75 વર્ષમાં ભારતીય લોકશાહીએ જોયેલી તડકીછાંયડીઃ સૌરભ શાહ

(તડકભડકઃ ‘ સંદેશ ‘, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 14 ઑગસ્ટ 2022)

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે થોડો હિસાબકિતાબ જોઈ લઈએ. ‘લોકશાહી’ શબ્દનો, એની કન્સેપ્ટનો આ દેશમાં કેટલો દુરૂપયોગ થયો છે અને કેટલો સદુપયોગ થયો છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનું એક પ્રમુખ લક્ષણ. લખવાની આઝાદી. બોલવાની આઝાદી. ટીકા કરવાની આઝાદી. વિરોધનો મત જાહેર કરવાની આઝાદી. અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય વિના લોકશાહી ટકી જ ન શકે. સિંગાપોરની લોકશાહી કે દુબઈની રાજાશાહી કે ચીનની સામંતશાહીનાં અને એની અર્થવ્યવસ્થાનાં ગુણગાન ગાનારાઓ આંખે ડાબલાં બાંધીને આ કે આવા દેશોની પ્રગતિને જોતા હોય છે. એ દેશોની-શહેરોની સરખામણી ભારત સાથે કરીને તેઓ પોતાના દેશને ઉતારી પાડતા હોય છે. એ દેશોમાં અખબારી સ્વાતંત્ર્ય નથી અને સોશ્યલ મીડિયા પર પણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી. ત્યાંની સરકાર વિરુદ્ધ એક હરફ પણ તમે ઉચ્ચારો તો તમારું આવી બને. સ્થાનિક નાગરિક હો તો જેલમાં જવું પડે અને વિદેશી હો તો તમને તાત્કાલિક પાછા મોકલી દેવામાં આવે.

ભારત અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બાબતમાં જરાક વધારે પડતું જ ઉદાર હતું. આઝાદી પછી પાંચ-છ દાયકા સુધી વિદેશી પત્રકારો અહીં આવીને ભારત વિરુદ્ધ વિષ ઓકતા, ભારત વિશે તદ્દન ખોટી ઇમેજ ઊભી થાય એવા રિપોર્ટ-લેખો યુરોપ-અમેરિકાસ્થિત પોતાનાં દૈનિકો-સામયિકોને મોકલતા. કાશ્મીરમાં અશાંતિ વધુ ફેલાય અને ત્યાંની આગમાં પોતાની ભાખરી શેકાય એવા ટીવી રિપોર્ટ્સ મોકલતા.

એ ગાળામાં ભારતીય મીડિયાના પત્રકારો પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે દેશની છબિ ખરડવાનું કામ દિવસરાત કરતા રહેતા. સરકાર ચૂપચાપ જોયા કરતી. ભારત એક ગરીબ, અભણ, પછાત અને ગૌરવહીન દેશ છે એવી છાપ ભારતીયોમાં તેમજ વિદેશીઓમાં ઊભી કરવામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો દુરૂપયોગ કરનારા તે વખતના દેશી-વિદેશી મીડિયાનો ઘણો મોટો ભાગ હતો. આપણને આપણા સંસ્કાર વારસાનું ગૌરવ ન થાય એ માટે તેઓ સુંવાળી ભાષામાં, તર્કની વિકૃતિઓ ઉમેરીને લખતા.

છેલ્લા એકાદ દાયકામાં આ ચાલબાજીને પડકારવામાં આવી. તેઓને સરકાર તરફથી, વિદેશી એજન્સીઓ તરફથી મળતી કરોડો-અબજો રૂપિયાની સરવાણી સુકાઈ જાય એ માટેનાં કાયદાકીય પગલાં લેવાનું શરૂ થયું. અને આની સામે તેઓએ એકરાગે ભજન ગાવાનું શરૂ કર્યું. અમારું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય લુંટાઈ ગયું રે…

સરકારનો, શાસનનો, રાજકારણીઓનો વિરોધ કરવો એ દરેક નાગરિકનો હક્ક છે. સરકારના કે શાસનના નિર્ણયો દેશને હાનિકારક પુરવાર થતા હોય તો ચોક્કસ જોશભેર એનો વિરોધ પ્રગટ થવો જ જોઈએ. પણ છેલ્લા દાયકાઓમાં આપણે જોયું કે વિરોધીઓ તર્કબદ્ધ દલીલો સાથે પોતાના વિચારો પ્રગટ કરવાને બદલે દેશમાં અજંપો વધે એ રીતે પ્રજાના કેટલાક ભાગને ઉશ્કેરીને વિરોધ કરવાની પેરવી કરે છે. તેઓનાં પ્રવચનો, લખાણો કે તેઓની નારાબાજીનો સરવાળો દેશદ્રોહ નામે ઓળખાવો જોઈએ. કોઈ પણ પંજુછગ્ગુ અલેલટપ્પુ કંઈ પણ બોલે, તર્કનો છેડો ફાડીને બોલે, વિદેશી વિચારોની અસર હેઠળ અને ખાસ તો વિદેશી નાણાંની અસર હેઠળ બોલે ત્યારે તે વિરોધ નથી હોતો, દેશદ્રોહ હોય છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઘોર દુરૂપયોગ કરનારા આ લોકો દરેક ક્ષેત્રમાં છે. તેઓ દસેક વર્ષ પહેલાં ચૂપ હતા. એ વખતે એમનું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ચાલતી બિલાડી જેવું બીકણબાયલી બની જતું. અત્યારે તેઓ કાગળના વાઘ બનીને ફરે છે.

ન્યાયતંત્ર લોકશાહીનો એક અડીખમ સ્તંભ છે. ભારતીય ન્યાયતંત્ર અન્ય અનેક લોકશાહી દેશોની સરખામણીએ ઘણું ઓછું ભ્રષ્ટ છે.

શાસનના પડછાયાથી ન્યાયતંત્ર દૂર રહે તે ઇષ્ટ છે પણ ભારતના ન્યાયતંત્રમાં દરેક વખતે એવી પરિસ્થિતિ નથી રહી. ઇમરજન્સી જેનું કારણ બન્યું તે અલાહાબાદ હાઇકોર્ટના જજ જગમોહનલાલ સિંહને દાદ આપવી પડે કે એમણે દેશનાં વડાં પ્રધાનની ગેરરીતિઓ બદલ પીએમની સત્તા ડગુમગુ થઈ જાય એવો ચુકાદો આપવાની હિંમત બતાડી. પણ ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના કેટલાક જજસાહેબોએ તો એમને ઝૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે જમીન પર લેટીને આળોટવાનું જ બાકી રાખ્યું હોય એવા ચુકાદાઓ આપ્યા.

દેશની સર્વોચ્ચ અદાલત આતંકવાદીઓને ‘ન્યાય’ અપાવવા માટે અડધી રાતે પોતાના દરવાજા ખુલ્લાં કરે ત્યારે દેશવાસીઓને આશ્ચર્ય થતું. તાલુકા-જિલ્લા કક્ષાની અદાલતોમાં થતો નાનો-મોટો ભ્રષ્ટાચાર દેશને જેટલું નુકસાન કરે છે એના કરતાં હિમાલય જેવડું નુકસાન સર્વોચ્ચ અદાલતના પક્ષપાતને કારણે થતું હોય એના આપણે સૌ સાક્ષી છીએ. આ બધાનું મૂળ કારણ ઉપલી અદાલતોમાં થતી જજોની પસંદગીની પ્રક્રિયા જેમાં પારદર્શિતા લાવવા માટેનાં સૂચનો ઑલરેડી થઈ ચૂક્યાં છે પણ અત્યાર સુધી ટલ્લે ચડતાં રહ્યો છે. આગામી વર્ષોમાં તેનો અમલ થશે. શિક્ષણનીતિની જેમ અહીં પણ રાતોરાત પરિવર્તનની આવશ્યકતા છે. પણ શિક્ષણનીતિની જેમ અહીં પણ રાતોરાત પરિવર્તન કરવું શક્ય નથી એવો આ પેચીદો મામલો છે જેમાં ઊંડા ઉતરવા માટે એક સ્વતંત્ર લેખની જરૂર પડે.

કોઈ પણ દેશની શિક્ષણનીતિ દેશની ભાવિ યુવાપેઢીના મન પર ગજબની અસર કરતી હોય છે. આઝાદી પછી દેશની શિક્ષણનીતિ આપણામાં હીનભાવના પ્રેરતી રહી, આપણા ગૌરવને હણતી રહી. દેશની આર્થિક પ્રગતિમાં ફાળો આપી શકે એવી નવી પેઢીઓ તૈયાર કરવાને બદલે ગુડ ફૉર નથિંગ એવા ગ્રેજ્યુએટો, પોસ્ટગ્રેજ્યુએટો અને પીએચડી ધારકો પેદા થવા માંડ્યા.

ડૉક્ટર-એન્જિનિયરો વગેરે પણ ગુલામમાનસના પેદા થયા. જેઓ બ્રિલિયન્ટ હતા તેઓ દેશ છોડીને બીજે સેટલ થઈ ગયા. દેશમાં રહેલા મુઠ્ઠીભર પ્રોફેશનલો સાધન સગવડ વિના પણ દેશની સેવા કરીને ગુજરાન ચલાવતા રહ્યા. ખૂબ મોટું નુકસાન થયું આને કારણે. હવે ધીમે ધીમે બદલાવ આવવા માંડ્યો છે.

શિક્ષણ માત્ર આજીવિકાનું જ સાધન નથી, વિદ્યાર્થીના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસનો મહામાર્ગ છે એવી સમજણ ક્રમશઃ અમલમાં મૂકાઈ રહી છે.

ભારત પ્રાચીન સમયથી જ્ઞાનીઓનો દેશ રહ્યો છે. એક જમાનામાં સમગ્ર વિશ્વના જ્ઞાનનાં કેન્દ્રો ભારતમાં હતાં. ગુલામીના ઇતિહાસોએ આ કેન્દ્રોનો વિનાશ કર્યો. આઝાદી મળ્યાના તુરંત બાદ જ્ઞાનની એ પરંપરાને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરવાના હતા, ન થયા, પણ આનંદની વાત એ છે કે હવે થઈ રહ્યાં છે.

હજુ થોડાં લેખાંજોખાં બાકી છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન તક મળ્યે વધુ લેખાજોખાં કરતાં રહીશું.

પાન બનાર્સવાલા

મારે જેટલું સત્ય બોલવું જોઈએ એટલું હું બોલી શકતો નથી. મારી હિંમત ચાલે એટલું જ બોલું છું. રોજ થોડીક હિંમત વધારતો જાઉં છું અને પુખ્ત થતો જાઉં છું.

—મોન્તેન

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here