ગણિકા આપણા સમાજના કેન્દ્રમાં છે: મોરારિબાપુ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 24 ડિસેમ્બર 2018)

અયોધ્યામાં બીજા દિવસની ‘માનસ : ગણિકા’ રામકથાનો આરંભ પૂજ્ય મોરારિબાપુએ સાહિર લુધિયાનવીની પંક્તિઓથી કર્યો:

યે પૂરપેચ ગલિયાઁ, યે બદનામ બાઝાર, 
યે ગુમનામ રાહી, યે સિક્કોં કી ઝંકાર
યે ઈસ્મત (સ્વમાન) કે સૌદે, યે સૌદોં પે તકરાર
જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ?

આ પંક્તિઓની પ્રસ્તાવના બાંધતાં બાપુએ કહ્યું કે ‘તથાકથિત ઈલ્મીઓંને જો નહીં કિયા…’ વાક્ય બાપુએ અધ્યાહાર રાખ્યું છે. કદાચ ઈલ્મીઓનો પ્રાસ ફિલ્મીઓ સાથે બેસાડવા માગતા હશે પણ ઔચિત્ય નહીં જણાયું હોય. ઈલ્મી એટલે જાણકારો, વિદ્વાનો, પંડિતો, મૌલવીઓ કે મહાન સાહિત્યકારો જે વાત નહીં કહી શક્યા તે સત્ય ફિલ્મના ગીતકારે ઉચ્ચાર્યું. 

સાહિરસા’બના આ સત્ય વિશે બાપુએ કહ્યું ‘…આ સત્યને તો સ્વીકારવું જ પડશે. સત્ય આપણે બોલી ન શકીએ તો કોઈ ચિંતા નહીં. પણ સત્યનો અસ્વીકાર એક અપરાધ છે. સત્યનો સ્વીકાર કરવો જોઈએ. અને મને લાગે છે કે સત્ય બોલવામાં તો હિંમતની જરૂર પડે જ છે, પણ સત્યને સ્વીકારવા માટે એથીય વધુ હિંમત જોઈએ. લોકો સત્યનો સ્વીકાર કરવા તૈયાર નથી. એ સત્ય જે હકીકત છે, વાસ્તવ છે સંસારનું.’ 

સાહિરની આ મશહૂર પંક્તિઓ સુધી પહોંચતાં પહેલાં બાપુ કહે છે કે, ‘મારી પાસે એક સરસ સમાચાર આવ્યા છે. કલકત્તામાં (સોનાગાછીના બદનામ વિસ્તારમાં) આ કથાને મોટા સ્ક્રીન પર આ બહેન-બેટીઓને લાઈવ દેખાડવામાં આવે છે અને બપોરના ભોજન-પ્રસાદનો પણ પ્રબંધ કરવામાં આવ્યો છે. મુંબઈમાં પણ આવું કાર્ય થઈ રહ્યું છે. ભારતના તમામ નગરવાસીઓને હું અપીલ કરું છું કે જ્યાં જ્યાં તમારી પાસે સગવડ હોય ત્યાં તમે આવા મહોલ્લાઓમાં જઈને મોટા સ્ક્રીનની વ્યવસ્થા ગોઠવો અને વિનંતી કરો કે બાપુનું નિમંત્રણ છે, આવો, સાંભળો અને બપોરે અયોધ્યાના ભંડારીનો પ્રસાદ લો. મને બહુ સારું લાગ્યું આ સમાચાર સાંભળીને. સુરતમાં થાય, વડોદરામાં, જ્યાં જ્યાં શક્ય હોય તે બધી જ જગ્યાઓએ જેમને આવું કરવું હોય તે કરે, સ્વયંભુ શરૂઆત થઈ ચૂકી છે, સાધુસંતોના આશીર્વાદ છે.’ 

બાપુ સાહિર લુધિયાનવીની પંક્તિઓ ટાંકીને કહે છે: ‘સાહિરનો આ પોકાર છે – જેમને હિન્દુસ્તાન પર ગૌરવ છે, નાઝ છે એ લોકો ક્યાં છે? ક્યાં જતા રહ્યા છે? સૌની તરફ મારો ઈશારો છે. સમાજના દરેક ક્ષેત્રને મારો વિનયભર્યો ઈશારો છે. કેટલી દર્દીલી પંક્તિઓ છે, આ માતાઓ-બહેનો માટે હું તો દિલ્હીને પણ સાદ પાડું: સબ કહાં હૈ?’

વો ઉજલે દરીચોં મેં પાયલ કી છન છન
થકી હારી સાંસોં મેં તબલેકી ધન ધન
યે બેરુહ કમરોં મેં ખાંસી કી ઠન ઠન
જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ?

બાપુ કહે છે: ‘કેટલાક લોકો પ્રારબ્ધ કે પરિસ્થિતિવશ વખાના એવા માર્યા હોય છે જેમને તમારા પૈસા નથી જોઈતા, તમે એમને પ્રેમ નહીં કરો તો પણ કોઈ વાંધો નથી પણ તમારી આંખોમાં એમના માટે કરુણા હોવી જોઈએ.’

સાહિરની પંક્તિઓ પરથી બાપુ તુલસીરચિત વિનયપત્રિકાનો ઉલ્લેખ કરીને કહે છે કે એમાં પણ ગણિકાના ઉદ્ધાર વિશે લખાયું છે એટલું જ નહીં ગુરુ ગ્રંથસાહેબમાં પણ ગણિકા શબ્દનો ઘણા અહોભાવથી ઉલ્લેખ થયેલો છે.

‘માનસ : ગણિકા’ રામકથાનો આજે બીજો દિવસ છે. આજે તો ટેક ઑફ લેવા માટે રનવે પર દોડવાને બદલે બાપુની વાણી રૉકેટની જેમ સીધી અંતરિક્ષ ભણી ગતિ કરીને સડસડાટ ગુરુત્વાકર્ષણની બહાર નીકળી જાય છે. પોતાની સચ્ચાઈ પર જેમને વિશ્વાસ હોય એમણે લોકો શું કહેશે એવી પક્કડથી છૂટીને સમાજની ભ્રમણકક્ષાની બહાર નીકળીને વિચારવાનું હોય. બાપુ આજે પૂરેપૂરા ગુરુત્વાકર્ષણથી મુક્ત થઈને કપાસના રૂની હળવાશથી પોતાની મસ્તીથી કહી રહ્યા છે: ‘આપ કો ધક્કા ના લગે તો કહું ઔર ધક્કા લગે તો ભી આપ જાનોં. મૈં તુમ્હેં ધક્કા નહીં દે રહા હૂં, તુમ્હારી પીટીપિટાઈ સોચ તુમ્હેં ધક્કા દે રહી હૈં. ગણિકા ગુરુ હૈ, ગણિકા ગુરુ હૈ, ગણિકા ગુરુ હૈ. શ્રીમદ્ ભાગવતજી મેં જો ચૌબીસ ગુુરુઓં કા લિસ્ટ હૈ – ભગવાન દત્તાત્રેય ગણિકા કો ગુરુપદ દેતે હૈ… કૈસે મના કરોગે? સદીઓ કે બંધન તોડને બહોત મુશ્કિલ હોતે હૈં, સદીયોં કે ક્યા, યે તો યુગોં યુગોં કે બંધન હૈ…’

‘દુનિયા મેં અચ્છે લોગોંને કારીગિરી અચ્છી નહીં કી હૈ, ગેમ બહોત ખેલી હૈ. કહલાનેવાલે લોગ બહોત ગેમ ખેલતે હૈ, બહોત ગેમ ખેલતે હૈ. મૈં કલ હી શામ કો બૈઠા તો કહતા થા કિ મુઝે સબ કી ગેમ કા પતા લગતા હૈ લેકિન મેરી સાધુતા મુઝે રોક રહી હૈ. બાકી મેરે અગલબગલવાલે ક્યા યે સમઝ રહે હૈ કિ મુઝે તુમ્હારી ગેમ પતા નહીં? કિસ રૂપ મેં ચાલાકિયાં કરતે હો? મૈં અનપઢ હૂં, મૂરખ નહીં… સોચો.’

બાપુ આજે સોળે કળાએ ખીલી રહ્યા છે અને કેમ ન ખીલે. અયોધ્યાની ભૂમિ અને રામકથાનું ગાન. બાપુ માટે તો અયોધ્યા જેવા મોસાળમાં જમણ અને તુલસીદાસ જેવી માતા પીરસનારી. વાણી સોળે કળાએ ખીલે એ સ્વાભાવિક છે. 

બાપુ કહે છે: કેટલીક વાતો કાગળમાં નહીં લખતા, કલેજામાં કોતરાવીને રાખજો – ગણિકા સમાજનું શુકન છે. જેમ વાછરડાને દૂધ પીવડાવતી ગાયને જોવી આપણા માટે શુકન છે, સૌભાગ્યવતી નારી સામે દેખાય તો એ શુકન છે, હાથમાં વેદની કે કોઈ પણ શાસ્ત્રની પોથી લઈને આવતો બ્રાહ્મણ દેખાય તો એ શુકન છે, આવાં કેટલાય શુકન ગણાવાયા છે જેમાંનું એક શુકન એ પણ છે કે તમે જો કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હો અને સામેથી સજીધજીને આવતી ગણિકા દેખાય તો એ શુકન છે. આજે પણ સમગ્ર બંગાળમાં દુર્ગાપૂજા માટે મૂર્તિ બનાવવાની હોય ત્યારે સૌથી પહેલી માટી ગણિકાના ઘરેથી જતી હોય છે. ગણિકાના આંગણની માટીથી મા દુર્ગાની પ્રતિમા બને છે- વિચાર તો જુઓ! કેવી કરિશ્માવંત મિટ્ટી હશે એ જેનાથી દુર્ગા બને છે. પણ જેના ઘરની માટીથી દુર્ગા બને છે એના ઘરને આપણે ખરાબ નજરથી જોઈએ છીએ. પડદા પાછળ સૂઈ ગયેલું બાળક બીમાર હોય ત્યારે પણ એણે… યે સાંસોં કી ઠન ઠન – સાહિરસાહેબે શું ઈશારો કર્યો છે! મારી પાસે એક યોજના આવી છે: બાપુ, દિલ્હી-મુંબઈ જ્યાં શક્ય હોય ત્યાં આ બહેનબેટીઓ માટે, એમના પરિવાર માટે એક મેડિકલ યોજના બનાવીએ. એમને તબીબી સહાય માટે જ્યારે જરૂર પડે ત્યારે અમુક રકમ એમને મળી રહે, નિ:શુલ્ક સારવાર મળે. બનાવો, યાર આ જ તો મોકો છે. મંડી પડો આવી યોજનાઓને અમલી બનાવવા માટે, કરો. જરૂર કંઈક કરો. હુું વ્યવસ્થાનો માણસ નથી. તમારે કરવાનું છે. બહુ કામ કરવાનું છે. હિન્દ પર નાઝ કરને વાલે કહાં હૈ, કહાં હૈ… મારા આ પરમધામ અયોધ્યામાં બાબાના આશીર્વાદ લઈને મારા ઠાકુરની ભૂમિ પરથી, મારા માનસની ભૂમિ પરથી મારે કહેવું છે કે આ ઉમદા હેતુ માટે એક એવી સન્માનનીય રકમ ભેગી કરવામાં આવે. એમાંથી જ્યાં જ્યાં જરૂર છે ત્યાં મદદ મોકલવામાં આવે. નિષ્ણાતો તરફથી જાણકારી મળે તો યોગ્ય રીતે કામ થઈ શકે. આ રકમના શ્રીગણેશરૂપે તલગાજરડાના હનુમાનજીના પ્રસાદ તરીકે રૂપિયા અગિયાર લાખની રકમ આ વ્યાસપીઠ આપે છે. બાકી, હરીશભાઈને આવતા શનિવાર સુધી જેણે જે રકમ લખાવવી હોય તે લખાવી દે. શનિવાર પછી વાત પૂરી. જે રકમ ભેગી થશે તે એમના માટે સેવાકાર્ય કરતી સંસ્થાઓમાં વહેંચી દેવામાં આવશે. કંઈક કરીને અયોધ્યાથી પાછો જઈશ…

બાપુ તુલસીદાસ રચિત વિનયપત્રિકાને ટાંકીને કહે છે: ગોસ્વામી તુલસીદાસ ભગવાન રામને પૂછે છે કે તમે સાધુસંતોનો ઉદ્ધાર કર્યો એ તો જાણે કે સમજ્યા પણ તમે ગણિકાઓનો પણ ઉદ્ધાર કર્યો! જરા, એ તો કહો પ્રભુ કે તમારો એમની સાથેનો સંબંધ શું છે? એવી કઈ સગાઈ છે?

બાપુ કહે છે: હું પણ આ વાંચીને વિચારતો થઈ ગયો કે તુલસીએ આવો કટાક્ષ કેમ કર્યો કે પરમાત્માને ગણિકા સાથે વળી શું સગાઈ હશે! કેટલીક વાતોના પુરાવાઓ લખેલા નથી મળતા, એ સિદ્ધપુરુષ દ્વારા બોલાયેલા હોય એટલું પૂરતું છે. સાધુ બોલે સો નિહાલ. ઈતિહાસને સિદ્ધ કરવા તથ્યો ભેગાં કરવાં પડે, અધ્યાત્મને સિદ્ધ કરવા માટે કેવળ સત્ય જ હોય, તથ્યની કોઈ જરૂર નથી હોતી. તો હું વિચારવા લાગ્યો કે રામને ગણિકા સાથે કઈ સગાઈ હશે? વાલ્મીકિ રામાયણમાં પાઠ છે. ચક્રવર્તી રાજગોપાલાચારીએ પણ એમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે મહાભારતમાં લોમસજીએ આ કિસ્સો પાંડવોને સંભળાવ્યો છે. આપણા ચોખલિયાવેડાને લીધે, આપણી તથાકથિત ચીડને કારણે આ બધી વાતો પર આપણે પડદો ઢાંકી દીધો છે. ગાંધીજીએ આ બહેન-બેટીઓ માટે, વિધવાઓ માટે ખૂબ સુંદર અભિપ્રાયો આપ્યા છે. વાલ્મીકિ જેને વરાંગના કહે છે તેમના ઉલ્લેખોથી આપણને ખબર પડે છે કે ગણિકાઓ ન હોત તો ભગવાન રામનું પ્રાગટ્ય થયું ન હોત. ખૂબ લાંબી કથા છે. રસ હોય એમણે મૂળકથા વાંચી લેવી. આપણા સમાજના કેન્દ્રમાં ગણિકા છે. જેમને આવી વાતોની ચીડ છે, સૂગ છે એ લોકો આ વાતોનો કંઈક જુદો જ અર્થ કાઢશે. ગણિકાને કારણે આપણને રામ પ્રાપ્ત થયા. આ સગાઈ છે. તેં મને પ્રગટ કર્યો, હું તો બધી જગ્યાએ છું પણ તારા કારણે હું પ્રગટ થયો, રામજી કહે છે. આખી કથા વાલ્મીકિ રામાયણમાં છે. વાલ્મીકિ રામાયણના આ મૂળ પાઠને તથાકથિત લોકોએ ઘણા વિકૃત સ્વરૂપમાં મૂકીને એને પ્રચલિત કરવાની કોશિશ કરી છે. એ ખોટું થયું… ગણિકા ગુરુ છે, ગણિકા શુકન છે, ગણિકા દુર્ગાની મૂર્તિનું પ્રાગટ્ય કરે છે અને ભગવાન રામનું પણ. બહુ મોટો મહિમા છે આપણી પરંપરામાં ગણિકાનો.’

બીજા દિવસની કથા પરાકાષ્ઠા ભણી જઈ રહી છે. બાપુ કહે છે: તમે ઈસુના મહિમાવંત દિવસની ઉજવણી જરૂર જરૂર જરૂર કરો, શાંતિ રાખીને શાંતા-ક્લોઝને જુઓ. પણ રામનવમી એના કરતાંય બમણા જોરથી મનાવો. જન્માષ્ટમી એના કરતાં ત્રણ ગણા ઉત્સાહથી મનાવો અને મહાશિવરાત્રિ એના કરતાં ચારગણી. ઈસુ મહાન હતા, માસૂમ હતા, એમના જીવનમાં પણ ગણિકાનું પ્રદાન છે. ઈસુના પછીની પરંપરાને હું માનું કે ન માનું, એ મારી મરજીની વાત છે. પણ ઈસુની વાત જુદી જ છે. એ જમાનામાં કેવી ક્રૂર પ્રથા હતી. એવી મહિલાને પથ્થર ફેંકીને ઘાયલ કરીને રિબાવીને જાનથી મારવામાં આવતી હતી. એ સમયના ધર્મવાળાઓ પણ એમાં માનતા. પણ જિસસે કહ્યું: જેણે પાપ ન કર્યું એકે, તે પહેલો પથ્થર ફેંકે. 

બીજા દિવસની કથાને સમ પર લાવતાં પૂજ્ય મોરારિબાપુ ફરી એકવાર સાહિર લુધિયાનવીને યાદ કરે છે: ઔરતને જનમ દિયા મરદોં કો…

અને બાપુએ સાહિરની જે પંક્તિઓ કથામાં ક્વોટ નથી કરી તે પણ આપણને યાદ આવી જાય છે: 

યે સદિયોં સે બેખૌફ સહમી સી ગલિયાં
યે મસલી હુઈ અધખિલી ઝર્દ કલિયાં
યે બિકતી હુઈ ખોખલી રંગરલિયાં
જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ?
યે ફૂલોં કે ગજરે, યે પીકોં કે છીંટેં 
યે બેબાક નઝરે, યે ગુસ્તાખ ફિકરે
યે ઢલકે બદન ઔર યે બીમાર ચેહરે
જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ?
યહાં પીર ભી આ ચુકે હૈં, જવાં ભી
તન-ઓ-મન્દ બેટે ભી, અબ્બા મિયાં ભી
યે બીવી હૈ, બહન હૈ, માં હેૈ
જિન્હેં નાઝ હૈ હિન્દ પે વો કહાં હૈ? 
કહાં હૈ, કહાં હૈ, કહાં હૈ…

અયોધ્યામાં સાંજ બહુ વહેલી ઢળે છે. પાંચ વાગ્યા પછી ઝડપથી અંધારું છવાઈ જાય છે. છ વાગ્યે તો રાત જેવું ગાઢ અંધારું છવાઈ જાય. આજની ઢળતી સાંજે બાપુની સાથે બેસીને હળવી-ગંભીર વાતો થતી હતી, બાપુ માટે બનેલી ગંગાજળની ચામાંથી થોડી થોડી ગરમાગરમ પ્રસાદી અમને પણ મળતી હતી ત્યારે બાપુ કહે: આ કથા ખૂબ બધા યંગસ્ટર્સ સાંભળી રહ્યા છે જેમાંના કેટલાય મારી આગળ આવીને કન્ફેસ કરે છે કે બાપુ, અમે પણ ત્યાં જઈ આવ્યા છીએ. 

હું બાપુને કહું છું કે આ કથા વિશે વાંચીને અગણિત વાચકો મને કમેન્ટ્સરૂપે લખી રહ્યા છે, વૉટ્સએપ કરી રહ્યા છે કે બાપુનું ‘માનસ : ગણિકા’નું આ ક્રાંતિકારી પગલું બાપુને ભારતના ઇતિહાસમાં એક મોટા ગજાના સમાજ સુધારક તરીકે સ્થાપીને યાદ રાખશે.

9 COMMENTS

  1. બાપુ
    ગજબ નું સાહસ।
    અમને ગૌરવ છે
    કંચનભાઇ
    બોડેલી

  2. Bapu ni Katha Ane ganika ni vyatha, bhagavan aa Katha jode sanklayel badha ne safalta Ane lambi ummra aape AVI kamna.

  3. પ્યાસા ફિલ્મના આ ગીતમાં શામિલ.ન થયેલી વધારાની પંક્તિઓ આ નઝમમાં હતી તે આ..
    યે ગુંજે હુએ કહકહો રાસ્તો પર
    યે ચારો તરફ ભીડ સી ખીડકીયો પર
    યે આવાઝે ખીંચતે હુએ આંચલો પર…..

    યે ભૂખી નિગાહે હસીનો કી જાનિબ
    યે બઢતે હુએ હાથ સીનો કી જાનિબ
    લપકતે હુએ પાંવ ઝીનો કી જાનિબ…
    જ્યારે આ અંતરાઓ ગીતમાં છે જ
    1 યે કુચે યે નીલામઘર દિલકશી કે..
    2.યે સદીઓ સે બેખ્વાબ સહમી સી ગલિયા..
    3.વૉ ઉજલે દરીચો મેં પાયલ કી ઠનઠન..
    4.યે ફૂલો કે ગજરે યે પીકો કે છીટે….
    5.યહાઁ પીર ભી આ ચુકે હૈ જવા ભી…
    6.મદદ ચાહતી હૈ યે હવવા કી બેટી….
    7.જરા મુલ્ક કે રાહબરો કો બુલાઓ….
    સાહિરની આ સર્વોત્તમ નઝમ છે

  4. कबीर साहब के पश्चात इतनी बेबाकी और डंके की चोट पर बात करनेवाले सर्वप्रिय बापू केवल “मानस मर्मज्ञ ” ही नहीं अपितु जनमानस मर्मज्ञ हैं । हमें नाज़ हैं बापू पे ।

  5. Ramkatha na ajna 3divse bapu e sauravbhai ne “Dala matho” patrakar tarike navajia, aa Dala matho etle gir no sawaj.abhinandan sauravbhai apni nidar Kalam ne Salam.

  6. બાપુએ સારો વિષય લીધો છે ધીમે ધીમે સુધારો આવશે.

  7. ગણિકાઓનો કારણે ઘણા ઘર તૂટતાં બચ્ચા છે. આ કડવી સચ્ચાઈ છે.

  8. વાહ મુરારીબાપુ, વાહ સાહિર સાબ, અને એટલી જ વાહ અને ચાહ તમને પણ સૌરભભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here