સાચું હિન્દુત્વ શું છે, કેવું હોય

ન્યુઝ વ્યુઝ : સૌરભ શાહ

(newspremi.com, શુક્રવાર, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦)

લેફ્‌ટિસ્ટ ઇતિહાસકારોએ અને સેક્યુલર મીડિયાએ હિન્દુ અને હિન્દુત્વની વિચારધારાને કોમવાદના વાઘા પહેરાવીને દુનિયા સમક્ષ મૂકી. આને લીધે આપણે પણ ૧૯૯૨ પહેલાં જાહેરમાં ગર્વથી આપણી જાતને હિન્દુ કહેતાં ગભરાતા હતા. લેફ્‌ટિસ્ટો અને સેક્યુલરોનું આખું સર્વાઈવલ જ હિન્દુત્વને બદનામ કરે તો જ ટકી રહે. એટલે એ તો સુધરવાના નથી. આપણે સમજવું જોઈએ કે સાચું હિન્દુત્વ શું છે?

શું છે? પાનાંનાં પાનાં ભરાય, એક આખો એન્સાઇક્‌લોપીડિયા તૈયાર થાય (જે થયેલો જ છે, અગિયાર વોલ્યુમમાં, એકાવન હજાર રૂપિયામાં મળે છે). બહુ જ ટુંકમાં, સચોટતાથી અને બિલકુલ ભાર રાખ્યા વિના હિન્દુત્વ વિશે સમજવું છે? એક જ વાક્યમાં. તો સમજી લોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કંઈ કરે છે, જે કંઈ બોલે છે, જે કંઈ વિચારે છે તે હિન્દુત્વ છે. પૂર્ણવિરામ.

મારી આ વાત લિબરાન્ડુઓને તો નહીં જ ગમે કોઈ હિન્દુવાદીઓને પણ નહીં ગમે. માઈ જાય. પણ મારી આ સમજીવિચારીને ઘડેલી વ્યાખ્યા છે.

મોદી મંદિરમાં જતાં શરમાતા નથી. અગાઉના વડાપ્રધાનો ઈફ્‌તારીમાં હોંશે હોંશે જતા. મોદીને ભગવાં પહેરવામાં કોઈ નાનમ નથી. અગાઉવાળાઓ માથે જાળીવાળી વાટકા ટોપીઓ પહેરતા. મોદીએ ક્યારેય એક શબ્દ માત્ર મુસ્લિમોને ખુશ કરવા કહ્યો નથી આમ છતાં સાઉદી અરેબિયા કે યુએઈ કે અન્ય ઈસ્લામિક દેશોના શાસકો એમને ભેટવા આતુર હોય છે, પોતાના દેશમાં, ઈસ્લામની ધરતી પર મંદિરો બનાવવાનાં આમંત્રણો આવતાં રહે છે એટલું જ નહીં ભારતનો દુશ્મન તે અમારો પણ દુશ્મન એવું કહીને પાકિસ્તાન સાથે અંતર રાખતા થઈ ગયા છે.

આનું શું કારણ? સાચર સમિતિની ભલામણો સ્વીકારતી વખતે સોનિયા ગાંધીની કઠપૂતળી તરીકે કામ કરતા તે વખતના વડાપ્રધાન મનમોહનસિંહના આ ફેમસ શબ્દો યાદ છે? ‘આ દેશનાં સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસલમાનોનો છે.’

મોદીએ આવું કંઈ નથી કહ્યું. મુસ્લિમોને ખુશ કરવા કશું જ નથી કર્યું. માત્ર એમણે એક જ સૂત્ર અપનાવી લીધું જેમાં બધું જ આવી ગયુંઃ સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ.

મોદીએ ૨૦૧૪માં આવીને સૌથી પહેલું કામ હિન્દુત્વ પર થતા આક્રમણ માટે બહારથી આવતાં નાણાંને રોકવાનું કર્યું. સેંકડો એનજીઓને તાળાં લગાવી દીધાં. સીધી યા આડકતરી રીતે કન્વર્ઝનનું, દેશમાં અશાંતિ—અરાજકતા ફેલાવવાનું અને મીડિયાને ખરીદવાનું કામ કરતી હતી એવી સંસ્થાઓને વિદેશથી મળતા કરોડો ડૉલર અટકી ગયા.
મોદીએ ઈશાન રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દેશની સલામતી માટે તો એ રાજ્યો સેન્સિટિવ છે જ, દેશની સંસ્કૃતિ અકબંધ રહે તે માટે પણ તેનો વિકાસ જરૂરી હતો. કૉન્ગ્રેસે જે સાત રાજ્યો સાથે ઓરમાયું વર્તન રાખીને વખત આવ્યે થોડીઘણી ખૈરાત મોકલીને (એમાં પાછી પોતાની કટકી તો ખરી જ) નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોનો દેશની મુખ્યધારાથી વિખૂટાં પાડી દીધાં હતાં તેને મોદીએ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્‌ચરના પ્રોજેક્‌ટ્‌સ દ્વારા, અબજો રૂપિયાની સહાય દ્વારા અને આરએસએસના ફૂટ સોલ્જર્સ દ્વારા ધમધમતા કરી દીધા. હિન્દુત્વની પાયાને ભાવનાને એમણે સાકાર કરી. વસુધૈવ કુટુમ્બકમ્‌. વિદેશમાં રહેતા ભારતીયો સાથે પણ સંવાદ સાધ્યો એટલું જ નહીં વિશ્વના ટોચના અડધો ડઝન નેતાઓમાં એમની ગણના થવા માંડી. એક જમાનામાં ભારત વિશ્વગુરુ ગણાતું. એ સ્થાન ભારતને પાછું અપાવવાના પ્રયત્નોમાં મોદીએ હરણફાળ ભરી.

ઘર આંગણે એમણે પુરવાર કર્યું કે હિન્દુ કાયર ન હોઈ શકે. પોતાના વડાપ્રધાનપણાની ખુરશી ડોલી શકે છે એવું જાણવા છતાં પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને આતંકવાદનો બદલો લીધો. આ દેશની મુસ્લિમ મહિલાઓ છેવટે તો હિન્દુસ્તાનની જ મા-બહેન-દિકરીઓ છે એમ ગણીને ટ્રિપલ તલાકના નામોશીભર્યા જંગલી રિવાજમાંથી એમને મુક્તિ અપાવી. જમ્મુ-કાશ્મીર-લદ્દાખને સૈકાઓથી થતો અન્યાય દૂર કરવા ૩૭૦મી કલમ દૂર કરી, નવી શાસનવ્યવસ્થા ઊભી કરી. અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટેનો સળગતો મુદ્દો ચપટીમાં સુલઝાવી નાખ્યો, શાંતિથી, સૌહાર્દથી.

અને આમ છતાં મોદીનું હિન્દુત્વ માત્ર હિન્દુઓના વિકાસની વાત નથી કરતું. એમના નિર્ણયોથી બધાને એકસરખો ફાયદો-ગેરફાયદો થાય છે, શૌચાલય, વીજળી કનેક્‌શન અને ગેસના બાટલા માત્ર હિન્દુ પ્રજાને જ નથી મળતા, દરેક મુસ્લિમને પણ મળે છે. નોટબંધીને લીધે જે મુસલમાનો બે નંબરી ધંધા કરતા હતા તેમને જ નુકસાન નથી ગયું, એવા હિન્દુઓને પણ ઈક્‌વલ નુકસાન થયું છે. જી.એસ.ટી.ને કારણે દેશની તિજોરીમાં વેરાઓની જે આવક વધી છે તે હિન્દુ-મુસ્લિમ બેઉ કોમના વેપારીઓએ આપી છે.
હું મારું હિન્દુપણું નહીં છોડું અને તમને તમારા મુસ્લિમપણાનો ગેરલાભ પણ નહીં થવા દઉં – મોદીનો આ મંત્ર છે. એટલે જ દુનિયાના દેશો, ઈસ્લામિક દેશો સહિતના, રાજકર્તા મોદીને માનની નજરે જુએ છે.

મોદી મોડર્ન છે. હિન્દુત્વ પછાત, જૂનવાણી હોય એવી સેક્‌યુલરોએ ઊભી કરેલી છાપ એમણે ઘસી ઘસીને ભૂંસી કાઢી છે. હિન્દુવાદીઓ લઘરવઘર જ હોવા જોઈએ એ છાપ પણ એમણે દૂર કરી. હિન્દીમાં જ વાત કરતા હોય એવો ભ્રમ પણ એમણે તોડ્યો. સાયન્ટિફિક મિજાજને હિન્દુત્વમાં સ્થાન નથી એવો લેફ્‌ટિસ્ટ અપપ્રચાર પણ એમણે દૂર કર્યો. નવી પેઢી સાથે હિન્દુત્વનું કોઈ કનેક્‌શન ન હોઈ શકે એવી ભ્રમણા પણ એમણે તોડી. સેક્યુલરો હિન્દુત્વના રીતરિવાજોને અંધશ્રધ્ધા કહીને મજાક ઉડાવતા અને એટલે આપણે આપણા જ સંસ્કારો છોડીને એમને વહાલા થવા જતા. મોદીએ મોઘમમાં કહ્યું, મૂરખ છો તમે. ભલે એ લોકો હસતા, આપણને આપણી પરંપરા માટે ગૌરવ હોવું જોઈએ. પછી રક્ષામંત્રી રાજનાથ સિંહને કાનમાં કહ્યુંઃ આ લો કંકાવટી લઈને પેરિસ જાઓ અને રાફેલની ડિલિવરી લેતા આવો.

મોદીએ સ્વામી રામદેવના ગૌરવને વધાર્યું, સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવના કામને નવાજ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય હિન્દુ સંગઠનો સાથે ઘરોબો રાખીશું તો સેક્‌યુલર મિડિયા ફોલી ખાશે એવા કોઈ ડર વિના એ સૌને પોતાના કામ સાથે જોડ્યા. પણ સમજદારી રાખીને અયોધ્યાના રામમંદિરના નિર્માણમાં સરકારી તિજોરીમાંથી માત્ર એક જ રૂપિયાનો ફાળો આપ્યો. કારણ કે એ જાણે છે કે જો સરકાર ખર્ચો આપશે તો મસ્જિદવાળા અને ચર્ચવાળા પણ પોતાના માથે ચડીને તબલાં વગાડશે.

મોદીએ આ દેશને પોતાનો દેશ માનતા, આ દેશના તિરંગાને પોતાના ઈષ્ટદેવ જેટલું અને જેવું જ માનતા કોઈપણ મુસ્લિમ સાથે જરા સરખો અન્યાય નથી કર્યો. એમની જે બે વાત લેફ્‌ટિસ્ટોને અને કૉન્ગ્રેસીઓને તેમ જ પેઈડ મિડિયાને ખૂંચે છે તે આ છેઃ એકઃ મોદી મુસ્લિમોને દેશની બાકીની પ્રજા કરતાં વધારે વહાલ કેમ નથી કરતા? અને બેઃ આ દેશમાં આતંકવાદને ઉત્તેજન આપતા કેટલાક મુસ્લિમો સામે (જેમાંના મોટા ભાગના ઘૂસપેઠિયાઓ છે) મોદી શું કામ આકરા થાય છે?

કોઈપણ રાષ્ટ્રના વડાપ્રધાન પોતાના દેશના વિકાસ માટે, એની સલામતી માટે અને શાંતિ માટે જે કંઈ કરે તે જ મોદી પણ કરે છે. સાચું હિન્દુત્વ આ જ છે. સંઘની પ્રાર્થના પણ આ જ છેઃ નમસ્તે સદા વત્સલે માતૃભુમે… હે પરમ વત્સલા માતૃભૂમિ ! હું નિરંતર તને પ્રણામ કરું છું, તેં બધાં જ સુખ આપીને મને મોટો કર્યો છે હે મહા મંગલા માતૃભૂમિ… આ ભૂમિની રક્ષા માટે હું આ નશ્વર શરીર માતૃભૂમિને અર્પણ કરીને આ ભૂમિને વારંવાર વંદન કરું છું… હે સર્વ શક્તિમાન પરમેશ્વર, અમને એવી અજય શક્તિ આપો કે આખા વિશ્વમાં અમને કોઈ જીતી ન શકે અને એવી નમ્રતા આપો કે આખું વિશ્વ અમારી વિનયશીલતાની સામે નતમસ્તક થઈ જાય. આ રસ્તો કાંટાભર્યો છે, આ કાર્યને અમે સ્વયં સ્વીકાર્યું છે અને આ માર્ગને અમે સરળ કરીને કાંટારહિત કરીશું…

સાચું હિન્દુત્વ ધર્મમય જીવનશૈલી અને આધુનિક દુનિયાદારીનો સંગમ છે એ વાતને મોદીએ ચરિતાર્થ કરી છે. એમનું એકએક કાર્ય આ વાતનો પુરાવો છે.

છેલ્લે એક ખાસ વાત. હિન્દુત્વનું મહત્વ હવે લેફ્‌ટિસ્ટો, સેક્યુલરો અને એનાર્કીસ્ટો પણ સમજી રહ્યા છે,સ્વીકારી રહ્યા છે. પણ આ સમજણ, આ સ્વીકાર અંતરમાંથી પ્રગટેલાં નથી. રાજકારણની મલાઈનો લાભ લઈ જવા માટે તેઓ જનોઈ પહેરતા થયા છે, હનુમાન ચાલીસા ગાતા થયા છે, કેમેરામેનો સાથે મંદિરોમાં જતા થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કૉન્ગ્રેસના જૂના ખેલાડી કમલનાથે તો શ્રીલંકામાં અમે સીતામાતાનું મંદિર બંધાવીશું એવી ઘોષણા કરી છે. કેજરીવાલ કાલ ઊઠીને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ તોડવાનું આંદોલન શરૂ કરે તો કાશી વિશ્વનાથના ભક્તોએ ખુશ થઈ જવાની જરૂર નથી. અખિલેશ યાદવ મથુરાની કૃષ્ણ જન્મભૂમિ પર ૧૬૭૦માં ધર્મઝનૂની ઔરંગઝેબે બાંધેલી ઇદગાહને તોડી પાડીને ‘મંદિર વહીં બનાયેંગે’ના સૂત્રો પોકારવા માંડે તો એનાથી ભોળવાઈ નહીં જતા.

જે લોકો પોતાનાં સગાં સંતાનોની જુઠ્ઠી કસમ જાહેરમાં ખાઈને તોડી શકતા હોય એવા લોકો ટીવી ચેનલ પર હનુમાન ચાલીસાનો પાઠ કરતા થઈ જાય ત્યારે ચેતી જવું જોઈએ. હિન્દુત્વનું મહોરું પહેરીને આ બધા લેફ્‌ટિસ્ટો, એનાર્કીસ્ટો તમારી પાસે આવવાના છે ભવિષ્યમાં. એમને ગળે લગાડવાનું ભોળપણ નહીં દેખાડતા. આ બધા આધુનિક રાક્ષસ મારીચોને સુવર્ણમૃગનું સ્વરૂપ ધારણ કરતાં બહુ સારી રીતે આવડે છે.

સાચું હિન્દુત્વ એટલે શું એનો અભ્યાસ કરવો હોય તો અમારા જેવા બીજા ઘણા છે તમને સમજણ આપવા માટે, માહિતી અને જ્ઞાન આપવા માટે. આખી જિંદગી એની પાછળ ગાળીએ તો પણ પૂરેપૂરી સમજણ પ્રાપ્ત નથી થવાની એવો ગહન, વિશાળ આ વિષય છે. પણ સાચી તૃષા હશે તો કંઈ કેટલાય જ્ઞાનીઓ, પંડિતો અને વિદ્વાનો આપણી પાસે છે જેમની આગળ આપણે તો સાવ તુચ્છ, ક્ષુદ્ર જંતુ લાગીએ. પણ હા, છદ્મ હિન્દુવાદીઓથી સાવધાન રહેજો. લેખક દેવદત્ત પટ્ટનાઈક જેવા ઘણા લોકો આજે તમને ઉલ્લુ બનાવવા અને પોતાનો ઉલ્લુ સીધો કરવા આવી પૂગ્યા છે. એવા પણ ઘણા ઠગ-ભગતો છે અમારા ફિલ્ડમાં જેમની જાળમાં ફસાતા નહીં. મીડિયામાં પણ બનાવટી હિન્દુવાદીઓનો રાફડો ફાટ્યો છે. માટે બચતા રહેજો. હિન્દુત્વનો લેબોરેટરી ટેસ્ટ કરવા માટે કે ઘરેબેઠાં લિટમસ પેપર ટેસ્ટ કરવા માટે એક સાદો નુસખો આપીએ છીએ તમને – કોઈ પણ બાબતમાં શંકા જાય તો મનમાં પ્રશ્ન કરવાનોઃ ‘શું મોદી આવું કરે, બોલે કે વિચારે?’ જો હા તો એ સાચું હિન્દુત્વ.

15 COMMENTS

  1. હીંદુ ત્વ ના એનસાઈકલોપીડીયા ની વધુ વીગતો આપવા વિનંતી.

  2. સરસ. સરળ.અદ્દભુત. છતાં , આ દેશ અને દુનિયામાં કયારેય ન સમજાય કે ન સમજવા માંગે તેવા લોકો માટે કાયમી અઘરું. આ વિષય પર આજના લેખની વધુ ને વધુ સિરીઝ થવી જોઈએ.

  3. Superb (Ekdam Sachot inGujarati).

    Modiji when came in first term to USA ,that time it was navratri and he was doing fast. Obama Adminstration arranged dinner function and guest was fasting they never knew or handled scenario. They got education about Navaratri Vrat and importance of Maata Aadi Shakti. We believe and he also said “Loka Samasta Sukhino Bhavantu” , this comes from our Ved. We have ocean’s of knowledge given by our great Rishi Munis. But Our Sicular brainwashed so many years that many are afraid of saying themselves as Hindu or in public follow Vrat or Upvaas. They think we believe in old system but we have scientific basis behind that.

    Hindus are more tolerant and advanced and oldest civilization in world. So many great philosopher’s from around the world accepted, but our paid media and sicular still believe in appeasment to minority.

  4. આજના યુવાનોને આ સમજવાની ખુબજ જરૂર છે જે પશ્ચિમી સંસ્કૃતિ મા રંગાયેલા છે અને નમસ્તે સદા વત્સલે માત્રુભુમે ને ફક્ત સંઘ વિચારધારા સાથે જોડીને જુવે છે! Wonderful article…

  5. finally you came out !fantastic article . Yes, must be translated in Hindi, Marathi and English . Jai ho Saurabh Shah.

  6. દંભી બિનસાંપ્રદાયિકો હવે ખુલ્લા પડી ગયા છે, ઓળખાઈ ગયા છે એટલે હવે હિંદુત્વ ના આંચળા હેઠળ છેતરવાનું ચાલુ કર્યું છે.

  7. દોસ્ત… ?‍♂️જે મોદી કરે છે તે હિંદુતવ ?✌

    આ વિચાર ધારા ને ધસમસતા ધોધ નુ સ્વરુપ મળવું જોઇએ.
    આ લેખ મોદી રુપી જ્યોત ને જ આગળ નથી ધરતો.. હિંદુતવ ની અસીમ અને અમાપ તેજ ધારા ના દર્શન કરાવે છે.

    ❤ congratulations for the article
    One humble request
    If this article can be translated in at least three languages
    Hindi
    Marathi
    English

    Thanks dost….for such beauuuuuutiful
    Imapctful sharing ???‍♂️?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here