પુણેમાં પંચમની પચ્ચીસમી પુણ્યતિથિએ

ગુડ મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 7 જાન્યુઆરી 2019)

આર. ડી. બર્મનનું મ્યુઝિક હોય એવી કઈ ફિલ્મ છે જેમાં પિતા એસ. ડી. બર્મને ગાયું હોય? રાઈટ. ‘અમરપ્રેમ’. ડોલી મેં બિઠાઈ કે કહાર, લાયે મોહે સજના કે દ્વાર, બીતે દિન ખુશિયાં કે ચાર. આનંદ બક્ષીના આ શબ્દો રાહુલ દેવ બર્મને સંગીતબદ્ધ કર્યા અને પિતા સચિનદા પાસે ગવડાવ્યા.

આ તો જોકે સિમ્પલ હતું. હવે એ કહો કે પિતા સચિન દેવ બર્મનના મ્યુઝિકમાં પુત્ર રાહુલ દેવ બર્મને કયું ગીત ગાયું હતું?

આ સવાલ પુણેના તિલક સ્મારક મંદિરમાં ચોથી જાન્યુઆરીની સાંજે યોજાયેલા ‘રોમાન્સિંગ વિથ પંચમ’ કાર્યક્રમમાં ઈન્ટરવલ પહેલાં પુછાય છે. ૧,૧૦૦ પંચમપ્રેમીઓથી ખીચોખીચ એવા સભાગૃહમાં સન્નાટો. એક એકથી ચઢિયાતા હિન્દી ફિલ્મના જાણકારો, રસિયાઓ અને આર. ડી. બર્મનના દીવાનાઓ ભેગા થયા છે. અમારા જેવા પંચમ પાગલો તો છેક મુંબઈથી રોડ જર્ની કરીને પુણે આવ્યા છે અને કાર્યક્રમ પછી પાછા મુંબઈ જતા રહેવાના છે. આવા કોઈ સવાલ પુછાય ત્યારે નૉર્મલી શ્રોતાઓ ઉત્સાહમાં આવીને કંઈ પણ ઉત્તર ફેંકાફેંક કરીને ગેસ વર્ક કરે, તુક્કા લડાવે, લાગ્યું તો તીર… પણ અહીં એવા સજજ શ્રોતાઓ હતા જેમને આવી બધી છીછરાગીરીમાં રસ નહોતો. નથી આવડતું તો ચૂપ રહેવાનું. કોન્ફિડન્ટ હો તો જ બોલવાનું. થોડી ક્ષણો સુધી ઑડિટોરિયમમાં પિન ડ્રોપ સાયલન્સ. સંપૂર્ણ સન્નાટો. છેવટે એક ક્લ્યુ આપવામાં આવે છે: ‘બંગાળી ગીત છે’. અને થોડા સળવળાટ, ગણગણાટ. પાછળથી કોઈ બોલે છે: ‘આરાધના’ – બાગોં મેં બહાર હૈ!

યસ. ‘આરાધના’ના બંગાળી વર્ઝનમાં આ ગીતમાં મોહમ્મદ રફીનો નહીં આર. ડી. બર્મનનો અવાજ છે. હિંદીનું ‘આરાધના’ બંગાળીમાં ડબ કરીને રેગ્યુલર ફિલ્મની જેમ તામઝામ સાથે રિલીઝ કરવામાં આવી હતી. ૧૯૬૯માં હિંદીમાં બનેલી ‘આરાધના’ને બંગાળીમાં ડબ કર્યા પછી ૧૯૭૪માં તમિળ તેમ જ તેલુગુ – બે ભાષામાં એની રિમેક્સ આવી. યુ ટ્યુબ પર ‘માધોબી ફુટે છે ઓઈ’ સર્ચ કરશો તો મૂછીવાળા રાજેશ ખન્ના ફરીદા જલાલ સાથે બંગાળીમાં આ ગીત ગાતા માણવા મળશે. ‘બાગોં મેં બહાર બેન્ગાલી’ નાખશો તોય ચાલશે. આર. ડી. બર્મન એમના નેચરલ અવાજમાં સાંભળવા મળશે. ‘આરાધના’ના બંગાળી વર્ઝનમાં ‘ગુન ગુના રહે હૈ ભંવરે ખિલ રહી હૈ કલી કલી’ કિશોર કુમારે ગાયું છે જે ઓરિજિનલ હિન્દીમાં મોહમ્મદ રફીના અવાજમાં છે: ગુન્જોને ડોલે જે ભ્રમોર…

આ વર્ષની જાન્યુઆરીની ચોથી એટલે પંચમદાની ૨૫મી પુણ્યતિથિ. ૧૯૯૪ની ચોથી જાન્યુઆરીએ બ્રાહ્મ મુહૂર્તમાં એમણે વિદાય લીધી. આગલે દિવસે પંચમ આખો દિવસ પુણેમાં જ હતા. એક મરાઠી ફિલ્મના સંગીતના સિલસિલામાં. સાંજે સેલ્ફ ડ્રાઈવ કરીને જ મુંબઈ પાછા આવ્યા. શક્તિ સામંતાના ઘરે પાર્ટી હતી. પાર્ટી અટેન્ડ કરીને મોડેથી સાંતાક્રુઝના ‘મેરીલૅન્ડ’ના ફલેટ પર પાછા આવ્યા. મોડી રાતે અસ્વસ્થ થયા. બે હાર્ટ અટેક અને પછી બાયપાસ સર્જરી. આ ત્રીજો અટેક હતો. ઉંમર ૫૪ વર્ષની હતી. માત્ર ચોપ્પન.

પુણેમાં પંચમ સતીશ વાગળેને મળવા ગયા હતા. વાગળેની મરાઠી ફિલ્મ ‘સુખી સંસારા ચે બારા (૧૨) સૂત્ર’માં મ્યુઝિક આપી રહ્યા હતા.

આર. ડી. બર્મન અંતકાળ સુધી બિઝી તો હતા જ. હિન્દી ફિલ્મો ઓછી મળતી હતી પણ છ બંગાળી ફિલ્મો એમણે આગલા વરસે કરી. મરાઠીમાં પણ મ્યુઝિક આપતા. ટીવી સિરિયલ પણ કરી. હિંદી ફિલ્મોમાં રેકૉર્ડ કંપનીવાળાઓની દાદાગીરી વધી ગઈ હતી. કઈ ફિલ્મમાં કોણ મ્યુઝિક આપશે, કોણ ગાશે, કઈ ટ્યુન લેવાશે એવી જોહુકમી રેકૉર્ડ કંપનીઓ કરતી થઈ ગઈ હતી. અંડરવર્લ્ડના પૈસાનું જોર પણ એ જમાનામાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગ્રસી ગયું હતું.

આર. ડી. બર્મનને જિંદગીમાં છેવટ સુધી ક્યારેય પૈસાની તંગી નહોતી. વિદાય લીધી ત્યારે ઘરમાં ત્રણ પરમેનન્ટ નોકરો હતા. ‘ઓડિના’માંથી ‘મેરીલૅન્ડ’માં રહેવા આવ્યા પછી જુહુમાં યશ ચોપડાની ઑફિસના બંગલાની આસપાસ એકાદ કરોડમાં કોઈ સારો બંગલો મળે તો હવે ફલૅટમાંથી ત્યાં શિફટ થઈ જવું છે એવું પણ પ્લાનિંગ હતું.

પૈસાની બચત માટે એમણે પાઈ પાઈની કંજૂસી નહોતી કરી. જે કમાણી થતી તેમાંથી છુટ્ટે હાથે વાપરતા. પોતાના આનંદ માટે અને બીજાને સુખી કરવા પણ. એમના પરકશનિસ્ટ કાંચા (રણજિત ગજમેર)ને સ્લીપ ડિસ્કનું દર્દ થયું ત્યારે છ મહિના સુધી રોજના સિટિંગ મની (ઓવરટાઈમ સહિત) પંચમે હોમી મુલ્લાં દ્વારા કાંચાના ઘરે પહોંચાડ્યા છે એ વાત તો રેકૉર્ડ પર છે જ. બીજા અનેક એવા કિસ્સા છે. આ કાંચા એટલે ‘ઘર’ના ‘તેરે બીના જિયા જાયે ના’માં જેમણે યુનિક સ્વરમાં તબલાં વગાડ્યાં છે તે. અને હોમી મુલ્લાં પણ પરકશનિસ્ટ જેમણે પંચમની કેટલીય ફિલ્મોમાં રેશો રેશો સહિતની અનેક સાઈડ રિધમમાં સાથ આપ્યો છે. રેશો રેશો એટલે ‘પડોસન’ના ‘મેરે સામનેવાલી ખિડકી’ ગીતમાં શરૂમાં ફિલ્મમાં ઝાડુ પર કાંસકો ઘસીને જે અવાજ કાઢવામાં આવે છે એવું બતાવાય છે તે. રેકૉર્ડિંગમાં કંઈ ઝાડુ-કાંસકા ન વગાડવાના હોય.

કોઈને ઉડાઉ લાગે પણ આર. ડી. ઉદાર હતા. સરસ્વતી પૂજન દર વર્ષે કરે. વસંત પંચમીના દિવસે ઈન્ડસ્ટ્રીના મિત્રો, સાથી મ્યુઝિશ્યન્સ વગેરેને તો આમંત્રણ હોય જ ‘ઓડિના’માં જ રહેતા એક ફલેટધારકે કહ્યું છે કે પંચમ આખા બિલ્ડિંગમાં દરેક ફ્લેટમાં જઈને પર્સનલી આમંત્રણ આપે. ખુદ પંચમ! વિચાર કરો. બંગાળી ભોજન હોય. શાકાહારી. કોઈ વખત રેસ્ટોરાંમાં મિત્રો સાથે ડિનર માટે ગયા હોય અને બિલ્ડિંગનો કોઈ પાડોશી કે પરિચિત ફૅમિલી સાથે દૂરના ટેબલ પર દેખાય તો એમના માટે પોતાના તરફથી સ્ટાર્ટર માટેની કોઈ વાનગી વેઈટર દ્વારા મોકલી આપીને ‘હેલ્લો’ કરે.

આર. ડી. બર્મન પોતાના માટે અને બીજાના માટે ખર્ચ કરવામાં ઉદાર રહ્યા અને એમણે પોતાના માટે મોંઘી ગાડીઓ કે ભવ્ય બંગલાઓ ન ખરીદ્યા કે લાંબાં ઈન્વેસ્ટમેન્ટ્સ ન કર્યાં. સારી રીતે રહ્યા. છેવટ સુધી. મીડિયાએ એમના અવસાન પછી એમની આર્થિક હાલત વિશે સનસનાટી માટે તદ્દન ગલત વાતો ચગાવી હતી. આ બધી વાતો અમને પંચમ વિશે પાંચ પીએચ.ડી. કરી શકે એવા ગુજરાતી પંચમપ્રેમી અજય શેઠે કહી. અયોધ્યા – બનારસની તીર્થ યાત્રાએથી પાછા ફરીને બીજે દિવસે એમની સાથે જ અમે બધા મિત્રો લાંબી ગાડીમાં બપોરે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવેની પ્રસન્ન તીર્થયાત્રા કરી ત્યારે મનમાં આર. ડી.ના ભજનની ધૂન રમતી હતી: પ્યાર હમેં કિસ મોડ પે લે આયા…

વધુ કાલે.

આજનો વિચાર

એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.

– ડૉ. મુકુલ ચોક્સી

એક મિનિટ!

‘આમ શું કામ કરો છો?’

‘જી, હું રોજ સાંજે કૂતરાઓને એકબીજા સાથે લડાવવાનો ધંધો કરું છું.’

‘અરે, આ વળી કેવો ધંધો?’

‘જી, હું ન્યૂઝ ચેનલનો એન્કર છું.’

6 COMMENTS

  1. યુ ટ્યુબ પર “માધોબી ફુટે છે ઓઇ” સોન્ગ માં જે નીચે ડિટેઇલ આવે તેમાં સિંગર તરીકે કિશોર કુમાર નું નામ બતાવે છે…

  2. Great reading about Panchamji in your words. Your writing is like extending your hand to the reader to hold his/her hand while walking together on the path (the article). Your writing skill is extraordinarily simple, friendly and truly enjoyable. And, to learn about the truly human side of Panchamji was an icing on the cake. In today’s Bollywood, where most people go to any depth to make money, he’s an exception.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here