ધન તેરસ : ધનની મર્યાદા અને લક્ષ્મીની મહત્તા અને સમજવાનો ઉત્સવ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, 13 નવેમ્બર 2020 )

રામ માધવ એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. અત્યારે ભાજપના વન ઑફ ધ જનરલ સેક્રેટરીઝ છે. હું વાત ર૦૦ર અને ર૦૦૪ વચ્ચેના ગાળાની કરું છું. દેશમાં ટોટલી એન્ટી-હિન્દુ માહોલ હતો, થૅન્ક્સ ટુ ટોટલી સેક્યુલર મીડિયા. રામ માધવના ઈનિશ્યેટિવથી દેશભરના હિંદુત્વના વિચારકો ભેગા થાય, આપસમાં હળેમળે, ચર્ચા કરે એવા આશયથી એક હિન્દુ થિન્કટૅન્ક જેવી અનૌપચારિક પ્રવૃત્તિ શરૂ થઈ. લાલ કૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, અરુણ શૌરીથી માંડીને મારા જેવા કેટલાંક અજાણ્યા નામો સહિતના પચાસ-સાઠ વિચારકો વરસમાં એક વાર ત્રણ દિવસ દરમિયાન મળે. વિવિધ વિષયો પર ચર્ચા થાય. નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતમાં અને ત્રણ દિવસ પછી છેલ્લી સેશન પૂરી થાય એટલે અચૂક ફોન કરીને પૂછે કે ગુજરાત વિશે કયા કયા મુદ્દા ચર્ચાયા. પ્રથમ વર્ષની આવી બેઠક પછી સાઠમાંથી બાર જણને પસંદ કરીને એક કોર-કમિટી બની જેમાં મારો સમાવેશ હતો. આવી કોઈ એક બેઠકમાં મીનાક્ષી જૈન તરફથી એક સૂચન આવ્યું.તેઓ મહાન પત્રકાર ગિરિલાલ જૈનનાં પુત્રી થાય. ગિરિલાલ જૈન ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના તંત્રી હતા. હસમુખ ગાંધી જેવા આસાનીથી ન રીઝે એવા પત્રકાર ગિરિલાલ જૈનનાં બે મોઢે વખાણ કરતા. મીનાક્ષી જૈન સ્વયંપ્રકાશિત વિદુષી છે. હિંદુત્વ વિશે ખૂબ ઊંડો અભ્યાસ કરીને એના વિવિધ પાસાં પર માઈન્ડ બોગલિંગ પુસ્તકો લખ્યાં છે. એમના તરફથી એક સૂચન આવ્યું.

સૂચન એવું હતું કે કૉન્ગ્રેસના રાજમાં જેમ સામ્યવાદી અને સેક્યુલર વિચારકો-પત્રકારો-લેખકોને વધુ પાવરફુલ બનાવવા સરકાર તરફથી જાતજાતના નાનામોટા તોતિંગ લાભો અપાતા રહ્યા જેને કારણે આ લોકોની વિચારસરણી વધુ વધુ ફેલાતી ગઈ એમ વાજપેયી સરકારે પણ હિંદુત્વનું કામ કરનારા વિચારકો વગેરેનું ‘ભલું’ કરવું જોઈએ.

મીનાક્ષી જૈનના આ સૂચન પાછળનો વિચાર કંઈ હિંદુત્વના વિચારકો-પત્રકારો વગેરેને લલચાવીને ભ્રષ્ટ કરવાનો નહોતો. વધુ ને વધુ વિચારકો આ તરફ આકર્ષાય એવો શુભ આશય હતો. મીનાક્ષી જૈનના આ વિગતવાર સૂચન પછી બેઠક ચર્ચાવિચારણા માટે ખુલ્લી મુકાઈ ત્યારે આ સૂચનનો નમ્ર પણ સ્પષ્ટ વિરોધ કરનારાઓમાં હું સૌથી પહેલો હતો. વિરોધ માટેનાં મારાં કારણો અલમોસ્ટ બધાએ એપ્રિશ્યેટ કર્યાં, મીનાક્ષીજીએ પણ.

આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં આ વાતનો અછડતો ઉલ્લેખ વડોદરામાં એક વરિષ્ઠ આદરણીય લેખકને ત્યાં અમે મિત્રો બેઠા હતા ત્યારે નીકળ્યો. મીનાક્ષી જૈનવાળી વાતનો ઉલ્લેખ સાંભળીને મારા એક મિત્રે કહ્યું કે એમાં ખોટું શું છે, જે સારું કામ છે તે કરવા માટે સરકાર સપોર્ટ કરે તો લેખકો જરા મોકળા મને જીવી શકે. મેં એમને સમજાવ્યું કે હિંદુત્વ વિશે લખવાથી બહુ પૈસા મળે છે કે પછી બીજા-ત્રીજા લાભો મળે છે એવું વાતાવરણ બન્યા પછી તદ્દન ખોટા લોકો, કોઈ જાતના કન્વિક્શન વિના, લખતા થઈ જશે અને જેઓ ઑલરેડી કોઈ લાભની અપેક્ષા રાખ્યા વિના લખી રહ્યા છે એમની આબરૂ ધોવાઈ જશે.

આદરણીય વરિષ્ઠ લેખકે મારા ટેકામાં કહ્યું, ‘સૌરભની વાત સાચી છે. ધારો કે, એ આવા લાભ લેતો થઈ જાય તો એની કલમનું સત ઓછું થઈ જાય, એનું તેજ જતું રહે.’

આ વાત તે વખતે નવી શરૂ થયેલી અર્ણબ ગોસ્વામીની ‘રિપબ્લિક’ ચેનલ પરની ચર્ચાથી શરૂ થઈ હતી જેમાં બરખા-રાજદીપનાં નામો ઉમેરાયાં અને વાત આ તરફ ફંટાઈ ગઈ. પછી તો બીજી અનેક ક્ષેત્રની વાતો થઈ.

મુંબઈ પાછા આવતાં આ મુદ્દા પર રિફ્લેકશન કરતો હતો ત્યારે મને ત્રણ મુદ્દાઓ આ વિશે મળ્યા જે તમારી સાથે શેર કરવા માગું છું. આમેય ધનતેરસથી દિવાળી સુધીનો માહોલ લક્ષ્મીપૂજન, ચાંદીના સિક્કા અને ધનની મહિમા સ્થાપિત કરવાના પવિત્ર દિવસો છે. એટલે આ ટૉપિકનું રિલેવન્સ અત્યારે વધી જાય છે. આ વાત બધાને લાગુ પડે છે કે નહીં એની મને ખબર નથી, સૌને લાગુ પડવી જ જોઈએ એવો કોઈ આગ્રહ પણ નથી, પરંતુ જેમની આજીવિકા મા સરસ્વતીની કૃપાથી આવતી હોય, (અને માત્ર મા સરસ્વતીની કૃપાથી જ આવતી હોય. તમે વાંસળીવાદક હો, પ્રોગ્રામોમાં સરસ બાંસુરીવાદન વગાડતા પણ હો પણ તમારી આજીવિકાનું મુખ્ય સાધન તમારી દવાની દુકાન હોય કે પછી એલઆઈસીના એજન્ટ તરીકે તમે તમારું ગુજરાન ચલાવતા હો અને સાઈડમાં કોઈ છાપામાં તમે કૉલમ પણ લખતા હો એવા લોકો આમાં ન ગણાય) એમના માટે આ ત્રણ મુદ્દાઓ રિલેવન્ટ છે.

૧. હું જે લખું એમાંથી પૈસા મળે અને મને પૈસા મળે એ માટે હું લખું—આ બંને તદ્દન જુદી બાબતો છે. મારી કોઈ ચોપડી બહુ વેચાય અને એમાંથી મને બહુ રૉયલ્ટી મળે (અને એ રૉયલ્ટીમાંથી હું ‘એન્ટિલા’ કરતાં પણ ઊંચો બંગલો બનાવું) તો એ આવકાર્ય છે.

પણ મારી પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા નથી એટલે હું મારી નીતિમત્તા વિરુદ્ધનું, મારા સિદ્ધાંતો કે મારી માન્યતામાં ન બેસતું હોય એવું લખવાનું કામ કરું તો એ આવકાર્ય નથી.

હું અમુક પુસ્તક એવું લખું જે મરણ પ્રસંગે/લગ્ન પ્રસંગે/બર્થડે પર/વેલેન્ટાઈન્સ ડે પર ભેટ આપવામાં કામ લાગે તો એમાં મારી કલમનું તેેજ ઝાંખું થઈ જવાનું. સંબંધો વિશે, વૃદ્ધાવસ્થા વિશે કે મરણ વિશે કે વર્તમાન સમય વિશે કે પછી એવા બીજા ડઝનબંધ વિષયો વિશે મેં જે કંઈ અલગ અલગ તબક્કે લખ્યું હોય તેનાં વિવિધ સંકલનો પ્રગટ કરું અને પ્રસંગ અનુસાર એ પુસ્તકો વેચાતાં રહે ત્યારે મારું સત ઓછું નથી થતું, ઉલટાનું વધે છે.

સમજાય છે મારી આ વાત?

કવિ નર્મદે લખ્યું હતું: ‘હમારી પાસે સ્વતંત્રતા મોટું ધન છે અને મોટી પદવી છે, જેની આગળ ખુશામતધન અને ખુશામતપદવી કંઈ જ નથી.’

કૉલેજમાં કોઈ છોકરો પૈસાદાર છે એટલે રૂપાળી છોકરી એને પોતાના તરફ આકર્ષીને એને પરણે એમાં અને કોઈ છોકરીને કુદરતી રીતે, અનાયાસ કોઈની સાથે પ્રેમ થઈ જાય અને એ શ્રીમંત નીકળે એમાં-ફરક છે. હવે ખ્યાલ આવ્યો?

ર. જ્યારે તમે કોઈ હેતુને આંખ સામે રાખીને લખો છો ત્યારે તમારામાં વહી રહેલાં મા સરસ્વતીના આશીર્વાદના પ્રવાહમાં અડચણો ઊભી થાય છે. તમારું લક્ષ્ય કામ કરવાની પ્રવૃત્તિ પરથી હટીને એના પરિણામ પર કેન્દ્રિત થાય ત્યારે શું થાય? વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર તમે સવાસો દોઢસો કિલોમીટરની સ્પીડે ડ્રાઈવિંગ કરી રહ્યા હો ત્યારે તમારું ધ્યાન પ્રત્યેક ક્ષણે સામે-આજુબાજુ-પાછળ દોડતા ભારખટારાઓથી માંડીને બીજાં વાહનો તરફ જ હોવું જોઈએ. એક સેકન્ડ માટે પણ જો તમારા ધ્યાનબહાર સ્ટિયરિંગ આડુંઅવળું થયું કે પેડલ પર પગ મૂકવા-ઊંચકવામાં સેકન્ડના સોમા ભાગનો પણ વિલંબ થયો તો તમારું જ નહીં, તમારા સહિતના સૌ કોઈનું તત્ક્ષણ જયશ્રી કૃષ્ણ. આ તો અમસ્તો દાખલો છે. મને ડ્રાઈવિંગ આવડતું નથી. (કુરૂક્ષેત્રના મેદાનમાં પહોંચી ગયેલા અર્જુનને પણ ક્યાં આવડતું હતું.)

તમારું કામ થતું હોય ત્યારે કામ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં તમારું ધ્યાન ન હોય તો જ એ કામ એની શ્રેષ્ઠ કક્ષાએ પૂર્ણ થાય.

૩. મિત્રની કારમાં મુંબઈ પાછા આવતાં એક વિચાર મને વારંવાર આવતો રહ્યો: હું શું કામ લખું છું? પૈસા માટે, પ્રસિદ્ધિ માટે કે પછી મારે અત્યાર સુધી હું જે લખી ગયો છું તેના કરતાં વધારે સારું લખવાની કોશિશ કરવી છે એના માટે? અગાઉ પણ હું ઘણે ઠેકાણે કહી ચૂક્યો છું કે જે કામ કરવા માટે મને એક રૂપિયો મળે છે તે જ કામ કરવાનો મને સવા રૂપિયો મળે તો ગમે. ગમે એટલું જ નહીં, વખત આવ્યે એવો પ્રયાસ પણ હું કરવાનો જ. પણ જે કામ મારે નથી કરવું કે જે કામ મારે ન કરવું જોઈએ એ કામ કરીશ તો રૂપિયાને બદલે બે રૂપિયા પણ મળતા હશે તો મારે નથી જોઈતા. એટલું જ નહીં મારે જે કામ કરવું છે તે કામ માટે મને રૂપિયાને બદલે નેવું પૈસા મળતા થઈ જશે તોય હું કરતો રહીશ (આ વાક્ય મારા પુસ્તક પ્રકાશકમિત્રોએ ન વાંચવું).

હિંદુત્વ વિશે લખવાથી, બોલવાથી કે એવા વિચારો રાખવાથી આર્થિક લાભ થાય એવું વાતાવરણ ન તો બાબરી તૂટી ત્યારે ૧૯૯રમાં હતું, ન ર૦૦રમાં કે અત્યારે છે. સારું છે કે વાજપેયી સરકારે કે મોદી સરકારે મીનાક્ષી જૈનનું સૂચન અમલમાં નથી મૂક્યું. હિંદુત્વની ભવ્ય પરંપરા અને ભારતની સંસ્કૃતિ કંઈ એવી ઝાંખીપાંખી નથી કે જેને સામ્યવાદી વિચારોને ફેલાવવા માટે જેમ ભાડૂતી સૈનિકોની જરૂર પડે છે એવા ભાડાના પ્રચારકોની ખપ હોય. પેલા સેક્યુલરિયાઓ છો ને આજની તારીખેય ભૂતકાળની સરકારોએ આપેલા અગણિત લાભોમાં આળોટતા હોય. આપણને ક્યાં એ લોકોની ઈર્ષ્યા છે કે આપણે ક્યાં એવાઓની સાથે સ્પર્ધા પણ કરવી છે?

કવિ દલપતરામે રાણી વિક્ટોરિયાનાં વખાણ કરતી એક કવિતા લખી હતી: ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ અંગ્રેજોની કદમબોસી કરતી આ ઘટિયા કવિતા વાંચીને આગબબૂલા થઈ ગયેલા કવિ નર્મદે લખ્યું હતું: ‘હમારી પાસે સ્વતંત્રતા મોટું ધન છે અને મોટી પદવી છે, જેની આગળ ખુશામતધન અને ખુશામતપદવી કંઈ જ નથી.’

* * * * *

ધન વિશેની આટલી સ્પષ્ટતા પછી એક વાત તો સો ટકા સ્વીકારવી પડે કે જો તમે તમારા દેશની જી.ડી.પી. – ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વૃદ્ધિ કરવામાં ફાળો નોંધાવતા નથી તો તમે તમારી માતૃભૂમિ પર બોજારૂપ છો. આ દુનિયાનું ભગવાને સર્જન કર્યું પણ પછી એને ચલાવવાની જવાબદારી તમને સોંપી દીધી. તમને એટલે? ખેડૂતને, સુથારને, બિલ્ડરને, જ્વેલરને, ફૅક્ટરીના વર્કર્સને, રાજકારણી અને બ્યુરોક્રેટ્સને, કળાકારને, વૈજ્ઞાનિકને, ડ્રાઈવરને, તાતાને, બિરલાને, અંબાણીને, પટાવાળાને, કુંભારને, લેખકને, શાકભાજીવાળાને, બધાને.

ક્યારેક કોઈક કામમાં કે કોઈક ગાળા દરમ્યાન કોઈને વધારે મળ્યું અને કોઈને ઓછું મળ્યું એની ચણભણ થઈ શકે પણ સરવાળે દરેકને પોતાની યોગ્યતા મુજબનું મળી જતું હોય છે

બધાએ પોતપોતાનું કામ કરવાનું. કાં તો કશુંક ઉગાડવાનું, કાં પછી બનાવવાનું – સર્જન કરવાનું, કાં પછી ડૉક્ટર-સીએ-આર્કિટેક્ટ વગેરે બનીને સર્વિસીઝ આપવાની. પણ કશુંક તો કરવું જ પડે આ દુનિયામાં આવીને. આળસુના પીરની જેમ પડ્યા રહીએ તો આ ધરતી પરનો બોજ ગણાઈએ. નિવૃત્તિની વય પછી પણ કંઈક કરતાં રહેવું પડે. આર્થિક વળતર કેટલું મળે છે ને કેટલું નહીં એની ગણતરી કર્યા વગર કંઈક તો કરવું જ પડે. હાથપગદિમાગ ચાલે છે ત્યાં સુધી રોજેરોજ કોઈક એવા કામમાં પ્રવૃત્ત રહેવું પડે જેને કારણે આ દુનિયા ચાલતી રહે. ભગવાને આ જવાબદારી તમને આપી દીધી છે. એ બેઠાં બેઠાં જોયા કરે છે ઉપરથી. દુનિયા બનાવીને થાકી ગયો છે. દરેકને પોતપોતાના કામનું અસાઈન્મેન્ટ આપીને હવે જરા ઘડી વાર થાક ખાઈ રહ્યો છે. તમે કામ કરો છો કે નહીં, કરો છો તો કેવું કરો છો, વેઠ તો નથી ઉતારતાને… એ બધું એના ચોપડે નોંધાય છે. અને તમારા કામ પ્રમાણે તમને વળતર મળે છે. કોઈને વધારે વળતર મળે છે કારણ કે એણે વધારે રિસ્ક લીધું છે, પોતાની બધી મૂડી દાવ પર લગાવીને ઈન્ડસ્ટ્રી શરૂ કરી છે જેમાં હજારો લોકોને કામ મળે છે. તો સ્વાભાવિક છે કે એને વધારે વળતર મળવાનું. કોઈને મળતું મહેનતાણું ઍપરન્ટલી ઓછું લાગે છે પણ એની સામે એને આનંદ એટલો બધો મળે છે કે ટેન્શન દૂર કરવા માટે સ્વિટ્ઝરલૅન્ડ જઈને પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર પડતી નથી. આ એની બચત થઈ અને કમાણી ગણો તો કમાણી થઈ. ક્યારેક કોઈક કામમાં કે કોઈક ગાળા દરમ્યાન કોઈને વધારે મળ્યું અને કોઈને ઓછું મળ્યું એની ચણભણ થઈ શકે પણ સરવાળે દરેકને પોતાની યોગ્યતા મુજબનું મળી જતું હોય છે – પેલી સ્વિટ્ઝરલૅન્ડવાળી વાતનો ખર્ચો એમાં ઉમેરો તો. ગાડી નથી ને ટાંટિયા ઘસવા પડે છે એવી ફરિયાદ કરનારને અંદાજ પણ નથી કે એને ડાયાબિટીસ અને હાઈ બીપીની ગોળીઓનો દર મહિને હજારો રૂપિયાનો ખર્ચો કરવો પડતો નથી.

પૈસાની આસપાસ આખું જગત ઘૂમે છે કે પછી આ જગતની આસપાસ પૈસો રાસડા લે છે? જગતના કેન્દ્રમાં પૈસો નથી, પ્રવૃત્તિ છે—એવી પ્રવૃત્તિઓ જેના દ્વારા ક્યારેક પૈસો મળે છે, ક્યારેક ઘણો બધો મળે છે તો ક્યારેક પૈસાની અવેજીમાં બીજું કંઈક મળે છે – સંતોષ કહો એને કે પછી જે ગમે તે નામ આપો. આ ભગવાનની બાર્ટર સિસ્ટમ છે – પૈસાને બદલે કંઈક બીજું આપીને તમને ખુશ કરવાની, તમને ખુશ થતાં આવડવું જોઈએ.

અને એટલે જ પૈસો કમાવા માટે પ્રામાણિકતા, નિષ્ઠા, સિદ્ધાંતો, આત્મગૌરવ વગેરેને નેવે મૂકી દેવામાં ખોટનો સોદો થતો હોય એવું લાગે છે. આ બધાં સદગુણોની વ્યાખ્યા દરેકની પોતપોતાની હોવાની અને એ વ્યાખ્યાઓને દરેક જણ પોતાની પરિસ્થિતિ; પોતાની જરૂરિયાત મુજબ રબર બૅન્ડની જેમ ખેંચી-સંકોચીને લાંબીટૂંકી કરતું રહેવાનું. આપણે સૌ કંઈ ગાંધીજી નથી. બધાએ ગાંધીજી બનવાની જરૂર પણ નથી હોતી. જરૂર હોય તો પણ એ શક્ય નથી. ખુદ ગાંધીજી પણ ‘ગાંધીજી’ નહોતા. એમણે પોતાના ઉમદા હેતુઓ બર લાવવા રબર બૅન્ડવાળી કરી જ હતી.

પૈસો કમાવા માટે આ બધાં સદગુણોને છોડી દેવાની જરૂર નથી. કદાચ આમાંના કોઈ કે બધાં ગુણોનો ત્યાગ કરવાથી વધારે પૈસો મળી જતો હશે પણ એની સામે પેલી બાર્ટર સિસ્ટમ પ્રમાણે ડાયાબિટીસ-બીપીનો આજીવન સામનો કરવાનો ખર્ચો પણ આવવાનો. ખર્ચો તો બાજુએ મૂકો પણ એવી હેલ્થ સાથે જીવવાની શું મઝા? થોડુંક ઓછું કમાઈને, ટેન્શનરહિત કમાણી કરીને જો સારા સ્વાસ્થ્ય સાથે જીવી શકાતું હોય તો એમાં ખોટું શું?

પૈસો જરૂરી છે અને પૈસો જોઈએ જ છે. મને, તમને, બધાને. સવાલ કેટલો અને એના કરતાં મોટો સવાલ કેવી રીતે એ જોઈએ છે તે છે.

આજે ધનતેરસ નિમિત્તે ધન વિશે જેટલું ચિંતન થવું જોઈએ એટલું કરી નાખ્યું જેનો સાર ત્રણ શબ્દોમાં મૂકી શકીએ: કેટલું? કેવી રીતે?

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here