જે તમારું બૂરું કરી શકે એમ છે એ જ તમારું ભલું પણ કરશે


તડકભડક : સૌરભ શાહ

(‘સંસ્કાર’ પૂર્તિ, ’સંદેશ’ , રવિવાર, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦)

ઈનર્શયા. આ અંગ્રેજી શબ્દ તમે સાંભળ્યો હશે. જે સ્થિતિ અત્યારે છે એ એમની એમ જ રહે એ દર્શાવવા માટે આ શબ્દ વપરાય. એનો સરળ ગુજરાતી પર્યાય કોઈ સૂઝતો નથી. ઈનર્શયા શબ્દ પોઝિટિવ અને નેગૅટિવ બેઉ અર્થમાં વપરાય. તમે કંઈ જ ન કરતા હો અને આળસુના પીરની જેમ દિવસો વિતાવતા હો તો એ તમારી નિષ્ક્રિયતાની સ્થિતિને વર્ણવવા પણ ઈનર્શયા વપરાય. અને કોઈ ફૅક્ટરીમાં યંત્ર ચાલુ કરવા માટે તમે હાથ વડે ચક્કરને પાંચ-પંદર વખત ઘુમાવો અને ત્યાર બાદ એ બહારની કોઈ એનર્જી વાપર્યા વગર આપમેળે ફર્યા જ કરે જ્યાં સુધી તમે એને પ્રયત્નપૂર્વક રોકો નહીં ત્યાં સુધી, એ ચાલકબળને પણ ઈનર્શયા કહેવાય. તો ઈનર્શયા એટલે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે એમની એમ રહે એવો ગાળો.

ગીતા સહિતના આપણા ધર્મગ્રંથોમાં સતત પ્રવૃત્તિ કરવાનો બોધ શા માટે અપાયો હશે એ સમજાય છે તમને? તમે જો થોડાક દિવસ પ્રવૃત્તિ વિના બેસી રહેશો તો એ થોડા દિવસ વખત જતાં થોડા સપ્તાહ, થોડા મહિના અને કદાચ થોડા વરસોમાં પણ પલટાઈ શકે છે. કાદવના કળણ જેવું છે આ તો. એમાંથી બહાર નીકળવા માટે જેટલું જોર કરો એટલા વધારે ને વધારે અંદર ખૂંપતા જાઓ.

કામની નિષ્ક્રિયતા ઉપરાંત આદતો, વ્યસનોનું પણ એવું જ છે. ક્યારેય એકાદ કુટેવને પંપાળી લેવાનું નક્કી કરીએ છીએ ત્યારે એ કુટેવની પીરિયોડિસિટી ધીમે ધીમે વધતી જ જવાની. છેવટે એ તમારા જીવન માટે, તમારા સમગ્ર અસ્તિત્વ માટે અનિવાર્ય બની જવાની. વ્યસનનું પણ એવું જ. વન્સ ઈન અ વ્હાઈલ આટલું ચાલે એવું વિચારીને કોઈ વ્યસન શરૂ કર્યું હોય છે ત્યારે વખત જતાં એ વ્યસન વિના જીવી જ નહીં શકાય એવા સ્ટેજ પર આપણે આવી જતા હોઈએ છીએ.

ઈનર્શયાની પોઝિટિવ સાઈડ જોઈએ. તમે અનુભવ્યું હશે કે કોઈ કામમાં તમે ઓતપ્રોત થઈ જાઓ છો ત્યારે તમને એ કામ કરવાનો જાણે કે નશો થઈ જાય છે. કામથી દૂર જવાનું તમને મન નથી થતું. આજે સારી રીતે કરેલું કામ તમને આવતી કાલે વધારે સારી રીતે કામ કરવાની પ્રેરણા આપે છે. જેમ જેમ દિવસો વીતતા જાય એમ તમારા કામની રિધમ સેટ થઈ જાય છે. તમારું કામ, તમારા જીવનનો તાલ, તમારા જીવનનો લય, તમારા જીવનનો સૂર બની જાય છે. તમને ભય લાગવા આંડે કે કામ વિનાનું તમારું જીવન બેસૂરું બની જશે.

ઈનર્શયાની આ જ મઝા છે. કોઈ સારી આદત તમે પાડી તો વ્યસનની જેમ તમે એને વળગી રહેશો. સવારે સૂર્યોદય પહેલાં જાગી જવાની ટેવ પાડી હશે તો તમારા ઘરમાં જ નહીં, બહારગામ, પરદેશ ગમે ત્યાં હશો તમે વહેલા ઊઠી જશો. કાનપાનની અમુક સુટેવો પાડી હશે તો ગમે ત્યાં જાઓ તમે, એનાથી છૂટશો નહીં.

આટલે સુધી આવીને કંઈક આવો સાર કાઢવાનું મન થાય છે. આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ તે જ આપણને અનેકગણું થઈને પાછું મળતું હોય છે. આળસ કરી કે કોઈનું બૂરું કર્યું કે પછી શરીર સાચવવામાં ઢીલ કરી તો એ જ બધું ગુણાકાર થઈને જીવનમાં પાછું આવતું હોય છે.

કામ કરતા રહ્યા કે સદ્‌કાર્યો કરતા રહ્યા કે શરીર પ્રત્યે બેધ્યાન ન રહ્યા તો એના ફાયદાઓ પણ બમણા, ત્રણગણા, અનેકગણા થઈને જીવનને મહેકાવતા હોય છે.

ખંત, નિરંતર, સાતત્ય – આ બધા શબ્દોનું મહત્વ શું છે તે ઈનર્શયા સમજાવે છે. સાતત્ય પરિણામનું ભલે ન હોય પણ પ્રયત્નોનું તો હોવું જ જોઈએ. પરિણામ આપણા હાથમાં નથી. કોઈનાય હાથમાં નથી. સમય, સંજોગો, પરિસ્થિતિઓ, આસપાસની વ્યક્તિઓ, પોતાનો ભૂતકાળ વગેરે અગણિત કારણોના સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર થયા પછી પરિણામો સર્જાય છે. એ આપણા એકલાના હાથમાં નથી. પણ પ્રયત્નો આપણા જ હાથમાં છે. મક્કમપણે, મજબૂતીથી આપણા જ હાથમાં છે. માટે કંઈક કરવું હોય તો કોઈ મને રોકી શકવાનું નથી. પરિણામ મારું ધાર્યું આવે કે ન પણ આવે. પરંતુ પ્રયત્નો કરવાથી મને કોઈ રોકી નહીં શકે. પ્રયત્નોનું સાતત્ય આ વિચાર દૃઢ થવાને લીધે આવે. અને એટલે જ ખંતનું મહત્વ સમજવું પડે.

ખંત એટલે મચી પડવું. ક્યાંય રોકાયા વિના આગળ વધતાં રહેવું. કમ વૉટ મૅ. કોઈ પણ સંજોગોમાં થંભવાનું નામ ન લેવું. મંઝિલ સામે જ દેખાતી હોય તો પણ અને મંઝિલ વધુ ને વધુ દૂર જતી દેખાય તો પણ – રોકાવાનું નહીં. ધીરજ આને લીધે જ કેળવાય. પરિણામ વિશેની અનિશ્ચિતતા દૂર કરી નાખીએ – જે થવાનું હશે તે થશે એવી માનસિકતા દૃઢ કરી નાખીએ – તો આપોઆપ ધીરજ પ્રગટ થાય. પરિણામ સુધી દોડી જવાની ઉતાવળ નહીં રહે ત્યારે જ ધૈર્ય ઉમેરાશે.

અત્યારે જો ઈનર્શયાની નેગૅટિવ સાઈડ પર હો તો જરાક વધુ પ્રયત્નો કરીને, જરૂર પડે તો કોઈની મદદ લઈને, એમાંથી બહાર આવી જવાની કોશિશ કરીએ. પછી પોઝિટિવ સાઈડ પર આવીને ચક્ર ફેરવવાનું શરૂ કરીએ. એકવાર, બેવાર, પંદર-પચીસવાર. એક વખત ચકરડું ફરતું થઈ જશે પછી ઘણી આસાનીથી ફર્યા કરશે, બહુ સહેલાઈથી અઘરાં અઘરાં કામો આટોપાઈ જશે. જે જે મહાન માણસો આપણી આસપાસની દુનિયામાં છે તે બધા જ દિવસ-રાત સતત કામમાં શા માટે રચ્યાપચ્યા રહે છે તે હવે તમને સમજાયું? એ સૌ જીવનમાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક કોઈ દૂરના ભૂતકાળમાં, ઈનર્શયાની નેગૅટિવ સાઈડનો સાક્ષાત્કાર કરી ચૂક્યા હોવા જોઈએ. એ અંધારામાંથી તેઓ પોતાનું તેજ પ્રગટાવીને બહાર આવ્યા હશે. બહાર આવીને ઈનર્શયાની પોઝિટિવ સાઈડ પકડીને તેઓ આજે આખી દુનિયાને – તમનેમનેસૌને ઝળહળતી જીવનશૈલી માટે પ્રેરણા આપી રહ્યા છે. કારણ કે જેઓ અંધાર કોઈ ચૂક્યા છે એમને અજવાસનું વધારે મૂલ્ય હોય છે.

પાન બનાર્સવાલા

સારા કામનો એક કલાક એક આખો દિવસ સારું કામ કરવા માટે પ્રેરણા આપશે. દિવસ મહિના માટે, મહિનો વરસ માટે અને વરસ આખી જિંદગી માટે પ્રેરણા આપ્યા કરશે.
_અજ્ઞાત

11 COMMENTS

  1. ખરેખર અદ્બભૂત.આ મુદ્દે વાત કરવી છે

  2. We must read , Saurabh Shah’s this article Daily or weekly or monthly & put his words in practice , improve us our life economically ,mentally & socially .so read & practice it.super article

  3. ખૂબ પ્રેરણારૂપ લેખ. વાસ્તવિકતાથી ભરપૂર અને માર્ગદર્શક.

  4. Sir,
    I have experienced negative inertia in relation to work. Now enjoying the positive side. Need to really experience positive side on my health and discipline. Thanks for this article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here