નિકટજનોમાં વહેંચવું કે પરાયાઓ વચ્ચે દેખાડો કરવો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્‌સક્લુઝિવ, ભાદરવા સુદ સાતમ, વિક્રમ સંવત ૨૦૭૭. સોમવાર, 13 સપ્ટેમ્બર 2021)

ગમતાનો ગુલાલ કરવાનું કોને ન ગમે? કવિ મકરંદ દવેએ લખ્યું : ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ.

‘મરીઝ’ પણ કહી ગયાઃ ‘સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે.’

પણ જે કંઈ ગમતું છે કે જે કંઈ સુખ છે તેને બીજાઓ સાથે ‘વહેંચવામાં’ અને એનો ‘દેખાડો’ કરવામાં ફરક છે. તમે મારા નજીકના મિત્ર હો અને તમે નવી, મોંઘી કાર ખરીદી અને તમે પાર્કિંગમાં મને લઈ જઈને એ બતાવો, એની ખૂબીઓનું વર્ણન કરો અને એમાં બેસાડીને એક ચક્કર મરાવો તો તમે તમારી ખુશી મારી સાથે ‘વહેંચી’ છે એવું કહેવાય.

અને ‘દેખાડો’ ત્યારે કહેવાય જ્યારે તમે તમારી યુટ્યુબ ચેનલ પર એ કારની ડિલીવરી લેતા હો એનો કે પછી તમારા ગરાજમાં પાર્ક કરતા હો એનો કે તમે એને ડ્રાઇવ કરતા હો એનો વીડિયો અપલોડ કરીને જેઓ ભાગ્યે જ તમને પર્સનલી જાણે છે એવા સેંકડો-હજારો-લાખો લોકોને આંજી નાખવાની હોંશિયારી કરો.

‘ટુ શેર’ અને ‘ટુ શો ઑફ’ વચ્ચેનો જમીનઆસમાનનો તફાવત જેઓ સમજતા નથી તેઓ જિંદગી આખી છીછરા બનીને બધે જ છબછબિયામાં કરતાં રહે છે. એમની શ્રીમંતાઈનો દેખાડો વાસ્તવમાં એમના વ્યક્તિત્વની ગરીબાઈ છતી કરતો રહે છે.

તમે કોઈક સિદ્ધિ મેળવી, તમે કોઈક નવો, બીજાઓને ભાગ્યે જ થાય એવો – અનુભવ મેળવ્યો કે પછી તમને લક્ષ્મીનું વરદાન પ્રાપ્ત થયું – આ કે આવા તમામ પ્રસંગો તમારી જિંદગીમાં સર્જાય ત્યારે માનવાનું કે એ તમારા પુરુષાર્થનું અને ભગવાનની કૃપાનું પરિણામ છે. આ પરિણામને અંગતજનોમાં વહેંચીને માણવાનું હોય, એનો દેખાડો કરીને એને વેડફી નાખવાનું ન હોય.

લગ્ન કે અન્ય ખુશીના પ્રસંગો દેખાડાઓનું બહાનું છે. તમે તમારાં પત્ની કે પતિ સાથે લગ્નજીવનનાં પચ્ચીસ, ત્રીસ કે પચાસ વર્ષ પૂરાં કરો તે આનંદની વાત છે. આ આનંદને તમે તમારા પાંચ-પચીસ મિત્રો-પરિવારજનો સાથે શેર કરીને બમણો કરો છો. પણ ઘણી વખત સમાજમાં જોવા મળતું હોય છે કે આવા શુભ પ્રસંગે દંપતિ સેંકડો મહેમાનોની હાજરીમાં જાણે નવેસરથી લગ્ન કરતા હોય એવી વિધિઓ કરે, પતિ અંગ્રેજી સ્ટાઇલમાં એક ઘૂંટણિયે પડીને પત્નીને ગુલાબનું ફૂલ કે હીરાની વીંટી આપીને પ્રપોઝ કરે કે હિન્દુ પ્રથાને અનુસરીને ચાર ફેરા ફરીને લગ્નનું કમિટમેન્ટ રિન્યુ કરે – આ બધા દેખાડા છે.

અંગત શુભ પ્રસંગનો જાહેર દેખાડો કરવાની ઇચ્છા આપણા સૌનામાં દબાયેલી પડી હોવાની. આવી તો અનેક ઇચ્છાઓ મનમાં ઘરબાયેલી હોવાની. પણ દરેક છુપાયેલી ઇચ્છાને પ્રગટ ન કરવાની હોય એવું અહીં પણ છે. બીજાઓ કરે છે એટલે આપણે પણ કરીએ એમાં ખોટું શું છે એવી મનમાં દલીલ કરીને દલા તરવાડીની જેમ નહીં વર્તવાનું.

શો ઑફ કરવાથી માણસનું પાણી મપાઈ જતું હોય એવું હું માનું છું. શો ઑફ કરનારાઓ મારી નજરમાંથી તરત જ ઊતરી જતા હોય છે. તમે ગમે એટલા નસીબદાર હો, તમારી પાસે ગમે એટલી રિદ્ધિ-સિદ્ધિ હોય પણ તમે તમારા સુખને બીજાઓ સાથે ‘વહેંચો’ છો કે એનો ‘દેખાડો’ કરો છો એના પરથી તમારી ખાનદાનીનું માપ નીકળતું હોય છે.

એક દાખલો તમને આપું. મૅની કોશબિન કોણ છે એ તમે ન જાણતા હો તો ગૂગલ સર્ચ કરીને એના વિશે જાણી લેજો. અતિ શ્રીમંત અમેરિકન છે. પ્રોપર્ટીની લે-વેચના ધંધામાં– રિયલ એસ્ટેટના બિઝનેસમાં ધૂમ કમાણી કરી છે. યુ ટ્યુબ પર એની ચેનલના સવા મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. એ દર અઠવાડિયે પોતાની પાસેની લક્ઝરી ફાસ્ટ કાર્સ વિશેના વીડિયો અપલોડ કરતો રહે છે. કારના શોખીનોને ખરેખર જોવાની મઝા આવે. તમે આપબળે કરોડો રૂપિયા કમાયા હો અને આવા મોંઘા શોખ રાખતા હો તો એમાં કશું ખોટું નથી. તમારા પૈસા છે, તમને પૂરેપૂરો હક્ક છે એ નક્કી કરવાનો કે તમારે કઈ રીતે એ પૈસાનો ઉપયોગ (કે દુરુપયોગ) કરવો છે.

મૅની કોશબિન કરતાં અનેકગણા ધનવાન મૂકેશ અંબાણી છે. કોશબિન કરતાં ઘણી વધારે કાર એમની પાસે છે. છેલ્લા આંકડા મુજબ 140 લક્ઝરી-લેટેસ્ટ-આલિશાન મોંઘીદાટ કાર્સ એમના ગરાજમાં છે. (જગતમાં સૌથી વધુ કાર્સ ધરાવનારાઓમાં એમનો ક્રમ પાંચમો કહેવાય છે. પ્રથમ ક્રમાંકે બ્રુનેઈના સુલતાન આવે.)

પણ કોશબિનની માફક અંબાણીને તમે ક્યારેય પોતાની કારનો દેખાડો કરતાં તમે નહીં જુઓ. એ પોતે તો આ કાર કલેક્શનનો વીડિયો ઉતારીને યુટ્યુબ પર અપલોડ નહીં જ કરે, બીજા કોઈનેય પોતાના ગરાજનું શૂટિંગ કરવા નહીં દે. ખાનદાની શ્રીમંતાઈમાં અને નવા નવા આવી ગયેલા પૈસામાં આ ફરક છે. આવો ફરક ધીમે ધીમે વધતી જતી કીર્તિ અને અચાનક મળી જતી પ્રસિદ્ધિ વચ્ચે છે. જેઓ આ તફાવત સમજી શકતા નથી તેઓ ન તો સમાજમાં લાંબા સમય સુધી આદરને પાત્ર રહે છે અને પોતાને જે પ્રાપ્ત થયું છે તેને લાંબો સમય સાચવી શકે છે.

જેમનામાં પોતાને મળેલાં સુખ-સમૃદ્ધિ પચાવવાની શક્તિ છે તેઓ એને બીજાઓ સાથે ‘વહેંચી’ને એને અનેકગણું કરી શકે છે. જેઓ નથી પચાવી શકતા તેઓ ‘દેખાડા’ કરીને એનું વમન કરી નાખે છે, વેડફી નાખે છે.

પાન બનાર્સવાલા

અમુક વસ્તુઓની માલિકી ધરાવવા કરતાં એને કલ્પનામાં માણવી સારી.
—અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here