ડિસ્સેન્ટ અર્થાત્‌ ભિન્નમત એટલે શું? CAAના વિરોધ વિશે જસ્ટિસ ચન્દ્રચૂડનું ડહાપણ ક્યાં થાપ ખાઈ જાય છે?


ન્યુઝવ્યુઝઃ સૌરભ શાહ

(newspremi.com, સોમવાર, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦)

અંગ્રેજીમાં જેને ડિસ્સેન્ટ કહે છે તે અસહમતિ માટે ગુજરાતીમાં સુંદર શબ્દ છે ભિન્નમત. આખી દુનિયા હેમખેમ તો ટકી રહે જ્યારે ભિન્નમતનો આદર કરવામાં આવે, એને દબાવી દેવામાં ન આવે. કોઈ એક વિચારનું, એક વાત કે એક અભિપ્રાય, એક મતનું હું સમર્થન કરતો હોઉં અને તમે એનો વિરોધ કરતા હો એવું બને. મારે તમારા ભિન્નમતનો આદર કરવો જ પડે. એ જ હેલ્ધી ઍટિટ્‌યુડ છે અને લોકશહી રાષ્ટ્રવ્યવસ્થા તથા લોકશાહી જીવન પધ્ધતિનું એ હાર્દ છે. પણ અત્યારે મારી બહારની બહાર ભવ્ય સૂર્યોદય થઈ રહ્યો હોય, આકાશમાં લાલિમા પથરાઈ રહી હોય ત્યારે તમે ‘ભિન્નમત’ના નામે એમ કહો કે આ કંઈ સૂર્યોદય નથી, સૂર્યાસ્ત છે, તો મારે શું કરવાનું? ‘ભિન્નમત’ના નામે તમારી મૂર્ખામીનો આદર કરવાનો? સગી આંખે દેખતા સૂર્યોદયને જાણી જોઈને સૂર્યાસ્ત કહીને મારા રંગમાં ભંગ કરનારાને લોકશાહીના નામે સહન કરી લેવાનો? ના. એવા લોકોને સમજાવવાની કોઈ જરૂર નથી હોતી. તેઓ તો શરીરના ચોક્કસ ભાગ પર પદપ્રહારને લાયક હોય છે.

ગાંધીજીના સાબરમતી આશ્રમમાં નૉનવેજ તો ઠીક બીજી ઘણી બાબતો પર પાબંદી હતી. ગાંધીજી આશ્રમ ચલાવતા હતા, ધર્મશાળા કે પિકનિક સ્પૉટ નહીં. આશ્રમોને એના પોતાના નીતિનિયમો હોય, જે ગાંધીજીની પોતાની વિચારધારામાં જન્મેલા હોય. અહીં આવીને તમારે રહેવું કમ્પલ્સરી છે એવું તો ગાંધીજી કોઈને કહેતા નહોતા. પણ જો અહીં રહેવાનું નક્કી જ કર્યું હોય તો પછી અહીંના નીતિનિયમો તમારે પાળવા જ પડે, ભિન્નમતના નામે તમે અહીં આવીને પોતાની મનમાની ના કરી શકો, એવો સાબરમતી આશ્રમનો વણલખ્યો નિયમ હતો.

અસહમતિ કે ભિન્નમત આવકાર્ય છે પણ પોતાને જે નથી પસંદ તે વિશે અફવાઓ ફેલાવીને નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરીને ભડકાવવા, દેખાવો કરવા, સમાજમાં અશાંતિ ફેલાવવી, ભિન્નમતના અંચળા હેઠળ દેશમાં ભાગલાવાદી પ્રવૃત્તિ કરવી, નાગરિકોમાં અસંતોષ ફેલાવવો, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પેદા કરવી, બે કોમ વચ્ચે ખામખાં તનાવ પેદા કરવો, સિવિલ વૉરની તૈયારીઓ કરવી અને દેશના સન્માનીય નેતાઓ વિરુધ્ધ ઝેર ઓકવું – આ બધું ડિસ્સેન્ટની વ્યાખ્યામાં નથી આવતું યૉર ઑનર, તમને તો ખબર છે. ભિન્નમત વિશેના તમારા ભળતા જ વિચારોનો હું અત્યારે શાંતિથી, ધીરજપૂર્વક, એક એક દલીલ તમારી સામે મૂકીને જે અસહમતિ દર્શાવી રહ્યો છું તે ખરો ભિન્નમત છે, ડિસ્સેન્ટ એને કહેવાય, ચન્દ્રચૂડ સાહેબ.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ધનંજય યશવંત (ડી.વાય.) ચન્દ્રચૂડ એક એવા પ્રતિભાશાળી કુટુંબમાંથી આવે છે જેણે આપણને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યશવંત વિષ્ણુ (વાય.વી.) ચન્દ્રચૂડ આપ્યા છે. જેમના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બૅન્ચે ૧૯૮૫માં શાહબાનો કેસનો લૅન્ડમાર્ક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને રાજીવ ગાંધીની સરકારે સંસદમાં પ્રચંડ બહુમતી હોવાને લીધે ફેરવી તોળ્યો હતો. એમના આ સુપુત્ર જસ્ટિસ ડી.વાય.ચન્દ્રચૂડ, જો કશું અઘટિત ન બને તો, ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવાની લાઈનમાં છે.

હમણાં અમદાવાદમાં જસ્ટિસ ડી.વાય.ચન્દ્રચૂડે એક જાહેર પ્રવચનમાં સીએએનો પ્રગટ સંદર્ભ લાવ્યા વિના ડિસ્સેન્ટ વિશે થોડું ડહાપણ પ્રગટ કર્યું અને જરા ગરબડ થઈ ગઈ. વાતનો ફોડ પાડ્યા વિના, છટકી જવાના માર્ગો ખુલ્લા રાખીને, કૉન્ટ્રોવર્સી ઊભી કરનારા ઘણા લોકો મેં પબ્લિક લાઈફમાં પણ જોયા છે, પર્સનલ લાઈફમાં પણ જોયા છે. તમેય જોયા હશે. વિદ્વાનોને અને એમાંય કાયદાના વિશેષજ્ઞોને આ બહુ મોટી બીમારી છે.

તેઓ ફોડ પાડ્યા વિના જાહેરમાં એવાં એવાં નિવેદનો કરતા ફરે છે કે કોઈ એમને સપડાવી ન શકે.

જોકે યૉર ઑનર, તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલમાં અમે… સમજી ગયા? સેક્યુલરો કે લેફ્‌ટિસ્ટો કે સેલ્ફ પ્રોક્લેઇમ્ડ લિબરલોને બે કિલોમીટર દૂરથી સૂંઘી લઈએ એવું નાક ભગવાને અમને આપ્યું છે.

ચન્દ્રચૂડસાહેબે સમજવું જોઈએ (અને એ સમજે જ છે) કે અમદાવાદમાં કરેલા એમના લેક્‌ચરને મિડિયા કેવી રીતે લેશે.સીએએના સંદર્ભમાં શાહીનબાગમાં ચાલી રહેલી રાષ્ટ્રવિરોધી લબાડગીરીને જસ્ટિફાય કરવા માટે જ પોતાનું આ ભિન્નમત કે ડિસ્સેન્ટવાળું સ્ટેટમેન્ટ વપરાશે એની એમને ખબર છે અને એટલે જ એમણે એ કર્યું.

જસ્ટિસ ચન્દ્રચૂડની સુપ્રીમ કોર્ટની નોકરી ચાલુ છે. તેઓ નિવૃત્ત નથી થયા. તેઓએ પોતાની ડ્યુટીના એક ભાગરૂપે પણ આ તોફાની નિવેદન નથી આપ્યું. આપણે તો આવા લોકોને શું શિખવાડવાના, એમને ખબર હોવાની (પિતા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા હતા.) કે જજસાહેબોએ ઑનરેબલ રહેવા માટે કેવી તહેઝીબો પાળવી પડતી હોય છે. સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જ નહીં સેશન્સ તથા ફર્સ્ટ ક્‌લાસ મૅજિસ્ટ્રેટની અદાલતોના જજસાહેબો માટે પણ અદાલતોમાં આવવાજવા માટેની અલગ નિસરણીઓ અને અલાયદી લિફ્‌ટો હોય છે જેથી તેઓશ્રીઓના હોદ્દાની ગરિમા જળવાઈ રહે અને એથી વિશેષ તો – એમણે ‘ફાલતુ’ પબ્લિકના સંપર્કમાં ન આવવું પડે.

દરેક કક્ષાના જજસાહેબો માટેનો આ વણલખ્યો નિયમ છે કે એમણે આપણા જેવી ‘ફાલતુ’ પબ્લિકથી દૂર રહેવું. ઘણા જજસાહેબો સ્ટ્રિકલી આ નિયમ પાળતા હોય છે અને સોશ્યલાઈઝ કરવા ક્‌લબો કે સમારંભોમાં જવાનું ટાળે છે – પોતાના બ્રધર જજસાહેબો સાથેના મિલનો તેમજ કૌટુંબિક સમારંભો પૂરતું જ એમનું સોશ્યલાઈઝિંગ સીમિત હોવાનું જેથી બીજાઓ એમને એક યા બીજી રીતે ઈન્ફ્લુઅન્સ ન કરી શકે.

પણ અમુક ભડભડિયા જજસાહેબો નોકરીમાં ચાલુ હોવા છતાં પોતાના મંતવ્યો ચુકાદાઓમાં લખવાને બદલે જાહેર પ્રવચનોમાં ફેંકતા રહે છે. આવા ઘણા જજસાહેબો થઈ ગયા, જસ્ટિસ ચન્દ્રચૂડ એમાંના એક છે.

શાહીનબાગના લપસિંદરને તેમ જ દેશમાં કેટલાંક ઠેકાણે ઉશ્કેરણી કરીને આયોજનપૂર્વક થતા દેખાવોને સીએએ માટેની અસહમતિ દર્શાવવાનું પગલું તમે કહી ન શકો. આ દેખાવો ભિન્નમતની અભિવ્યક્તિ નથી, ડિસ્સેન્ટનું પ્રદર્શન નથી – સિવિલ વૉર કરવાની પૂર્વતૈયારી છે. અસહમતિ આને કહેવાય. જસ્ટિસ ચન્દ્રચૂડના નિવેદન સામે વિરોધ પ્રગટ કરતો લેખ લખવામાં આવે તે ડિસ્સેન્ટ છે. પણ જસ્ટિસ ચન્દ્રચૂડ એમના બંગલાની બહાર નીકળી ન શકે એ રીતે પાંચ હજાર લોકોને ભેગા કરીને દેખાવો થાય તેને ભિન્નમતનું પ્રદર્શન કહેવાય? તમે જ કહો જસ્ટિસ ચન્દ્રચૂડસાહેબ.

સાહેબના આ તોફાની નિવેદનથી લેફ્‌ટિસ્ટ ગલૂડિયાઓ તો ગેલમાં આવીને ફ્રન્ટ પેજ પર અને પ્રાઈમ ટાઈમમાં ગુલાટી મારવા માંડ્યા છે. છો મારે. આવા ગલૂડિયાઓને કચ્ચા ચબાવી જનારા રાષ્ટ્રપ્રેમીઓ એમના કરતાં અનેકગણી મોટી સંખ્યામાં છે. જજસાહેબ જેવાં ઉંબાડિયાં કરનારાઓ ધીમે ધીમે વધવાના છે. કારણ કે પ્રાઈમ મિનિસ્ટરે ‘ટાઈમ્સ નાઉ’ની સમિતમાં ચોખ્ખું કહી દીધું છેઃ ‘આ તો હજુ ટ્રેલર છે.’

આગળ હજુ શું શું આવવાનું છે એની મોદીને ખબર છે, શાહને ખબર છે, આપણને પણ ખબર છે. અને શાહીનબાગવાળાઓને અને જજસાહેબોને પણ ખબર છે. એટલે જ સ્તો પાણી પહેલાં પાળ બાંધવામાં આવી રહી છે – ડિસ્સેન્ટની.

આજનો વિચાર

પિતાની સાથે અસહમત થનાર પુત્રે હવે શાંતિથી બેસીને પોતાનો ભિન્નમત એમને સમજાવવાનો હોય, અડોશપડોશ સાંભળે એ રીતે ઘરમાં તોફાન મચાવવાનું ન હોય.
_ચાણક્યનો ઘરજમાઈ

એક મિનિટ!

પત્નીઃ નવરા છો તો જરા કપડાં ધોઈ નાખો.
પતિઃ નહિતર?
પત્નીઃ નહિતર હું ધોઈ નાખીશ…તમને.

15 COMMENTS

  1. Saurabhji can not you write your articles in any of Gujarati news paper? That will reach to non-technosavy people also. Try out Sandesh.

  2. જયા સુધી સૌરભભાઈ જેવા ભડવીર લેખકો લખતા રહેશે ત્યાં સુધી મનને સાંત્વના મળી રહે છે કે દેશપ્રેમ મરી નથી પરવાર્યું. ગરમીની બીકે સૂરજને તપવાનું બંધ કરવાની સલાહ આપનારાઓની બીલકુલ ખીદબત કરવાની જરુર નથી. જરુર છે એ બધાને કપડા ઉતરાવી ધોમ બપોરે એ ઘગઘગતા સુરજમા બેસાડવાની અને એમને સમજાવવાનું કે બંધારણમાં કપડા પહેરવા ફરજીયાત નથી

  3. આપે જજ સાહેબને બિલકુલ અરીસો દેખાડી દીધો છે, આ રીતે કહેવાતા સેક્યુલર અને ઉપરછલ્લી રીતે ખૂબજ ભણેલા લીબરલો એ જ અરાજકતા ફેલાવતા તત્વો ને મદદ કરી દેશ તથા સમાજ ને મોટું નુકશાન કર્યું છે.

    આપ સાહેબ આવા તત્વો ને ઉઘાડા પાડી તેમના ગાલ પર કડક તમાચો જડ્યો છે ???????

  4. Where Constitution is amended to make him judge of Mumbai high court (very few people know this), understandable that he can go to any limits to get this CAA declared unconstitutional…. He has started by showing this voice of dissent(read it as his personal dissent) as freedom of speech

  5. નીતિમત્તા વિનાના અને અધર્મી, રાષ્ટ્રહિતનો જરા પણ વિચાર નહીં કરનારા, કેવા કેવા so called educated માણસો આ દેશનાં કેટલાં ઊંચાં અને મહત્વના પદે પહોંચી ગયા છે.

    એઓ સ્વાભાવિક રીતે જ કૃષ્ણ ભગવાને ચીંધેલા સનાતની ધર્મથી અજાણ હશે. એમની જાણ ખાતર: આવા લોકોને બે ચાર વાર સમજાવ્યા પછી પણ ના સમજે કે ના સુધરે તો આગળ શું કરવાનું તે કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રમાં શંખ વગાડીને અમને કીધું છે, જે અમને બરાબર યાદ પણ છે. સમય વર્તે સાવધાન. જય શ્રી કૃષ્ણ.

  6. શ્રી સૌરભભાઈ,
    હથોડાનો ઘા લોખંડ પર પડે અને એને shape આપવા લોખંડની નીચે એરણ જેવું લોખંડ જ હોવું જરૂરી છે, ત્યારે આવા લેખો જરૂરી બની જાય છે. દેશને બોડી બામણીનું ખેતર સમજીને દલા તરવાડીથી આગળ વધી પાટલા ઘો જેવા દેશદ્રોહી તત્વો કોરી ખાય એ પહેલાં આવા હથોડાઓ મારવા જરૂરી છે. જય ભારત. વંદે માતરમ્.

  7. શાહીનબાગ એ ભિન્નમત નથી એ એક જીદ છે. કોઈપણ વિષય પર મારો મત, અભિપ્રાય કે વિચાર ભિન્ન હોવો અને મારો મત કે વિચારજ સ્વીકૃત થવો જોઈએ એવી જીદ હોવી આ બંને માં ખૂબ મોટો ફરક છે.

  8. જયહિંદ..
    ભિન્નમત નો લેખ વાંચીને બે ઘડી તો એમ થાય કે માનનીય ચંદ્રચુડ સાહેબ ને આ લેખ વાંચી સંભળાવો જોઇએ.
    પણ જયારે કોઇ પણ field ની માતબર અને જવાબદાર વયકતી જાણતા કે અજાણતા બેફામ કહી શકાય એવી વાત કરે ત્યારે એમના જવાબદારીપણા પર મસમોટો સવાલ ઉભો થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here