જૂન 2017)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here