મોહમાયાનો ત્યાગ એટલે આખરે શું?

તડકભડક: સૌરભ શાહ

(‘સંદેશ, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૪ ઑક્ટોબર ૨૦૧૮)

સાધુસંતમહાત્માઓની પ્રબુદ્ધ વાણીને આપણે સમજ્યાકર્યા વિના જીવનમાં અમલમાં મૂકવાની કોશિશ કરીએ છીએ અને નાકામ જઈએ ત્યારે વાંક આપણી છીછરી સમજણનો કાઢવાને બદલે એમની વાણીનો કાઢતા રહીએ છીએ.

આપણે જોઈ લીધું છે કે મોહથી દૂર રહી શકાતું નથી, માયા છોડી શકાતી નથી. તો પછી શા માટે આપણને મોહમાયાનો ત્યાગ કરવાની શીખામણ આપવામાં આવતી હશે?

જરા સમજીએ.

માતાપિતાને પોતાના સંતાન પ્રત્યે, દીકરાને પોતાના પેરેન્ટ્સ પ્રત્યે, પતિને પત્ની માટે કે પત્નીને પતિ માટે મોહમાયા હોય એ સ્વાભાવિક છે. હોવી જ જોઈએ. એના વિના આ દુનિયા ચાલી જ ન શકે. આપણાં માતાપિતાને એકબીજા માટે મોહ હતો, એકબીજાની એમને માયા હતી ત્યારે જ તો આપણે જન્મ્યા. આ દુનિયા આખી મોહમાયાને લીધે જ ચાલે છે. આ જગતનું ચાલકબળ મોહ-માયા છે.
તો પછી આ મોહમાયાનો ત્યાગ કરો એવું સદપુરૂષો કેમ કહી ગયા? શું એમણે સંસાર છોડી દીધો છે એટલે આપણે પણ છોડી દેવાનો? આ દુનિયા મરતી હોય તો એને મરવા દેવાની?

પ્રેમમાં નાસીપાસ થનારા માણસો જીદ લઈને બેસી જાય છે: કોઈપણ ભોગે હું એને મેળવીને જંપીશ. અને આવી જીદમાં ને જીદમાં તેઓ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. દીકરો ગમે તેટલો નપાવટ પુરવાર થાય અને બાપનું નામ બોળે પણ બાપ કહ્યા કરે કે હશે, છેવટે તો મારો દીકરો છે. પતિ કે પત્ની તદ્દન નાલાયક પુરવાર થાય, એની સાથે એક પળ પણ જીવન ગાળી શકાય એમ ન હોય છતાં સમાજના ડરે કે સંતાનોના સુખના નામે પતિપત્ની સાથે જીવવાનું ચાલુ રાખે. અહીં પ્રેમી-પ્રેમિકાને કે સંતાનને કે પતિ-પત્નીને છોડી શકવાની હિંમત જોઈએ. આવી હિંમત ન હોય એણે પોતાની બાકીની આખી જિંદગી શોષાવું પડતું હોય છે. જે વ્યક્તિ આવા સંજોગોમાં પોતાનાં પ્રેમી-પ્રેમિકા કે સંતાન કે પતિ-પત્ની પ્રત્યેની મોહમાયાને છોડવામાં સફળ થાય છે તે શરૂઆતની થોડી અનિશ્ચિતતા પછી કે આરંભના ડામાડોળ વાતાવરણ બાદ શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે છે. જે સંબંધનો ભાર અસહ્ય બની જાય કે જે સંબંધ બોજારૂપ બની જાય એનો ત્યાગ કરવો એવું તો કવિદિલ શાયરો પણ સ્વીકારે છે. યાદ કરો સાહિર લુધિયાનવીની એ યાદગાર પંક્તિઃ તાલ્લુક બોજ બન જાયે તો ઉસકો તોડના અચ્છા… સાધુસંતોએ આ પ્રકારની મોહમાયાનો ત્યાગ કરવાની વાત કરી. અને આપણે મૂરખ માની બેઠા કે જગતમાં કોઈની સાથે દિલ લગાવવાનું નહીં, અલિપ્ત અને નિર્લેપ રહેવાનું. ના. એવું નથી. દિલ લગાવવાનું. જરૂર લગાવવાનું. પ્રેમી-પ્રેમિકાને, સંતાનને, પતિ-પત્નીને દિલ ફાડીને પ્યાર કરવાનો પણ જો ભૂલેચૂકેય તેઓ તમારા પર ઈમોશનલ અત્યાચાર કરતા થઈ જાય તો એની સામે ઝૂકવાનું નહીં. મારો પ્રેમી, મારી પ્રેમિકા, મારો દીકરો, મારી દીકરી, મારો હસબન્ડ, મારી વાઈફ એવું કહીને એમની પાછળ ખુવાર થઈ જવાનું નહીં. જો તેઓ નઠારા પુરવાર થતાં હોય તો તમારે તમારી સારપ અમુક હદ સુધી જ જાળવવાની. એ હદ વટાવી ગયા પછી એમના ઈમોશનલ બ્લેકમેઈલિંગને વશ થવાને બદલે એમને એમના રસ્તે જવા દઈને આપણે આપણા રસ્તે આગળ વધી જવું. યાદ રાખો કે અહીં આપણે એવા સંબંધોની વાત કરી છે જે ખૂબ નજીકના હોવાં છતાં તમારા માટે બોજારૂપ થઈ ગયા છે. આવું થવાનું કારણ કંઈ પણ હોય. કદાચ, તેઓએ તમારી ભલમનસાઈનો લાભ લઈને સ્વછંદતાથી વર્તવાનું શરૂ કર્યું હોય. કદાચ અડધે રસ્તે આવીને કોઈને લાગ્યું હોય કે અમે ખોટી ગાડીમાં ચડી બેઠા હતા. કદાચ કોઈના વિચારોમાં પરિવર્તન આવી જતાં એમણે જીવનનો ધ્યેય બદલી નાખ્યો હોય. કદાચ એમણે આપણી પાસેથી વધુ પડતી આશાઓ રાખી હોય. કદાચ આપણી પોતાની પરિસ્થિતિ એવી સર્જાઈ હોય કે આપણે એમની આશા મુજબનું કશું આપી શકવા માટે અસમર્થ બની ગયા હોઈએ.

કારણો ગમે તે હોય. પણ જે સંબંધનો ભાર તમારા માટે વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે કે પારિવારિક રીતે અસહ્ય બની જાય, તમારી બદનામીનું કે તમારી માનસિક અશાંતિનું કારણ બની જાય કે પછી તમારી આર્થિક બરબાદીનું જોખમ ઊભું કરી જાય એ સંબંધ પ્રત્યેનો મોહ તમારે છોડવો જ પડે, એ લોકોની માયાનો તમારે ત્યાગ કરવો જ પડે.

સાધુસંતોમહાત્માઓની સાચી વાતોને ધીરજપૂર્વક સમજવાની કોશિશ ચાલુ રાખીએ તો એક ને એક દિવસ જીવનની બધી જ મૂંઝવણો, બધી જ ગાંઠો ઝડપથી ઉકેલાતી જશે અને લાગવા માંડશે કે આ જીવન ધાર્યું હતું એટલું ગૂંચવાડાભર્યું નથી, પ્રસન્ન બનીને જીવવું પણ અઘરું નથી.

પાન બનાર્સવાલા

બારણું નહીં ખોલું તો કોઈ હશે,
બારણું ખોલીશ તો ભણકારા હશે,

કેમ એ આવ્યાં નહીં કોને ખબર,
એમને પણ કોઈ મર્યાદા હશે.
_જવાહર બક્ષી
www.facebook.com/saurabh.a.shah

6 COMMENTS

  1. excellent and practical…..Every person should

    understand this …live according your inner voice says …….

  2. I totally agree and happy to have learned new way of leaving moh maya
    It brings peace and meaning to balanced life
    Thanks saurabhbhai for true analysis
    You are simply great

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here