પર્સનલ લાઈફમાં શિસ્ત એટલે શું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક: ભાદરવા વદ સાતમ, વિક્રમ સંવત ૨૦૭૭. મંગળવાર, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ )

નાનપણથી જ પેરન્ટ્સ તરફથી, સ્કૂલમાં શિક્ષકો તરફથી શિસ્તના પાઠ શીખવાડવામાં આવે છે. નિયમિત સમયે ભોજન કરવાનું, નિયમિત સમયે ભણવાનું, નિયમિત સમયે ઊંઘી જવાનું, નિયમિત સમયે ઊઠી જવાનું.

પણ શિસ્તના આ પાઠ આપણને ચડતા નથી. આપણે માની લીધું કે શિસ્ત એટલે બંધન અને હું જો આ બંધન સ્વીકારીશ, શિસ્તમાં રહીશ તો મારું ધાર્યું નહીં કરી શકું, મારી જિંદગી હું મારી રીતે જીવી નહીં શકું. આપણે આપણી વ્યક્તિગત સ્વતંત્રતા મેળવવા, આપણું ધાર્યું કરી શકીએ તે માટે, કોઈના ગુલામ ન બની જઈએ એવી ભાવનાથી, આપણી જિંદગી આપણી રીતે જીવી શકીએ તે માટે શિસ્તમાં રહેવાની વાતને સિરિયસલી ન લીધી. એટલું જ નહીં એની સામેના છેડે જઈને ગેરશિસ્તમાં કે અશિસ્તમાં રહેવાનું પસંદ કર્યું જાણે રિબેલ બનતા હોઈએ.

આ બહુ મોટી ગેરસમજ હતી. વડીલોએ પણ સમજાવ્યું નહીં કે શિસ્તમાં રહેવું અને જિંદગીમાં ધાર્યું કરવું એ બે બંને જુદી વાતો છે. આ બેઉ વાતને એકબીજા સાથે સાંકળવી જ હોય તો એ રીતે સાંકળવી જોઈએ કે જો જીવનમાં તમારે ધાર્યું કરવું હશે તો પ્રથમ શરત એ છે કે શિસ્તમાં રહેવું પડશે.

તમારા કુટુંબમાં બધા તમને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવા માગે છે, પણ તમારે તમારું ધાર્યું કરીને તબલાંવાદક બનવું છે તો રોજ નિયમિતપણે સવારે ઊઠીને કલાકો સુધી રિયાઝ કરવો પડશે. આવી શિસ્ત નહીં હોય તો બની રહ્યા તમે તબલાંવાદક. ક્રિકેટર બનવું હશે તો રોજ વહેલા ઊઠીને મેદાનમાં જઈને કલાકો સુધી પ્રેક્ટિસ કરવી પડશે, વિવિધ કસરતો કરવી પડશે, ખાવાપીવાની બાબતમાં પરેજી પાળવી પડશે. આવી શિસ્ત વિના તમે ક્રિકેટર નહીં બની શકો.

જીવનમાં તમારે તમારું ધાર્યું કરવું હોય, તમારે તમારી રીતે જીવવું હોય તો એની પહેલી અનિવાર્ય શરત છે શિસ્ત – ડિસિપ્લિન. તમારે ઈવન અંડરવર્લ્ડમાં જોડાઈને તમારું ધાર્યું કરવું હોય તો પણ શિસ્ત પાળવી પડે.

શિસ્ત એટલે માત્ર વહેલા ઊઠવું કે નિશ્ચિત સમયે જમી લેવું એટલું જ નહીં. શિસ્ત એટલે નિયમિતતા. શિસ્ત એટલે સંયમ. શિસ્તનો સામસામા છેડાનો સચોટ વિરોધી શબ્દ છે બેફામ, અમર્યાદ કે મર્યાદા વિના જીવવું તે.

જીવનમાં જે કંઈ કામ કરવું હોય તે કરતાં પહેલાં જીવનમાં નિયમિતતા, સંયમ, મર્યાદા હોવાં જરૂરી છે. એના વિના ગમે એટલી ટેલેન્ટ હશે, ગમે એટલી મહેનત કરીશું, ગમે એટલી અપૉચ્યુનિટીઝ મળશે — કંઈ નહીં કરી શકીએ. કાં તો સરિયામ નિષ્ફળ જઈશું, કાં મીડિયોકર લેવલનાં કામોમાં છબછબિયાં કરતાં રહીશું.

ટીનેજમાં સૌ કોઈ રિબેલ વિધાઉટ અ કૉઝ હોય છે. મનમાં બળવો કરવાની તીવ્ર ભાવના હોય છે. દુનિયામાં જે કંઈ ચાલે છે તે બધું જ ખોટું છે – એને રાતોરાત બદલી કાઢવાનું જોમ હોય છે. આપણને ખબર નથી હોતી એ વખતે કે આ બધું જે કંઈ ચાલે છે તે આપણે તો શું આપણા બાપદાદા પણ જન્મ્યા નહોતા ત્યારનું ચાલી આવે છે. એને બદલીને કંઈક જુદું કરવું હશે તો માત્ર એને તોડી પાડીને કશું નહીં થાય, એની જગ્યાએ નવું શું કરવું છે તેવો વિચાર પહેલાં કરવો પડે. પછી જ જે સ્થપાયેલું છે તેને ઊથલાવવાની વાત કરી શકાય. ઘણી સંસ્થાઓમાં કે દેશમાં કે કોઈપણ વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવા ઈચ્છતા લોકોને તમે પૂછો કે ચાલો, આ બધું નષ્ટ કરી દઈએ, ભલે. પણ એની જગ્યાએ તમે નવું શું લાવવા માગો છો, કેટલા વખતમાં અને કેવી રીતે લાવવા માગો છો એનો નક્કર ગેમપ્લાન તો બતાવો? ટીનેજમાં જ નહીં એ પછીની ઉંમરે પણ આપણામાંના ઘણા રિબેલ વિધાઉટ અ કૉઝ જેવું વર્તન કરતા હોય છે.

ખેર, ટીનેજમાં કોઈ આપણને શિસ્તના પાઠ ભણાવવા માગે ત્યારે તે આપણને બંધનમાં નાખવા માગે છે એવું લાગે છે. કોઈ આપણને આપણી રીતે જીવવા દેવા નથી માગતું એવું લાગે છે.

પણ હવે જોઈ લીધું કે આપણે આપણી રીતે જીવવું હોય તો શિસ્તબદ્ધ રીતે જીવનશૈલી ગોઠવવી જ પડે. ડિસિપ્લિનવાળી લાઈફસ્ટાઈલ વિના આપણે આપણી રીતે જીવી ન શકીએ. આ વાત આપણે સમજી લઈએ તો આપણને તો ફાયદો છે જ, વધારે ફાયદો ટીનેજર્સને છે જો તમે એમને આ વાત એમની ભાષામાં, એમની દુનિયાને આત્મસાત્ કરીને સમજાવી શકો તો. જો એવું થયું તો તેઓ આ પાઠ ભણાવવા બદલ તમારો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલે.

••• ••• •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here