મારો તો કોઈ વાંક જ નથી

તડકભડકઃ સૌરભ શાહ

(રવિવાર, ૫ ઑગસ્ટ ૨૦૧૮)

સ્વપીડન કે આત્મદયાના સામા છેડાની આ વાત છે. કેટલાક લોકોને પોતાની જ પીઠ પર કોરડા ઝીંકવાની આદત હોય છે. જિંદગીની નાની-મોટી દરેક વાતમાં કંઈક ખોટું થયું તો હંમેશાં એમાં પોતાનો જ વાંક શોધતા રહે છે. આટલું બધું ઈન્ટ્રોસ્પેકશન પણ સારું નહીં. જ્યાં આપણો વાંક હોય ત્યાં કબૂલીએ અને સુધરી જઈએ એ સારું જ છે, પણ પોતાની જાતને એ હદ સુધી કોસવી કે આત્મસન્માન સાવ તળિયે બેસી જાય એ પણ ખોટું.

વાત એવા લોકોની કરવાની છે જેઓ આવા સ્વપીડનના સામા છેડા પર જઈને બેઠા છે. એમને કોઈપણ બાબતે પોતાનો વાંક દેખાતો જ નથી. બધી વાતમાં એમની પાસે બહાનાં તૈયાર જ હોય છે કે આનો વાંક હતો કે પેલાનો વાંક હતો કે પછી છેવટે સંજોગો જ એવા હતા.

જેમને ક્યારેય પોતાની કમીઓ વિશે અહેસાસ નથી થતો કે જેઓ પોતાની નબળાઈઓને કબૂલ કરવા નથી માગતા એવા લોકો ખતરનાક હોય છે. તેઓ પોતે તો સુધરવાની તક રોળી નાખે છે, બીજાઓને બ્લેમ કરીને એ લોકોની જિંદગીને રોળી નાખવાની કોશિશ કરે છે.

જ્યારે મારે મારી ભૂલ કબૂલ ન કરવી હોય ત્યારે હું શું કરું? એ ભૂલ બદલ બીજા કોઈનો વાંક કાઢું. એ ભૂલનો ટોપલો કોઈ બીજાના માથે મૂકું તો જ મારા માથેથી એની જવાબદારી દૂર થાય. બરાબર? એટલે હું જ્યારે જ્યારે ભૂલ કરું ત્યારે એ ભૂલ પકડાય તે પહેલાં જ વિચારી રાખું કે મારે કોના માથે મારી એ ભૂલની જવાબદારી નાખવી છે. જો કામમાં જશ મળ્યો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એ જશ હું જ ખાટી જવાનો છું. પણ અપજશ મળ્યો તો મારે એની જવાબદારી કોના પર ઢોળવી એની ગણતરી મેં પહેલેથી જ કરી રાખી હોય છે. એટલું જ નહીં કામ શરૂ કરતી વખતે જ મેં તકેદારી રાખી હોય છે કે મારી સાથે કામ કરનારાઓ બીજાને હું એ રીતે બાંધી દઉં કે એમણે નિષ્ફળતાનો અપજશ લેવા તૈયાર રહેવાનું છે અને સફળતાપૂર્વક કામ પાર પડે તો મને તાળીઓના ગડગડાટથી વધાવી લેવા તૈયાર રહેવાનું છે.

આવી વ્યક્તિઓથી સૌએ ચેતતા રહેવંુ જોઈએ. આપણી આસપાસ કોઈ ને કોઈ વ્યક્તિ એવી હોવાની જે આપણને બલિનો બકરો બનાવવા માગતી હોય. આવા લોકો આપણને શીશામાં ઉતારી દેવાની તક શોધ્યા કરતા હોય છે. એમની જુબાન હંમેશાં મીઠ્ઠી હોવાની.

ક્યારેક આપણને પણ લાલચ થઈ જતી હોય છે કે આપણી ભૂલ આપણે બીજા કોઈના ગળામાં પહેરાવીને છટકી જઈએ. શરૂઆત નાના પાયે થતી હોય છે. કોઈ નજીવી બાબતમાં આપણે કરેલી ભૂલ માટે બીજા કોઈને સહેલાઈથી દોષિત ઠેરવી શકાય છે. એક વખત આવું કર્યા પછી ધીમેધીમે આપણે થોડી વધુ ગંભીર, થોડી વધુ મોટી ભૂલો બદલ બીજાઓનો વાંક કાઢતા થઈ જઈએ છીએ. છેવટે આપણને એવી ટેવ પડી જાય છે કે આપણે સ્વીકારવા માટે તૈયાર જ નથી હોતા કે આપણી કોઈ ભૂલ થઈ શકે છે. જિંદગીમાં જ્યારે જે કંઈ ખોટું થયું તે માટે બીજાઓ જ જવાબદાર છે, હું નહીં- એવું આપણે માનવા માંડીએ છીએ. નાની સરખી ભૂલની જવાબદારીમાંથી છટકી જવાની ટેવને કારણે આવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ભૂલ થાય છે ત્યારે એને સુધારી લેવાની એક તક ઉઘડતી હોય છે. આવી તક ઝડપી લેવાથી નવી દિશામાં જવાની પ્રેરણા મળતી હોય છે. ભૂલમાંથી શીખીને જે આગળ વધે છે તેનો પાયો મજબૂત બનતો જાય છે અને ભવિષ્યમાં એ એકની એક ભૂલોનું પુનરાવર્તન કરતો નથી. નવું કામ હાથમાં લે ત્યારે નવી ભૂલો થવાની જ છે.

પરંતુ આપણી જૂની ભૂલોની જવાબદારી બીજા પર નહીં નાખી હોય તો બે વાત શીખવા મળશે. ભૂલોની બાબતમાં બે સનાતન સત્ય સાંપડયાં છેઃ એક, ક્યારેય પોતાની ભૂલ બદલ બીજાને દોષ દેવો નહીં અને બે, બીજું કોઈ આપણી ભૂલ તરફ આંગળી ચીંધીએ એ પહેલાં સામે ચાલીને એ ભૂલ સુધારી લેવાની અને જે બોધપાઠ મળ્યો હોય તેેને સ્વીકારીને આગળ વધતાં રહેવાનું.

પાન બનાર્સવાલા

જેણે કયારેય જિંદગીમાં કોઈ ભૂલો નથી કરી એણે કોઈ વખત કશું નવું કરવાના પ્રયત્નો જ નથી કર્યા.

– આલ્બર્ટ આઈન્સ્ટાઈન

1 COMMENT

  1. મારી અને બીજાની ભૂલોને મેં મારા ગુરૂ બનાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here