જ્યાં છીએ ત્યાંથી નેક્સ્ટ લેવલ પર જવું હોય તો શું કરવું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૧૨ માર્ચ ૨૦૨૧)

તમારી અત્યાર સુધીની જિંદગીમાં આવેલો સૌથી મોટો વળાંક, ટર્ન, મોડ ક્યો? એ સુખદ પણ હોઈ શકે અને દુઃખદ પણ. પ્રથમ પ્રેમ, લાઈફ પાર્ટનર સાથેની પહેલી મુલાકાત કે પછી કોઈ કુટુંબીજન કે દોસ્તે અણીને ટાંકણે તમને આપેલો સપોર્ટ – પરદેશ ભણવા જવા માટે યા નવો ધંધો શરૂ કરવા માટે કે પછી કોઈના ફંદામાં તમે ફસાઈ ગયા હો તેમાંથી બહાર કાઢવા માટેનો સપોર્ટ.

વળાંક દુઃખદ પણ હોઈ શકે. તમારા કોઈ વાંક વિના તમને તમારું મનગમતું કામ કરવા મળે એ ઈરાદે લીધેલી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે કે ધંધામાં ખોટ આવે ને તમે દેવાળિયા બની જાઓ કે પછી કુટુંબમાં કે અંગત જીવનમાં કોઈ એવી વ્યક્તિનું મૃત્યુ જેની ખોટ ક્યારેય પુરાવાની ન હોય.

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી. નિરાંતે કૉફી શૉપમાં બેઠા હો એ રીતે ફ્લૅશબેકમાં સરી પડીને યાદ કરશો તો આવા અનેક નાનામોટા સુખદ તથા દુઃખદ વળાંકો તમને યાદ આવવાના.

હવે તમારે નક્કી કરવાનું છે કે આમાંથી સૌથી મોટો, લાઈફ ચેન્જિંગ વળાંક ક્યો? એ સુખદ હોય, દુઃખદ પણ હોય. પણ એવો મોટો વળાંક હોવો જોઈએ જેને કારણે તમને લાગતું હોય કે તમારી લાઈફ બદલાઈ ગઈ. એ વળાંક ન આવ્યો હોત તો તમારી અત્યારની જિંદગી જેવી છે એવી ન હોત, ઘણી જુદી હોત.

ઘણી વખત જિંદગીનો એક બનાવ બીજા બનાવ સાથે અવિભાજ્યપણે જોડાઈ જતો હોય છે. અમુક પ્રસંગ ન બન્યો હોત તો થોડા વખત પછી તમુક પ્રસંગ પણ ન બન્યો હોત. એવું આપણને લાગે અને જે વાત મોટેભાગે સાચી હોય છે. એટલે વધુ વિચારીને ગૂંચવાઈ જવાને બદલે સિક્‌વન્સમાં આવતા વળાંકોમાંથી કોઈ એકને પસંદ કરી લો. આપણે સમજવા માટે જ આ એક્‌સરસાઈઝ કરીએ છીએ. કોઈ તમારી સાથે દલીલ નથી કરવાનું કે તમારી જિંદગીનો આ નહીં પણ પેલો બનાવ તમારા માટે લાઈફ ચેન્જર હતો.

એ બનાવ પછી તમે તમારી જિંદગીનું મૅનેજમેન્ટ કેવી રીતે કર્યું. મામૂલી કામકાજ કરતાં કરતાં એક ગાળો એવો આવ્યો કે ટૂંકા સમયમાં તમારા પર લક્ષ્મીજીએ વરસાદ વરસાવ્યો. તો તમે એ પૈસાને કેવી રીતે મૅનેજ કર્યા! ઊડાવી દીધા, વાપરી નાખ્યા? કે પછી મોટા ઘરમાં કે અન્ય જગ્યાએ રોકાણ કર્યું, નવો મોટો ધંધો શરૂ કર્યો? આ તો સુખદ વળાંકની વાત થઈ. દુઃખદ વળાંકમાં પણ તમારે તમારી જિંદગીનું ઈમરજન્સી મૅનેજમેન્ટ કરવું પડતું હોય છે. તમારો બધો જ ધંધો સંભાળી લઈને તમને નિશ્ચિંત કરી નાખનાર એકના એક સંતાનનું અકાળે મૃત્યુ. કે પછી ભર યુવાન ઉંમરે વૈધવ્ય. કે પછી રાજામાંથી રંક થવાની ઘટના. આવું કંઈ પણ બની શકે જીવનમાં અને તમારે નવેસરથી જિંદગી ગોઠવવી પડે.

સુખદ હોય કે દુઃખદ – જિંદગીનો દરેક વળાંક આપણને કોઈને કોઈ પાઠ ભણાવતો જાય છે. સૌથી મોટા વળાંકે તમને જીવનમાં સૌથી મોટો પાઠ ભણાવ્યો હશે. ક્યો? જરા થંભીને એને શબ્દોમાં મૂકો અને મનોમન બોલી જાઓ. આ પાઠ શીખ્યા પછી તમે જીવનમાં કેવી રીતે, કેટલા આગળ વધ્યા એની તમને ખબર છે. તમારી ઉંમર અત્યારે કંઈ પણ હોઈ શકે. તમે ટીનેજર હો કે સિનિયર સિટિઝન – કંઈ ફરક નથી પડતો. એક મોટો વળાંક તો આવી ચૂક્યો હશે તમારી જિંદગીમાં અને એના પરથી તમે એક લેસન પણ શીખ્યા છો.

હવે તમારે જિંદગીને એક ડગલું આગળ લઈ જવાની છે. એક મોટું ડગલું. એક મોટો વળાંક. જિંદગી અત્યારે જ્યાં છે ત્યાંથી એક નૉચ ઉપર. એના માટે કૃત્રિમ રીતે કોઈ સુખદ કે દુઃખદ વળાંક સર્જવાની જરૂર નથી. બિલકુલ નહીં. માત્ર એટલું જ મનન કરીએ કે પેલા વળાંક પછી તમે જે પાઠ શીખ્યા એને અમલમાં મૂકવા માટે તમે તમારી જિંદગીમાં શું શું બદલ્યું? તમારા સ્વભાવમાં, તમારી ટેવોમાં તમે ક્યા ક્યા બદલાવ લાવ્યા? તમારા આસપાસના વાતાવરણમાં તમે શું બદલ્યું? જગ્યા? વ્યક્તિઓ? તમારા વિચારોમાં તમે ક્યું પરિવર્તન લાવ્યા? આ તમામ ચેન્જિસને તમે બારીકીથી યાદ કરો અને પછી એનું સમ ટોટલ કરો. પછી નક્કી કરો કે પરિવર્તન લાવવાના આ પ્રયાસમાં તમે અત્યાર સુધી કેટલા સફળ રહ્યા કેટલા નિષ્ફળ રહ્યા અને કઈ કઈ બાબતોમાં તમને લાગે છે કે તમારે પરિવર્તન લાવવાના પ્રયત્નો કરવાના જ નહોતા, જે હતું તે બરાબર જ હતું – અને આવી ભૂલો તમે સુધારી લીધી અથવા સુધારી લેવાનો પ્રયાસ કર્યો કે કરશો.

અત્યારની જિંદગી જ્યાં છે એના કરતાં એક સ્તર ઉપર લઈ જવાની વાત ચાલે છે. દસ-વીસ-ત્રીસ કે ચાળીસ વર્ષ પહેલાં શું તમને કલ્પના પણ હતી કે તમારી જિંદગી અત્યારે જેવી છે એવી હશે? તમારી કલ્પના કરતાં સારી કે ખરાબ જે હોય તે. આવી સુખદ જિંદગી હશે એવું તમે સપનું જરૂર જોયું હશે પણ ખરેખર આવી સુખદ બની હશે એવું તમે દૃઢતાપૂર્વક નહીં માનતા હો. અને જો અત્યારની જિંદગી દુઃખદ લાગતી હોય તો દુઃસ્વપ્નમાં પણ તમે કલ્પના નહીં કરી હોય કે જિંદગી આટલી ખરાબે ચડી જશે.

બેમાંથી જે પ્રકારના વળાંકમાંથી તમે જે પાઠ શીખ્યા અને જિંદગીમાં જે પરિવર્તનો લાવ્યા એવાં પરિવર્તનોને હવે વધુ મક્કમતાથી, વધુ મોટા પાયે લાવવાનો સમય થઈ ગયો છે – જો તમને લાગતું હોય કે તમારી જિંદગીને હવે તમારે એક સ્તર ઉપર લઈ જવી છે તો. પ્રયત્ન કરીએ અને લાયકાત કેળવીએ તો બધું જ થઈ શકે છે. મામૂલી કે ફ્લોપ ઍક્‌ટરો સુપર સ્ટાર બની શકે છે, સાધુ બનીને જગતને ત્યાગી ચૂકેલા સંત વિશ્વપ્રસિધ્ધ બની શકે છે, એક શિક્ષકનો દીકરો અબજો રૂપિયાનો કારોબાર ઊભો કરીને વારસામાં આપી જઈ શકે છે અને ફકીર સ્વભાવનો દેશપ્રેમી વડા પ્રધાન પણ બની શકે છે.

તો આપણે પણ અત્યારે જ્યાં છીએ ત્યાંથી ઘણા આગળ જઈ શકીએ એમ છીએ. શું કરવું પડશે એના માટે?

ધારી લેવું પડશે કે ફરી એક વાર તમારી જિંદગીમાં અગાઉ આવ્યો હતો એવો જ મોટો વળાંક આવી ગયો છે – અગાઉના કરતાં પણ ઘણો મોટો. તોતિંગ. જબરજસ્ત. હવે તમારે તમારી જિંદગીમાં ક્યાં ક્યાં, ક્યા ક્યા અને કેટલાં પરિવર્તનો લાવવા પડશે એ નક્કી કરો. બે સેકન્ડમાં તય નહીં થઈ શકે. એક આખો દિવસ, અઠવાડિયું કે મહિનો વીતી જશે આવાં પરિવર્તનોની યાદી તૈયાર કરવામાં. એ પછી એ પરિવર્તનોને અમલમાં મૂકવા માટે એટલીસ્ટ ૨૧ દિવસ જોઈશે. કહેવાય છે કે માત્ર ત્રણ અઠવાડિયાંના સમયમાં તમે તમારી ટેવોમાં ધારો તે ચેન્જ લાવી જ શકો. પણ એ ૨૧ દિવસ દરમ્યાન એક પણ દિવસનો ખાડો નહીં પાડવાનો, અપવાદ નહીં કરવાનો. ૨૧ દિવસ પછી બીજા ત્રણ મહિના સુધી સળંગ આ પરિવર્તનોને વળગી રહેવાનું. આર મહિનાથી ઓછા સમયમાં તમારો કાયાકલ્પ થઈ જશે. કાયાકલ્પ માત્ર શારીરિક સંદર્ભમાં વપરાતો શબ્દ છે પણ અહીં આપણે બેઉ અર્થમાં વાપરીશું – શારીરિક તેમજ માનસિક.

લોકો કહેતા હોય છે કે જિંદગી ન મિલે દુબારા. પણ આટલું કરીશું તો લાગશે કે નવેસરથી તમને એક જિંદગી મળી છે. નવી નક્કોર. એક એવી જિંદગી જે અગાઉ કરતાં ઘણી વધારે સુખદ( કે ઘણી ઓછી દુઃખદ) છે. સેકન્ડ ઇનિંગ્સ રમવાની તક એક જ વખત મળતી હોય છે. જિંદગી તમને એક જ વાર સેકન્ડ ચાન્સ આપતી હોય છે અને આ એ જ તક છે જે સામેથી આવી છે. ઝડપી લઈએ, મોડું થઈ જાય એ પહેલાં.

આજનો વિચાર

જિંદગીને સમજવા માટે પાછળ નજર કરવી પડે પણ જિંદગી જીવવા માટે તો આગળ જ જોવાનું હોય.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here