કોઠાસુઝ, ગટ ફીલિંગ અને સિક્સ્થ સેન્સની ઉપયોગિતા- વિદુરજીની દૃષ્ટિએ: સૌરભ શાહ

(ગુડ મોર્નિંગ એક્‌સક્લુઝિવઃ ગુરુવાર, ૧૬ એપ્રિલ ૨૦૨૦)

વિદુરનીતિ આગળ વધે છે. ૩૪મા અધ્યાયના આરંભે રાજા ધૃતરાષ્ટ્ર લઘુબંધુ વિદુરને કહે છેઃ ‘હે તાત વિદુર! હું ચિંતાથી સળગતો હજુ જાગું છું. તું મારે લાયક જે કાર્ય હોય તે મને બતાવ. કારણ કે આપણા લોકોમાં પવિત્ર તથા ધર્મના અને અર્થના કાર્યોમાં તું જ નિષ્ણાત છે.’

ધૃતરાષ્ટ્ર વ્યાકુળ છે. તેઓ પાંડવોનું અહિત નથી ચાહતા અને પોતાના પુત્રોનું કલ્યાણ પણ ઈચ્છે છે. ધૃતરાષ્ટ્રની ગટ ફીલિંગ, એમની સિક્‌સ્થ સેન્સ કહે છેઃ ‘મારા મનમાં અનિષ્ટની આશંકા સદા રહે છે તેથી મને સર્વત્ર પાપ જ દેખાય છે.’

કોઠા સૂઝ જે કહે તે સાચું જ હોવાનું. અંગ્રેજીવાળા એને ગટ ફીલિંગ કે સિક્‌સ્થ સેન્સ તરીકે ઓળખતા હોય છે. આ ગટ ફીલિંગ એટલે શું? કોઠા સૂઝ કોને કહે? જ્યારે તમારી પાસે કોઈ ચોક્કસ કારણો ન હોય પણ તમને બહુ સ્ટ્રોંગલી લાગતું હોય કે આવું થવાનું છે અથવા આવું કરીશ તો એનું પરિણામ સારું નહીં આવે (કે આવશે) ત્યારે તમારી અનુભવ મૂડી કામ કરતી હોય છે. તમારા સબ કૉન્શ્યસમાં એ કારણો – અનુભવોને કારણે તારવેલાં કારણો પડેલાં હોય છે પણ તમે એ કારણો-અનુભવોને અત્યારના વિચારો સાથે સાંકળી શકતા નથી. કોઈકને કહેવા જઈશું તો મારી વાત અતાર્કિક ગણીને, મોંમાથા વિનાની ગણીને હસી કાઢશે એવા ડરથી આપણે ઘણી વખત કોઠા સૂઝને અવગણીએ છીએ, ગટ ફીલિંગનો અનાદર કરીએ છીએ, સિક્‌સ્થ સેન્સ મુજબ નિર્ણયો કરતા નથી. પ્રગટ લૉજિક કે તર્ક બધી વાતોમાં ન હોય. કેટલીક વખત તમે તમારા વિચારો-વર્તન-વ્યવહારને જસ્ટિફાય નથી કરી શકતા, વાજબી નથી ઠેરવી શકતા. એનો અર્થ એવો નથી કે તમે જે વિચાર્યુ –કર્યું છે તે ખોટું છે. દરેક વાતનાં પ્રગટ કારણો આપણી પાસે હોય જ એ જરૂરી નથી. પણ આપણને શિક્ષણ આપનારા શિક્ષકો–માબાપ–મિત્રો–વડીલોએ એવું શીખવાડ્યું છે કે તમારાં વાણી-વર્તન અને વિચારો પાછળ સોલિડ લૉજિક હોવું જ જોઈએ. દરેક વ્યવહાર પાછળ તમારી પાસે નક્કર કારણો હોવાં જોઈએ. અન્યથા તમે ધૂની, તરંગી અને અવિશ્વાસપાત્ર ગણાઓ. કોઈ તમારા પર ભરોસો નહીં મૂકે.

મોટા થતાં સમજાય છે કે જેઓની પાસે પાવરફુલ લૉજિક હોય છે તેઓ ઘણી વખત તમને છેતરવામાં, ઊંધી પટ્ટી પઢાવવામાં એ લૉજિકનો ઉપયોગ કરતા હોય છે. તમારી સાથે ચર્ચા થતી હોય અને કોઈ દલીલ એમને ગળે ન ઊતરે તો તેઓ તમારી બોલતી બંધ કરી દેવા પોતાને મળેલા તાર્કિક મન (લૉજિકલ માઈન્ડ)ના આશીર્વાદનો દુરૂપયોગ કરતા હોય છે. દાખલા તરીકે હું તમને કહું કે મને મહાભારત આખું મોઢે છે અને તમે ચેલેન્જ કરો કેઃ હોતું હશે એવું કંઈ? ત્યારે હું તમને પટ્ટી પઢાવું કેઃ જુઓ, હું જે વાંચું તે મને યાદ રહી જાય છે. અત્યારે તમે મને તમારું નામ કહ્યું તે યાદ રહી ગયું, બરાબર? અને મેં ‘મહાભારત’ આખેઆખું વાંચ્યું છે. આનો અર્થ એ કે મને એ શબ્દશઃ યાદ છે!

તમે સમજો છો કે આ માણસ મને ઉલ્લુ બનાવી રહ્યો છે પણ તમારી પાસે કોઈ દલીલ બચી નથી. મારી તાર્કિક શક્તિનો દુરૂપયોગ કરીને હું તમને ચાટ પાડી દઉં છું એવું સમજવા છતાં તમે કંઈ બોલી શકતા નથી.

તર્ક કે રિઝનિંગ હંમેશાં ઉપયોગી નથી. દેખીતી રીતે જેમાં તર્ક ન લાગતો હોય એવી બધી વાતો અતાર્કિક જ હોય તે જરૂરી નથી. એટલે જ મનમાં જે આશંકા જન્મે તેનો આદર કરવો, તમારી કોઠા સૂઝને, ગટ ફીલિંગને, સિક્‌સ્થ સેન્સને માન આપવું. શક્ય છે કે ક્યારેક ખોટા પણ પડીએ. એમ તો પ્યોર લૉજિકથી ગાળીચાળીને નિર્ણયો લેનારાઓ પણ ખોટા ક્યાં નથી પડતા?

ધૃતરાષ્ટ્રની આશંકાના જવાબમાં વિદુરજી કહે છેઃ ‘હે રાજન! આપણે જેનો પરાજય ન ઈચ્છતા હોઈએ તેમને પૂછ્યા વગર પણ તેમની હિતકારક વાત કહેવી જોઈએ. પછી ભલે તે વાત શુભ હોય કે અશુભ, રુચિકર હોય કે અરુચિકર.’

અને પછી વિદુર ધૃતરાષ્ટ્રને (અને આપણા જેવા અનેકને જેમની પાસે અમુક બાબતની દૃષ્ટિ નથી તેવાઓને) સલાહ આપે છેઃ

૧. જે કર્મો કપટ ભરેલાં હોય અને અયોગ્ય ઉપાયોથી સિદ્ધ થતાં હોય તેમાં તમારું મન કદાપિ ન લગાડશો.

અર્થાત્‌ કોઈનું નુકસાન કરીને, ભલેને તે પછી આપણાઓ હોય, આગળ વધવાની ઈચ્છા રાખવી નહીં કારણ કે કુદરતનો નિયમ છે કે ક્યારેક ને ક્યારેક આવાં કામને કારણે કોઈકને થયેલા નુકસાનની હાય આપણને લાગતી જ હોય છે.

૨. સારા ઉપાયોથી અને સાવધાનીપૂર્વક કરવામાં આવેલાં કોઈ કર્મ સફળ ન થાય તો બુદ્ધિમાન મનુષ્યે તેને માટે મનમાં ગ્લાનિ ન કરવી જોઈએ.

અર્થાત્‌ આપણી ભાવના ગમે એટલી ઉમદા હોય તોય કેટલાંક કાર્યોમાં ધારી સફળતા ન મળે કે પછી ઊંધે માથે પટકાઈએ એવું બને. આવું થાય ત્યારે માથે હાથ દઈને બેસી રહેવાને બદલે કળ વળે કે તરત ફરી પાછા કામે લાગી જવું. શુદ્ધ હેતુ સાથે અને નીતિપૂર્વક કરેલાં કાર્યો શું કામ નિષ્ફળ જતાં હશે તે તો નિયતિ જ જાણે. આવા વખતે વિચારવું કે જરૂર આમાં કુદરતનો કોઈક સંકેત હોવો જોઈએ. જો આ કાર્ય સફળ થયું હોત તો એના આધારે ભવિષ્યમાં જે કાર્યો હાથમાં લીધાં હોત તો એમાં વધુ ઊંડી ખાઈમાં પટકાવાની શક્યતા હશે એટલે કુદરતે આપણને ઓછું નુકસાન થાય તે રીતે બચાવી લીધા. આવા વિચારથી બુદ્ધિમાન પુરુષ ગ્લાનિમુક્ત બનીને પોતાની બાકીની શક્તિઓ વાપરવા માટે સજ્જ થઈ જાય છે.

૩. ધીર મનુષ્યે ઉચિત રીતે સૌ પ્રથમ કર્મોનું પ્રયોજન, તે કર્મોનાં પરિણામ તથા પોતાના ઉદ્યમનો વિચાર કર્યા બાદ જ કામનો આરંભ કરવો અથવા ન કરવો.

અર્થાત્‌ કશુંક કરવાનું મન થયું ને કામ શરૂ કરી દીધું એવી ઉતાવળ રાખવાની જરૂર નથી. ખોટી આળસ કરીને કે લાંબા લાંબા વિચારો કર્યા કરીને વિલંબ ન કરીએ પણ જે કામ શરૂ કરવું હોય તે કામ શા માટે કરવું છે, તેનો હેતુ શું છે તે નક્કી કરી લેવું. એવું ન બને કે એ માત્ર તમારા મનનો કોઈ તરંગ હોય કે પછી કોઈની દેખાદેખી અથવા કોઈની ચડામણીથી કે કોઈ લાલચ કે ટૂંકા ગાળાના સાંકડા લાભને વશ થઈને તમને એ કાર્ય કરવાનું મન થતું હોય. પ્રયોજન કે હેતુની બાબતમાં સ્પષ્ટ થઈ ગયા પછી એ કામનું પરિણામ કેવું આવે એવું તમે ઈચ્છો છો અને તમારી ઈચ્છા પ્રમાણે ન થયું તો કેવું પરિણામ આવી શકે એમ છે એ વિશે વિચારી લેવું. હેતુ અને પરિણામનાં બે બિંદુ – આરંભ અને અંત – નક્કી થઈ ગયાં પછી કામનો નકશો બનાવવાનું તમને સરળ પડશે અન્યથા ગૂંચવાઈ જશો અને જાતજાતના માર્ગે ફંટાઈ જવાનું મન થશે. એ પછી ત્રીજું સૌથી મહત્વનું કામ – તમારી કેપેસિટી કેટલી છે તે નક્કી કરવાનું કામ. પૈસાની વાત હોય ત્યાં તમારું ગજું કેટલી ખોટ સહન કરવાનું છે તે નક્કી કરવું પડે. એ પર્ટિક્યુલર કામ પાછળ તમે તમારી જિંદગીના રોજના કેટલા કલાક, કેટલાં વર્ષ નાખી શકો એમ છો. શારીરિક શ્રમ એમાં સંકળાયેલો હોય – દા.ત. બહારગામની દોડાદોડી રહેવાની હોય તો – તમારું શરીર આ બાબતે સક્ષમ છે કે નહીં તે બધું જ વિચારી લીધા પછી કોઈપણ કામ શરૂ કરવું. ( અથવા શરૂ કર્યા વિના – માત્ર વિચારના સ્તરે જ રાખીને એનો વીંટો વાળી લેવો).

૪. કેટલાંક કાર્યો એવાં હોય છે જેમાં ચિક્કાર મહેનત કર્યા પછી પણ અંતે એ પુરુષાર્થ વ્યર્થ જવાનો હોય છે. એવાં કાર્યોની શરૂઆત જ ન કરવી. અને આની સામે જેનો આરંભ સામાન્ય હોય પણ તેનું ફળ મોટું હોય તેવાં કામો બુદ્ધિમાન પુરુષ ઝડપથી શરૂ કરી દે છે. અને તેવાં કામોમાં તે વિઘ્ન નથી આવવા દેતા.

અર્થાત્‌ અમુક કામ કરવાનો શોખ થાય પણ એની પાછળ ખૂબ મહેનત કરીએ તો પણ એનું પરિણામ શૂન્ય આવવાનું હોય. ક્યારેક આપણી લગન ઓછી પડે કે ક્યારેક આપણો પનો ટૂંકો પડે. આપણી પ્રકૃતિને અનુકૂળ ન હોય અથવા તો અત્યારે દેશકાળ એવાં ન હોય – પરિસ્થિતિ એવી ન હોય કે એવાં કામ સફળ થઈ શકે. એ પ્રકારનાં કામ શરૂ જ ન કરીએ તો સારું.

કેટલાંક કામનો આરંભ એટલો સરળ હોય કે આપણને લાગે કે આ તો લપસણી ભૂમિ છે. જેના માટે બિગ રિવૉર્ડ્‌સ મળવાનો હોય એવું કામ આટલું સરળ કેવી રીતે હોઈ શકે એવો સવાલ થાય અને એટલે આપણે એ કામ ન કરીએ. આપણને એમ જ હોય કે જેમાં મોટો ફાયદો થવાનો હોય તે બધાં જ કામનો આરંભ ખૂબ અઘરો હોવાનો. જો એવું ન હોત તો દરેક જણ એ કામ લઈને બેસી ગયું હોય. પણ ના, દર વખતે એવું નથી હોતું. કેટલીક વખત સારી તક આપણી પાસે આવતી હોય છે, બધાને નથી મળતી. કેટલીક વખત આપણને આપણી અંદરની શક્તિના પ્રચંડ ભંડારની જાણ જ નથી હોતી એટલે આપણે એ કાર્ય સરળતાથી કરી શકવાના હોઈએ છીએ, બીજા કોઈનું ગજું નથી હોતું એવું કામ કરવાનું. અને કેટલીક વખત કુદરત પોતે જ મહેરબાન થઈને તમને રાઈટ ટાઈમે, રાઈટ સ્થળ પર લાવીને રાઈટ લોકોની વચ્ચે મૂકી દે છે અને તમારી તોતિંગ પ્રગતી માટેનો રન-વે તૈયાર કરી આપે છે. માટે સરળતાથી સફળતા મળી શકે એવી તક હાથમાં આવે તો ઝડપી લેવાની – દરેક વાતમાં શંકાકુશંકા નહીં કરવાની.

૫. શિલોંછ ભાવથી જીવન જીવનારા જેમ પ્રત્યેક દાણાને વીણી લે છે તેમ ધીર પુરુષે જ્યાં ત્યાંથી વિદ્વાનોનાં સુવચનો તથા પુણ્યોને એકઠાં કરીને તે પ્રમાણે જીવન જીવવું જોઈએ.

આનો અર્થ સમજીએ. શિલોંછ એટલે ખેતરમાં લલણી થઈ ગયા બાદ જે છૂટાછવાયા દાણા પડેલા દેખાય તે વીણી લેવાની કાળજી અને એ દાણાઓ દ્વારા જીવન જીવવું એવી ઉચ્ચ ભાવનાવાળી કરકસર વૃત્તિ. ખેતરમાં એકપણ દાણો રહેવો ન જોઈએ, કોઈ બગાડ ન થવો જોઈએ. જ્યાં પણ કશું સારું વાંચીએ, સારું જોઈએ, સારું અનુભવીએ તેના એકએક કણને આપણા જીવનમાં ઉતારીએ. આસપાસની નાની વ્યક્તિ હોય કે મોટી – દરેકમાંથી કંઈને કંઈ શીખવાનું મળે છે. શીખી લઈએ. આપણા વાંચનમાં અનેક સારીનરસી બાબતો આવે છે. છાપાંના કોઈ ખૂણે છપાતું સુભાષિત હોય કે પછી કોઈ નાટક-પિક્‌ચરનો સંવાદ હોય, મહાન સાધુપુરુષોનાં પ્રવચનો હોય – કથા હોય કે પછી વિશ્વભરમાં જાણીતા બિઝનેસમૅન-રાજકારણી-લેખકો વગેરેની વાતો હોયઃ દરેકમાંથી કંઈક ને કંઈક શીખવાનું મળે છે.

જો કે, દુનિયા આખીના ડહાપણનો ભંડાર આપણને તો આપણા પ્રાચીન – ઐતિહાસિક અને અમૂલ્ય ગ્રંથોમાંથી મળી રહે છે. ચાહે એ વેદ-ઉપનિષદ હો, રામાયણ-મહાભારત હો કે પછી મહાભારતમાંની ભગવદ્‌ ગીતા કે વિદુરનીતિ હો. લૉકડાઉન-ટુની આ લંબાઈ ગયેલી નિરાંતમાં વિદુરનીતિ વિશે ઊંડાણથી લખવાની મઝા પડે છે. તમને પણ મઝા પડતી હશે તો વાત ચાલુ રાખીશું.

આજનો વિચાર
જ્યારે મોં ખુલ્લું રાખવાની છૂટ હતી ત્યારે મોઢા પર રૂમાલ બાંધીને પથ્થરબાજી કરતા હતા.
જ્યારે મોં ઢાંકવાની જરૂર છે ત્યારે મોઢું ખુલ્લું રાખીને થૂંકવા નીકળી પડ્યા છે.
કોણ છે આ લોકો.

–વૉટ્‌સએપ પર વાંચેલું.

10 COMMENTS

  1. DEAR SAURABHJI, VIDUR NITI IS A VERY EFECTIVE SOLUTION TO PROVIDE SOLACE TO THE IDLE MINDS FILLED WITH INNUMERABLE NEGATIVITIES.PL.CARRY ON / CONTINUE THE YEOMAN SERVICES.

  2. ખુબ જ સરસ લેખ. વિદુરનિતિ ખરેખર પહેલિ વાર તેના વિશે જાણવા મળ્યું. ખુબ જ સરસ….

  3. Saruabh bhai – Continue writing on Vidur niti, Ramayan, Mahabahrat. Apna Grantho Ek Kahzano chhe tema ashankya moti chhe. Tamari Kalam thi and Tamara Gnan thi lakhta raho.

  4. પ્રેરક શબ્દો
    દિશાસૂચક લેખ

  5. સૌરભભઈ તમ તમારે ચાલુ રાખો ભઈ વિદુર નિતી

  6. ભગવદ્દ ગીતા, વિદુર નીતિ મહાભારત રામાયણ વગેરે તમારી કલમે લખાયેલા લેખ વાંચવા ની મજા પડે છે ….હંમેશની જેમ ઊંડાણ માં સુંદર માહિતી આપો છો… જય શ્રી કૃષ્ણ ….
    જય શ્રી રામG

  7. તમને ફરીથી મળીને ખૂબ આનંદ થયો
    હું લોકડાઉન પછી પોતાનું યોગદાન આપીશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here