બે લાયક, આઠ ગેરલાયક: ઈનામ-અકરામોની દુનિયા : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 8 ઑક્ટોબર 2023 )

નોબેલ પ્રાઈઝની જાહેરાતો કરવાનું આ અઠવાડિયું છે. વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામ કરનારા વિદ્વાનોને પોંખવામાં આવશે.

અમેરિકન નવલકથાકાર ઇરવિંગ વૉલેસે આ વિષય પર ‘ધ પ્રાઈઝ’ નામની બેસ્ટસેલર થ્રિલર ૬ દાયકા પહેલાં લખી. આ નવલકથા કેવી રીતે લખાઈ એની સર્જનપ્રક્રિયાનું વર્ણન કરતું પુસ્તક ‘ધ રાઈટિંગ ઑફ વન નૉવેલ પણ લખ્યું જેમાં એણે નૉબેલ ઇનામ નક્કી કરતી સમિતિના કેટલાક સભ્યો કઈ હદ સુધી ભોટ/પૂર્વગ્રહયુક્ત/વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવનારા હોય છે તે વાતો ખુલ્લી પાડી. ઇરવિંગ વૉલેસની આ વાતોને કોઈએ નકારી નથી, કોઈએ એના પર કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો નહિં.

આ વર્ષનું મેડસિન ક્ષેત્રનું નોબેલ બે એવા ડૉક્ટરોને મળ્યું છે જેમનું સંશોધન કોવિડ-19ની વૅક્સિન બનાવવામાં પાયારૂપ પુરવાર થયું. આવી જ રસી સમાંતરે ભારતે પણ સંશોધન કરીને બનાવી. પણ ભારતના વૈજ્ઞાનિકોની નોબેલવાળાઓએ ઉપેક્ષા કરી.

ભારતે પોતાની વૅક્સિન કેવી રીતે, ક્યાં વિઘ્નોનો સામનો કરીને બનાવી તે વિશેની સરસ હિંદી ફિલ્મ પણ બની ચૂકી છે. પશ્ચિમી વિદ્વાનોના સંશોધનથી જે વૅક્સિન બની એમાંથી ફાર્માલૉબીએ કરોડોની કમાણી કરી. ભારતે પોતે બનાવેલી રસી પર કોઈ પેટન્ટ કઢાવી નહીં , એટલું જ નહીં એને વેચવાને બદલે દેશના નાગરિકોને વિનામુલ્યે આપી. દુનિયાના ૧૦૦થી વધુ દેશોને એના કરોડો ડોઝ ભેટ તરીકે મોકલ્યા.

આમ છતાં ઈનામ આપનારાઓએ ઈમાનદારી દાખવ્યા વિના ધરાર ફાર્માલૉબીનું હિત સાચવ્યું. નોબેલ જ નહીં, જગતનું દરેક ઈનામ એ જ લોકોને અપાતું હોય છે જે ઈનામ આપનારાઓની ગુડ બુક્સમાં હોય, જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરવનારાઓ સમક્ષ મુજરો કરવાને સક્ષમ હોય. પ્રત્યેક ઈનામ સ્થાપિત હિત ધરવનારાઓનાં સ્વાર્થોને ધ્યાનમાં રાખીને જ અપાય છે. તમે કહેશો કે પણ પેલું ઇનામ જેમને મળ્યું તે તો કેટલા ટેલન્ટેડ છે, એમને ઈનામ મળ્યું એમાં તો ઇનામનું ગૌરવ વધ્યું. આગળ વાંચો, એટલે ખબર પડશે કે આ આખી ગેમ શું હોય છે.

માનસન્માન બે પ્રકારનાં હોય. રમતગમતમાં બેસ્ટ પરફોર્મન્સ કરનારાઓ પહેલા પ્રકારના સન્માનના અધિકારી છે. લીંબુચમચાની રેસમાં તમારો દીકરો પહેલો આવે કે ૧૦૦ મીટરની સ્પ્રિન્ટમાં ઉસેન બોલ્ટ પહેલો આવે-એની જે કંઈ સિદ્ધિ હોય છે તે તમારી આંખ સામે છે. બીજાઓ કરતાં એ આગળ છે તે તમે સ્પષ્ટ જોઈ શકો છો.

ક્રિકેટમાં સૌથી વધારે રન મેળવનાર કે સૌથી વધારે વિકેટ લેનાર ક્રિકેટરની સિદ્ધિ માપવા માટેનાં માપદંડ નિશ્ર્ચિત છે, સર્વસામાન્ય છે. ટેનિસ, ફૂટબોલ, બૅડમિંટન, કબડ્ડી કોઈ પણ રમતમાં કોણ વિજેતા છે, કોણ અલ્ટિમેટ સન્માનનું અધિકારી છે એ વિશે ક્યારેય બેમત હોતો નથી. અહીં આપણે સ્ટીરોઈડવાળી ડ્રગ્સ લઈને પરફોર્મન્સ એન્હેન્સ કરતા ખેલાડીઓને કે મૅચ ફિક્સિંગ વગેરેને ગણતા નથી. કાયદેસર આ બધી બાબતો ગુનાખોરીમાં ગણાય, સ્પોર્ટ્સમાં નહીં. પણ બીજી કૅટેગરીનું માનસન્માન આવું ક્લિયરકટ નથી હોતું.

ઑસ્કાર અવૉર્ડ જીતનારી બેસ્ટ ફિલ્મ બેસ્ટ જ છે એવું છાતી ઠોકીને કોઈ ન કહી શકે. કોઈના મતે એ શ્રેષ્ઠ હોય, કોઈના મતે ન હોય. નૉમિનેશન પામેલી પાંચ કે દસમાંની કોઈ પણ ફિલ્મ તમને અવૉર્ડ વિનિંગ ફિલ્મ કરતાં વધુ ડિઝર્વિંગ લાગે એવું બને. ક્યારેક નૉમિનેશન સુધી ન પહોંચેલી ફિલ્મ પણ તમારી દૃષ્ટિએ શ્રેષ્ઠ ફિલ્મ હોઈ શકે. આવું જ અભિનયની બાબતમાં, સંગીતની બાબતમાં, દરેક કળાની બાબતમાં. અહીં શ્રેષ્ઠતાની વ્યાખ્યા દરેકના મનમાં જુદી જુદી હોવાની અને એટલે જ અવૉર્ડની તટસ્થતા તથા નિષ્પક્ષતા માટે દરેક વખતે સંદેહ ઊભો થવાનો.

દરેક માનસન્માન, પારિતોષિક, અવૉર્ડ્સને સંદેહથી જ જોવા જોઈએ. તમને એમ લાગે કે આ પારિતોષિક જેને મળ્યું છે તે આના માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે તો એને કારણે પારિતોષિક સ્વયં કંઈ વેલ ડિઝર્વ્ડ થઈ જતું નથી. વ્યક્તિ વેલ ડિઝર્વ્ડ છે એવું પણ નહીં માનવાનું. બહુ જૂનો કિસ્સો છે. ૧૯૭૦ના દાયકામાં ‘બેઈમાન’ નામની ફિલ્મના નિર્માતાએ અવૉર્ડ ખરીદેલા ત્યારે જેમને એ અવૉર્ડ મળ્યા તેમણે પણ આ રસમનો વિરોધ કરીને અવૉર્ડ નકાર્યા હતા.

લતા મંગેશકરે જીદ કરીને શ્રેષ્ઠ ગાયિકાનો અવૉર્ડ શરૂ કરાવ્યો અને વખત જતાં એમણે જ બીજાઓને તક મળે એ માટે આ સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી. મૅરેથોનમાં કોણ પ્રથમ આવ્યું અને કોણ દ્વિતીય એ નક્કી કરવું બહુ અઘરું નથી. ટેક્નિકલ કામ છે. પણ આ વર્ષે કયા સંગીતકારે શ્રેષ્ઠ મ્યુઝિક આપ્યું, કયા ગીતકારે શ્રેષ્ઠ ગીત લખ્યું, કયા અભિનેતાએ શ્રેષ્ઠ અભિનય કર્યો એ નક્કી કરવાનું કામ સહેલું નથી. એ જ રીતે સાહિત્ય ક્ષેત્રે કોણે આ વર્ષે સારામાં સારી નવલકથા લખી, કોણે સારામાં સારું નાટક લખ્યું વગેરે નક્કી કરવાનું કામ અઘરું છે.

ક્યારેક તો આ અઘરું કામ ઔર અઘરું ત્યારે થઈ જાય જ્યારે કોઈ પીઢ, અનુભવી કવિ છેલ્લાં વીસ વર્ષમાં લખાયેલી પોતાની કવિતાઓનો સૌથી પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ કરે જેની સામે કોઈ નવોદિત અને જબરજસ્ત તેજસ્વી કવિ છેલ્લા એક વર્ષમાં લખાયેલી પોતાની તાજી રચનાઓનો કાવ્યસંગ્રહ બહાર પાડે. કયા માપદંડો અપનાવીશું આ બે કાવ્યસંગ્રહોની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે. કોને ઈનામ યોગ્ય ગણીશું. કોને સન્માનપત્રક અને પારિતોષિકની રકમ આપીશું. જે નિર્ણય લેવાશે તે ચર્ચાસ્પદ જ બનવાનો અને વધુ ચર્ચાસ્પદ ત્યારે બને જ્યારે આવાં ઈનામો નિર્ણાયકોની મુનસફીને કારણે બિલકુલ અયોગ્ય વ્યક્તિને આપવામાં આવે. અમ્પાયર કે રેફરીનો ચુકાદો સાચો છે કે નહીં તે જાણવા માટેનાં પેરામીટર્સ તમારી પાસે છે પણ આ બીજી કૅટેગરી, જેને આપણે આર્ટ્સ વગેરેના ક્ષેત્રની કૅટેગરી ગણીએ. એના, નિર્ણાયકો પોતાનાં વહાલાંદવલાંને નવાજે છે કે પછી યોગ્ય વ્યક્તિને નવાજે છે તે તમે જાણતા હોવા છતાં પુરવાર નથી કરી શકતા.

આને લીધે જ આવા અવૉર્ડ આપનારી સંસ્થાઓ ગલીએ ગલીએ ફૂટી નીકળતી હોય છે. આવી દરેક સંસ્થા જાણે છે કે અમારા દ્વારા અપાતા અવૉર્ડ્સની વિશ્વસનીયતા ઊભી કરવી હશે તો દર દસમાંથી બે અવૉર્ડ ડિઝર્વિંગ લોકોને આપી દેવાના જેથી બાકીના આઠ પારિતોષિક વર્ષ દરમિયાન કોઈ પણ લલ્લુપંજુને આપીશું ત્યારે કોઈ ઊહાપોહ ન કરે. મૅગ્સેસે અવૉર્ડ અરુણ શૌરી અને આર.કે. લક્ષ્મણ જેવા વેલ ડિઝર્વિંગ લોકોને આપી દીધો હોય તો તમે છૂટથી બાકીના વર્ષોમાં જેવાતેવા લલ્લુઓને આપી શકો. ઑસ્કારથી માંડીને નોબેલ અને જ્ઞાનપીઠથી માંડીને અકાદમી તથા પરિષદ સુધી તમામ પ્રતિષ્ઠિત સંસ્થાઓના અવૉર્ડ્સ આ જ ધોરણે અપાતા હોય છે.

દાયકા દરમિયાન બે અવૉર્ડ્સ એવી વ્યક્તિઓને આપો જે ઑલરેડી પ્રતિષ્ઠા પામી ચૂકી હોય, પોતાની ટેલેન્ટ સાબિત કરી ચૂકી હોય, જેને આ અવૉર્ડ કે પારિતોષિક મળે કે ન મળે કોઈ ફરક પડતો ન હોય. અને આઠ અવૉર્ડ એવા લોકોને આપો જેમની સાથે તમારા વેસ્ટેડ ઈન્ટરેસ્ટ જોડાયેલા હોય. દરેક સંસ્થાને પોતપોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ હોવાના. કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દુનિયામાં અમુક ચોક્કસ વિચારસરણીની પ્રતિષ્ઠા કરવાનો આશય રાખતી હોય. કેટલીક વળી ચોક્કસ વિચારોને વખોડવાનો આશય ધરાવતી હોય.

મોટા ભાગની દેશી કે ગલી કક્ષાની સંસ્થાઓના હોદ્દેદારો એવા લોકોની શોધમાં હોય જેઓ પોતાને કે પોતાના કામકાજને પબ્લિસિટી આપી શકે, પોતાની સંસ્થા વતી સરકારમાં લાયઝનનું કામ કરી શકે. સરકાર પદપ્રતિષ્ઠા, માનસન્માન, પારિતોષિક, ઈનામઅકરામ આ બધા ક્ષેત્રમાં જ્યારે પ્રવેશે છે ત્યારે અચ્છા અચ્છા હેતુઓ પર પાણી ફરી વળતું હોય છે. રાજામહારાજાઓ એક જમાનામાં જે કામ કરતા તે હવે સરકાર કરે છે-રાજ્યાશ્રય આપવાનું કામ જે ભયંકર છે, ડેન્જરસ છે. બહાદુર સૈનિકોને વીર ચક્ર અને પરમવીર ચક્ર આપવાની બાબતમાં પણ સંસ્થાકીય રાજકારણ ખેલાતું હોય અને પોતાના ફેવરિટ્સને આગળ ધરીને જે ખરેખર આ ચંદ્રકોેને લાયક હોય એમને અવગણવામાં આવતા હોય ત્યારે બાકીનાં ક્ષેત્રોની ક્યાં વાત કરવી.

ઈનામોમાં ખુશામતખોરી કી વર્ડ છે. અહીં પણ ટુ ઈઝ ટુ એઈટનો રેશિયો લાગુ પડે. દર દસે બે સન્માન યોગ્ય વ્યક્તિને આપી દેવાના જેથી બાકીનાં આઠ તમે તમારી ખુશામત કરનારાઓને આપી શકો. ભારત કે રાજ્ય સરકાર તરફથી અપાતાં દરેક સન્માન નિશ્ર્ચિતપણે આવાં જ હોવાનાં. સંરક્ષણના ક્ષેત્રની જે વાત કરી તે જ વાત શિક્ષણના ક્ષેત્રને લાગુ પડે, પોલીસ ચંદ્રકોમાં લાગુ પડે, સમાજસેવા, કળા ઈત્યાદિ તમામ ક્ષેત્રને લાગુ પડે. આ તમામ સરકારી સન્માનોમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ પારિતોષિકોનું આગવું મહત્ત્વ છે. પત્રકારત્વ-લેખન-સાહિત્ય ક્ષેત્રની વ્યક્તિઓ સિવાય કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિઓ આ પદ્મ અવૉર્ડ્સ સ્વીકારે તે જુદી બાબત છે અને પત્રકાર-લેખક-સાહિત્યકાર એ સ્વીકારે તે સાવ જુદી વાત છે. આ લોકો વિચારકો છે, એમના વિચારો જ્યારે સમાજ સુધી પહોંચે છે ત્યારે એની અસર લોકોના દિલોદિમાગ પર પડતી હોય છે.

હું કોઈ સાબુની ફેક્ટરી ચલાવતો હોઉં અને મારો પ્રોફિટ વધારવાના હેતુથી, સમાજ સુધી પહોંચે એવી રીતે પ્રચાર કરતો હોઉં કે આ સાબુ તમારા માટે શ્રેષ્ઠ છે તે એક અલગ વાત થઈ, પણ હું એક પત્રકાર-લેખક-સાહિત્યકાર હોઉં અને મારા સન્માનમાં ઈજાફો થાય, મને પદ્મ અવૉર્ડ (કે રાજ્યસભાની સીટનું નૉમિનેશન) મળે એ આશયથી હું ચોક્કસ પ્રકારના વિચારો વ્યક્ત કરતા લેખો-પુસ્તકો લખું કે પ્રવચનો કરું તો હું સમાજ માટે ડેન્જરસ છું.

માન-સન્માન, અવૉર્ડ, પારિતોષિક તથા ઇનામ-અકરામોની દુનિયા ઘણી ખરડાયેલી છે. એટલે જ સારા લોકો પોતાને એનાથી જોજનો દૂર રાખે છે.

પાન બનારસવાલા

તુને તો સબકો રાહ દિખાઈ
તુ અપની મંઝિલ ક્યોં ભૂલા
સુલઝાકે રાજા ઔરોં કી ઉલઝન
ક્યોં કચ્ચે ધાગોં મેં ઝૂલા
ક્યોં નાચે સપેરા
મુસાફિર જાયેગા કહાં
વહાં કૌન હૈ તેરા…

—કવિ શૈલેન્દ્ર

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. સૌરભભાઈ, આપના લેખો વાંચીનેવખુબ આનંદ મળે છે. પણ મને સાંભળવામાં તકલીફ છે, એટલે આપના you tube વાળા પ્રોગ્રામ માણી શકતો નથી. એ પ્રોગ્રામો text કે સબ titles સાથે માણવા મળે તૉ મજા પડી જાય. એવી કોઈ વ્યવસ્થા હોય તૉ જણાવજો. આભાર.

  2. Have experienced during schooldays, marking of answer papers before results is done with ambiguity especially for subjective questions. Some self interest was / is / and will be evident all the time in various fields of human activities .
    One has to keep in mind this and try to keep balance. No overpraise – No over hatred.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here