થોડુંક વધારે જીવી લઈએઃ સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૭ માર્ચ ૨૦૨૧)

કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધા પછી મૃત્યુનો ભય ઘટી ગયો હશે અને બીજા ડોઝની રસી મૂકાવ્યા પછી સાવ મટી પણ જાય. પરંતુ એટલું યાદ રાખવું પડશે કે હવે મરીશું તો કોરોનાને કારણે નહીં મરીએ પણ બીજાં પચાસ કુદરતી/અકુદરતી કારણો તો ઊભાં જ છે તમારું આયુષ્ય છીનવી લેવા માટે.

આના પરથી એક સવાલ થાય છે કે માણસ શું કામ જીવવા માગે છે? માણસ શું કામ મરવા નથી માગતો?

જવાબ બે અંતિમોવાળો છે. એક અંતિમ એ છે કે મેં જે કંઈ મેળવ્યું છે તેને માણવાનો/ભોગવવાનો સમય હવે આવ્યો છે. તો પછી થોડાં વર્ષ, થોડાક દસકા વધુ જીવી લઉં એમાં ખોટું શું છે? જિંદગી આખી જે કંઈ મેળવવા માટે ખર્ચી કાઢી એ બધું મળી ગયા પછી એને માણ્યા વિના આ જગતમાંથી વિદાય નથી લેવી.

બીજા છેડાનો જવાબ છેઃ જિંદગીમાં જે કંઈ મેળવવું છે તે બધું હજુ ક્યાં મળ્યું છે? ઘણું બધું મેળવવાનું બાકી છે. એ મેળવવા માટે હજુ થોડાં વર્ષ, હજુ થોડા દાયકા જીવી લેવું છે. બધું મળી જાય એ પછી મોત આવતું હોય તો ભલે આવે.

આ બે અંતિમોના જવાબની વચ્ચે આપણે સૌ રમીએ છીએ.
જિંદગીના આ તબક્કે જે કંઈ મેળવી લીધું છે તે માણવું પણ છે અને જે નથી મળ્યું તે મેળવવાનો પ્રયત્ન પણ કરવો છે.

શું મળ્યું છે અને શું મેળવવું છે એનો આધાર દરેક વ્યક્તિના પોતાના વિચારો પર છે. આ બાબતમાં જેણે જે નક્કી કર્યું હોય તે. તમે તમારા આદર્શો, તમારા સિદ્ધાંતો, તમારી જીવનશૈલી એના પર ઠોકી બેસાડી ના શકો. કોઈ એમ કહે કે મારે જગતનો શ્રેષ્ઠ દારૂ પીવો છે પણ હજુ સુધી મેં પીધો નથી અને જિંદગીનાં બાકીનાં વર્ષો મારે એ ઉત્તમ મદ્ય પામવાની જદ્દોજહદમાં ગુજારવા છે તો તમારાથી કંઈ એને શરાબસેવનના ગેરફાયદા ગણાવવા ન બેસી જવાય. કોઈ એમ કહે કે મારે ભગવાનને જોવા છે, મારે મોક્ષ પ્રાપ્તિ કરવી છે તો તમે આસ્તિક હો કે ન હો તમારે એના વિચારોને આદર આપવાનો જ હોય.

ક્યારે મરવાનું અને કેટલું જીવવાનું એ આપણા હાથમાં નથી. કેવી રીતે મરવાનું એ પણ આપણા હાથમાં નથી (સિવાય કે કોઈ આત્મહત્યા જેવું પાપ કરવાનું વિચારે). પણ કેવી રીતે જીવવાનું એ જરૂર આપણા હાથમાં છે.
અત્યાર સુધી જેટલું મળી ગયું છે એની યાદી બનાવી છે ક્યારેય? શું શું ગુમાવ્યું છે એ વિશે વિચારવાને બદલે શું શું નથી ગુમાવ્યું એ વિશે વિચાર્યું છે?

શરૂઆત આપણા શરીરથી કરીએ. બે હાથ, બે પગ, દિમાગ, હૃદય, આંખ-કાન વગેરે કેટલું બધું ભગવાને આપ્યું. હજુ પણ એ બધું આપણી પાસે છે. નસીબદાર છીએ. જેમણે આમાંથી એકાદ અંગ પણ ગુમાવી દીધું છે એમને જઈને એમની વેદના પૂછજો. તમે કેટલા નસીબદાર છો તે ખબર પડશે. કદાચ એકાદ દાંત કે થોડા વાળ ઓછાં થવાનું દુખ હશે તો તે પણ મટી જશે. નાનીમોટી શારીરિક તકલીફો બાદ કરતાં ભગવાને આપેલા આ મશીનના સ્પેરપાર્ટ્સ જે રીતે કામ કરવા જોઈએ છે તે રીતે કરી રહ્યા હોય તો આપણા જેટલું નસીબદાર બીજું કોઈ નહીં.

એ પછી વારો આવે છે— જિંદગીમાં અત્યાર સુધી શું શું મેળવ્યું એ પૂછવાનો? કેટલું બધું મળ્યું? યાદી કરવા બેસીએ તો ઘણી લાંબી થાય. સંબંધો અને સ્નેહ ઉપરાંત ભૌતિક કે નશ્વર હોય એવું પણ અઢળક મળ્યું છે, મળતું જ રહ્યું છે. જિંદગીમાં જે કંઈ ભૂલો કરી છે, જે કંઈ નાસમઝદારી દેખાડી છે તેની સરખામણીએ તો આ બધામાંથી ઘણું ખરું નહોતું મળવું જોઈતું. પણ કુદરત ઉદાર છે, તમારી આસપાસના લોકો પણ વિશાળ હૃદયના છે. તમને ખબર પણ ના પડે એ રીતે તમારી ભૂલો બદલ માફી આપી દે છે. બાકી, પ્રામાણિકતાથી જો આપણી હેસિયત કે આપણી ક્ષમતાને માપવા જઈશું તો સરવાળા-બાદબાકી પછી જાણ થશે કે આપણી ઔકાત કરતાં ઘણું વધારે ઠલવાયું છે આપણા ખોળામાં. આટલું બધું મેળવવાની લાયકાત નહોતી. પણ મળી ગયું. બીજાઓની ઉદારતાને લીધે મળી ગયું. તો હવે જે નથી મળ્યું તેનો અફસોસ શું કામ?

અફસોસ ભલે ન કરીએ પણ જે નથી મળ્યું તે મેળવવાના પ્રયત્નો તો કરીએ ને? જરૂર કરીએ. શક્ય છે કે હવે પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ હોય. વીસ-ત્રીસની ઉંમરે જે જોઈતું હતું તે ચાળીસ-પચાસની ઉંમરે કે સાઠ-સિત્તેરની ઉંમરે ન જોઈતું હોય એવું બની શકે. કદાચ એથી ઉલટું પણ બને. એ ઉંમરે જે કંઈ જોઈતું હતું તે મેળવવાની ઝંખના હવે વધી ગઈ હોય એવું પણ બને. કશું ખોટું નથી એમાં. કઈ ઉંમરે શું મેળવવું જોઈએ એવું કોણ કહી શકે? આપણી મરજી.

જે નથી મળ્યું તે મેળવવાની તાલાવેલી ઘટવી ન જોઈએ. આ તીવ્રતા ઘટી જાય કે મટી જાય ત્યારે જિજિવિષાનો અંત આવી જાય. જેને જે કહેવું હોય તે કહે કે અમુક ઉંમરે માણસે તમામ ઇચ્છાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. શું કામ, ભાઈ? ઇચ્છાઓ સાથે જીવવાની મઝા છે. કેટલીક ઇચ્છાઓ અધૂરી રહી જાય અને શ્વાસ ખૂટી જાય એવું બનવું જોઈએ. કોઈ ઇચ્છા બાકી ન હોવી જોઈએ એવી પ્રાર્થના કમ સે કમ હું તો ના કરું. જે મળી ગયું છે, જે માણી લીધું છે એના સંતોષની સાથે જે નથી મળ્યું કે નથી મળી શક્યું, જે સપનાં અધૂરાં રહી ગયાં છે એની કસક પણ રહેવી જોઈએ જીવનમાં. આ કસક જ જીવનના છેલ્લા શ્વાસ સુધીની દરેક ક્ષણ દરમ્યાન આપણને જીવતા રાખવાની છે. જો જીવતેજીવ બધે બધું જ મળી ગયું તો બાકીની ક્ષણોમાં જીવીને શું કરીશું? ભગવાનનું ભજન – એવું કોણ બોલ્યું.

ભગવાનનું ભજન કરવા માટે જીવન ખૂટી જાય એની રાહ જોવાની જરૂર નથી હોતી. ભગવાનને યાદ કરવા માટે ઉંમરની ઉત્તરાવસ્થા આવે એની રાહ ન જોવાની હોય. એનું તો નિત્યસ્મરણ હોય. એ છે તો આપણે છીએ.

જીવતાં રહેવું પૂરતું નથી. શું કામ જીવીએ છીએ એનાં કારણો સાથે રોજ સવારે ઉઠવું જોઈએ. આજે જે મળ્યું તે બદલ ભગવાનનો અને પ્રત્યક્ષ/પરોક્ષ રીતે પરિચયમાં હોય એ સૌનો આભાર માનીને સૂવું જોઈએ અને જે નથી મળ્યું, જે મેળવવું છે એ આ જ બધા લોકોની કૃપાથી મળવાનું છે એવાં સપનાં સાથે રોજ સૂવું જોઈએ.

જિંદગીની દરેક ક્ષણ વીતી ગયેલી ક્ષણ કરતાં વધુને વધુ મૂલ્યવાન બનતી જાય એવી કુદરતની ગોઠવણ છે. સર્જનહારની આ વ્યવસ્થા જ આપણને સૌને શ્રીમંત બનાવે છે.

સાયલન્સ પ્લીઝ!

ગઈકાલની વાત ગઈ કાલે પૂરી થઈ. આજે આજની વાત કરીએ.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here