દીવાના લે કે આયા હૈ ગીતના શૂટિંગની બે વાત

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 9 જાન્યુઆરી 2019)

રાજેશ ખન્નાની કારકિર્દીમાં આર. ડી. બર્મને સંગીતબદ્ધ કરેલાં ગીતોનો ઘણો મોટો ફાળો. ‘આખરી ખત’ (૧૯૬૬) અને ‘રાઝ’ (૧૯૬૭)થી શરૂ થયેલી રાજેશ ખન્નાની કરિયર ‘બહારોં કે સપને’ (૧૯૬૭), ‘ઔરત’ (૧૯૬૭) અને ‘શ્રીમાનજી’ (૧૯૬૮) પછી ૧૯૬૯માં આવેલી છઠ્ઠી ફિલ્મથી સીધી રૉકેટની જેમ ગગનને ચૂમવા લાગી. ૧૯૬૯ અને ૧૯૭૪ના પાંચ વર્ષ દરમ્યાન રાજેશ ખન્નાએ એકલે હાથે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તોતિંગ હિટ ફિલ્મો આપી. આ દરેક ફિલ્મે બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી: આરાધના, દો રાસ્તે, ધ ટ્રેન, સચ્ચાઝૂઠા, સફર, આન મિલો સજના, કટી પતંગ, આનંદ, અંદાઝ, મર્યાદા, હાથી મેરે સાથી, મહેબૂબ કી મહેંદી, દુશ્મન, અમર પ્રેમ, અપના દેશ, બાવર્ચી, જોરુ કા ગુલામ, મેરે જીવન સાથી, અનુરાગ, રાજા રાની, દાગ, નમકહરામ, અજનબી, રોટી, પ્રેમનગર અને આપ કી કસમ. ગણો કેટલી થઈ. પચ્ચીસથી વધારે. આમાંની કોઈ કોઈ ફિલ્મ ફ્લોપમાં ગણાઈ હોય તો તે એટલા માટે નહીં કે એમાં ડિસ્ટ્રિબ્યુટરે કે પ્રોડ્યુસરે પૈસા ગુમાવવા પડ્યા હોય પણ બ્લેકમાં ટિકિટ વેચવાવાળાઓની ગણતરી ઊંધી પડી હોય અને એમને તથા એમની ભાગીદારી કરનારા કેટલાક થિયેટર માલિકો/મેનેજરોને નુકસાન ગયું હોય એટલે રાજેશ ખન્નાની આ પચ્ચીસેકમાંની કેટલીક ફિલ્મો ફ્લોપ ગણાઈ. આ ગાળામાં એમની રિલીઝ થયેલી કુલ ફિલ્મોની સંખ્યા તો આના કરતાં પણ વધારે.

તો આ એ જમાનાની વાત છે જ્યારે રાજેશ ખન્નાની ફિલ્મો માટે કલ્યાણજી – આણંદજી (સચ્ચાઝૂઠા, સફર, મર્યાદા અને જોરુ કા ગુલામ ઉપરાંત રાઝ અને બંધન) તથા લક્ષ્મીકાન્ત – પ્યારેલાલ (દો રાસ્તે, આન મિલો સજના, હાથી મેરે સાથી, દુશ્મન, દાગ, રોટી) ઉપરાંત રાહુલ દેવ બર્મનનું સંગીત ખૂબ ઉપકારક બન્યું. કાકા પોતે પોતાની ફિલ્મોનાં ગીતો બનતાં ત્યારે એમાં ઊંડો રસ લેતા – શમ્મી કપૂરની જેમ. આરાધનામાં સચિન દેવ બર્મનનું મ્યુઝિક હતું અને એમાં આર.ડી.નું કેટલું કોન્ટ્રિબ્યુશન હતું એ બધી ચર્ચામાં ન પડીએ તો રાજેશ ખન્નાની આર.ડી.ના સંગીતમાં ‘બહારોં કે સપને’ (ચુનરી સંભાલ ગોરી) પછીની પ્રથમ મેજર હિટ ફિલ્મ: ધ ટ્રેન (૧૯૭૦): ગુલાબી આંખેં જો તેરી દેખી, ઓ મેરી જાં મૈંને કહા, કિસ લિયે મૈંને પ્યાર કિયા, ની સોનિયે, મૈંને દિલ અભી દિયા નહીં, છૈયાં રે સૈયાં છ એ છ ગીતો હિટ. રમેશ બહલ પ્રોડ્યુસર અને રવિ નાગાઇચ ડિરેક્ટર. રમેશ બહલ સાથે એ પછી આર.ડી.એ ‘જવાની દીવાની’ અને ‘કસમેવાદે’ સહિત બીજી ઘણી ફિલ્મો કરી. દિગ્દર્શક રવિ નાગાઇચ સાથે પણ ‘મેરે જીવનસાથી’ અને ‘કાલા સોના’ કરી.

આર.ડી.એ ‘ધ ટ્રેન’ માટે કંપોઝ કરેલું એક સુપરહિટ સોન્ગ ‘ગુલાબી આંખેં જો તેરી દેખી’ તમે ફરી ધ્યાનથી જો જો. હિટ સૉન્ગ છે પણ એમાં બધું જ મિસમૅચ છે. એક તો, આ ગીત મોહમ્મદ રફીને બદલે કિશોરકુમારના કંઠને વધારે સુટેબલ છે. બીજું રાજેશ ખન્ના જે રીતે દોડાદોડી અને કુદમકુદ કરે છે તે એમની સ્ટાઈલ નથી, જિતેન્દ્ર માટે વધારે સુટેબલ છે. (૧૯૬૭માં રવિ નાગાઇચના દિગ્દર્શનવાળી ‘ફર્ઝ’ ફિલ્મમાં મસ્ત બહારો કા મૈં આશિકમાં જિતુજી આવું કરતી વખતે શોભતા હતા. ત્યારથી જ એ જમ્પિંગ જૅક કહેવાયા) ત્રીજું નંદાનું વ્યક્તિત્વ સૌમ્ય છે. પણ આ ગીતમાં એમને જે તડકભડક અદાઓ આપવામાં આવી છે તે હેલનજીને વધારે સુટ થાય એવી છે. ચોથી અને છેલ્લી વાત આનંદ બક્ષીએ લખેલા આ ગીતનો અંદાજ, શૈલીની રવાનગી તથા શબ્દોની પસંદગી મજરૂહ સુલતાનપુરીને સુટ થાય એવાં છે: નાઝનીન, દર્દ-એ-જિગર, બિસ્મિલ જેવા શબ્દો મજરૂહ-સા’બના શબ્દકોશમાં હોય. આ ચારેય મુદ્દા ધ્યાનમાં રાખીને ગીત જો જો. સાડા ત્રણ મિનિટનું જ છે. મઝા આવશે.

‘ધ ટ્રેન’ પછી આર.ડી.એ રાજેશ ખન્ના માટે એક પછી એક કેટલી બધી ફિલ્મોમાં જબરજસ્ત સંગીત સર્જ્યું: ‘કટી પતંગ’ (૧૯૭૧), ‘અમર પ્રેમ’ (૧૯૭૨), ‘અપના દેશ’ (૧૯૭૨), ‘મેરે જીવનસાથી’ (૧૯૭૨), ‘રાજા રાની’ (૧૯૭૩), ‘નમકહરામ’ (૧૯૭૩), ‘અજનબી’ (૧૯૭૪), ‘આપ કી કસમ’ (૧૯૭૪) વગેરે.

રાજેશ ખન્ના માટે જે પોણોએક ડઝન ફિલ્મોમાં સુપરડુપર હિટ મ્યુઝિક આર.ડી. બર્મને આપ્યું તેમાં ‘મેરે જીવનસાથી’નું સ્થાન હોવાનું જ. ‘શિલ્પકાર’ના બૅનર હેઠળ પ્રોડ્યુસરબંધુ હરીશ શાહ – વિનોદ શાહે ‘મેરે જીવનસાથી’ બનાવી.

પુણેના ‘રૉમાન્સિંગ વિથ આર.ડી. બર્મન’ કાર્યક્રમમાં સૌપ્રથમ ગેસ્ટ વિનોદ શાહ છે. ‘મેરે જીવનસાથી’નું શૂટિંગ ચાલતું હતું ત્યારની એક વાત યાદ કરે છે. રાજેશ ખન્ના અને તનુજા પ્રેમમાં છે. રાજેશ ખન્નાની આંખોની જ્યોતિ બુઝાઈ જાય છે. સુજિત કુમાર એનો જિગરી દોસ્ત છે. વાર્તામાં વળાંકો આવતા જાય છે અને એક એવી સિચ્યુએશન ઊભી થાય છે જ્યારે સુજિત કુમાર – તનુજાની એન્ગેજમેન્ટ પાર્ટીમાં આવેલા રાજેશ ખન્નાને ખબર નથી કે દોસ્તાર કોને જીવનસાથી બનાવવા જઈ રહ્યો છે. એ તો દોસ્તની ખુશીમાં ભોળાભાવે કાળા ચશ્માં પહેરીને ગીત ગાય છે: દીવાના લે કે આયા હૈ, દિલ કા તરાના; દેખો કહીં યારોં ઠુકરા ના દેના, મેરા નઝરાના….

આ પછી એક અંતરો આવે છે: આજ કા દિન હૈ કિતના સુહાના ઝૂમ રહા પ્યાર મેરા, પૂરી હો દિલ કી સારી મુરાદેં ખુશ રહે યાર મેરા; ચાંદ સા જીવનસાથી મુબારક જીવન મેં આના…

હવે આટલું ગાયા પછી રાજેશ ખન્નાને પોતાની છૂટી પડેલી પ્રેમિકા તનુજા યાદ આવી જાય છે. નવો અંતરો શરૂ કરતાં પહેલાં રાજેશ ખન્નાએ બહુ સટલ રીતે રડવાનું છે પ્રેમિકાની યાદમાં. એમને જો ખબર પડી ગઈ હોત કે પેલી પોતાના દોસ્તાર જોડે જ પરણવાની છે તો તો કદાચ ધ્રુસકે ધ્રુસકે રડવાનું ડિરેક્ટરે કહ્યું હોત. પણ અહીં એક જ આંખમાંથી આંસુ ગિરાવવાનું છે, બંને આંખમાંથી નહીં એવી ડિરેક્ટરની સૂચના છે. રાજેશ ખન્નાને કહેવામાં આવ્યું કે તમે એક જ આંખમાં ગ્લિસરીન લગાવીને આંસુ પાડજો, શૉટ લઈ લઈશું. પણ સાહેબ, આપણા કાકા કંઈ એમને એમ સુપરસ્ટાર નહોતા બની ગયા. બાપ હતા બધાના. ફિલ્મોમાં આવતાં પહેલાં સ્ટેજ કરી ચૂકેલા. એમણે કહ્યું કે ગ્લિસરીનની કોઈ જરૂર નથી. તમે કહેશો ત્યારે એક જ આંખમાંથી આંસુ નીકળશે, તમે કેમેરામાં ઝીલી લેજો. ‘અપને ભી હૈં કુછ ખ્વાબ અધૂરે કૌન અબ ગિને કિતને’-વાળો અંતરા શરૂ થાય તેની પાંચછ સેક્ધડ પહેલાં તમે ગીતમાં જો જો, રાજેશ ખન્નાની માત્ર જમણી આંખમાંથી આંસુનું એક ટીપું, એક ટીપું પડે છે તે જોઈ લેજો. પ્રોડ્યુસર વિનોદ શાહે આ વાત કહીને મોટા સ્ક્રીન પર ગીત બતાવ્યું ત્યારે આંસુ ટપક્યું તે વખતે આખો હૉલ રાજેશ ખન્ના માટે તાળીઓથી ગુંજી ઊઠ્યો હતો.

અને પેલી ટ્રોલી શૉટવાળી વાત. આ જ ગીતમાં એક કરતાં વધારે ટ્રોલી શૉટ આવે છે. ડિરેક્ટર રવિ નાગાઇચ રાજેશ ખન્નાને સૂચના આપી રહ્યા છે કે તમારે અહીંથી આટલા ડગલાં ચાલીને આ બાજુ જોવાનું છે વગેરે. કેમેરામેને પોઝિશન પ્રમાણે ચોકથી સાઈન કરી લીધી છે કે ટ્રોલી અહીંથી શરૂ થઈને અહીં આવીને અટકશે. આ બધી સૂચનાઓ સાંભળી રહ્યો હતો એક યુવાન જે રવિ નાગાઇચના ફિલ્મ કરી રહ્યો હતો અને એના શૂટિંગના શેડ્યુલના સિલસિલામાં ડિરેક્ટરને મળવા માટે ‘મેરે જીવનસાથી’ના સેટ પર આવ્યો હતો. એ જમાનામાં મોટા સ્ટારલોકો એકસામટી એટલી બધી ફિલ્મો સાઈન કરી લેતા કે પ્રોડ્યુસરોને પૂરતી ડેટ્સ આપી શકતા નહીં, ફિલ્મો અધૂરી રહેતી, પૈસાનું રોકાણ અટવાઈ જતું. એટલે પ્રોડ્યુસરોના મંડળે નક્કી કરેલું કે કોઈ પણ સ્ટારે વરસમાં છથી વધુ ફિલ્મો કરવાની નહીં. ૧૯૫૯માં વી. શાંતારામની ‘નવરંગ’ પછી ૧૯૬૪માં એમની જ ‘ગીત ગાયા પથ્થરોં ને’માં કામ કર્યા પછી જિતેન્દ્રે ‘ગુનાહોં કા દેવતા’ (૧૯૬૭)માં કામ કર્યું અને એ જ વર્ષે ‘ફર્ઝ’ આવી જે સુપરડુપર હિટ થઈ. જિતેન્દ્ર સ્ટાર બની ગયા. ‘મેરે હુઝૂર’, ‘ધરતી કહે પુકાર કે’, ‘દો ભાઈ’, ‘જિને કી રાહ’, ‘જિગરી દોસ્ત’ અને ‘હમજોલી’ પછી જિતુભાઈ પાસે શ્ર્વાસ ખાવાનો સમય નહોતો. પ્રોડ્યુસર્સ ગિલ્ડે કરેલા ઠરાવ પછી એમણે ‘ફર્ઝ’ના જ ડિરેક્ટર રવિ નાગાઇચ માટે સાઈન કરેલી ‘પ્યાર કી કહાની’ નામની ફિલ્મ છોડી દેવી પડી. જિતેન્દ્રએ છોડેલી આ ફિલ્મ અમિતાભ બચ્ચનને મળી. માલા સિંહા, તનુજા અને અનિલ ધવનવાળી આ ફિલ્મ બચ્ચનજીની શરૂની કરિયરમાં જે સળંગ એક ડઝન ફ્લોપ ફિલ્મો આવી એમાંની આ એક ‘પ્યાર કી કહાની’ આ ફિલ્મ ૧૯૭૧માં રિલીઝ થઈ, ‘મેરે જીવનસાથી’ના એક વરસ પછી. કારણ એ જ. થોડું શૂટિંગ થયા પછી પ્રોડ્યુસર્સ ગિલ્ડના નિયમને કારણે બીજા વરસ પર ઠેલવી પડી.

ગુરુ તરીકે જેમને સૌ કોઈ બોલાવતા તે રવિ નાગાઇચને મળવા માટે રાજેશ ખન્નાના સેટ પર આવેલા બચ્ચનજીએ કહ્યું: ‘ગુરુ, ટ્રોલી હું ચલાવું છું.’ અને જે કેમેરા સામે જોઈને રાજેશ ખન્ના દીવાના લે કે આયા હૈ ગાય છે તે કેમેરા જે ટ્રોલી પર છે એ; અમિતાભ બચ્ચન ધક્કો મારીને આગળ ચલાવતા જાય છે.

હવે જ્યારે જ્યારે તમે આ ગીત જોશો ત્યારે રાજેશ ખન્નાને જોતાં જોતાં કેમેરાની ટ્રોલી ચલાવતા બચ્ચનજી યાદ આવ્યા વિના નહીં રહે.

આજનો વિચાર

લગ્ન પહેલાં દુનિયા ફરી લેવી. લગ્ન પછી દુનિયા ફરી જાય છે: સ્વામી પરણેલાનંદ.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બકો: અલ્યા પકા, તેં રાહુલને રાફેલ વિશે ચર્ચા કરતાં સાંભળ્યો કે?

પકો: હા, એને સાંભળીને તો ફ્રાન્સવાળા વિચારમાં પડી ગયા છે કે એમણે ઈન્ડિયા પાસેથી રૂપિયા લેવાના છે કે આપવાના છે!

10 COMMENTS

  1. તમારી ચાહક છું . એમાં પણ તમારાં ફિલ્મ મેકિંગ અને એનાં પ્રોડક્શન વખતે થયેલાં અનુભવોનું ભાથું તમે share કરો છો ત્યારે ખરેખર ખૂબ મઝા પડી જાય છે . આ લેખમાં તમે જે માહિતી share કરી છે એ ન માત્ર મને પણ મારાં મધરને પણ જાણીને મઝા આવી છે.

    1940 બોર્ન મારાં પેરન્ટ્સ ફિલ્મોનાં ચાહક રહ્યાં છે . આવી રસપ્રદ માહિતીસભર લેખ share કરી હું આનંદ અનુભવું છું . આપનો ખુબ આભાર?

    • એ ફિલ્મ મેકિંગના અનુભવો મારા નથી, મેં સાંભળેલા/વાંચેલા છે. ફિલ્મો મારી પૅશન છે. ફિલ્મો બનાવવાની પ્રક્રિયામાં મેં ક્યારેય ભાગ લીધો નથી, હજુ સુધી!

  2. ગાઇડ ની શ્રૃંખલા પછી આર ડી પરના લેખો. ગીતો માણવા ની મજા જ બમણી થઈ જાય છે આપની કલમે.

  3. Jalso karavi didho Sir..College days na Rajesh Khanna no craze yard avyo..khub sundar lekh..Thanks ..

  4. This is one of your best.Keep up the good work.Expect a lot more of such hidden gems like moments from panchamda’s life to be unravelled in future.
    Thank you Saurabhbhai!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here