(ગુડ મૉર્નિંગ એક્સક્લુસિવ : ભાદરવા સુદ નોમ વિક્રમ સંવત ૨૦૭૭. મંગળવાર, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧)
આપણા ધર્મગ્રંથોમાં, આપણા સાંસ્કૃતિક ગ્રંથોમાં તેમજ આપણા ઇતિહાસ ગ્રંથોમાં જીવનના વિવિધ પાસાને ઉપયોગી થાય એવું ડહાપણ ઠાંસી ઠાંસીને ભરેલું છે. થોડા વખત પહેલાં મહાભારતના સભાપર્વમાં વાંચવા મળતા કેટલાક વિચારરત્નો વિશે વાત કરી હતી. આજે મહાભારતના ઉદ્યોગપર્વમાંથી પ્રાપ્ત થતા કેટલાક સુભાષિતો વિશે જાણીએ.
આપણને લાગે કે આપણે સાચા છીએ તો પણ ક્યારેક આપણી જીદ છોડી દેવી જોઈએ. પાંડવોનો વનવાસ પૂરો થયા પછી ઉદ્યોગપર્વનો આરંભ થાય છે. પાંડવો કૌરવો પાસે પોતાના હક્કનું અડધું રાજ્ય માગે છે. કૌરવો ના પાડે છે. આ જ પર્વમાં વિદુરનીતિ આવે છે જેના વિશે ભૂતકાળમાં એક કરતાં વધુ વાર હું લખી ચૂક્યો છું.
ઉદ્યોગપર્વમાં એક શ્લોક છે જેનો ગુજરાતી ભાવાર્થ કંઈક આવો થાયઃ તમારું હિત ચાહતા મિત્રોનું તમારે સાંભળવું જોઈએ, હઠ ના કરવી જોઈએ, દુરાગ્રહ વિનાશની જડ છે.
એના પછી તરત જ બીજો શ્લોક છેઃ પોતાનો મત છોડીને જે પોતાના કલ્યાણ માટે કહેવાયેલી વાતોને સત્ય તરીકે સ્વીકારીને આત્મસાત્ કરે છે એ સંસારમાં સુખ પ્રાપ્ત કરે છે.
આ બંને શ્લોકનો સરવાળો એટલો કે આપણી જીદ, આપણા આગ્રહો ક્યારેક છોડી દેવા જોઈએ. મિત્રો પર વિશ્વાસ મૂકીને એમની વાતોનો જીવનમાં અમલ કરવો જોઈએ. દુનિયા આખીનું ડહાપણ તમારા એકલામાં ભરેલું છે એવો ભ્રમ અને અહંકાર છોડીને બીજાઓના દ્રષ્ટિકોણથી પણ દુનિયા નિહાળવી જોઈએ. તમારું હિત ઈચ્છનારા તમારા મિત્રો તમને જે કંઈ કહેતા હોય છે તે તમારા ભલા ખાતર જ કહે છે. તમે જ્યારે તમારી ધૂનમાં આગળપાછળનું જોયા વિના દોટ મૂકો છો ત્યારે આવા મિત્રો જ તમને અકસ્માતમાંથી ઉગારી લેતા હોય છે.
આ જ વાતને આગળ લંબાવતો એક ઔર શ્લોક ઉદ્યોગપર્વમાં આવે છેઃ જે મનુષ્ય પોતાનું સારું ચાહનારા વિદ્વાન-જ્ઞાની મિત્રોની સલાહ અનુસાર કામ નથી કરતો એ પોતાના શત્રુઓની ઇચ્છા મુજબનું કામ કરતો હોય છે.
હિતેચ્છુ મિત્રો પર વિશ્વાસ મૂકીને પોતાના આગ્રહો જતા કરવા સારા. મિત્રો જ જોઈ શકતા હોય છે કે તમારી જીદ ભવિષ્યમાં તમને નડવાની છે. મિત્રનો વેશ પહેરીને આવેલો શત્રુ તો તમે ખાડામાં પડવાના હશો તો ચૂપ રહેશે પણ મિત્ર તમને એવું કરતાં રોકશે. કડવી પણ સાચી વાતો કહેનારા મિત્રો અને મીઠી પરંતુ હાનિકારક વાતો કરનારા શત્રુઓ વચ્ચેનો ભેદ પારખતાં શીખીએ.
એક મૂંઝવણ ઘણા વખતથી રહ્યા કરતી હતી. કોઈ તમને છેતરી ગયું છે અને હવે તમને એવો ચાન્સ મળ્યો છે કે તમે એને છેતરી શકો છો. શું કરવું? કોઈએ તમારી સાથે દુર્વ્યવહાર કર્યો તો એની સામે તમારે દુર્વ્યવહાર કરવાનો કે નહીં. જરા થંભીને વિચારજો.
મૂંઝવણ આસાન કરવા માટે આ સવાલને જરા મોટા ફલક પર લઈ જઈએ. પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસીને આપણા જવાનોને શહીદ કરે ત્યારે આપણે એમની સરહદમાં ઘૂસીને, ઍર સ્ટ્રાઇક કરીને એમની આતંકવાદી છાવણીઓને તહસનહસ કરી નાખીએ તો શું એ ખોટું છે?
અજિત દોવલે વડાપ્રધાનને સલાહ આપી હશે એના પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતકારે કહી દીધું હતું કે જે જેવો વ્યવહાર કરે છે એની સાથે એવો જ વ્યવહાર કરનારો અધર્મનો ભાગીદાર નથી થતો કે ન એની દુર્ગતિ થાય છે.
સંગ તેવો રંગ કહેવત લોકોના અનુભવો પરથી જ સમાજમાં વહેતી થઈ હશે અને સદીઓ પછી પણ ટકી રહી હશે. ઉદ્યોગપર્વના આરંભે જ મહાભારતના રચયિતા વેદ વ્યાસ આ બે સુવર્ણસૂત્ર આપે છેઃ હંમેશાં ઇચ્છા રાખવી જોઈએ કે સજ્જનોની સંગતિ આપણને પ્રાપ્ત થાય. એ પછી બધું જ મંગલમય થઈ જશે. સજ્જનો સાથેની મૈત્રીને અતૂટ રાખવાની, દ્રઢ અને કાયમી રાખવાની.
ઉદ્યોગપર્વમાં એક ઠેકાણે નોંધવામાં આવ્યું છે કેઃ સ્વાદિષ્ટ ભોજન ક્યારેય એકલા ન કરવું, કોઈ પણ સમસ્યાનો ઉકેલ એકલા નહીં લાવવાનો, રસ્તે જતી વખતે એકલા નહીં ચાલવાનું અને બધા સૂઈ ગયા હોય ત્યારે એકલા નહીં જાગવાનું.
એકલાએકલા નહીં કરવાવાળી વાતને ઉદ્યોગપર્વમાં ધન સાથે પણ જોડેલી છે. એક જગ્યાએ કહે છેઃ ધનપ્રાપ્તિ માટે સહાયક જોઈએ, સહાયક ત્યારે જ મળશે જ્યારે તમે એને ધન આપશો. ધન અને સહાયક એકમેકને કારણે આવે છે. આ બંને વિના સફળતા મળતી નથી.
એકલાં એકલાં કામ કરીને તમે કમાણી કરશો તોય કરી કરીને કેટલી કરશો? વધુ કમાણી કરવા બીજાઓને કામ વહેંચવું પડે, બીજાઓ પાસે કામ કરાવવું પડે જેથી તમારો પોતાનો સમય તથા તમારી શક્તિનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકો. કેટલાક તથાકથિત પરફેક્શનિસ્ટ લોકો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા એવું માનીને પોતાના કામની સીમાનો વિસ્તાર કરવા નથી માગતા. આવા લોકો ગમે એટલા પ્રતિભાવાન હોય તો પણ અમુક ઊંચાઈથી વધુ ઉપર જઈ શકતા નથી અને એમની સરખામણીએ મીડિયોકર ગણાતા લોકો સડસડાટ ઉપર પહોંચી જાય છે —આનું રહસ્ય આ છે, જે ઉદ્યોગપર્વમાં લખાઈ ચૂક્યું છે – પેઇડ આસિસ્ટન્ટ્સ રાખો અને આગળ વધતા રહો.
ઉદ્યોગપર્વમાં બીજી પણ એક વાત લખેલી છે આધુનિક નારીવાદીઓને પણ આ વાત નથી સૂઝી. કહ્યું છેઃ ‘કોઈ સ્ત્રી નિંદાને યોગ્ય હોય તો પણ એની નિંદા ન થવી જોઈએ.’
અફવા, કૂથલી કે દારૂ પર થતી બહેકીબહેકી વાતોમાં સ્ત્રીનિંદાનો વિષય ઘણી વખત જોર પકડતો હોય છે. ક્યારેક એ તમારી ફૅન્ટસી કે કલ્પનાની નીપજ હોય તો ક્યારેક તમે કાચા કાનના બનીને જે કંઈ કહેવાય તે વાત સાચી માની લેતા હો. કોઈ વખત ખરેખર કોઈ વાતમાં તથ્ય હોય એવું બને પણ એ તથ્યના આગળપાછળના સંદર્ભો ખોટા હોય. સ્ત્રીની મનોદશા એની પરિસ્થિતિ કે મજબૂરી વિશે તમને કોઈ ખ્યાલ ન હોય. અને તમે એના વ્યવહારો વિશે સર્ટિફિકેટ ફાડતા થઈ જાઓ એવું બને. તમારી પોતાની પ્રકૃતિ, અંગત માન્યતા કે છુપી લાલસાઓ પણ તમને આવી નિંદાકૂથલી કરવા માટે કે અફવા ફેલાવવા માટે પ્રેરે. આમ તો નિંદા ક્યારેય કોઈનીય ના કરવી જોઈએ પણ સ્ત્રીની તો કોઈ સંજોગોમાં ના કરવી. એનું વર્તન, એનો સ્વભાવ એનું ચારિત્ર્ય – આ બધું જ નિંદાયોગ્ય લાગતું હોય તોય એની નિંદા ના કરવી જોઈએ. સ્ત્રીની નિંદા કરનારા લોકો પોતે જ ભૂંડા લાગતા હોય છે.
છેલ્લે ત્રણ શ્લોક એવા જોઈ લઈએ જેમાં પંડિતની વ્યાખ્યાઓ અપાઈ છેઃ જે દ્રઢ સંકલ્પ કર્યા પછી જ કાર્યનો આરંભ કરે છે, કામ શરૂ કર્યા પછી વચ્ચે રોકાતો નથી, સમયનો બગાડ કરતો નથી તે પંડિત છે.
પંડિતની બીજી વ્યાખ્યા છેઃ જે પોતાનું સન્માન થાય ત્યારે ગેલમાં નથી આવી જતો, જે પોતાનો અનાદર થાય ત્યારે ગ્લાનિમાં ડૂબી નથી જતો અને જે ગંગાજળની જેમ હંમેશાં નિર્લેપ રહે છે તે પંડિત છે.
પંડિતની ત્રીજી વ્યાખ્યા છેઃ જેની વાણી આડેઅવળે ભટક્યા વિના અસ્ખલિત વહી જાય છે, જેની વર્ણનશક્તિ અદ્ભુત હોય અને જે તર્કબદ્ધ વાતો કરે, પ્રતિભાશાળી હોય અને પોતાના સમૃદ્ધ વાચનમાંથી યોગ્ય જગ્યાએ ઉદાહરણો પીરસતો રહે તે પંડિત છે.
મહાભારત તો વિચારરત્નોનો સાગર છે. આજે આ એક ખોબો લીધો એમાંથી.
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
સૌરભભાઈ હંમેશા મરજીવા જેવા રહ્યા છે સાગર ના પેટાળ માં જઈ આપણા સૌ માટે મોતી લઈ આવે છે અને આપણને તાજગી અર્પે છે
U r simply great.
hye
Very commendable article… very very applicable in any era …for any one ….
Due regards for this write up