ભગવાનને થતી પ્રાર્થનાઓ કેટલી કામની : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, ૧૬ જાન્યુઆરી ૨૦૨૧)

પ્રાર્થના એ કંઈ યાચના નથી, માગણી નથી એવું ઘણા માને છે. તેઓ સાચા હશે કદાચ. પણ પ્રાર્થના એ ઘણું બધું છે એ ઘણા બધામાં માગણીનો પણ સમાવેશ થઈ જાય. કવિઓ કહેતા ફરે છે કે મંદિરની બહાર માગવા માટે યાચકોની ભીડ લાગી હોય છે એવી જ ભીડ મંદિરની અંદર મૂર્તિની સામે હાથ જોડીને ઊભેલા માગણિયાઓની હોય છે. હું કવિ નથી. અને હું આવું માનતો પણ નથી.

ભગવાન પાસે માગવામાં ખોટું શું છે? જગતનો પિતા છે એ. આપણે સૌ એનાં સંતાનો છીએ. દીકરા-દીકરીઓ પોતાના બાપ પાસે નહીં માગે તો કોની પાસે માગશે?

ભગવાન પાસે ઊભા રહીને કે મનોમન એને યાદ કરીને માગવામાં કશું ખોટું નથી. પ્રાર્થનામાં ભગવાનનો આભાર માનીએ, સૌના કલ્યાણની ઈચ્છા પ્રગટ કરીએ અને દુનિયામાં સુખશાંતિ સ્થપાય એવી ખ્વાહિશ પ્રગટ કરીએ એની સાથોસાથ આપણું વિશ લિસ્ટ પણ બોલી જઈએ તો સારું જ છે.

નાથદ્વારમાં પરોઢિયે અખંડ અને નીરવ શાંતિમાં મંગળાનાં દર્શનનો લહાવો લીધા પછી શ્રીજી બાવાની પ્રેરણાથી જે વિચારોએ દિલદિમાગ પર કબજો જમાવ્યો હતો તે આપ સૌની સાથે વહેંચું છું. આઠ દર્શનની ભવ્ય પરંપરાને આધુનિક સમયમાં એક ધર્મભીરુ, આસ્થાળુ ભક્ત કેવી રીતે વ્યક્ત કરી શકે એનો આ પ્રયાસ છે.

પરંપરા મુજબ પ્રથમ દર્શન મંગળાનાં. ઋતુ મુજબ સવારના પાંચ-સાડા પાંચ-છ વાગ્યે આ દર્શન ભક્તો માટે ખુલ્લાં મુકાય. એ પહેલાં રાત્રે પોઢી ગયેલા ભગવાનને ઊંઘમાંથી જગાડવામાં આવે. અહીં તર્ક-કુતર્કને સ્થાન નથી, લાગણીનો સવાલ છે. ભગવાન તો ચોવીસે કલાક જાગતા જ હોય છે. પણ આપણે એમને માનવીય સ્વરૂપ આપીએ છીએ જેથી એમની સાથે વધુ નિકટતા મહસૂસ કરી શકીએ. બાકી તો મંગળાનાં દર્શન વિશેની (આ લેખ ના અંતે ટાંકેલી) સુરેશ દલાલની કવિતામાં કવિએ લખ્યું જ છે કેઃ જેણે મને જગાડયો એને કેમ કહું કે જાગો!

મંગળાનાં દર્શનનું આ પરંપરાગત મહાત્મ્ય. આધુનિક સમયના ભક્ત માટે આ દર્શન ભગવાન સમક્ષ પોતાની ઈચ્છા કે ઈચ્છાઓ વ્યક્ત કરવાનો અવસર છે. મનમાં જે કંઈ ઈચ્છાઓ જન્મી, મનોમન જ એને ચાળી, ગાળી (કે પછી વિરાટ બનાવી) અને ભગવાન સમક્ષ રજૂ કરી.

મંગળાનાં દર્શનના દોઢેક કલાક પછી શૃંગારનાં દર્શન થાય. દિવસના આ દ્વિતીય દર્શનમાં, ઈચ્છાઓ જે હવે આશા બની ગઈ છે તે, ભગવાન સમક્ષ મુકાય છે. મનમાં ઈચ્છા જન્મે છે તે વખત જતાં આશામાં પરિણમે છે, જે મેળવવું છે તે મળશે એવી આશામાં.

ત્રીજા દર્શન ગ્વાલનાં. ભગવાન પોતાના કામે લાગે છે, ગાયો ચરાવવા જાય છે. આશાઓ હવે સપનાં બની ગઈ છે. આશાઓને આપણે કલ્પનામાં સાકાર થતી જોઈ રહ્યા છીએ. ઇચ્છાઓ જાણે હવે નક્કર સ્વરૂપમાં દેખાવા માંડી છે. પણ છે તો હજુ કલ્પના જ.

ચોથા દર્શન રાજભોગનાં. ભગવાનનો લંચ ટાઈમ. રાજભોગનાં દર્શન વખતે હાથ જોડીને ઊભેલા ભક્તના મનમાં સર્જાયેલાં સપનાંઓએ યોજનાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્લાનિંગ થઈ ચૂક્યું છે કે આ સપનાં પૂરાં કેવી રીતે કરવાં છે. આ પ્લાનિંગના પાયામાં ઈચ્છા હતી એ પણ ઘડીભર ભૂલી જઈએ છીએ. દરેક ઈચ્છાને આશા ન બનવા દેવાય, દરેક આશાને સપનું ન બનવા દેવાય અને દરેક સપનાંને પ્લાનિંગમાં પરિવર્તન ન કરાય એવું હજુ સુધી આપણને કોઈએ કહ્યું નથી. એ અનુભવ યોગ્ય સમયે થશે. ત્યાં સુધી ભલે કાગળ પર નકશાઓ દોરાતા

પાંચમાં દર્શન ઉત્થાપનનાં. ભગવાન બપોરના વિશ્રામ બાદ ફરી કાર્યરત થયા છે. આપણે જે યોજનાઓ બનાવી છે એ હજુ સુધી ફળીભૂત કેમ નથી થતી એવી ફરિયાદો થઈ રહી છે. આને છાપરું ફાડીને આપ્યું, પેલાને ત્યાં લક્ષ્મી ચાંલ્લો કરવા ગઈ પણ મારું છાપરું હજુય અકબંધ કેમ અને કપાળ કોરું કેમ એવી ફરિયાદો ભગવાનને થઈ રહી છે. ભગવાન શું કહે છે એ સાંભળવાનું મન નથી. બસ જીદ છે- આપ, આપ અને આપ. હમણાં જ આપ. બધાને આપ્યું છે એના કરતાં વધારે આપ.

છઠ્ઠાં દર્શનને ભોગનો સમય કહેવાય. સાંજે સૂતાં પહેલાં લાઈટ નાસ્તાપાણી અથવા તો વાળુ કહો એને. આ છઠ્ઠા દર્શન વખતે આપણે ભગવાન સાથે ઝઘડો કરી બેસીએ છીએઃ તું તો મારું કશું સાંભળતો જ નથી, હવે હું પણ તારું નહીં સાભળું. તને મારામાં શ્રદ્ધા નથી તો જા, મને પણ તારામાં શ્રદ્ધા નથી એવું વિચારીને નક્કી કરી નાખીએ છીએ કે હવે કોઈ દિવસ તારા ઘરે નહીં આવું. ભૂખે મરીશ પણ તારી આગળ હાથ નહીં ફેલાવું. તને કીધું એ જ મારી સૌથી મોટી ભૂલ થઈ. હવે તને કહ્યા વગર જ મારી બધી ઈચ્છાઓને, આશાઓને મારાં સપનાંઓને અને પ્લાનિંગને હું મારી રીતે અમલમાં મૂકીશ. મને તારી કોઈ જ જરૂર નથી.

સાતમાં દર્શન એટલે આરતી. ઘીના દીવાના અજવાસમાં દિમાગમાં બત્તી થાય છે કે આ મેં શું કરી નાખ્યું? ભગવાન સાથે ઝઘડો કરી નાખ્યો? એનાથી રિસાઈ ગયા આપણે? ભૂલ સમજાય છે. કાં તું નહીં, કાં હું નહીં એવી જીદમાં ઊતરીને ભગવાન સાથે ઝઘડો કરીને બાંયો ચડાવીને ખરાખરીનો ખેલ રમતાં સમજાય છે કે છેવટે તો ‘હું નહીં’વાળી જ પરિસ્થિતિ આવતી હોય છે. એ તો અવિનાશી છે. આ સમજ આવતાં જ મનમાં શરણાગતિનો ભાવ પ્રગટે છે. તારું ધાર્યું જ કર, પ્રભુ કારણ કે જે કંઈ થાય છે અને થવાનું છે તે બધું તારું જ ધારેલું છે એવા ભાવ સાથે સંપૂર્ણ સમજના આવિષ્કારથી શરણાગતિ સ્વીકારી લઈએ છીએ. ઈચ્છાઓ, આશાઓ, સપનાંઓના વળગણમાંથી છૂટી જઈએ છીએ. આપણી કલ્પનાના પ્લાનિંગને અમલમાં મૂકવાની કોઈ જીદ નથી, કોઈ ફરિયાદ નથી, ઝઘડાને તો લેશમાત્ર અવકાશ નથી. પૂરેપૂરા ભગવાનના શરણમાં છીએ.

દિવસના આઠમા અને છેલ્લા દર્શન શયનના. ભગવાન પોઢી જવાની તૈયારીમાં છે (શ્રીનાથદ્વારામાં ચૈત્ર સુદ એકમથી આસો સુદ નોમ સુધીના ગાળામાં સાત જ દર્શન થાય, શયનનાં દર્શન ન થાય. શ્રીજીબાવા આ દિવસોમાં સૂવા માટે વૃંદાવન જતા હોય છે એટલે). શયનનાં દર્શન વખતે તો મન સાવ કોરું બની જતું હોય છે. કોઈ ભાવ નથી, વિચાર નથી; મન નિર્વિચાર છે, ભાવરહિત છે. શરણાગતિનો ભાવ પણ નથી કારણ કે મન હવે દરેક ભાવ-અભાવથી મુક્ત બની ગયું છે. શયનનાં દર્શન કરીને આપણે પણ કોઈ ભાવ વિના, ભાર વિના જાણે આકાશમાં વાદળોની પથારી પર જઈને સૂઈ ગયા હોઈએ એટલા હળવાફૂલ થઈ જઈએ છીએ.

ભગવાનનાં આ આઠ દર્શનનો એક દિવસ જાણે એક આખા જન્મારાનો ફેરો છે.

પાન બનાર્સવાલા

જેણે મને જગાડયો એને કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.
પંખીના ટહુકાથી મારા જાગી ઉઠયા કાન,
આંખોમાં તો સુર-કિરણનું રમતું રહે તોફાન,
તમે મારા શ્વાસ શ્વાસમાં થઈ વાંસળી વાગો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.
ગઈ રાત તો વીતી ગઈને સવારથી આ સુષ્મા,
વહેતી રહે છે હવા એમાં ભળી તમારી ઉષ્મા,
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં અળગો આઘો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.

— સુરેશ દલાલ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

7 COMMENTS

  1. આજે આઠ દર્શનને તમે અદભુત પરિમાણ આપ્યું.ખૂબ સુંદર..

  2. વાહ, શ્રીજીબાવા ના આઠસમા ના દર્શન ની જાખી કરાવી સૌરભભાઈ… ખુબ આનંદ

  3. દર્શન વિશે ખૂબ સુંદર સમજ. આ જ વિષય પર પહેલા પણ આવો જ લેખ સંદેશમાં હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here