આઝાદીની ૭૫મી વર્ષગાંઠે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : સોમવાર, ૧૫ ઑગસ્ટ ૨૦૨૨)

આજકાલ કંઇક એવો ટ્રેન્ડ થઇ ગયો છે કે ફલાણો એક્ટર ટેરરિસ્ટ કે દેશદ્રોહી છે એવું કહી દો એટલે તમે જાણે દેશપ્રેમી થઇ ગયા. દેશના સૈનિકોની શહાદતને વખાણો એટલે તમે જાણે રાષ્ટ્રપ્રેમી થઇ ગયા. દેશનાં વખાણ કરો એટલે ભારતમાતાના સપૂત થઇ ગયા.

તમે પોતે આતંકવાદની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ન હો તો તે સારું જ છે. તમે દેશના બહાદુર જવાનોના બલિદાનને આદર આપીને એમની હિંમતને બિરદાવો એના જેવું બીજું રૂડું શું. અને તમે તમારી માતૃભૂમિનાં વખાણ નહીં કરો તો કોનાં વખાણ કરશો. આ બધું સરસ જ છે અને આવકાર્ય પણ ખરું.

પરંતુ માત્ર આટલું કરીને છૂટી જવાથી આપણે રાષ્ટ્રભક્ત, દેશપ્રેમી કે રાષ્ટ્રના પનોતા પુત્ર સાબિત થઇ જતા નથી. રાષ્ટ્રપ્રેમી તરીકે પુરવાર થવા માટે આ ઉપરાંત બીજું ઘણું ઘણું કરવું પડે.

શું શું?

સૌથી પહેલાં તો આ દેશ માટે ગૌરવ કેળવવું પડે. આ દેશ તો આવો જ છે અને ભારતમાં તો બધું આવું જ ચાલે અથવા ‘ફિર ભી મેરા ભારત મહાન’ જેવી જોક્‍સવાળી મેન્ટાલિટી છોડવી પડે. ભારતનો સાચો ઇતિહાસ જાણીને ભારતની સંસ્કૃતિ અને પરંપરા માટેનો આદર, સાચુકલો આદર, આપણી અંદર ઉગાડવો પડે, ઉછેરવો પડે. મોગલો, અંગ્રેજો અને સામ્યવાદીઓએ લખેલા ભારતના જુઠ્ઠા ઇતિહાસમાંથી બહાર આવવું પડે. ભારતની પ્રજાને અને ભારતીયોની ખાસિયતોને માન આપતાં શીખવું પડે.

આ પહેલી વાત.

બીજી વાત એ કે આપણે કામ એવું કરીએ જે સીધી યા આડકતરી રીતે આ દેશ માટે ઉપયોગી થાય. શિક્ષકો વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક ભણાવીને આ દેશને ઉપયોગી થતા હોય છે. ધંધોવેપાર કરનારાઓ પોતાની કમાણીમાંથી કરવેરા ભરીને દેશને ઉપયોગી થતા હોય છે અને રિક્‍શાચાલકોથી માંડીને બીજા સેંકડો વ્યવસાયો કરનારાઓ આ દેશની સિસ્ટમ પ્રોપર્લી ચાલતી રહે એ માટે દિવસરાત મહેનત કરીને દેશને ઉપયોગી થતા હોય છે. આ તમામ પ્રકારના લોકો જ્યારે પોતાનું કામ નિષ્ઠાથી, વફાદારીથી, કામચોરીની દાનત રાખ્યા વિના કરતા હોય છે ત્યારે દેશ માટેની દાઝ પ્રગટ કરતા હોય છે.

પણ તમે જોયું હશે કે એવા પણ કેટલાક ભારતીયો હોય છે જેઓ વિદેશમાં જઇને વસ્યા છે (કંઇ ખોટું નથી એમાં), ત્યાં બે પાંદડે થઇને સારું જીવન જીવી રહ્યાં છે (ઘણું સરસ કહેવાય એ તો) અને તેઓ પોતાની કમાણીમાંથી એક ડૉલર ભારતના કલ્યાણ માટે મોકલતા નથી (ચાલો, એનોય વાંધો નહીં. જેવી જેની દાનત અને સગવડ) પણ ત્યાં બેઠાં બેઠાં ભારતની સરકારને, ભારતપ્રેમીઓને, ભારતની ઉજ્જ્વળ પરંપરા-સંસ્કૃતિને મનફાવે તેવા અપશબ્દોમાં કોસ્યા કરે છે. પોતાની લઘુતાગ્રંથિ છુપાવવા કે પોતાની ગિલ્ટ ફિલિંગને દબાવવા પોતે જે માતાનું ધાવણ પીને ઉછર્યા છે તેને ધોલધપાટ કરી રહ્યા છે. આ ખોટું કહેવાય. ખોટું જ નહીં આ દેશદ્રોહ કહેવાય. તમે જે પરદેશમાં રહીને કમાણી કરતા હો એને તમારે વફાદાર રહેવું જ જોઇએ. તમારી ફરજ છે એ. અને સાથોસાથ તમારી ફરજ એ પણ છે કે તમારે તમારી માતૃભૂમિ માટે પણ વફાદારી દેખાડવાની હોય — જો તમારે રાષ્ટ્રભક્તોમાં તમારી ગણના કરાવવી હોય તો, દેશદ્રોહીનું લેબલ ચિપકાવીને ફરવું હોય તો આવી કોઇ વફાદારી દેખાડવાની જરૂર નથી.

ત્રીજી વાત. દેશના અતીત માટેના ગૌરવની વાત કહી. વર્તમાનમાં તમારી પ્રવૃત્તિની વાત કહી. હવે ભવિષ્યની વાત. આ દેશનું ભવિષ્ય આપણા હાથમાં છે એવી સભાનતા આપણામાં હોવી જોઇએ. ભવિષ્યનું ભારત કેવું હશે, કેવું હોવું જોઇએ અને આપણે બહેતર ભારત સર્જવા માટે આજે શું કરીએ છીએ, આવતી કાલે શું કરવાના છીએ તેમ જ આપણી નવી પેઢી પાસે શું કરાવવાના છીએ, એમને પ્રેરણા મળે એવી કઇ વાતો એમની સમક્ષ રજુ કરવાના છીએ?

૧૯૪૭ પછીના સાડા સાત દાયકા સુધી આપણે દેશમાંના કેટલાંક દેશદ્રોહી તત્વો પાસેથી તેમ જ વિદેશી કુપ્રચારને કારણે પોતાને નીચી નજરે જોતા થઇ ગયા હતા. આપણું બ્રેઇનવૉશ થઇ ગયું હતું કે આપણે તો મદારીઓના દેશમાં જન્મ્યા છીએ જ્યાંના લોકો અંધશ્રધ્ધાળુ છે, જગતની વસ્તીમાં વધારો કર્યા સિવાય બીજું કોઇ કામ આપણને આવડતું નથી, પર્યાવરણની સુરક્ષા કરતાં આવડતું નથી, આપણી નમાલી અને મતલબી-સ્વાર્થી પ્રજા વિદેશી આક્રમણો સામે ઝૂકી જાય છે.

છેલ્લાં થોડાંક વર્ષોથી ખબર પડતી જાય છે કે આ તો બધો કુપ્રચાર હતો, આપણી આંખમાં ધૂળ નાખવામાં આવી હતી. આપણે આપણી જાતમાંથી શ્રદ્ધા ગુમાવી બેસીએ અને દેશદ્રોહીઓ આપણા પર ચડી બેસે એવી સાઝિશ દાયકાઓથી ચાલતી રહી છે.

આવી ગેરમાહિતીઓ ન ફેલાય અને દેશ માટેના કુપ્રચારની ઝુંબેશ ભૂંસાઈ જાય એવું ભારત ભવિષ્યમાં આપણે સર્જવાનું છે અને નવી પેઢીને આપતા જવાનું છે.

આઝાદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આ જ સંકલ્પ હોઈ શકેઃ ભારતને એની ઓરિજિનલ ચમક પાછી આપવામાં મદદરૂપ બનીએ, દેશદ્રોહીઓના મનસૂબાઓ પર પાણી ફરી જાય એવી પ્રવૃત્તિઓમાં ફાળો આપીએ અને દેશપ્રેમ જતાવવાની ખોખલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાને બદલે રાષ્ટ્રપ્રેમની નક્કર પ્રવૃત્તિઓ માટે સક્રિય ફાળો આપીએ.

દેશની સરકારોનું ભવિષ્ય ભલે દર પાંચ વર્ષે આવતી ચૂંટણીઓથી નક્કી થતું હોય પણ દેશનું લાંબાગાળાનું ભવિષ્ય તો આ ચૂંટણીઓમાં મત આપનારા કરોડો દેશવાસીઓ રોજે રોજ શું કરે છે ને શું નહીં – એના આધારે જ નક્કી થતું હોય છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. Dear Saurabhai,
    Wishing you 15th August day and goodluck for utube openings.You have got foresight and now technological support for more number of viewership.

  2. Very well said. ખૂબ જ સુંદર વિચારો અને અસરકારક લખાણ.

  3. એવું ન થઇ શકે કે આપ ના લેખો w’up માં સરળતાથી એક બીજા ને copy/paste કરી ને મોકલી શકાય, જેથી વધારે બહોળા પ્રમાણમાં લોકો આપના લેખો નું વાંચન કરી શકે..

    • You can easily send the link to hundreds of people. No need for cut-paste job which can be and which has been misused in the past. The present arrangement is best and time tested.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here