ગ્વાલિયરનો ચેવડો, ચાંદની ચૌકની જલેબી અને આગરાના મંગોડા

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

ખાવાપીવાના પહેલેથી જ શોખીન. વડા પ્રધાન બન્યા પછી પણ એવો જ શોખ. ડૉક્ટરોએ વાજપેયીને તળેલું અને ગળ્યું ખાવાની મનાઈ ફરમાવી હતી. વડા પ્રધાનને મળવા દિવસ દરમ્યાન અનેક મુલાકાતીઓ આવે. અનેક મીટિંગો થાય, બેઠકો યોજાય. સ્વાભાવિક રીતે દરેક મુલાકાતી માટે સમોસા અને ગુલાબજાંબુ આવે. વડા પ્રધાન ઘણી વખત તો પાંચ પાંચ વાર બધાની સાથે સમોસા – ગુલાબજાંબુ આરોગે અને એમનો પર્સનલ સ્ટાફ જોતો રહી જાય.

વાજપેયીને ગ્વાલિયરનો ચેવડો, આગરાના મંગોડા (મગની દાળના વડા), દિલ્હીના ચાંદની ચૌકની મોટી જાડી જલેબી અને શાહજહાં રોડની ચાહ બહુ ભાવે. સંસદસભ્ય તરીકેના શતના દિવસોમાં શાહજહાં રોડ વારંવાર જતા. ચાંદની ચૌકની જલેબી ઘરે મંગાવીને બધાની સાથે ઉજાણી કરતા. ચાઈનીઝ ફૂડ બહુ જ ભાવે. મોરારજી દેસાઈની કેબિનેટમાં વિદેશ મંત્રી તરીકે ચીનના પ્રવાસે જવાનું હતું ત્યારે દિવસો પહેલાં ચૉપ સ્ટિક્સથી ખાવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. વડા પ્રધાન બન્યા પછી લખનૌમાં નિકટના સ્નેહીઓનાં સંતાનોને વરઘોડિયા તરીકે જમવા માટે તેડવાના હતા. વાજપેયીએ લખનૌની એક ખૂબ જાણીતી અને એમની ફેવરિટ ચાઈનીઝ રેસ્ટોરાંમાં ટેબલ બુક કર્યું. જઈને ખ્યાલ આવ્યો કે રેસ્ટોરાંમાં બીજાં ટેબલો ખાલી છે. પૂછ્યું: કેમ? તો કહે એસ.પી.જી.એ રેસ્ટોરાંવાળાને સિક્યુરિટીના કારણોસર બીજા કોઈને પ્રવેશ આપવાની ના પાડી હતી. વાજપેયી કહે કે એવી રીતે જમવાની મઝા શું? આવવા દો જેમને આવવું હોય એમને. જમ્યા પછી વાજપેયીએ પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી નોટોની થપ્પી કાઢીને બિલ ચૂકવ્યું.

મોદી સરકારના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ – માનવ સંસાધન વિકાસ મંત્રી યાને કિ શિક્ષણ પ્રધાન પ્રકાશ જાવડેકર કહે છે કે એક જમાનામાં વાજપેયીને ચિલ્ડ કોકાકોલા પીવાની ખૂબ ટેવ. જાવડેકર અને બીજા કાર્યકર્તાઓ એમના માટે બોટલો ઠંડી કરીને મૂકી રાખે. જાવડેકરે એક વાર વાજપેયીને પૂછ્યું કે આટલું ઠંડું પીવાથી ગળું બેસી જતું નથી? ભાષણ આપવામાં તકલીફ ના થાય? વાજપેયી બોલ્યા: મારું તો ગળું ખૂલી જાય છે એનાથી.

જનસંઘના દિવસોમાં કેટલાક પત્રકાર મિત્રોની સાથે પુરાની દિલ્હીની ફેમસ પરાંઠેવાલી ગલીની મુલાકાત લેવાનું નક્કી થયું. જતાં જતાં વાજપેયીએ માથા પર ગમછો બાંધી લીધો: ‘જનસંઘનો કોઈ કાર્યકર્તા જોઈ જશે તો ગળે પડશે ઔર મઝા કિરકિરા હો જાયેગા.’ ચટપટી સબ્જીઓ સાથે ઘીમાં તળેલા પરાઠાઓ ખવાઈ રહ્યા હતા ત્યાં જ રસ્તેથી પસાર થતા કોઈ કાર્યકર્તાએ એમને ઓળખી કાઢ્યા: ‘અરે, વાજપેયીજી આપ યહાં?’ વાજપેયીએ અજાણ્યા બનીને પેલાને પૂછ્યું: ‘કોણ વાજપેયીજી? તમને કોઈ ગલતફહમી થઈ લાગે છે.’ પેલો બિચારો ભોંઠો પડીને આગળ જતો રહ્યો અને અહીં ખડખડાટ હાસ્ય સાથે પરાઠાની મહેફિલ આગળ વધી.

શોખીન વાજપેયીમાં સાદગી પણ પાછી એટલી જ. એ જમાનાની વાત છે જ્યારે વાજપેયી દિલ્હીના અજમેરી ગેટ પર આવેલા જનસંઘ કાર્યાલયમાં રહેતા હતા. એમની સાથે જે. પી. માથુર, લાલકૃષ્ણ આડવાણી અને બીજા સાથીઓ પણ ત્યાં રહેતા. એક દિવસ વાજપેયી બહારગામના પ્રવાસેથી રાત્રે દિલ્હી પાછા આવવાના હતા. એમના માટે ખાવાનું તૈયાર કરીને ઢાંકી દેવાયું હતું. પણ રાત્રે વાજપેયી ન આવ્યા. સવારે છ વાગ્યે વાજપેયીએ કાર્યાલયના દરવાજાની ઘંટડી વગાડી. એમના હાથમાં સૂટકેસ અને બિસ્તરો. તમે તો રાત્રે આવી જવાના હતા, શું થયું? વાજપેયી કહે: રાતે અગિયાર વાગે આવવાવાળી ગાડી દિલ્હી બે વાગે પહોંચી. મને થયું અડધી રાતે ક્યાં લોકોને જગાડવા એટલે રામલીલા મેદાન જઈને સૂઈ ગયો.

એનડીટીવી પર એક જમાનામાં ‘ફોલો ધ લીડર’ નામનો કાર્યક્રમ આવતો હતો. મોટા રાજનેતાની દિનચર્યા, એમની સાથે સવારથી સાંજ. વાજપેયી તે વખતે વડા પ્રધાન. વિજય ત્રિવેદી નામના મશહૂર પત્રકાર પોતાની કૅમેરા ટીમને લઈને નક્કી કરેલા સમયે વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા. સવારના બ્રેકફાસ્ટથી શરૂઆત કરવાની હતી. વાજપેયી અને એમના પરિવારજનો સાથે સવારનો નાસ્તો થયો, વાતચીત થઈ, કૅમેરા ચાલતો રહ્યો. બ્રેકફાસ્ટ પૂરો થયા પછી કૅમેરામૅનને ખ્યાલ આવ્યો કે કંઈક ટેક્નિકલ ગરબડ થઈ છે, શૂટિંગ થયું જ નથી. હવે? વિજય ત્રિવેદીએ ખૂબ સંકોચ સાથે માફી માગતાં વડા પ્રધાનને આ વાત કરી.

સહેજ પણ અકળાયા વિના વાજપેયીએ તરત જ હસીને કહ્યું: ‘કોઈ બાત નહીં, યહ તો ઔર અચ્છા હુઆ, ઈસ બહાને દોબારા નાશ્તા કર લેંગે.’

અને સાચેસાચ એમણે બીજી વાર બ્રેકફાસ્ટ કર્યો.

આજનો વિચાર

હોકર સ્વતન્ત્ર મૈંને કબ ચાહા હૈ કર લૂં સબ કો ગુલામ
મૈંને તો સદા સિખાયા હૈ કરના અપને મન કો ગુલાબ
ગોપાલ – રામ કે નામોં પર કબ મૈંને અત્યાચાર કિયા
કબ દુનિયા કો હિન્દુ કરને ઘર ઘર મેં નરસંહાર કિયા
કોઈ બતલાએ કાબુલ મેં જાકર કિતની મસ્જિદ તોડી
ભૂભાગ નહીં શત શત માનવ કે હૃદય જીતને કા નિશ્ચય
હિન્દુ તનમન
હિન્દુ જીવન
રગ રગ હિન્દુ મેરા પરિચય

અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : શનિવાર, 25 ઓગસ્ટ 2018)

3 COMMENTS

  1. ‘ ..कोई बतलाए काबुल में जाकर कितनी मस्जिद तोडी..
    ..रग रग हिन्दु मेरा परिचय !’
    – बाजपेयी
    *આજના વિચાર*માં આ એક માત્ર કવિતા જ બાજપેયીને સમજવા માટે પૂરતાથી વધારે છે..
    મઝા પડી ગઈ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here