મારું કામ સારું, તમારું ઊતરતું : સૌરભ શાહ


(લાઉડમાઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, 15 સપ્ટેમ્બર, 2021)

આપણે જે વ્યવસાયમાં હોઈએ કે જે કામકાજ દ્વારા આજીવિકા રળતા હોઈએ, એના માટે આપણને ગૌરવ જરૂર હોવું જોઈએ. પણ કેટલાકને ગૌરવને બદલે ઘમંડ હોય છે — હું તો ફલાણા ક્ષેત્રમાંથી રોજીરોટી કમાઉં છું. આવા લોકો પોતાનાથી ઉતરતું લાગે એવું કામ કરનારાઓને તુચ્છ ગણતા હોય છે. કેટલાક પોતાનાથી ઘણી ઊંચી કક્ષાનું કામ કરનારાઓ પ્રત્યેનો દ્વેષ એમની બેફામ ટીકા કરીને કરતા હોય છે. કેટલાક પોતાના જેવું જ કામ બીજાઓ દ્વારા કરતા હોય ત્યારે મનમાં રહેલા હરિફાઈના ભાવને લીધે એમનું બૂરું બોલતા હોય છે.

આ ત્રણેય પ્રકારના લોકોની વાત આજે કરવી છે.

સમાજની વ્યવસ્થા કંઈક એવી છે કે કેટલાંક કામ કરવાની શારીરિક ક્ષમતા કે માનસિક દાનત સૌ કોઈની નથી હોતી. કુરિયર સર્વિસના ડિલિવરીમૅન હોય, ટપાલી હોય, ડોમિનો-સ્વિગિ-ઝોમેટો માટે કામ કરનારા હોય – આ સૌ કોઈ દિવસરાત તન તોડીને જે નિયમિતતાથી કામ કરે છે તે બદલ તેઓ તમારા એક સ્મિતના અધિકારી છે. શક્ય હોય તો એમના માટે ઘરમાં બિસ્લેરીની નાની બાટલીઓ રાખો અને આવે ત્યારે પ્રેમથી એક એમને આપી દો. વધારે શક્ય હોય તો ઘરમાં દરવાજા પાસે એક ડબ્બામાં દસ-વીસ રૂપિયાની થપ્પી મૂકી રાખો અને એમનો આભાર માનીને, બે હાથ જોડીને એક નોટ એમને આપો.

આ જ રીતે બળબળતા તડકામાં ફરજ બજાવતો ટ્રાફિક પોલીસ, રોજ સવારે ઘરે ઘરે જઈને તમે કરેલી ગંદકીનો નિયમિત નિકાલ થાય એ માટે તમારા કચરાની થેલીઓ લઈ જતા સફાઈ કામદાર, રેલવે સ્ટેશને તમારો સામાન પોતાના માથે ઊંચકી લેતા પોર્ટર, કરોડરજ્જુના મણકા ખસી જાય એવી પરિસ્થિતિમાં પણ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા રિક્શાવાળા , પોતાના કુટુંબને બે ટંકનું ભોજન મળી રહે અથવા પોતાના સંતાનને શિક્ષણ આપીને સારી રીતે આજીવિકા કમાવવા માટેની સગવડ કરી આપવા જે લોકો તમારા ઘરમાં કે ઑફિસમાં કે દુકાનમાં કે ફેક્ટરીમાં કે ખેતરમાં તમારો પડતો બોલ ઝીલીને આઠ-દસ-બાર કલાક તમારી સેવા કરે છે —આ બધા લોકોને જોવાની આપણી દૃષ્ટિમાં એમના પ્રત્યેનો આદર છલકવો જોઈએ.

આમાંનાં મોટાભાગનાં કામ તમે કરી શકવાનાં નથી. તેઓની પણ ઇચ્છા નથી કદાચ —આ કામ કરવાની, પણ એમની મજબૂરી છે. આ મજબૂરી ન હોત તો તેઓ પણ પંખા નીચે ટેબલખુરશી પર બેસીને કે એસી કેબિનમાં કામ કરતા હોત.

એમની મજબૂરીનો તમને ફાયદો થાય છે. તમારી દાનત એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવાની નથી હોતી પણ તમને ફાયદો થાય છે એટલું તો ચોક્કસ છે. આમાંનાં કેટલાંક કામ તો એવાં છે જે તમે ક્યારેય નહીં કરો, મજબૂરી આવી પડશે ત્યારે પણ નહીં, કોઈ તમને મહિને લાખ-દસ લાખ આપવાની ઑફર કરશે તો પણ નહીં કરો.

માટે જ તમને જ્યાં લાગે કે આ લોકો તમારા કરતાં ઉતરતું કામ કરે છે એમના માટે આદરભાવ કેળવીને મનોમન એ સૌને વંદન કરતા રહો.

બીજી કેટેગરી છે તમારા કરતાં ઘણા ઊંચા ગજાનું કામ કરનારાઓની. મનુષ્યસહજ ટેવને લીધે આપણે ઘણી વખત મિત્રો સાથેની વાતચીતમાં મોટી સિદ્ધિઓ ધરાવનારાઓને ઉતારી પાડતો હોઈએ છીએ, એમની કોઈ નાની (કે મોટી) વાત આપણને ના ગમી તો એમના વિશે એલફેલ બોલવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ. આ મહાનુભાવો રાજકારણ, ધર્મઅધ્યાત્મ, રમતગમત, ફિલ્મ, કળા-સાહિત્ય, ઉદ્યોગ-વેપાર વગેરે કોઈ પણ ક્ષેત્રના હોઈ શકે. એમની ટીકા કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે એમણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે મેળવવાનું તમારું કોઈ ગજું જ નથી.

બાપ જન્મારે તમે એ શિખરો સર કરી શકવાનાં નથી. એ સૌ મહાનુભાવોની સરખામણીએ તમે વહેંતિયા છો. એમણે આ જગત માટે જે પ્રદાન કર્યું છે તેની તુલનામાં તમે એક રજકણ જેટલું જ આ દુનિયામાં ઉમેર્યું છે – ક્યારેક તો આ વિશ્વ પાસેથી માત્ર લીધું જ છે, આપ્યું કશું નથી હોતું.

આવી સમજ વિના આપણે આપણાથી હજાર-દસ લાખગણા ઊંચા લોકોના અંગત જીવન વિશે, એમના જાહેર વ્યવહારો વિશે, એમના વિચારો વિશે સંદર્ભ સમજ્યા વિના ગમે ત્યારે ગમે તે બોલી નાખીને આપણી લઘુતાગ્રંથિનું પ્રદર્શન કરી નાખતા હોઈએ છીએ. આવા લોકો, તમે જે નથી કર્યું કે નથી કરી શકવાના તે કરીને, સિદ્ધિના શિખરે પહોંચ્યા હોય છે. એ લોકોને ઉતારી પાડીને આપણે આપણી પોતાની અસમર્થતાના, અસંસ્કારિતાના અને અક્કલની ઓછપના પુરાવાઓ આપતા હોઈએ છીએ એનું ધ્યાન રાખવું. આઈન્દા, આવી એલફેલ વાતોથી દૂર રહેવું – પોતે તો ન જ કરવી, બીજાઓ કરતા હોય ત્યારે પણ એમને અહીંથી લીધેલું જ્ઞાન આપવું.

ત્રીજા પ્રકારના લોકો પોતાના જ સરીખું કામ કરનારા, પોતાના જ જેવી જીવનશૈલી ધરાવતા કે પોતે જે સામાજિક-આર્થિક સ્તરના છે એ જ વર્ગમાં મૂકાતા લોકોની ટીકા કર્યા કરતા હોય છે. શિક્ષક હશે તો બૅન્ક ક્લાર્ક વિશે ગમે તે કંઈ ભરડશે અને સીએ હશે તે ડૉક્ટર વિશે કંઈ ને કંઈ બોલ્યા કરશે. આવું કરવામાં મોટેભાગે આપણી અંદર ઉછાળા મારતો ઈર્ષ્યાભાવ હોય છે, ક્યારેક હરિફાઈનો- પ્રતિસ્પર્ધાનો ભાવ હોય છે તો ક્યારેક બસ, આમ જ આપણો સ્વભાવ જ એવો હોય છે કે આપણા જેવા બીજાઓને ઉતારી પાડવા જેથી આપણે આપોઆપ અન્યો કરતાં સુપિરિયર છીએ એવી છાપ પડે.

મુંબઈમાં અમારા રહેઠાણ વિસ્તારની પાછળ બહુ મોટો બિઝનેસ પાર્ક છે જ્યાં અનેક જાણીતી કંપનીઓની તોતિંગ બી.પી.ઓ. ઑફિસો છે. આ બૅક ઑફિસોમાં બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનું કામ કરવા રોજ બબ્બે કલાકનો પ્રવાસ કરીને આવતા નોકરિયાતો ત્રણેય શિફ્ટમાં ઑફિસો ચલાવે છે . આ રળિયામણા બિઝનેસ પાર્કની નજીકથી જતા રસ્તાઓ પર વહેલી સવારે કે મોડી સાંજે જ્યારે જાઓ ત્યારે સેંકડો કર્મચારીઓની અવરજવર ચાલુ હોય – કાં તો એમની શિફ્ટ શરૂ થઈ હોય, કાં શિફ્ટ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હોય. સ્ટાફ માટેની બસો ટ્રાફિક જામ કરતી રહે. દર વખતે હું વિચારું કે થોડા હજાર રૂપિયા માટે કેટલે દૂરથી આ લોકો અહીં આવે છે અને અમારા જેવાના મૉર્નિંગ વૉક કે ઇવનિંગ વૉકની મઝા બગાડે છે. મનોમન આ પ્રકારના લોકોની હાંસી ઉડાવીએ. પણ એક દિવસ અચાનક જ મગજમાં બત્તી થઈ કે મારા બૅન્કના ખાતાની વ્યવસ્થા, મારા એટીએમ કાર્ડની વ્યવસ્થા આવી જ બીપીઓની ઑફિસોમાં થતી હશે. આ ઉપરાંત બીજા અનેક ઑનલાઇન વ્યવહારોની સગવડ મને આવી બૅક ઑફિસોને કારણે મળતી હશે. જો આ લોકો દિવસ-રાત કામ ના કરતા હોત તો મારે બૅન્કમાંથી પૈસા ઉપાડવા ટોકન લઈને મિનિટો સુધી રાહ જોવી પડતી હોત. મારા રોજબરોજના આ પ્રકારના અનેક વ્યવહારો બદલ મારે રોજના અમુક કલાકનો સમય વ્યય કરવો પડતો હોત, શક્તિ ખર્ચવી પડતી હોત. આ લોકોના પ્રતાપે મારું અને મારા જેવા લાખો-કરોડોનું જીવનધોરણ બદલાઈ ગયું છે. આ જ્ઞાન લાધ્યું ત્યારથી એમના તરફ જોવાની મારી દૃષ્ટિ સાવ બદલાઈ ગઈ. એમની સ્ટાફ બસો હારબંધ પસાર થતી હોય ત્યારે પી.એમ.નો કાફલો પસાર થતો હોય એવા અહોભાવ સાથે હું એને જોતો રહું છું.

બીજાઓ જે કંઈ કામ કરતા હોય તે કામ આદરપાત્ર છે. તમને એ કામ તમારા કરતાં ઊતરતું લાગે, ચડિયાતું લાગે કે સમકક્ષ લાગે – એ તમારા મનની વાત છે પણ આ ત્રણેય પ્રકારનાં કામ કરનારાઓ પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં માન ઉમેરાવું જોઈએ, એમને આદરથી જોવાની ટેવ પડવી જોઈએ. આ દુનિયા ચાલે છે, આગળ વધે છે, નવાં નવાં સિદ્ધિશિખરો સર કરે છે તે બધું જ આ લોકો કામ કરે છે ત્યારે થાય છે.
કામ-વર્ક કોઈનું પણ હોય એમનું કે આપણું – એ કામ પાછળ અપાતી પ્રત્યેક મિનિટ ભગવાનની પ્રાર્તના માટે ખર્ચાય છે એવું સદીઓથી મનાતું આવ્યું છે તે કંઈ ખોટી વાત નથી. વર્ક ઇઝ વર્શિપ એક અનુભવસિદ્ધ વાત છે. દરેકના કામનો આદર કરીએ.

સાયલન્સ પ્લીઝ!
તમારી ગતિ ધીમી હશે તો કોઈ વાંધો નથી, તમે રોકાઈ ન જતા.
-કન્ફ્યુશિયસ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. કોઈપણ કામ ચડિયાતુ કે ઉતરતુ નથી આ જગતમાં. કામ કેવી રીતે કરો એ મહત્વપૂર્ણ છે. કામ વેઠ ઉતારીને પણ થાય અને સારી રીતે પણ કરી શકાય.
    આ બન્ને રીતમાં જે રીતે કર્યુ હોય તેમાં કરનાર વ્યક્તિની ઓળખ મળી જશે.

  2. વાહ સૌરભભાઇ દર વખતની જેમ પણ આતો ખુબજ સરસ …..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here