(તડકભડકઃ ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 13 ફેબ્રુઆરી, 2022)
સફળતા મેળવવાનો શોર્ટ કટ દેખાડતા દર વર્ષે સેંકડો પુસ્તકો વિશ્વમાં પ્રગટ થાય છે. સફળતાની સીડી કેવી રીતે સડસડાટ ચડવી એની શીખામણ આપતા હજારો સેમિનારો અને લાખો પ્રવચનો કરનારા કરોડો મોટિવેશનલ સ્પીકરોથી યુટ્યુબની દુનિયા ભરી પડેલી છે. આ લેખો-મોટિવેશન સ્પીકરો પાસે ખરેખર જો સફળ થવાની એકાદ ચાવી પણ હોત તો તેઓ ક્યારના સ્ટીવ જૉબ્સ, વૉરન બફેટ કે ધીરુભાઈ અંબાણી બની ગયા હોત- પૈસા કમાવા માટે તેઓએ પુસ્તકો લખવાની જરૂર ન પડતી હોત કે પુરસ્કાર મેળવવા માટે ગામેગામ ભટકવાની જરૂર ન પડતી હોત.
જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં, સફળ થવા માટે એક જ શબ્દનો નીચોડ તમારા શરીરના અણુએ અણુમાં વ્યાપી જવો જોઈએ- એકાગ્રતા. અંગત જિંદગી હોય કે પ્રોફેશનલ જિંદગી હોય – આ એક શબ્દથી તમે ધારો એવી સફળતા મેળવી શકો એમ છો.
થાય છે શું કે ટીનએજથી આપણે ભટકતા થઈ જઈએ છીએ. ઉંમરમાં એક એક દસકો ઉમેરાતો જાય એમ વધુને વધુ ભટકતા થઈ જઈએ છીએ. એક લક્ષ્ય ચૂકી ગયા તો બીજું લક્ષ્ય કરી નાખીએ છીએ. લક્ષ્ય એ જ રાખીને નિશાન અચૂક લાગે એવી પ્રેક્ટિસ કર્યા કરવાનું સૂઝતું નથી. બીજા લક્ષ્ય પર તીર ના લાગે એટલે ત્રીજા ટાર્ગેટ પર જઈને તીર તાકીએ છીએ. એક કામમાં નિપૂણ થઈને પારંગતતા મેળવવાને બદલે જૅક ઑફ ઑલ બનવામાં જિંદગી વીતાવી દઈએ છીએ. લાગ્યું તો તીર નહીં તો તુક્કો- એવો જીવનમંત્ર લઈને ચાલનારાઓનાં તીર ક્યારેય નિશાન નહીં વીંધી શકે, તેઓ તુક્કા-તરંગોમાં જ રાચ્યા રહેશે. તીર કેમ નિશાન વીંધી નથી શકતું-એવો વિચાર કરવાનો હોય. આપણી સાધનામાં જે ખોટ હોય તેને સુધારવાને બદલે આપણે આપણી ખામીઓનું પુનરાવર્તન કરતાં રહીએ છીએ.
લક્ષ્ય નક્કી હોય તો જ એકાગ્રતા આવે. ટીનએજમાં આખું જંગલ દેખાય તે સ્વાભાવિક છે પણ ધીમે ધીમે જંગલ દેખાતું બંધ થઈ જવું જોઈએ. માત્ર એક વૃક્ષ જ દેખાય. પછી એ વૃક્ષ દેખાતું પણ બંધ થઈ જાય. માત્ર એક ડાળ દેખાય. પછી ડાળ નહીં પણ ડાળ પર બેઠેલું પંખી જ દેખાય. અને છેવટે પંખીની આંખ માત્ર દેખાય. આવી સૂઝ હોય તો જ લક્ષ્ય સાધી શકાય.
ટીનએજ પૂરી થયા પછી બહુ બહુ તો પાંચ-સાત વર્ષમાં, પચ્ચીસ વર્ષની ઉંમર થતાં પહેલાં લક્ષ્ય નક્કી થઈ જવું જોઈએ. નસીબદાર છે એ લોકો જેમને ટીનએજમાં જ ખબર પડી ચૂકી કે પોતે જીવનમાં શું કરવા ધારે છે, કયા ક્ષેત્રમાં આગળ વધવા માગે છે. લક્ષ્ય પૈસા કમાવવાનું હોય તો પણ વાંધો નહીં. પણ કેવી રીતે, કયા ક્ષેત્રમાં, શું કામ કરીને, કયા પ્રકારની નિપુણતા પ્રાપ્ત કરીને પૈસા કમાવવા છે એ વિશે મનમાં સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ.
આપણું આખું જીવન ખલેલો અને વિક્ષેપોથી ભરેલું રહે છે. આજે લગ્નમાં જવાનું છે, કાલે બેસણામાં, પરમ દિવસે વેવાઈને ત્યાં, પેલે દિવસે… સતત અટવાયેલું રહેતું મન આવા વિક્ષેપો સામે ચાલીને શોધતું રહે છે.
એક વખત લક્ષ્ય નક્કી કર્યા પછી આગળપાછળ બીજું કશુંય જોયા વિના એ જ ધ્યેયને નજર સામે રાખીને ચોવીસે કલાક, સાતેય દિવસ, ત્રણસોને પાંસઠ દિવસ એ દિશામાં એક એક ડગલું ભરતા રહીએ છીએ ત્યારે જઈને બે-પાંચ-દસ કે પચીસ-પચાસ વર્ષે અકલ્પનીય સિદ્ધિઓની પ્રાપ્તિ થતી હોય છે.
પણ આપણું આખું જીવન ખલેલો અને વિક્ષેપોથી ભરેલું રહે છે. આજે લગ્નમાં જવાનું છે, કાલે બેસણામાં, પરમ દિવસે વેવાઈને ત્યાં, પેલે દિવસે… સતત અટવાયેલું રહેતું મન આવા વિક્ષેપો સામે ચાલીને શોધતું રહે છે. લક્ષ્ય સિદ્ધિ માટે જે કામ કરવાનું છે તે કામ સિવાયની સઘળી પ્રવૃત્તિ ગૌણ છે. ફોન, સોશ્યિલ મિડિયા, રૂબરૂ મળવાનું – આ કે આવું બીજું કશું પણ જો તમારી લક્ષ્યસિદ્ધિ માટે ઉપયોગી નથી બનવાનું તો લખી રાખજો કે અવરોધરૂપ બનવાનું જ છે. ફિઝુલ કાર્યોમાં રોજના એટલા કલાકો ફંટાતા રહીએ છીએ કે જ્યારે ખરેખરું કામ હાથમાં લઈએ ત્યારે તનથી-મનથી થાકી ગયેલા હોઈએ છીએ. આવી જિંદગી હોય પછી તમે ક્યાંથી લતા મંગેશકર બની શકવાના, ક્યાંથી જિંદગીમાં એવાં કામ કરવાનાં જેને દુનિયા તમારા ગયા પછી પણ યાદ રાખે.
એકાગ્રતામાં એક સેકન્ડનુંય ગાબડું ન પડે એની તકેદારી રાખીને કાર્ય કરતાં રહેવાનું સહેલું નથી. આજુબાજુ ભમ્યા કરતાં અસંખ્ય પ્રલોભનોને દૂર રાખવાનું કામ ખૂબ અઘરું છે. રોજે રોજની પ્રેક્ટિસ પછી જ ધીરે ધીરે એ દિશામાં આગળ વધતા જવાય. જીવનમાં મારે બીજું કશું નથી જોઈતું, મારે માત્ર ‘આ’ બનવું છે એવું રટણ કરતાં કરતાં ‘એ’ કામમાં જીવ પરોવ્યો હોય તો જ મુઠ્ઠી ઊંચેરા માણસ બની શકીએ.
ખરેખર મોટાં કામો કરવાં હશે તો આ બધાંથી ઉપર ઊઠીને એવાં લક્ષ્યો સિદ્ધ કરવાં પડશે જે આ દુનિયા માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવાં હોય.
ડિસ્ટ્રેક્શન્સ જરૂરી છે, પણ ક્યારે? ઘડીભર રિલેક્સ થવું હોય ત્યારે કે પછી ખૂબ મોટી ઇમરજન્સી સર્જાઈ હોય ત્યારે એટલી ઘડીઓ પૂરતા ધ્યાન એ દિશામાં વાળીને ફરી પાછા કામે લાગી જઈએ તે ઠીક છે. ક્યારેક અનિવાર્ય એવાં સામાજિક પ્રસંગો વગેરે માટે સમય કાઢવો પડે તે પણ ઠીક છે. બૅટરી રિચાર્જ કરવા થોડા દિવસ માટે ફરવા નીકળી પડીએ કે થિયેટરમાં જઈને પિક્ચર બિક્ચર જોઈ નાખ્યું તે પણ ઠીક છે. ક્યારેક સ્પોર્ટ્સ ઍક્ટિવિટી કરી કે આપણા વિષયનું ના હોય એવું પુસ્તક હાથમાં લીધું કે સંગીત સાંભળી લીધું આ બધું જ ઠીક છે. પણ દિવસરાત આવાં ડિસ્ટ્રેક્શન્સથી ભર્યાભર્યા હોય તો એકાગ્રતા ક્યારેય બંધાવાની નથી. સામાન્ય કામ કર્યા કરીશું, નાની મોટી સફળતા મળી જશે, બે પાંદડે પણ થઈશું કદાચ અને ચાર લોકોમાં ઊઠબેસ પણ થશે. પરંતુ સચિન તેંડુલકર, સ્ટીવ જૉબ્સ કે પછી સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ જેવી યુગપ્રવર્તક સફળતા મેળવનારાઓની સરખામણીએ એક રજકણ જેટલી સિદ્ધિઓ પણ નહીં મળે.
ટીવીનો યુગ શરૂ થયો ત્યારે કહેવાતું કે ‘પંદર મિનિટની પ્રસિદ્ધિ’ હવે કોઈને પણ મળી શકે. સોળમી મિનિટે લોકો તમને ભૂલી જવાના. સોશ્યલ મિડિયા આવ્યા પછી ઇન્સ્ટા કે યુટ્યુબ પર કે પછી ટ્વિટર એફબી પર તમારા કેટલા ફૉલોઅર્સ છે કે કેટલા ચૅનલ સબસ્ક્રાઇબર્સ છે કે તમને કેટલી લાઇક્સ મળે છે, કેટલી કમેન્ટ્સ મળે છે એ કંઈ તમારી સફળતા-નિષ્ફળતાની નિશાનીઓ નથી. હર એક કુત્તે કા એક દિન આતા હૈ વાળી કહેવત બહુ પુરાણી છે.
ખરેખર મોટાં કામો કરવાં હશે તો આ બધાંથી ઉપર ઊઠીને એવાં લક્ષ્યો સિદ્ધ કરવાં પડશે જે આ દુનિયા માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવાં હોય. ખૂબ અઘરું કામ છે આવાં લક્ષ્યો શોધવાનું અને એથીય કપરું છે આવાં લક્ષ્યોને સિદ્ધ કરવાનું. પણ અશક્ય નથી. જો અશક્ય હોત તો લતાજી-સચિન ઇત્યાદિનાં નામ તમારા સુધી પહોંચ્યા જ ન હોત.
જે જે લોકોએ જીવનમાં એવરેસ્ટની ઊંચાઈ પ્રાપ્ત કરી છે, જે જે લોકો થકી આ દુનિયાની સમૃદ્ધિમાં ઉમેરો થયો છે, જે જે લોકોએ લાખો-કરોડોનાં જીવન ઉજાળ્યાં છે તે તમામ લોકોએ આ સિદ્ધિઓ એક જ શબ્દથી મેળવી છે.
એકાગ્રતા.
પાન બનાર્સવાલા
નામ ગુમ જાયેગા,
ચહેરા યે બદલ જાયેગા,
મેરી આવાજ હી પહચાન હૈ,
ગર યાદ રહે…
-શબ્દોઃ ગુલઝાર, તર્જઃ આર.ડી. બર્મન અને કંઠઃ લતા મંગેશકર, ભૂપેન્દ્રસિંહ
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ખરેખર Saurabhai ગાઢ જંગલ પાર કરી અર્જુન બનવાની ખરી ચાવી છે એકાગ્રતા
મને ખરેખર આ લેખ વાંચવામા મજા આવે જ છે.
એકાગ્રતા ની વાત છે એટલે એટલું નક્કી છે કે બીજે ક્યાંય કામ કરતા મન કદાચ ભટકે પરંતુ આપના લેખ વાંચતા ૧૦૦% એકાગ્રતા રહે છે, એટલા ઉંડાણ પુવઁકના અને ઉચ્ચ વિચારો છે.
Love to read
બાળપણ માં વાંચન મારો શોખ હતો, પછી ધીરે ધીરે સમય સાથે બધુ છૂટતું ગયું, પણ બાપુ કેહવુ પડે કે આજે તો તમે મને પાછો જગાડી દિધો હો…ખૂબ આભાર મજા આવી
(એકાગ્રતા)
કેટલો મોટો શબ્દ છે.
મારા થી ફૂલ ની પાંખડી મોકલાય એમ છે તે મોકલું છુ. જે સૌરભ ભાઈ તમારી આ સમાજ સેવા, લોકકલ્યાણ, સામે કઈ નથી. પણ હું થોડી થોડી પાંખડી ઓ આપતો રહીશ. નાની સેવા દિલ થી સ્વીકારજો મોટા ભાઈ…
I am your fan since the time you used to write in mumbai samachar. Thoroughly enjoying all articles. I have just told my wife instead of watching YouTube fiction ( I call it taila), read Saurabh shah , he had written about menace of YouTube
Super article! If there is no goal, every distraction enters and eats up time in the garb of ‘change’. The social media has made distractions addictive. If there is no intensity and clarity in the goal, focus doesn’t come.
ભાઈ ભાઈ…..
લગે રહો. કયારેક રુંવાડા ઉભા થઇ જાય છે.
ક્યારેક આંખો દ્રવી જાય છે.
અકથ્ય લાગણીઓનું વર્ણન શક્ય નથી.
ચાલું રાખો સૌરભભાઇ ચાલું રાખો.
Saras lekh lakhiyo che.