બીજાના માટે જીવવું કે પોતાના માટે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 17 ડિસેમ્બર 2018)

કભી કિસી કી અપેક્ષા કા શિકાર મત બનો. ઓશો રજનીશજી કહે છે. 

મેં મારા દીકરાને ભણાવવા આમ કર્યું અને દીકરીને પરણાવવા તેમ કર્યું એવું કહીને ગૌરવ લેનારા લોકો બીજાઓની અપેક્ષાને પૂરી કરવામાં પોતાની જિંદગી વેડફી નાખે છે. રજનીશજીની વાતના સંદર્ભમાં આવેલા વિચારો તમારી સાથે શૅર કરી રહ્યો છું. આપણી જિંદગી આપણી પોતાની છે એ આપણે સમજતા નથી. બીજાઓની અપેક્ષા પૂરી કરવાનું પરિણામ એ આવે છે બીજાઓની જિંદગીમાં દખલગીરી કરવાનો હક્ક પણ આપણને છે એવું માનતા થઈ જઈએ છીએ. હું જે કંઈ કમાઉં છું તે બધું મારી પત્ની અને મારા સંતાનો માટે જ તો છે એવું માનનારાઓ પત્ની-સંતાનોના જીવનમાં સૌથી વધુુ દખલ કરતા થઈ જાય છે. 

આપણા પરંપરાગત વિચારોમાં આ એક વાત ઘૂસી ગઈ છે કે ‘એણે તો ભૈ’શાબ સમાજ માટે/ દેશ માટે જિંદગી ઘસી નાખી’ એવું જેના માટે કહેવાય તે વ્યક્તિ મહાન બની જાય. પછી આપણે વિચારીએ કે ચાલો, દેશ કે સમાજ માટે મારાથી કંઈ થાય કે ન થાય, કમ સે કમ મારા પત્ની-છોકરાં, મારા પરિવાર, મારા અડોશપડોશના લોકો, મારા જ્ઞાતિજનો માટે જે કંઈ થાય તે હું કરી છૂટું. 

હકીકત એ છે કે મારે કોઈની અપેક્ષા પૂરી કરવાની નથી, મારે કોઈનું ભલું કરવાની નથી. ભગવાને મને મારી જિંદગી જીવવા માટે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે. હું મારી રીતે જીવું, મારે જે રીતે જીવવું છે તે રીતે જીવું અને એ રીતે જીવવામાં દેશને, સમાજને, સંતાનોને, પરિવારને, જ્ઞાતિજનોને જો ફાયદો થાય તો તે સારું છે પણ એ આડફાયદો છે. ગાંધીજીએ પોતાને જે રીતે જીવવું હતું તે રીતે એ જીવ્યા. સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલથી લઈને અત્યારના મહાન નેતાઓ કે પછી દરેક ક્ષેત્રના મોટા મોટા માણસો પોતાને જે કરવું છે તે કરે છે, પોતાને જે રીતે જીવવું છે તે રીતે જીવે છે – રજનીશજીના શબ્દોમાં કહીએ તો, ‘પોતાની નિજતાનું સન્માન કરીને’ જીવે છે. આ નિજતા એટલે પોતાનું આગવું વ્યક્તિત્વ. પંડિત શિવકુમાર શર્માને તમે કહો કે ૨૦૧૯ની ચૂંટણી લડીને તમે લોકસભામાં આવી જાઓ, દેશ માટે ઉપયોગી થશો તો તમે મૂરખમાં ઠરશો. અરુણ જેટલીને તમે કહો કે તમે સંતૂર વગાડીને સંગીતની સાધના કરો તો પણ એટલા જ મૂરખ લાગશો. સચિન તેન્ડુલકરને રિલાયન્સના ચૅરમેન બનવાનું ન કહેવાય. મૂકેશ અંબાણીને પગે પૅડ બાંધીને મુંબઈ ઈન્ડિયન્સ વતી રમવા માટે સ્ટેડિયમમાં ન મોકલાય. 

રજનીશજીએ આ સંદર્ભમાં જે ‘નિજતા’ શબ્દ આપ્યો છે તે પકડી રાખવા જેવો છે. મારે આ જિંદગી બીજાની જેમ જીવવાની નથી, મારે આ જિંદગી બીજા માટે પણ નથી જીવવાની. હું મારી રીતે, મારી પૂરી નિષ્ઠા-સચ્ચાઈને નીચોવીને દિવસરાત મારી હેસિયત અને મારી ટેલન્ટ મુજબનું કામ કરવામાં રચ્યોપચ્યો રહીશ તો એનું ફળ મને, નહીં મારી આસપાસના સૌ કોઈને, મારા સમાજને, મારા દેશને મળવાનું જ છે, પણ મારો ગોલ એ ન હોવો જોઈએ. બીજાઓને એ ફળ મળે તે આડફાયદો છે. હું આ દેશ માટે મારું જીવન સમર્પિત કરું છું (કે હું મારા સંતાનો માટે જીવું છું) એવા વિચાર સાથે કામ કરનાર પ્રધાનમંત્રી કે સૈનિક કે સામાન્ય પિતા અહંકારી બની જાય, પોતાની નબળાઈઓને પણ જસ્ટિફાય કરતો થઈ જાય, એનામાં દંભ પ્રવેશી જાય.

હું સંતૂર વગાડું છું તે મારા માટે, મારામાં રહેલા અંતરાત્માને આનંદ આપવા માટે એવી ભાવનાથી જે સંતૂરવાદક વાહન કરે છે તેની સચ્ચાઈ લાખો-કરોડો શ્રોતાઓ સુધી પહોંચ્યા વિના રહેતી નથી, એ સૌના અંતરાત્માને ઝંકૃત કર્યા વિના રહેતી નથી. 

અને રજનીશજી એક જ શ્ર્વાસે બીજી વાત કહે છે: ‘ના હી કિસી કો અપની અપેક્ષા કા શિકાર બનાઓ.’ 

મારો દીકરો મોટો બનીને મારું નામ રોશન કરે એવી અપેક્ષા બીજાના જીવનમાં કરેલો હસ્તક્ષેપ છે. પત્ની જ્યારે કહે કે મારા માટે તમે આટલું ન કરી શકો? ત્યારે એ પતિને પોતાની અપેક્ષાનો શિકાર બનાવે છે. 

આપણે જો આપણા કાર્યમાં પૂરેપૂરા ખૂંપેલા હોઈશું તો જ આપણે બીજાની જિંદગીમાં હસ્તક્ષેપ કરતાં અટકીશું, સાદી ભાષામાં કહીએ તો ટાંગ અડાવતાં બંધ થઈશું. બીજાઓ માટે આપણે સતત જજમેન્ટલ બનીએ છીએ (આ આવો છે, તે તેવી છે, એણે આવું ન કરવું જોઈએ, એણે તેવું કરવું જોઈતું હતું), કારણ કે આપણે જે કરવાનું છે તે આપણે કરતા નથી. 

નિજતા સાચવવા જવાબદારી લેવી પડે – આપણે જે કંઈ કરીએ છીએ તેની અલ્ટિમેટ જવાબદારી આપણી પોતાની જ છે, આપણી નિષ્ફળતાના દોષનો ટોપલો આપણે બીજા ઉપર ઢોળવો નથી એવી સભાનતા જેનામાં હોય તે જ પોતાનું આગવું વ્યક્તિત્વ ખીલવી શકે, તે જ પોતે જે કરવું છે તે કરી શકે અને એવું કર્યા પછી મળતા આડ લાભોને દેશમાં, સમાજમાં, પરિવારમાં સૌ કોઈને વહેંચી શકે. 

આજનો વિચાર

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દાસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

– ડૉ. મુકુલ ચોક્સી 

એક મિનિટ!

બકો: તને ખબર છે કે મધ્ય પ્રદેશમાં કમલનાથને કેમ મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા? 

પકો: કેમ?

બકો: કારણ કે વિશ્ર્વેસરૈયાની જેમ રાહુલ ગાંધીને જ્યોતિરાદિત્ય સિંધિયા બોલતા પણ ફાવતું નથી.

3 COMMENTS

  1. Life becomes as simple as how a child learns to speak Maa…if we understand and follow one line , one teaching of Sadhguru Osho

  2. બીજાની જીંદગીમાં ટાંગ અડાડવાનું ન કરવું– સંપૂર્ણપણે સહમત…કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે@સ્વ હરીન્દ્રભાઈ…
    પણ બીજા માટે ન જીવવું/કંઈ ન કરવું– સાથે સંપૂર્ણ અસહમત…વેડછીનો વડલો@જુગતરામદાદા હોય કે ‘જાત ઘસીને ઉજળા થઈએ ‘ કહેનારા મહારાજ હોય કે કીડનીના દર્દીના દેવદૂત ડો.ત્રીવેદીસાહેબ હોય…બધા મહાનુભવો “અન્ય માટે જ” જીવ્યા છેને? એમણે ક્યાં કદી પોતાના માટે કશું કર્યું છે? …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here