મિડિયાના અરીસામાં ભારતનો સમાજ જેવો છે એવો જ દેખાય છે કે પછી…

ન્યુઝવ્યુઝઃ સૌરભ શાહ

(newspremi.com, શનિવાર, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦)

કલકત્તામાં આ અઠવાડિયે પુસ્તકમેળામાં એક સ્ટૉલ હતો – ભારતનું ગૌરવ વધારનારાં પુસ્તકોનો. ત્યાં હનુમાન ચાલીસાની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ થતું હતું. પશ્ચિમ બંગાળની અસહિષ્ણુ સરકારનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યની પોલીસ દોડાવીને તાબડતોબ હનુમાન ચાલીસાની નકલો જપ્ત કરીને એનું વિતરણ બંધ કરાવ્યું.

બે વર્ષ પહેલાં દીવ, દમણ તથા દાદરા નગર હવેલીની યુનિયન ટેરિટરીના કેપિટલ સેલવાસમાં નૅશનલ બુક ટ્રસ્ટે એક પુસ્તકમેળાનું આયોજન કર્યું હતું. ઉદ્‌ઘાટન સમારંભ માટે આમંત્રણ હતું. રિબિન કાપવાની વિધિ પૂરી થઈ ગયા પછી આ સંઘ પ્રદેશના સર્વેસર્વા એટલે કે ઍડમિનિસ્ટ્રેટર (જે પાક્કા હિન્દુવાદી છે) અને આ લખનાર સહિતનું હાઉસનધાઉસન પુસ્તકમેળાનું નિરીક્ષણ કરવા નીકળ્યા. વચ્ચે અચાનક જ એક મિશનરી સ્ટોલમાંથી બે-ત્રણ જણ આવીને અમારી સુરક્ષાવર્તુળના પોલીસ રક્ષકોને ભેદીને સીધા અમારી નજીક આવી ગયા અને અમે વધુ કંઈ વિચારીએ એ પહેલાં બ્લુ પૂંઠામાં બાઈન્ડ કરેલા સરસ પ્રોડક્‌શન ધરાવતા બાઈબલની એક એક નકલ અમારા હાથમાં પકડાવી દીધી.

હું હજુ કંઈ વિચારું કે કહું એ પહેલાં જ એમાંના એકે ધડાધડ કૅમેરાની ચાંપ દાબીને અમારા ફોટા લઈ લીધા. હિન્દી ફિલ્મોમાં પ્રામાણિક પોલીસ અફસરને અભડાવવા વિલનની ગૅન્ગનો ટપોરી રોકડા રૂપિયાની થપ્પીઓ એના હાથમાં પકડાવીને સ્થાનિક છાપાના ફોટોગ્રાફર પાસે ફોટા પડાવી લે એવો માહોલ હતો.

મારી લાયબ્રેરીમાં શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા અને એના પરની વિવિધ ટિપ્પણીઓની એક આખી રૅક છે. કુરાન, હદીસ તથા બાઈબલનાં વિવિધ વર્ઝન પણ છે. આ જે બાઈબલ મને મળ્યું તેની નકલ ઑલરેડી મારા કલેક્‌શનમાં છે જ. જબરજસ્તીથી બાઈબલ હાથમાં પકડાવનારને આપણે હિન્દુઓ, સાથે સુરક્ષા ગાર્ડ્‌સ હોવા છતાં, અટકાવતા નથી. સૌજન્ય રાખીને અને વિશાળ હ્રદય સાથે સ્વીકારી લઈએ છીએ. અમારા હાથમાં બાઈબલ પકડ્યું હોય એવા ફોટાઓનો એ લોકો શું ઉપયોગ કરશે, ભગવાન જાણે. અમને ચિંતા પણ નથી.

વાત આક્રમકતા અને સહિષ્ણુતાની છે. સેલવાસમાં મિશનરીઓની આક્રમકતાની સામે આપણે સહિષ્ણુ હોઈએ છીએ. પણ કલકત્તામાં પોતાની ઈચ્છાથી કોઈ માગે તો એમને હનુમાન ચાલીસાની પ્રત આપનારાઓ પર પોલીસદમન ગુજારીને અસહિષ્ણુતા દેખાડવામાં આવે છે.

આ એક વાત થઈ.

તમને ખબર છે ગુજરાતમાં નાતાલ સમયે ગરબા ગવાય છે? આ ગરબા મા અંબેભવાનીના નથી હોતા. ઈસુ અને મરિયમના હોય છે. આદિવાસી વિસ્તારોમાં ચર્ચનું બહારનું બાંધકામ સ્થાનિક મંદિરો જેવું જ હોય એવો ટ્રેન્ડ શરૂ થયો છે – લોકો ભોળવાઈ જાય એ માટે. દક્ષિણ ભારતનાં આવાં ચર્ચોમાં ઈસુની આરતી પણ ઉતારાતી થઈ ગઈ છે. હિન્દુઓને કન્વર્ટ કરવાની આ નવી ચાલ છે.

પશ્ચિમ બંગાળમાં અને કેરળમાં દર વર્ષે સેંકડો હિન્દુ કાર્યકર્તાઓને ક્રૂરતાથી રહેંસી નાખવામાં આવે છે. આમાંના એક પણ લિન્ચિંગ વિશે મિડિયામાં ઊહાપોહ થતો નથી. હિન્દુવિરોધીઓને મિડિયા છાવરતું રહે છે.

એકાદ આસારામ બાપુ કે અન્ય ધર્મગુરૂઓને સતત પહેલે પાને ચમકાવતા છાપાંઓ અને પ્રાઈમ ટાઈમના બ્રેકિંગ ન્યુઝ આપતી ટીવી ચેનલો સામાન્ય ભારતીયના દિમાગમાં એવી છાપ ઊભી કરે છે કે હિન્દુ ધર્મગુરૂઓ બધા આવા હોય. ખ્રિસ્તી પાદરીઓના ભારતમાં જ નહીં દુનિયાભરનાં કુમળાં બાળકો સાથેના દુર્વ્યવહારો, નન્સ સાથેના એમના ભવાડાઓ તથા ચર્ચના આર્થિક કૌભાંડો વિશે મોટા મોટા ગ્રંથ લખી શકાય એટલું મટિરિયલ છે. આપણા મિડિયાને એમાં જાણે કે કોઈ રસ જ નથી.

દિલ્હીના પરિણામ પછી શાહીનબાગ અલમોસ્ટ ખાલી થઈ ગયું. હાર્દિક પટેલ નામનો ન્યુસન્સ ફેલાવતો તોફાની બારકસ પોલીસના અરેસ્ટ વૉરન્ટથી બચવા ૧૮ જાન્યુઆરીથી લાપતા છે. વિધુ વિનોદ ચોપરાની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘શિકારા’ કાશ્મીરી પંડિતોનો પક્ષ નથી લેતી, મુસ્લિમ અત્યાચારીઓને જસ્ટિફાય કરે છે. ‘આપ’ સાથે સંકળાયેલા અનેક લોકો સામે અત્યારે તોતિંગ આર્થિક ભ્રષ્ટાચારની એફ. આઈ. આર. નોંધાયેલી છે, ઈન્વેસ્ટિગેશન ચાલે છે. પેટ્રોલ-ડિઝલના ભાવ સતત ઘટતા જાય છે. કાંદાના ભાવમાં કૃત્રિમ વધારો થયા પછી તરત જ નૉર્મલસી આવી ગઈ છે અને હવે ટામેટાંના ભાવ કૃત્રિમ રીતે ઉછળીને આસમાને જાય એવી સાઝિશ સરકારે નાકામિયાબ બનાવી દીધી છે. હારની બીક હતી ત્યારે ઈવીએમ વિશે શંકા પ્રગટ કરનારા ‘આપ’ના નેતાઓ હવે ઈવીએમ વિશે એક હરફ ઉચ્ચારતા નથી.

આ અને આવા કેટલાય સમાચારોને મિડિયા તમારા સુધી યોગ્ય રીતે પહોંચાડતું નથી. તમારું – હિન્દુઓનું ખરાબ દેખાય, દેશનું ખરાબ દેખાય, દેશના શાસકોનું ખરાબ દેખાય એવા મામૂલી સમાચારોને એક્‌ઝજરેટ કરીને, મારીમચોડીને, તોડીફોડીને મિડિયા ફ્રન્ટ પેજ પર બિભત્સ હેડલાઈનો બાંધશે. પણ જે સમાચાર જાણવા જેવા છે એને તદ્‌ન બ્લેકાઆઉટ કરશે અથવા છઠ્ઠા પાને છેલ્લી કૉલમમાં નીચેથી બીજો ફકરો બનાવીને દાટી દેશે.

મિડિયા સમાજનું દર્પણ કહેવાતું. અમદાવાદમાં કાંકરિયા પાસેની બાલવાટિકામાં વિવિધ પ્રકારના અરીસા હતા, જેમાં તમે જાડા, પાતળા, બટકાં, લાંબા વગેરે દેખાઓ. મિડિયા હવે આવા અરીસા સમાન બની ગયું છે જે તમને સમાજનું પ્રતિબિંબ વિકૃત કરીને દેખાડે છે. બાલ વાટિકાના વિઝિટરને તો ખબર હોય છે કે પોતે કેટલા જાડા કે પાતળા કે લાંબા કે ટૂંકા છે એટલે સામેના દર્પણને જોઈને મનોરંજન અનુભવે છે, હસીને આનંદ પામે છે.

મોટાભાગના અખબાર વાચકોને તથા ટીવી ન્યુઝ ચેનલ દર્શકોને સમાજમાં ખરેખર શું બની રહ્યું છે એનો ખ્યાલ નથી હોતો. તેઓ તો એમને દેખાડવામાં આવતાં વિકૃત પ્રતિબિંબોને જ સાચાં માની લે છે. અને એટલે જ એમને આ દેશમાં શ્રધ્ધા હોવા છતાં, દેશના શાસકોમાં – એમની દાનતમાં શ્રધ્ધા હોવા છતાં તેઓ વખત આવ્યે વોટ આપવા નીકળતા નથી. આનો લાભ સામેવાળા લઈ જાય છે – સાગમટે મતદાન કરાવીને. મિડિયા દ્વારા જે વિકૃત પ્રતિબિંબો આપણને દેખાડવામાં આવે છે એને કારણે આપણે ફ્રસ્ટેટ થઈ જઈએ છીએ, જેમના પર ભરોસો મૂક્યો એ લોકોને દેશ ચલાવતાં આવડતું નથી એવી હતાશા જન્મે છે. લેફ્‌ટિસ્ટોની આ જ તો મોડસ ઑપરેન્ડી છે.

આસામ અને કાશ્મીરમાં જાનના જોખમે તોફાનીઓને કાબૂમાં રાખવાની કોશિશ કરતા ભારતના બહાદુર લશ્કરી જવાનોને બદનામ કરવા. એમની સામે હ્યુમન રાઈટ્‌સના ભંગ બદલ ઢગલો કેસ કરીને એમનું મોરાલ ખતમ કરી નાખવું (પંજાબમાં ૧૯૮૦ – ૯૦ના દાયકામાં ખાલિસ્તાની ચળવળ વખતે પણ હ્યુમન રાઈટ્‌સવાળાઓ દ્વારા પંજાબ પોલીસ સાથે એ જ થતું).

આર્મી ઉપરાંત સુપ્રીમ કોર્ટ, ઈલેક્‌શન કમિશન, પોલીસ અને બ્યુરોક્રસીથી માંડીને મ્યુનિસિપલ કૉર્પોરેશન સુધીની સમગ્ર સિસ્ટમ નકામી છે અને ભારતની બંધારણીય વ્યવસ્થા તૂટી પડી છે એવી છાપ દાયકાઓથી લેફ્‌ટિસ્ટો દલાલ મિડિયા દ્વારા આપણા સુધી દિવસરાત પહોંચાડી રહ્યા છે.

ભારત જેટલો વિશાળ અને બહુમુખી કલ્ચર ધરાવતો દેશ કેટલી ફેન્ટેસ્ટિક રીતે શાંતિપૂર્વક જીવીને સતત સમૃદ્ધ થઈ રહ્યો છે એની વાત કોઈ કરતું નથી. ભારતની સામે સાવ બચુકડા લાગે એવા જેને ચડ્ડી પહેરતાં પણ ન આવડતું હોય એવા દુનિયાના કેટલાય દેશો સતત અશાંતિમાં, તોફાનો વચ્ચે, આર્થિક બેહાલીમાં જીવે છે એ જોઈએ ત્યારે આપણને ખરેખર આપણા દેશ માટે માન થાય. તથાકથિત સમૃદ્ધ દેશોના ઉપરી આવરણ તળે ખદબદતા સામાજિક અન્યાયો તેમ જ આર્થિક સંકટો વિશે જાણીએ તો ખબર પડે કે આપણે ભારતીયો કેટલા ભાગ્યશાળી છીએ.

મિડિયાનું કામ આ બધી વાતો રોજેરોજ આપણા સુધી પહોંચાડવાનું છે. પણ જે મેઈન સ્ટ્રીમ તોતિંગ મિડિયા છે એમને એમના પોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ છે, એમની સમજ જુદી છે, ઈરાદા જુદાં છે, લક્ષ્ય જુદાં છે.

ભરોસામંદ મિડિયા, કોઈની શેહમાં ન તણાય કે જાહેરખબરદાતાઓની આંગળીના ટેરવે નૃત્ય ન કરે એવું મિડિયા રેર છે. ઉત્તર રામચરિત્રમાં ભવભૂતિ લખી ગયાઃ ते हि नो दिवसा गताः!
એ દિવસો ગયા.

આજનો વિચાર
કોઈક વાતનો અંત આવી ગયો હોય ત્યારે એ જાણવું – સ્વીકારવું અનિવાર્ય બની જાય છે કે હવે આ પૂરું થયું. દરવાજો બંધ થયો, વર્તુળ પૂરું થયું, ચોપડીનું છેલ્લું પાનું વંચાઈ ગયું. જે અભિવ્યક્તિ કરો તે પણ જિંદગીમાં હવે એ નથી રહ્યું તેનો સ્વીકાર કરીને આગળ વધીએ.
_પાઉલો કોએલો

છોટી સી બાત
ડૉક્ટરઃ ક્યાં દુઃખે છે તમને?
પેશન્ટઃ ફી ઓછી કરો તો કહું
ડૉક્ટરઃ નહિંતર?
પેશન્ટઃ ગોતો જાતે !

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here