સમાન હક્ક લીધા પછી સમાન અન્યાયોમાં પણ ભાગ પડાવવાના છો તમે? : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩)

સામાજિક સમાનતા એટલે શું? સ્ત્રીઓ, દલિતો, ગરીબીની રેખા નીચે જીવનારાઓ, લઘુમતિ કોમના સભ્યો, વનબંધુઓ (અર્થાત્ આદિવાસીઓ), મજૂરો, ગ્રામીણજનો, વિદ્યાર્થીઓ, દિવ્યાંગજનો— પ્રેકિ્ટકલી સમાજના દરેક સ્તરના લોકોની માગણી હોય છે કે અમને સમાન હક્ક આપો. આ માગણી બિલકુલ ખોટી નથી. દરેક વ્યક્તિને સરખા હક્ક મળવા જ જોઈએ. સવાલ એ છે કે શું હક્કની જેમ સૌને પોતપોતાના ભાગે આવતાં દુખદર્દો પણ ન મળવા જોઈએ?

આ દુનિયા અત્યંત કમીની છે, દુનિયાના વ્યવહારો અનફેર છે- કુદરત વારંવાર અન્યાયોનો વરસાદ વરસાવતી હોય છે. દેશ કે દુનિયાના કોઈ એક પ્રદેશમાં ભરપૂર પાક થાય તો સામી બાજુએ બીજા કોઈ પ્રદેશમાં સતત દુકાળની પરિસ્થિતિ રહે. દુનિયાના નિયમો પણ કુદરતના નિયમો જેવા જ છે- ભારોભાર ગેરવાજબી. તમે ખૂબ કામ કરો પણ જશ કોઈક ત્રીજી જ વ્યક્તિ લઈ જાય. તમારો સ્વભાવ અત્યંત ભલો હોય અને સૌથી વધારે માર તમને જ પડે.

કોઈ જ્યારે સમાન હક્કની માગણી કરે છે ત્યારે એને પૂછવું પડે કે ચાલો, તમને સમાન હક્ક આપી દીધા. હવે તમારા ભાગે આવતા દુનિયાના આ અન્યાયો પણ ભોગવવાની તૈયારી છે તમારી?

એ ના પાડશે. એને માત્ર હક્ક જાઈએ છે-સમાન. એની સાથે આવતી આ અનફેરનેસનો હિસ્સો નથી જોઈતો. દુનિયાના વહેવારો જે અન્યાયો કરે છે કે કુદરત જ્યારે રૂઠે છે ત્યારે કોણ બ્રાહ્મણ છે અને કોણ દલિત તે નથી જોતી. સ્ત્રી-પુરુષ વચ્ચે પણ ભેદ નથી રખાતા. ગરીબ વિધવાનો જુવાનજોધ દીકરો ગુજરી જાય તેમ શ્રીમંત પિતાનો તમામ કારોબાર સંભાળી લેતો યુવાન દીકરો પણ ગુજરી જતો હોય છે. વિધવા માની જેમ શ્રીમંત પિતા પર પણ આભ તૂટી પડતું હોય છે. બેઉને પોતપોતાની લાચારીઓ હોવાની. સમાન હક્ક, સમાન તકની માગણી કરનારાઓ એક સૌથી મહત્ત્વની વાત ભૂલી જતા હોય છે કે આ અનફેર દુનિયાના નવ્વાણું ટકા અન્યાયો કોઈ દલિત છે, સ્ત્રી છે, લઘુમતિ છે એટલે નથી થતા- એ માણસ છે, આ દુનિયાના સામાજિક વાતાવરણમાં જીવે છે અને બીજી વ્યક્તિ સાથેની દોડમાં એ આગળ ધસી જવા માગે છે એટલે થાય છે.

સાસુ દ્વારા વહુને અન્યાય થયો એવું આપણે પરાપૂર્વથી સાંભળતાં આવ્યા છીએ. હકીકતમાં એ બે સ્ત્રીઓ વચ્ચેનો પાવરપ્લે છે. એક જ કુટુંબમાં સાથે રહેતી, એક રસોડે જમતી બે સગી બહેનો કે બે જિગરજાન બહેનપણીઓ વચ્ચે પણ સાસુવહુ જેટલા જ વરવા ઝઘડા થઈ શકે છે કે પછી પિતાપુત્ર વચ્ચેના વિસંવાદો. જનરેશન ગૅપ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બે પેઢી વચ્ચેનું અંતર. હકીકત એ છે કે ઉંમરનું એટલું જ અંતર ધરાવતા કેટલાય વડીલોને પોતાના યુવાન મિત્રો સાથે ખૂબ સુમેળભર્યા સંબંધો હોઈ શકે છે. પિતાપુત્ર એક જ છત નીચે રહેતા હોવાથી કોણ વધુ શક્તિશાળી, ઘરમાં કોનું ઉપજેની જીદને કારણે ઝઘડી પડતા હોય છે. બે દિલોજાન મિત્રો એક ઘરમાં રહીને એક રસોડે જમતાં થઈ જાય તો તેઓ પણ સગા ભાઈઓ જેટલું જ ઝઘડતા થઈ જવાના.

અન્યાય થવાનો જ અથવા અન્યાય થઈ રહ્યો છે એવી લાગણી સતત રહેવાની. એ અન્યાયનો મજબૂતીથી સામનો કરવાને બદલે કે સમાધાનનો કોઈ વચગાળાનો માર્ગ કાઢવાને બદલે હું મારી પરિસ્થિતિનો, મારા સંજોગોનો વાંક કાઢીને મારા માથે હાથ દઈને બેસી રહું અથવા ‘જલા દો, જલા દો, એ દુનિયા’ના નારા લગાડીને આક્રોશ ઠાલવતો રહું તો ક્યાંથી કોઈ મારું કલ્યાણ કરી શકવાનું છે?

પાન બનારસવાલા

કોણ સાચું છે એ જોવાનું નથી, શું સાચું છે એ અગત્યનું છે.

– થોમસ હક્સલી

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. The feeling of unfairness only arises when there is no love, compassion, empathy between individuals. Its all EGO game and powerplay. ( This in context with family issues and relationships) . And also, as per my experience nature does take care of both. The person who does unfairness and the person who suffers from same.
    Only way out , fight towards unfairness or accept it.

  2. કુદરતના કોઈપણ ઉત્પાદનમાં ક્યાંય કોઈ સમાનતા નથી… દરેક તત્વ આગવું વિશિષ્ઠ છે…. ખૂબ સુંદર નાનકડો લેખ…

  3. એકજ વાત
    જે જતું કરે છે એનું કંયી નથી જતું…. 🙏

  4. More of a musing than an article, though an interesting reasi5.

    But please let’s prepare for 2024 elections. What happened to the 1000 day timer?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here