કંઈક છોડવાની હિંમત હશે તો જ કંઈક મળશે : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૭ જાન્યુઆરી ૨૦૨૧)

જે કંઈ અત્યાર સુધી મેળવ્યું છે તેને ગુમાવી દેવાના ડરમાં, ભવિષ્યમાં એના કરતાં જે કંઈ અનેકગણું મળી શકે એમ છે એને આપણે ગુમાવી દેતા હોઈએ છીએ.

આપણા સૌની મજબૂરી કહો તો તે અને મિડલ ક્લાસ મેન્ટાલિટી ગણો તો તે — આ જ છેઃ જે કંઈ મળી ગયું છે તેને પકડી રાખવું, ભગવાનનો આભાર માનવો અને એને પકડીને બેસી રહેવું, એમાંને એમાં પડી રહેવું. બહુ બહુ તો એન્યુઅલ ઇન્ક્રીમેન્ટની રાહ જોવી, પરફોર્મન્સ બોનસની આશા રાખવી અને જો મેળ પડે તો પાર્ટ-ટાઈમ જૉબમાંથી કે કોઈ વધારાના કામમાંથી કે નાના-મોટા ઈન્વેસ્ટમેન્ટમાંથી થોડીઘણી એકસ્ટ્રા ઈન્કમ થઈ જતી હોય તો પરમ સંતોષનો પરમ ઓડકાર ખાઈ લેવો.

મિડલ ક્લાસથી અહીં મતલબ કોઈ આર્થિક વર્ગનો નથી. શ્રીમંત લોકોમાં પણ મિડલ ક્લાસ મેન્ટાલિટી હોઈ શકે છે. પોતે જ્યાં ગોઠવાઈ ગયા છે તે સામાજિક-વૈચારિક પરિસ્થિતિમાંથી બહાર આવવાની હોંશ જેમની મરી પરવારી હોય એવા લોકો, મારે હિસાબે, મિડલ ક્લાસ મેન્ટાલિટી ધરાવે છે એવું કહેવાય. પૈસાને આ મેન્ટાલિટી સાથે કોઈ લેવા દેવા નથી. વૈચારિક મિડિયોક્રિટી એટલે મિડલ ક્લાસ મેન્ટાલિટી.

જે કંઈ જિંદગીએ તમને આપ્યું છે એમાં સંતોષ માણવો એ એક આદર્શ આધ્યાત્મિક ભૂમિકા છે. પણ આવા સંતોષનો દેખાડો કરીને ભવિષ્યની શક્યતાઓના દરવાજા બંધ કરી દેવામાં આવતા હોય છે. જિંદગી પાસે તમને આપવા માટે ઘણું બધું હોય છે. કુદરત ક્યારેય કંજૂસ નથી હોતી. ભગવાને વૉરેન બફેટને, તાતા-અંબાણીને, વિવેકાનંદ-ટાગોરને કે પછી મોદી-યોગીને જે કંઈ આપ્યું છે તે બધું જ એ તમને પણ આપવા માગે છે. પણ તમે ‘જે કંઈ મળ્યું છે એમાં મને સંતોષ છે’ એવું કહીને દરવાજો બંધ કરીને બેઠા છો. તમારો દરવાજો બંધ જોઈને એ આગળ વધી જાય છે — કોઈ બીજા દરવાજા તરફ, જે ઉઘાડો હોય; કોઈ બીજાને નવા અંબાણી, નવા ટાગોર બનાવવા માટે.

સંતોષી હોવું, લાલચી ન હોવું એ સારી વાત છે. પણ આપણા માટે એ સંતોષ ત્યારે જન્મે છે જ્યારે વધુ મેળવવાના આપણા પ્રયત્નો નિષ્ફળ જાય. ટપોરી ભાષામાં એને મજબૂરી કા નામ મહાત્મા ગાંધી કહે છે. આ તથાકથિત ‘સંતોષ’ નિષ્ફળતાઓના આઘાતમાંથી જન્મે છે. લાલચો સાકાર નથી થતી ત્યારે જન્મે છે. ખરો સંતોષ એને કહેવાય જ્યારે તમારા એકલા માટે સામેના બૉલમાં બે ડઝન રસગુલ્લાં પડ્યાં હોય અને ડાયાબીટીસ ન હોવા છતાં તમે એમાંથી બે જ રસગુલ્લાં ખાઈને સંતુષ્ટ થઈ જાઓ, શારીરિક અને માનસિક-બેઉ રીતે સંતોષ પામો.
પણ આવા સંતોષી જીવો ભાગ્યે જ તમને જોવા મળે. આપણામાંથી મોટાભાગનાઓ તો નિષ્ફળતાનો ડર હોય એટલે જે કંઈ મળ્યું છે તેમાં ‘સંતોષ’ છે એવું કહીને જીવન પૂરું કરતા હોય છે.

પર્વતારોહક ધરતી પર ઊભો રહીને શિખર સુધી ઝૂલતું દોરડું જોઈને નક્કી કરે છે કે મારે એ ટોચ સુધી પહોંચવું છે. એ બે હાથે દોરડું પકડીને ઝૂલે છે અને સ્થિર થયા પછી એક હાથ છોડીને, બીજા હાથે દોરડું પકડી રાખી, છુટ્ટા હાથે બે ફૂટ ઉપરનું દોરડું પકડે છે. એ પછી બીજો હાથ છોડીને વધુ બે ફૂટ આગળ વધે છે. જો એ ડરનો માર્યો એક હાથ છુટ્ટો નહીં કરે તો બે ફૂટ ઉપરના દોરડાને ક્યાંથી પકડી શકવાનો? આપણે સૌ, બેઉ હાથે દોરડું પકડીશું તો જ સલામત છીએ એવું માનીને, ક્યારેય ટોચ પર પહોંચી શકતા નથી.

ભવિષ્યમાં પડી રહેલી શક્યતાઓને પામવા વર્તમાનની સ્થિતિ છોડી દેવી પડે એવી વાત સમજાય છે હવે? અને કેવી રીતે છોડવી એ પણ સમજાઈ ગયું હશે. કેટલાક ઉત્સાહીઓ નાસમજમાં કે ઉત્સાહમાં આવીને એક ને બદલે બેઉ હાથ છોડી દેતા હોય છે. પછી ફરિયાદ કરે છે કે મેં તો મારી પાસે હતું એ બધું જ છોડી દીધું છતાં ભવિષ્યની શક્યતાઓ મારી પાસે ન આવી.

ક્યાંથી આવે? અત્યારે તમે જે કંઈ છો એના આધારે જ તમે ઉપર જઈ શકવાના છો. જે છોડવાનું છે તે તમારા વ્યક્તિત્વમાં રહેલા મજબૂત ગુણો નથી છોડવાના પણ તમારામાં રહેલો ફફડાટ છોડવાનો છે, વર્તમાનને વળગી રહેવાની મિડલ ક્લાસ મેન્ટાલિટી છોડવાની છે. ભવિષ્યમાં દેખાતી તકને જોખમનાં ચશ્માં પહેરીને જોવાની આદત છોડવાની છે.

બેઉ હાથ છોડી દેતા કે બેઉ હાથે દોરડું કચકચાવીને પકડી રાખતા લોકો માત્ર પોતાના જ નહીં, પોતાની આસપાસના લોકોના, પોતાની નવી પેઢીની પ્રજાના ભવિષ્યને પણ આ જ રીતે કુંઠિત કરી નાખે છે. કદાચ આપણું ભવિષ્ય પણ આપણી આગલી પેઢીના આવા લોકોએ આ જ રીતે કુંઠિત કરી નાખ્યું છે.

પણ આપણી જિંદગી માટે છેવટે તો આપણે પોતે જવાબદાર છીએ, બીજું કોઈ નહીં. ક્યાં સુધી આપણી અણ-ઉન્નતિ માટે બીજાને દોષી ઠેરવતા રહીશું. હિંમત અને ઉત્સાહ બે એવાં ગુણ છે જે તમને કોઈ બીજી વ્યક્તિ પાસેથી ઉછીનાં નથી મળવાનાં. તમારે પોતે જ તમારામાં એને ઉછેરવાનાં હોય છે. આ બેઉ ગુણો પોતાનામાં ઉછેરવાં હોય તો શું કરવું? એક જ કામ કરવાનું. ઉપરવાળા પર ભરોસો રાખવાનો અને એક હાથે ઝુલતા રહીને બીજા હાથે દોરડું પકડીને બે ફૂટ ઉપર પહોંચવાની મહેનત સતત કરતાં રહેવાની. એ આવી જ રહ્યો છે તમને અંબાણી-ટાગોર બનાવવા. તમારે એને આવકારવા દરવાજા ઉઘાડા રાખવાના.

પાન બનાર્સવાલા

તમારો ભૂતકાળ કે તમારું ભવિષ્ય તમને દુખી કરતા નથી. એ બેઉ સમય અત્યારે તો છે જ નહીં તમને જે દુખી કરે છે તે છે તમારી સ્મૃતિઓ અને કલ્પનાઓ.

— સદ્‌ગુરુ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. મસ્ત આર્ટિકલ લખ્યો છે, જિંદગી માં ડર છોડી અને હિંમત થી આગળ વધવાનું પ્રેરક બળ આપે છે , સૌરભ ભાઈ તમારા બધા જ આર્ટિકલ જીવન માટે ખૂબ ઉપયોગી હોય છે . ખૂબ ખૂબ ધનયવાદ.

  2. Excellent thoughts !! સર , આપે મારી આંખો ખોલી નાખી આજે. હું જાતને સંતોષી સદા સુખી એવુ માનતી હતી પણ એ તો મારી મોટી નાદાની , નાસમજ હતી. સાચે જ , ઈશ્ચર સૌને એક સરખુ દાન આપે છે….. આપણે જ એ દાનનો સ્વિકાર નહીં કરીને રોંદણા રડતા બેસી રહીએ છીએ.
    પાન બનારસવાલા……. ?????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here