સાહિત્ય, સિનેમા અને આપણી રોજબરોજની જિંદગી

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’ ,સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૮ ઑગસ્ટ ૨૦૧૯)

ત્રણેયને જુદાં પાડી નાખવામાં આવ્યાં છે પણ છે તો ત્રણેય એકમેકનાં સહોદર. સિબલિંગ એટલે સહોદર અને સિબલિંગ એટલે સગાં ભાઈ-ભાઈ, સગાં ભાઈ-બહેન, સગી બહેન-બહેન. સહ વત્તા ઉદર. એક જ ઉદર કે પેટમાંથી જેમણે જન્મ લીધો તે સહોદર જેમ કે, સાહિત્ય, સિનેમા અને આપણી રોજબરોજની જિંદગી.

જિંદગીથી કશુંય દૂર નથી, વિખૂટું નથી. દુનિયાની હરએક ચીજ, હરએક ઘટના, દુનિયાનો હરએક વિચાર જિંદગી સાથે જોડાયેલો છે. આપણા સૌની રોજબરોજની જિંદગી સાથે જોડાયેલો છે. નાસા કે ઈસરોની પ્રવૃત્તિઓ સાથે દેખીતી રીતે આપણને કોઈ લેવાદેવા ન હોય કે આઈન્સ્ટાઈનના ઈ ઈઝ ઈક્‌વલ ટુ એમસી સ્ક્વેર સાથે કે આફ્રિકામાં જ જોવા મળતા કોઈ વૃક્ષ – કોઈ પંખી સાથે એપરન્ટલી આપણને કોઈ લેવાદેવા નથી એવું અહીં બેઠાં બેઠાં ભલે લાગે પણ છેવટે આ બધું જ સીધી-આડકતરી-ટેઢીમેઢી રીતે આપણી જિંદગી સાથે, આપણી અંગત ઈકો સિસ્ટમ સાથે કે રોજબરોજની ઘટનાઓ સાથે નાતો ધરાવે છે.

સાહિત્ય અને સિનેમા આ જ ઈકો સિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે, ખૂબ મહત્વનો ભાગ છે. તમને સાહિત્યમાં ડાયરેક્‌ટ રૂચિ ન હોય એ શક્ય છે. તમને સિનેમામાં કોઈ રસ ન હોય એ પણ શક્ય છે. આમ છતાં એ બંને તમારી સાથે અભિન્નપણે જોડાયેલાં છે. કારણ કે એ બેઉ જિંદગી સાથે જોડાયેલાં છે. એ બન્ને જિંદગીમાંથી ઊતરી આવેલાં છે, જિંદગીનાં વારસદાર છે એ બન્ને.

લાખો વર્ષ પહેલાં જિંદગી આવી. જિંદગીનો જન્મ કેવી રીતે થયો એની લપ્પનછપ્પનમાં ઉતરવાને બદલે એટલું જ સમજી લઈએ કે આપણી માન્યતા મુજબ મનુ આ સૃષ્ટિનો પ્રથમ પુરૂષ – મનુને લીધે આખી માનવજાતનું નિર્માણ થયું. આપણે સૌ મનુના વારસદાર એટલે જ મનુષ્ય કે માનવ કહેવાયા.( આદિપુરુષ મનુના નામધારી મનુકાકા, મનુમામા કે મનુમાસા, મનુફુઆ દરેકની જિંદગીમાં આજે પણ હોવાના.) વિદેશી સંસ્કૃતિઓએ હજારો વર્ષ જૂની આપણી આ મનુવાળી માન્યતા/કલ્પનાને એને આદમ અને ઈવ( હવ્વા)નું નામ આપ્યું. મૂળ આપણી સોના જેવી વાત. જે સુવર્ણમાંથી આપણે જે ઘરેણાં ઘડ્યાં એ જ આપણા સુવર્ણમાંથી એમણે પોતાની રીતે ઘરેણાં ઘડ્યાં. મૂળ સોનું આપણું.
આમ જિંદગીની ઉંમર થઈ અમુક લાખ વર્ષની. સાહિત્ય કે લિટરેચરની ઉંમર આની સરખામણીએ ઘણી નાની. રામાયણ-મહાભારતકાળ પહેલાં, વાલ્મીકિ અને વ્યાસ પહેલાં કોણે આ જગતમાં સાહિત્યકૃતિઓની રચના કરી હતી? વેદ-ઉપનિષદને જો આજની પરિભાષા મુજબ ‘ચિંતનસાહિત્ય’ ગણીએ તો એના રચયિતા જે મહાન ૠષિમુનિઓ હતા એમણે. ગ્રીક, અરબી કે ચાઈનીઝ ફિલસૂફો કે સાહિત્યકારો તો બહુ મોડેથી આવ્યા.

અમુક મિલેનિયમની આવરદા સાહિત્યની ગણીએ. એક મિલેનિયમ એટલે હજાર વર્ષ. આવાં દસ-બાર મિલેનિયમ પહેલાં સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું અને જિંદગીની જેમ એનો પણ ક્રમશઃ વિકાસ થતો ગયો, એની પાંખો પ્રસરવા લાગી. વેદના મંત્રો, મહાકાવ્યો પછી નાટકો, નવલકથાઓ, ગઝલો, ગીતો તથા છાંદસ-અછાંદસ કાવ્યો આવ્યાં. નિબંધો-લેખો આવ્યાં. કૉલમો તો બહુ મોડેથી આવી. હા, કૉલમોનો પણ સાહિત્યમાં સમાવેશ થઈ શકે. થાય જ એવું જરૂરી નથી પણ થઈ શકે. ડિપેન્ડ્‌સ, એમાં શું લખાય છે. ડિપેન્ડ્‌સ, એનું તત્કાલિન મૂલ્ય છે કે કાયમી. ડિપેન્ડ્‌સ, તત્કાલિન મૂલ્ય ધરાવતા શબ્દોનું દસ્તાવેજી કે આર્કાઈવલ મૂલ્ય છે કે નહીં.

સિનેમાનો આવિષ્કાર સો-સવાસો વર્ષ પહેલાં થયો. ૧૮૯૦ના દશકમાં લ્યુમિયૅર બ્રધર્સ દ્વારા ફિલ્મની કચકડાની પટ્ટી પર પ્રકાશ ફેંકીને સફેદ પડદા પર એનું પ્રોજેક્‌શન થયું. સવાસો વર્ષ.

૧૨૫ વર્ષનું સિનેમા, ૧૨,૫૦૦ વર્ષનું સાહિત્ય અને ૧૨,૫૦,૦૦૦ વર્ષની જૂની જિંદગી – લગભગ. થોડાક લાખ વર્ષ આમ કે તેમ. પણ ત્રણેયમાં સિનિયર મોસ્ટ ગણો તો જિંદગી. આ જિંદગીનાં વિવિધ પાસામાંથી ઊતરી આવ્યું સાહિત્ય. સાહિત્યમાંથી પ્રેરણા લઈને બન્યું સિનેમા અને પછી તો સિનેમાએ પોતાનું સાહિત્ય પણ સર્જ્યું જે અંતે તો સાહિત્યનો જ એક હિસ્સો ગણાય, ભલે પછી એ મનમોહન દેસાઈની ફિલ્મ કેમ ન હોય કારણ કે એમની ફિલ્મો જેવી જ કલ્પનાની ઉડાન હિન્દીમાં ગુલશન નન્દા ભરતા કે આજની તારીખે સુ. મો. પા.( સુરેન્દ્ર મોહન પાઠક) ભરી રહ્યા છે. એ સાહિત્યને ભલે હિન્દીવાળા લુગદી સાહિત્ય તરીકે ઓળખતા હોય પણ છેવટે તો એ ય સાહિત્ય જ ને. લુગદી( એટલે કે પસ્તીમાંથી લુગદી બનાવીને તૈયાર થતા કાગળ જેવું હલકું – ફુલકું) સાહિત્ય મૂળ તો અંગ્રેજીમાં પલ્પ ફિક્‌શન તરીકે ઓળખાતું. જેમ્સ હેડલી ચેઝ અને અર્લ સ્ટેનલી ગાર્ડનર વગેરે પલ્પ ફિક્‌શનના બેતાજ બાદશાહ. મિલ્સ ઍન્ડ બૂનની સિરીઝ પણ એમાં આવી જાય.

સાહિત્ય અને સિનેમા વચ્ચે અતૂટ નાતો. જે સિનેમા ડાયરેક્‌ટલી કોઈ કૃતિ પરથી નથી સર્જાતું એ સિનેમાએ પણ પોતાની સ્વતંત્ર વાર્તા-પટકથા-સંવાદ સર્જવાં જ પડે છે જે સાહિત્યના જ પ્રકારો થયાં. સિનેમાનાં ગીતોને, કોઈ માને કે ન માને – સ્વીકારે કે ન સ્વીકારે, સાહિત્યમાં સ્થાન આપવું જ પડે. સાહિત્ય એટલે માત્ર ઉચ્ચભ્રુ વર્ગના લોકો જ માણી શકે એવી કૃતિ એવું થોડું જ છે? લોકસાહિત્યથી માંડીને ફિલ્મી ગીતો સુધીના અનેક પ્રકારો આમ આદમી સુધી પહોંચતા હોય છે.

આ સાહિત્ય ક્યાંથી આવે છે? માણસની કલ્પનામાંથી. માણસની કલ્પના ક્યાંથી આવી? એણે જે જિંદગી જીવી છે એમાંથી. માણસને જેમાં રસ છે, એ જે જુએ છે – અનુભવે છે – વાંચે છે એમાંથી એની કલ્પનાને ઉડાન મળે છે. વાલ્મીકિ કે વ્યાસને શોલે કે દીવાર જેવી સ્ક્રિપ્ટ નહીં સૂઝે. ઍન્ડ વાઈસે વર્સા. કાલિદાસ મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ – નહીં લખી શકે. ઍન્ડ વાઈસે વર્સા.

દરેક સર્જક કે સાહિત્યકાર પોતાના સર્જનમાં પોતે જે વાતાવરણમાં શ્વાસ લે છે – એ ભૌતિક વાતાવરણ હોય કે પછી માનસિક – તેને જ કાગળ પર કે કચકડાની પટ્ટી પર ઉતારે છે. ગુલઝારનું ગજું નથી ગૅન્ગ્સ ઑફ વાસેપુર બનાવવાનું અને જાવેદ અખ્તરની તાકાત નથી ‘માસૂમ’ જેવી સૅન્સિટિવ સ્ક્રિપ્ટ લખવાની. દરેક સર્જક પોતાના વાતાવરણમાં રહીને, પોતે જે જિંદગી જીવી રહ્યો છે તેને કેન્દ્રમાં રાખીને સર્જન કરે છે.

અને આ તમામ સર્જન આપણને ક્યાંક ને ક્યાંક, કોઈક રીતે સ્પર્શી જાય છે કારણ કે એમાંની કોઈ એક વાત આપણી જીવાઈ ગયેલી જિંદગીનો કે પછી આપણી કલ્પનાની જિંદગીનો એક હિસ્સો હોય છે. ગબ્બર સિંહ ભલે આપણી જિંદગીમાં ક્યારેય આવ્યો ન હોય અને આવવાનો પણ ન હોય, જુલે વર્નનો કૅપ્ટન નીમો આ જન્મે તો શું આવતા સાત જન્મે પણ તમને મળવાનો ન હોય છતાં એ તમારી કલ્પનાનો, તમારી જિંદગીનો એક અંશ બની જાય છે. સિનેમાનો આ જ તો કરિશ્મા છે અને સાહિત્યનો આ જ તો જાદુ છે. જિંદગીમાં આવતી આવી મેજિકલ ક્ષણો જિંદગીને જીવવા જેવી બનાવે છે.

પાન બનાર્સવાલા

સારી કિતાબ વાંચી લીધા પછી આપણને એમ થતું હોય છે કે આ પુસ્તક જેણે લખ્યું છે તે લેખક આપણો જિગરી દોસ્તાર હોય અને આપણે ધારીએ ત્યારે એની સાથે ફોન પર વાત કરી શકતા હોય કે એને રૂબરૂ મળી શકતા હોત તો કેવું સારું. પણ એવું નથી બનતું, મોટેભાગે તો. સારાં પુસ્તકો વાંચવાની બસ, મારે મન આ જ એક મોટી મુસિબત છે!

_જે.ડી.સૅલેન્જર (અમેરિકન લેખકઃ ૧૯૧૯ – ૨૦૧૦)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here