‘નમકહરામ’માં સંગીત આપવા આર. ડી. બર્મને કેટલા પૈસા લીધા

ગુડ મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 8 જાન્યુઆરી 2019)

નદિયા સે દરિયા, દરિયા સે સાગર, સાગર સે ગહરા જામ ગીત ૧૯૭૩ના વર્ષમાં બિનાકા ગીતમાલામાં વર્ષનું ૧૮મું શ્રેષ્ઠ ગીત હતું. આ ઉપરાંત આર. ડી. બર્મને આ જ ફિલ્મ ‘નમકહરામ’ માટે આનંદ બક્ષીના શબ્દોને સ્વરબદ્ધ કરીને બીજાં બે પૉપ્યુલર ગીતો બનાવ્યાં હતાં: મૈં શાયર બદનામ અને દિયે જલતે હૈં ફૂલ ખિલતે હૈં. આર. ડી. બર્મનને હૃષિકેશ મુખર્જીના ડિરેક્શનવાળી આ ફિલ્મ પ્રોડ્યુસર સતીષ વાગળેને કારણે મળી હતી. આર. ડી.ના બહુ જૂના મિત્ર સતીષ વાગળે અગાઉ વૈજયંતિમાલા-ધર્મેન્દ્રને લઈને ‘પ્યાર હી પ્યાર’ (૧૯૬૯) બનાવી ચૂક્યા હતા. એમાં એમણે મ્યુઝિક આપવા માટે શંકર-જયકિશનને લીધા હતા. ‘નમકહરામ’ (૧૯૭૩) બનાવવાનું નક્કી થયું ત્યારે જયકિશનજી ગુજરી ગયા હતા (૧૯૭૧). સતીષ વાગળે આર. ડી. બર્મન પાસે આવ્યા. આર. ડી.એ પૂછયું કે, ‘તમારા બૅનરમાં તો શંકરજયકિશનનું મ્યુઝિક હોય છે. જયકિશન હયાત હોત તો તમે મારી પાસે આવ્યા હોત?’ સતીષ વાગળેએ નિખાલસતાથી કહ્યું કે, ‘ઈન ધૅટ કેસ શંકરજયકિશને જ મારી બધી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું હોત.’

હવે આર. ડી.ની મહાનતા જુઓ, સાહેબ. એમણે કહ્યું, ‘આજે જ્યારે શંકર એકલા છે ત્યારે એમને મળનારી ફિલ્મ મને ઑફર થઈ રહી છે. જયકિશન નથી રહ્યા એમાં શંકરનો કોઈ વાંક નથી. એમના હક્કની ફિલ્મ કરતાં પહેલાં મારે એમને પૂછવું જોઈએ અને એ હા પાડશે તો જ હું આ ફિલ્મ કરીશ.’

શંકરજીએ આશીર્વાદ આપ્યા. આર. ડી.એ ‘નમકહરામ’ સાઈન કરી? પૈસા? આર. ડી. કહે: ‘આમાં મારી કોઈ ફી નહીં. મ્યુઝિશ્યન્સ-રેકોર્ડિંગ-ગાયકોનો જે ખર્ચ થાય તેનું કવર તમારે ડાયરેક્ટ એ લોકોને આપી દેવાનું. હું આ ફિલ્મ જયકિશનને મારા તરફથી શ્રદ્ધાંજલિ આપવા કરું છું. એક પણ રૂપિયો ન લેવાય મારાથી.’

એટલું જ નહીં સતીષ વાગળેની રાજેશ ખન્ના – રાજ કપૂરવાળી ફિલ્મ ‘નૌકરી’માં તેમ જ સતીષ વાગળેની મરાઠી ટીવી સિરિયલ તથા એક મરાઠી ફિલ્મ (જેનો ઉલ્લેખ ગઈ કાલે કર્યો) માટે પણ આર. ડી. બર્મને આ જ શરતે કામ કર્યું. આર. ડી. જાણતા હતા કે જયકિશન જીવતા હોત તો આ બધું જ કામ સતીષ વાગળેએ શંકરજયકિશનને જ આપ્યું હોત.

જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા મોટા ઍક્ટરો, દિગ્દર્શકો, સંગીતકારો બીજાઓનું કામ પડાવી લેવા કાવાદાવા કરતા હોય, ચમચાગીરી કરતા હોય અને ભવિષ્યમાં જે ઈન્ડસ્ટ્રીની રેકૉર્ડ કંપનીઓ આર. ડી.નો બૉયકોટ કરવાની હોય તે ઈન્ડસ્ટ્રીના કેટલાક ગટર ક્લાસ લોકો સાથે રહીને પણ આર. ડી. બર્મને પોતાની નૈતિકતા, પોતાની સ્વચ્છતા, પોતાની નિર્દોષતા અને પોતાની સિદ્ધાંતપરસ્તી જાળવી રાખી હતી.

આવા રાહુલ દેવ બર્મનની ૨૫મી પુણ્યતિથિએ લોકો મુંબઈથી પુણે સુધીની જાત્રા કરે એમાં શેની નવાઈ.

છેલ્લા દોઢ-બે દાયકામાં આર. ડી.નું મ્યુઝિક કેન્દ્રમાં હોય એવા અનેક ઑરકેસ્ટ્રાના કાર્યક્રમો થાય છે. એમાંના કેટલાક આઉટસ્ટેન્ડિંગ હોય છે જેમ કે માત્ર ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વગાડીને (કોઈ ગાયક-ગાયિકા વિના) થતા ડૉ. અજિત દેવલ દ્વારા યોજાતા કાર્યક્રમો જેના વિશે અગાઉ લખી ચૂક્યા છીએ. કેટલાક પંચમના ફૅન્સને કદાચ મઝા કરાવે પણ ઝાઝું ઊંડાણ ન હોય એવા કાર્યક્રમો તેમ જ ત્રીજા એવા પ્રકારના કાર્યક્રમો જેનો આશય માત્ર પંચમનું નામ વટાવીને બે પૈસા કમાઈ લેવાનો હોય.

આ ત્રણેય પ્રકારના કાર્યક્રમો વર્ષોથી થતા રહે છે અને વર્ષો સુધી થતા રહેવાના છે. પણ પુણેમાં ચાર રિયલ પંચમપ્રેમીઓ જે કામ અલમોસ્ટ ૨૦૦૦ની સાલથી કરતા આવ્યા છે તે એકદમ યુનિક છે. પહેલી વાત તો એ કે આ કોઈ ઑરકેસ્ટ્રાનો કાર્યક્રમ નથી. બીજી વાત એ કે કાર્યક્રમની એક એક પળ પંચમના મ્યુઝિકમાં ડૂબેલી હોય છે. કોઈ ખોટી ઝાકઝમાળ નહીં, અમસ્તી શોશાં નહીં, લોકોને ઈમ્પ્રેસ કરી નાખવાની પ્રયુક્તિઓ નહીં, કાર્યક્રમનું કૉમ્પેરિંગ કરનારાઓ તરફથી શબ્દોના કોગળા કે વિશેષણોની વૉમિટ નહીં, તાળીઓ ઉઘરાવવાની નહીં, નેમ ડ્રોપિંગ નહીં, પોતે કેટલા જાણકાર છે – વિષયપારંગત છે એવા દેખાડા નહીં. એકદમ સાદોસીધો કાર્યક્રમ જેમાં આર. ડી. બર્મનના મ્યુઝિક તથા એને સંબંધિત જે કંઈ વાતો હોય તેના ખજાનાનો પટારો ખુલ્લો મૂકવામાં આવે અને અગિયારસોની કુલ કૅપેસિટીના ઑડિટોરિયમમાં બેઠેલા પંચમપાગલો સમક્ષ એક પછી એક મોતી, હીરા, રત્નો પ્રગટ કરવામાં આવે.

આર. ડી.ની જન્મજયંતી (૨૭ જૂન) તથા પુણ્યતિથિ (૪ જાન્યુ.)ના દિવસે દર વર્ષે બે વાર કાર્યક્રમ થાય. ચાર મિત્રોનું આયોજન હોય. અંકુશ ચિચણકર મુંબઈના છે. બાકીના ત્રણ મિત્રો પુણેકર છે: રાજ નાગુળ, આશુતોષ સોમણ અને મહેશ કેતકર. ચારેય સંગીતપ્રેમીઓ પોતાના વિષયના ખાંસાહેબો છે, ઈન્ડસ્ટ્રી સાથે વેલ કનેક્ટેડ છે, ડેડિકેટેડ પંચમપ્રેમીઓ છે. અગાઉ એમના કાર્યક્રમોમાં ગુલઝાર સાહેબ ત્રણ વાર આવીને સ્ટેજ પરની મુલાકાત દરમ્યાન પંચમ વિશે અમૂલ્ય વાતો શેર કરી ગયા છે. ભૂપિન્દર-મિતાલી પણ ત્રણ વાર આવી ગયાં છે. આર. ડી. બર્મન સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીની કઈ નાનીમોટી વ્યક્તિ નથી આવી તે પૂછો. દરેક જણે આર. ડી. સાથેના પોતાના જે અનુભવો શેર કર્યા હોય, આર. ડી.ના વ્યક્તિત્વની અને મ્યુઝિકની ખાસિયતો વર્ણવી હોય, નાનામોટા યાદગાર પ્રસંગો કહ્યા હોય તેનું સંકલન કરવા બેસો તો એનસાયક્લોપીડિયા તૈયાર થઈ જાય. અમે જોકે, પહેલી જ વાર આ કાર્યક્રમમાં હાજરી આપી. આ વખતે મહેમાનોની યાદીમાં ટોચનું નામ લુઈ બૅન્ક્સનું હતું. પિયાનિસ્ટ લુઈ બૅન્ક્સનું આર. ડી. સાથેનું કામ તમારે યાદ કરી લેવું હોય તો આ લેખ વાંચવાનું બાજુએ મૂકીને હમણાં ને હમણાં જ યુ ટ્યુબ પર ‘જીવન કે દિન છોટે સહી ફુલ લેન્થ સોન્ગ’ સર્ચ કરશો તો ૪ મિનિટ ૩૪ સેક્ધડનો જે વિડિયો નીકળશે તે જો જો, સાંભળજો. પહેલી સેક્ધડથી ૪૭મી સેક્ધડ સુધીનો પિયાનો સાંભળજો. લુઈ બૅન્ક્સ આ છે. આવી તો ઘણી કમાલો એમણે આર. ડી. માટે કરી છે.

લુઈ બૅન્ક્સ ૭૮ વર્ષના છે અને એમને પિયાનો વગાડતાં જુઓ તો એમની સ્ફૂર્તિ-એનર્જી ૩૫ વર્ષના તરવરિયા યુવાન જેવી લાગે. હવે મઝા જુઓ સાહેબ. આર. ડી. સાથે જેમણે રેકૉર્ડિંગમાં વગાડ્યું હોય તે મ્યુઝિશ્યન પોતાનું વાદ્ય સાથે લઈને આવે. વાંસળીવાદકે તો ભાગ્યે જ કોઈ ભાર ઊંચકવાનો હોય. ટ્રમ્પેટ, સેક્સોફોન, ગિટાર કે સંતુર પણ સારી રીતે એના બૉક્સમાં સાચવીને લાવી શકાય. પણ લુઈ બૅન્ક્સ આવવાના હોય ત્યારે શું કરવું? સાહેબ, મુંબઈથી આખેઆખો કૉન્સર્ટ ગ્રાન્ડ પિયાનો ઊંચકીને પુણેના તિલક સ્મારક મંદિરના સ્ટેજ પર લાવવામાં આવે છે. લગભગ આઠેક ફીટ પહોળો અને એથીય વધુ લંબાઈ ધરાવતો આ પિયાનો વગાડવા માટે તમારા હાથ કાનૂનથીય લાંબા હોવા જોઈએ. અમે ક્ધફર્મ કર્યું કે મુંબઈથી આવેલા આ પિયાનો માટે રૂ. ૫૦,૦૦૦નું ભાડું ચૂકવવામાં આવ્યું છે: ટ્રાન્સપોર્ટેશન અને ટ્યુનિંગના અલગ. માલસામાનની હેરફેર કરવાવાળા મૂવર્સ એન્ડ પેર્ક્સની જેમ પિયાનો મૂવર્સ અલગ હોય છે. જેમ ઘરમાં વપરાતું વૉશિંગ મશીન તમારે બહારગામ સ્થળાંતર કરતી વખતે સાથે લઈ જવું હોય ત્યારે કંપનીવાળા વૉશિંગ મશીનની મોટરને તથા એના હાલકડોલક થાય એવા પાર્ટ્સને ખાસ સાધનો વડે જડબેસલાક સ્થિર કરી આપે એવી રીતે પિયાનો મૂવર્સ પિયાનોની નાજુક કીઝ, સ્ટ્રિંગ્સ વગેરેને કાળજીપૂર્વક કોઈ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે બાંધે તેમ જ પિયાનોના એક્સટિરિયરને, એની પોલિશના ચળકાટને ડેમેજ ન થાય તે પણ જુએ. આ માટે એમણે શું ચાર્જ લીધાં હશે તે તો ભગવાન જાણે. સંગીતનું દરેક વાદ્ય વગાડતાં પહેલાં વાદ્યકાર એને ટ્યુન કરે. પોતે જે સ્કેલમાં ગાવાના હોય તે મુજબ એનું ટ્યુનિંગ કરે. આ કામ તેઓ પોતે જ કરે જેના માટે બે-પાંચ મિનિટથી લઈને ક્યારેક દસેક મિનિટ પણ લાગે. પિયાનોનું ટ્યુનિંગ પિયાનોવાદક પોતે નથી કરતા હોતા. પિયાનોવાદકે કયા સ્કેલમાં ટ્યુનિંગ કરાવવું છે તેને લગતી તેમ જ અન્ય ટેક્નિકલ ઈન્સ્ટ્રક્શન્સ મુજબ પિયાનો ટ્યુનર એનું ટ્યુનિંગ કરી આપે જે કામ માટે બેત્રણ કલાક સહેલાઈથી નીકળી જાય.

પુણેની મહારાષ્ટ્રિયન થાળી પીરસતી વન ઑફ ધ બેસ્ટ રેસ્ટોરાં ‘દુર્વાંકુર’માં (સદાશીવ પેઠમાં તિલક સ્મારક મંદિરથી પાંચ મિનિટના અંતરે) થાળીપીઠ-મટકી મિસળ-સાબુદાણા વડા વગેરે જાતભાતનાં વ્યંજનોવાળી ફુલ થાળી ઓહિયાં કરીને અમે ઑડિટોરિયમમાં પ્રવેશ્યા ત્યારે અમારી ડાબી તરફ દેખાતો કૉન્સર્ટ ગ્રાન્ડ પિયાનો જોઈને અમે જબરજસ્ત ઈમ્પ્રેસ થઈ ગયા. પણ આ પિયાનો કોઈને ઈમ્પ્રેસ કરવા માટે નહીં, લુઈ બૅન્ક્સે આર. ડી. બર્મન માટે વગાડેલા સંગીતનું ડેમોન્સ્ટ્રેશન આપી શકે એ માટે લાવવામાં આવ્યો હતો.

લુઈ બૅન્ક્સની સેશન પોસ્ટ ઈન્ટરવલ હતી. ઈન્ટરવલ પહેલાં સ્ટેજ પર એ ગુજરાતી વ્યક્તિને બોલાવવામાં આવી જેમણે ‘ઓ મેરે દિલ કે ચૈન, ચૈન આયે મેરે દિલ કો દુઆ કીજિયે’, ‘ચલા જાતા હૂં કિસી કી ધૂનમેં’, ‘આઓ ના ગલે લગાઓ ના’ તથા ‘દીવાના લે કે આયા હૈ દિલ કા તરાના’ જેવાં આર. ડી. બર્મનનાં સુપરહિટ ગીતો ધરાવતી હિંદી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. એમની વાતો કાલે. અને કાલે એમણે કરેલી એવી અનોખી વાત જેની જાણ હજુ સુધી ઈન્ડસ્ટ્રીમાં પણ કોઈનેય યાદ નહીં હોય. ‘દીવાના લે કે આયા હૈ’ ગીતમાં રાજેશ ખન્ના ઉપર એક વખત ટ્રોલી શૉટ વડે કેમેરા ફેરવવામાં આવ્યો છે. સ્ટુડિયોમાં પાટા ગોઠવીને એની ઉપર મૂકેલી ટ્રોલીને ધક્કો મારવાનું કામ કેમેરામેનના કોઈ જુનિયર આસિસ્ટન્ટે કરવાનું હોય. રવિ નાગાઈચના દિગ્દર્શનવાળી આ ફિલ્મમાં આ ગીતમાં ટ્રોલી શૉટ વખતે પાટા પરની ટ્રોલીને કોણે ધક્કો માર્યો હતો? કાલે વાત.

આજનો વિચાર

પરફેક્ટ જોડી ચંપલમાં જ જોવા મળે છે. બાકી બધી અંધશ્રદ્ધા છે: સ્વામી પતિ-ગયાનંદ

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકા અને પકાનો ત્રીજો દોસ્તાર જીગર. આજે જીગર ખુશખુશાલ હતો. બકાએ કારણ પૂછયું. જીગર કહે: ‘મારી પડોશમાં રહેતી ભાભી એની નણંદને કહેતી હતી કે આવી ઠંડીમાં ન્હાવા માટે તો જીગર જોઈએ.’

9 COMMENTS

  1. Louis Banks also have music for the famous Pankaj Kapoor serial Karamchand in late 80s. Excellent article. Although it’s not your duty, pan jo tame RDB na programmes vishe advance ma janavi shako to we also can attend. Bija RDB premione pan labh mali shake… ?

  2. Hi Saurabh Bhai. Salute 2 u 4 d article on Pancham Da. I am also a die hard Asha-Kishore-R. D.Burman Fan.Ur research & minutely Information r zabardast. I have no words 2 express. U r indeed doing a gr8 job. Please continue 2 give such informative articles. Thanx Boss.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here