થોડે મેં ગુજારા હોતા હૈના માણસ : સૌરભ શાહ

( મોરારીબાપુએ સનાતન ધર્મ માટે આપેલી ‘આહુતિ’ઓ : લેખ 2)

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: મંગળવાર, 26 મે 2020)

ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ જ્યારે કોઈનોય નિષેધ નહીં કરવાની, કોઈનેય બાકાત નહીં રાખવાની અને સૌને આવકાર આપવાની તથા સૌનો સમાસ કરવાની વાત કરે છે ત્યારે એ વાત વાંચવામાં બહુ રૂપાળી લાગે પણ એને જીવનમાં ઉતારવાનું કામ અત્યંત દુષ્કર છે. લગભગ અશક્ય છે એવું કહો તો ચાલે. સભાન પ્રયત્ન પછી પણ તમે એ ઉદ્દેશને જીવનમાં સ્થાપી ન શકો એવું પણ બને અને મારા જેવા અંતિમવાદી માટે તો બિલકુલ અશક્ય (પર્સનલી હું માનું કે મારા માટે એ બહુ અનિવાર્ય કે ઈવન આવશ્યક પણ નથી).

જે લોકો રાજેન્દ્ર શુક્લના શેરમાંના આ ઉમદા ભાવને જીવનમાં ઊતારી દીધો હોવાનો દાવો કરે છે તેઓ વત્તેઓછે અંશે દંભી જ હોવાના કારણ કે જો ખરેખર તેઓ ‘સૌનો સ્વીકાર, કોઈને જાકારો નહીં’વાળી ક્ન્સેપ્ટને જીવનમાં ઉતારતા થઈ ગયા હોત તો તેઓ ક્યારના મોરારીબાપુ કે નરેન્દ્ર મોદી બની ગયા હોત. આ બંને મહાનુભાવોએ (તેમ જ એમના જેવા બીજા અનેક મહાનુભાવોએ) પોતાના જીવનમાં સૌનો સ્વીકાર કર્યો છે. કોઈનેય પોતાના માપદંડથી તોલ્યા નથી. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક શુભ હોવાનું અને એટલે સૌને આવકાર આપીને પોતાનામાં સમાવી લેવાના. દરેકમાં કોઈને કોઈ ખામી હોવાની એટલે કોઈનેય એમની ખામી જતાવીને જાકારો નહીં આપવાનો.

સામાન્ય રીતે બેમાંથી કોઈ એક કારણસર કોઈપણ વ્યક્તિ સૌને સાથે લઈને ચાલતી હોય છે. એક કારણ: એમનો ઉપયોગ કરી શકાય, પોતાની તાકાત વધે અને પોતે વધુ મોટા બને તે આશયથી. અથવા બીજું આ કારણ હોય: તમે જો બધાનો સમાવેશ તમારામાં કરી લો તો તમને એમના પર કન્ટ્રોલ કરવાની સહુલિયત રહે, તમે એમના પર તમારો પ્રભાવ પાથરી શકો. (અહીં કન્ટ્રોલ કરવાની વાત પોઝિટિવલી લે જો, બાપલા). તમારા જીવનનો ઉદ્દેશ જે છે તેને તમે તમારા પ્રભાવ હેઠળના આ તમામ લોકો દ્વારા ચરિતાર્થ કરી શકો. તમારી શુભ અસર આ તમામ લોકો સહેલાઈથી અપનાવી લે, ઝીલી લે એ માટે તમે સૌનો સ્વીકાર કરીને સૌને તમારા પ્રભાવ હેઠળ લાવવા માગતા હો છો. હું શું કહેવા માગું છું તે સ્પષ્ટ થાય છે?

મુસ્લિમોની જ માત્ર વાત નથી. મોરારીબાપુ અને નરેન્દ્ર મોદી મુસ્લિમોને અપનાવતા થયા એટલે રાજેન્દ્ર શુક્લનો શેર એમના જીવનને વ્યક્ત કરવા માટે કામ લાગે છે એવું નથી. દરેકે દરેક પ્રકારના લોકોને આ મહાનુભાવોએ સ્વીકાર્યા છે. બાપુ ઘણી વખત કથામાં કહેતા હોય છે કે હું તો કોઈનેય દારૂ કે અન્ય વ્યસનો છોડો એવું કહેતો જ નથી. એમને પણ સ્વીકારું છું. બાપુને ખાતરી હોય છે કે જેઓ એમની અને રામકથાની નિકટ આવશે તેમનાં વ્યસનો આપોઆપ ઓછાં થઈને ખરી પડશે. બાપુ કે નરેન્દ્રભાઈ કે એવા કેટલાક મહાન માણસો કોઈનો ઉપયોગ કરવા માટે નહીં પણ પોતાના શુભ પ્રભાવ પાથરવા માટે તમામ લોકોને સાથે લઈને ચાલતા હોય છે.

અને જો તમે આવા વિશાળ બનો તો જ વિરાટ બની શકો એવું મારું કહેવું છે. બાપુ જેવા વિરાટ વ્યક્તિત્વ વિશે લખાયેલા ‘આહુતિ’ ગ્રંથમાં ઊતરતાં પહેલાં મારા માટે આટલી ભૂમિકા એટલા માટે તૈયાર કરવી જરૂરી હતી કે એક સામાન્યજન તરીકે આપણે સૌ સમજી શકીએ કે વ્યક્તિ શા માટે, કેવી રીતે સામાન્યમાંથી વિરાટ બનતી હોય છે. આ ભૂમિકા સમજ્યા વિના જો તમને સીધેસીધો જ ‘આહુતિ’ ગ્રંથનો આસ્વાદ કરાવવા બેસી ગયો હોત તો સિન્સ તમારા હાથમાં આ ગ્રંથ નથી એટલે તમારા મન પર કદાચ એવી છાપ પડી જાત કે આમાં તો બાપુની આરતી ઉતારવામાં આવી છે. વાંક દેખાઓ તો આખો ગ્રંથ વાંચીનેય આવું જ બોલવાના. બાપુ તો એમનોય સમાવેશ કરી લેવાના (આપણે ના કરી શકીએ).

બાપુની અનેકવિધ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં છે તેની વાત કરીએ. બાપુની રામકથાની વાત કરીએ. ‘આહુતિ’નો ઉઘાડ સુમન શાહના લેખથી થાય છે, ગ્રંથનો આ સૌથી લાંબો, સૌથી અભ્યાસપૂર્ણ અને બાપુને સમજવામાં સૌથી વધુ ઉપયોગી થાય એવો આ લેખ છે.

ઘણા લોકોને આશ્ચર્ય થાય કે રામાયણની કથા તો જાણીતી છે. બધાને ખબર છે. બાપુ એકવાર એ કથા કહે, બે વાર કહે પણ પચાસ વરસથી એની એ જ વાતને આઠસો વખત દોહરાવ્યા કરવાનો અર્થ શું?

“બાપુએ આ મૌલિક અર્થઘટનોનું ‘તલગાજરડી દૃષ્ટિ’ એવું વહાલસોયું બિનઆક્રમક અને જાતને ઓગાળી નાખતું નામકરણ કર્યું છે.”

પ્રથમ લેખમાંથી, તારવેલો આ ભાવાર્થ જોશો તો તમને ખ્યાલ આવશે કે બાપુની આ રામકથા કેવી હોય છે.

સુમનભાઈએ જ આ બધું કહ્યું છે. પ્રથમ તો પ્રત્યેક રામકથાને એક શીર્ષકમાં બાપુ બાંધી લે. ‘માનસ: બિષ્ણુ’, ‘માનસ: હનુમાનચાલીસા’, ‘માનસ: કિન્નર’ વગેરે. વિષય નક્કી કરી લીધા પછી આ વિષયનો મર્મ પ્રગટ કરતી એક ચોપાઈ સમગ્ર રામચરિત માનસમાંથી પસંદ કરે. એ ચોપાઈનું ગાન નવેનવ દિવસ કથાના પ્રારંભે થાય, ક્યારેક કથા દરમિયાન પણ થાય. આ ચોપાઈથી બંધાયેલા રહેવાય, વિષયનું કેન્દ્ર સ્થાન નક્કી થઈ જાય. આ રીતે ભૂમિકા બાંધીને બાપુ સમર્થ સંકેતો અને સંકેતાર્થો માટે અત્ર તત્ર સર્વત્ર ઘૂમતા રહે છે. અર્થાત્ તેઓ પોતાની રીતે પોતાના મૌલિક વિચારો દ્વારા તેમ જ અન્ય શાસ્ત્રો-વિદ્વાનોએ વ્યક્ત કરેલાં અર્થઘટનો દ્વારા પોતે હાથમાં લીધેલા વિષયને વિવિધ દિશાઓએથી તપાસીને એમાં ઊંડા ઉતરતા રહે. જરૂર પડ્યે માનસની ટેક્સ્ટમાં જવું, ઈન્ટરપ્રીટેશન કરતી વખતે મૂળ પાઠનીય પેલે પાર જવું એવી એમની નિશ્ચિત પદ્ધતિને નોંધપાત્ર ગણવી જોઈએ. બાપુએ આ મૌલિક અર્થઘટનોનું ‘તલગાજરડી દૃષ્ટિ’ એવું વહાલસોયું બિનઆક્રમક અને જાતને ઓગાળી નાખતું નામકરણ કર્યું છે.

આને કારણે બાપુની રામકથા યુનિક બને છે. આને કારણે નવ દિવસ દરમિયાન રામાયણનું કશું ચીલાચાલુ પારાયણ થતું નથી, પરંતુ રામાયણનું મર્માયણ (સુમનભાઈનો શબ્દ છે) કે મર્મગ્રહણ થાય છે, જે છેવટે પ્રસરતું ચાલે છે.

“પણ બાપુમાં લગભગ દરેક પુનરાવર્તનનું નવ્ય રૂપ પ્રગટે છે. એ-ની-એ વાત હોય, પણ શબ્દસંયોજન બદલાઈ ગયાં હોય. એ માટેની એમની જાગૃતિ, એમનું ભાષા પ્રભુત્વ પ્રશંસનીય છે.”

વધુ આગળ જોઈએ તો ‘રામકથાને આધારે તુલસીદાસે મનુષ્યજીવનનો મર્મ સારવ્યો, એથી કથાનાયકનું એટલે કે રામનું માનસ વ્યક્ત થયું. ક્રમશ: નાયકની જીવનગાથા ઉઘડી આવી, ચરિત સ્પષ્ટ થયું. બાપુ પણ જીવનમર્મના વસ્તુ સાથે જ પાનું પાડે છે. એઓ પણ રામનાં માનસ અને ચરિતને સતત ઓળખતા અને ઓળખાવતા રહે છે. એમની આ પદ્ધતિ ‘પ્રવાહી પરંપરા’નું તો ખરું જ, સાથોસાથ એમની નિજી રીતભાતનું પણ નોખું નિદર્શન છે… રામચરિત ભલે ‘માનસ’-પ્રણીત છે, પણ એની રજૂઆત બાપુની છે, નિજી છે. તુલસીનું ‘માનસ’ તુલસીનું રહેવા છતાં બાપુનું લાગે છે. રામકથાનો અનુબંધ મૂળમાં તો પ્રવાહી પરંપરા સાથે છે. એટલે વિચાર, સંવેદન, ભાવ-ભાવનાઓનું પુનરાવર્તન થાય એ સંભવિત છે. પણ બાપુમાં લગભગ દરેક પુનરાવર્તનનું નવ્ય રૂપ પ્રગટે છે. એ-ની-એ વાત હોય, પણ શબ્દસંયોજન બદલાઈ ગયાં હોય. એ માટેની એમની જાગૃતિ, એમનું ભાષા પ્રભુત્વ પ્રશંસનીય છે. આ વિગતોથી બાપુ સૌ કથાકારોથી જુદા પડે છે. એ જુદાઈ એમની રામકથાનું વ્યાવર્તક લક્ષણ છે. રજૂઆતની એમની શૈલી વડે એ જુદાઈ વધારે સ્પષ્ટ, આસ્વાદ્ય અને વિચારણીય બનતી હોય છે.’

નાટક, ફિલ્મ, નવલકથા કે પછી રામકથા નૉર્મલી ત્રણ તબક્કામાં વહેંચાયેલાં હોય: આદિ-મધ્ય-અંત. સુમન શાહે બહુ જબરી રીતે બાપુની રામકથાના તબક્કા વર્ણવ્યા છે જે મારે હિસાબે કોઈપણ વક્તાએ વક્તવ્ય આપતી વખતે કે લેખકે લેખ લખતી વખતે પણ ધ્યાનમાં રાખ્યો હોય તો એમનું કાર્ય વધુ ઉજળું બને. આદિ-મધ્ય-અંતના ત્રણ પડાવોને બદલે સુમન શાહે ચાર તબક્કાની યુનિક પ્રોસેસ ખોલી આપતાં કહ્યું છે: ‘કથા ચાર બિંદુને સ્પર્શે: પહેલું બિંદુ આરંભ, બીજું વિસ્તાર. વિસ્તાર બે પ્રકારના: સૂત્રવિસ્તાર અને મંત્રવિસ્તાર. થોડામાં ઘણું કહી દેવું અને વિચારોનો વિસ્તાર કરવો. ત્રીજું બિંદુ છે સમેટવું – ધીરે ધીરે પ્રત્યાહાર. ચોથું છે સમાપન. મેં જોયું છે કે એઓ આ ચારેય બિંદુને બરાબર વશ રહે છે અને દરેકને ખીલવે છે. એમને રામની કથા માત્ર કહી જવામાં રસ નથી. એમના વડે કથાનું તિરોધાન થાય છે – કથા તળિયે ચાલી જાય. બાપુ લીલા કરે, કથન કરે, જરૂર પડ્યે કથાવિસ્તાર, સંકુચન, બહેલાવે, ઝડપમાં કહી જાય. કથન ઉપરાંત આલેખન કરે, કૅમેરાની જેમ દૃશ્યો ઝડપી આપે. વિગતસભર વર્ણનો કરે, રસસ્થાનોને બહેલાવે, ગાન કરે. સંગીત બાપુની રામકથાનું અવિભાજ્ય અંગ છે.’

“(બાપુએ) આંસુની ૭ શ્રેણી ગણાવી હતી: હર્ષનાં આંસુ, શોકનાં આંસુ, ક્રોધનાં આંસુ (ગુસ્સામાં માણસ રડે ત્યારે), યોગનાં આંસુ, વિયોગનાં આંસુ, કપટનાં આંસુ (માણસ ખોટેખોટું રડે ત્યારે) અને છેલ્લે પ્રેમ-કરુણાનાં આંસુ’.”

બાપુની રામકથાનાં વિવિધ પાસાંને એક પછી એક તમારી સમક્ષ ઉઘાડતાં સુમન શાહ કહે છે: ‘કથા દરમિયાન બાપુ પોતાનાં બધાં જ સામર્થ્યોને પ્રયોજે છે: ગાવું, શેરોશાયરી કે કાવ્યપંક્તિઓના પાઠ કરવા, ગીતા-ભાગવત કે ઉપનિષદની વાણી હોય ત્યારે શુદ્ધ સૂત્રોચ્ચાર કરવા, શિષ્ટ અને લોક બંને ભાષાસ્વરૂપો પ્રયોજવાં, ટુચકા અને દૃષ્ટાંત કથાઓથી મુદ્દાઓને સાવ જ હસ્તાકમલવત્ કરી મૂકવા, સંદેશ માટે માર્દવ પ્રયોજવું, તેમ જ જરૂર પડ્યે સિંહનાદ કરવો, તેમ છતાં સંતુલન અને આભિજાત્ય કદી ચૂકવાં નહીં. અને હાસ્ય? એ તો ખરું જ ખરું. બાપુ હસાવે જ હસાવે ને હસનારા કદી નિષ્ફળ ન જાય. આ બધાથી રામકથારસ સૌનાં અંતરમાં સુખે ઠરતો હોય છે.’

લેખના અંતે બાપુની સેંકડો રામકથામાંથી રસનું એક ટપકું સુમનભાઈ તમને ટેસ્ટ કરાવે છે: ‘… (બાપુએ) આંસુની ૭ શ્રેણી ગણાવી હતી: હર્ષનાં આંસુ, શોકનાં આંસુ, ક્રોધનાં આંસુ (ગુસ્સામાં માણસ રડે ત્યારે), યોગનાં આંસુ, વિયોગનાં આંસુ, કપટનાં આંસુ (માણસ ખોટેખોટું રડે ત્યારે) અને છેલ્લે પ્રેમ-કરુણાનાં આંસુ’. આ છેલ્લી શ્રેણીનાં આંસુને વિસ્તારથી સમજાવતાં લખે છે: ‘કોઈ કામ નહીં, કોઈ હેતુ નહીં, અનપેક્ષભાવ હોય તો પણ આંસુ આવે, કેવળ પ્રેમના કારણે, કેવળ ભક્તિના કારણે. ભક્ત રડે છે. પ્રભુને પૂરા પામી લીધા હોય છે એટલે અહોભાવનાં આંસુ આવે છે’.

‘આહુતિ’ દ્વારા તમને ખબર પડે છે કે બાપુ ૩૬૫ દિવસ દરમિયાન કેટકેટલી પ્રવૃત્તિઓ કરતા રહે છે. આમ છતાં જ્યારે જ્યારે તમે, એમને મળો છો ત્યારે એમની પાસે દુનિયાભરની નિરાંત જ નિરાંત હોય છે. કોઈ ઉચાટની ક્ષણો નહીં, મગજમાં દોડધામ ચાલતી હોય એવી કોઈ નિશાનીઓ નહીં.

આ રામકથા બાપુને અને આપણને સૌને ક્યાંથી કયાં લઈ ગઈ એનો ચિતાર ‘આહુતિ’ના પાને પાને છે. બાપુ કહેતા હોય છે કે, ‘મારી નજીક કોઈ નથી અને હું કોઈથી દૂર નથી.’

‘આહુતિ’ દ્વારા તમને ખબર પડે છે કે બાપુ ૩૬૫ દિવસ દરમિયાન કેટકેટલી પ્રવૃત્તિઓ કરતા રહે છે. આમ છતાં જ્યારે જ્યારે તમે, એમને મળો છો ત્યારે એમની પાસે દુનિયાભરની નિરાંત જ નિરાંત હોય છે. કોઈ ઉચાટની ક્ષણો નહીં, મગજમાં દોડધામ ચાલતી હોય એવી કોઈ નિશાનીઓ નહીં. એમની સાથે વાત થતી હોય ત્યારે વાત કરનારને એવું લાગે કે જાણે બાપુએ તમારી વાત સાંભળવા માટે જ આ પૃથ્વી પર જન્મ લીધો હોય. આવી સાહજિક એકાગ્રતા, સૌ કોઈના માટેની આવી ક્ન્સર્ન આપણા જેવા સામાન્ય માણસો લાખ ધમપછાડા કરે તોય કેળવી ન શકે. બાપુ અસામાન્ય છે. બાપુનું કાર્યક્ષેત્ર વિરાટ છે, વિશાળ છે કારણ કે એમને અંગત રીતે આ બધાં કાર્યોમાંથી કશુંય મેળવવાની ખેવના નથી. એમને કશુંય જોઈતું નથી કારણ કે એમની જરૂરિયાતો ઘણી ઓછી છે. મૂકેશે રાજ કપૂર માટે ગાયેલા ગીતની એક પંક્તિના આ શબ્દો બાપુ ક્યારેક કથામાં ગાતા હોય છે, અને ખરેખર જ બાપુ ‘થોડે સે ગુજારા હોતા હૈ’ના માણસ છે.

આવતી કાલે ‘થોડે સે ગુજારા હોતા હૈ’ની ભાવનાથી જીવનારા જ કેવાં મોટાં મોટાં કામમાં ઓતપ્રોત થઈ શકે એનાં કેટલાંક ઉદાહરણો.

4 COMMENTS

  1. I m one of the flowers if Bapu.
    Send me this type articals.
    Artical is very informative heat touching.
    Jai Siya Ram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here