પ્રસન્નતા અને કકળાટ: સૌરભ શાહ

( તડકભડક: સંદેશ, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 6 સપ્ટેમ્બર 2020)

કેટલીય વખત તમે અનુભવ્યું હશે કે કોઈ કારણ વિના તમારો જીવ બળ્યા કરે. અમસ્તાં જ મનમાં ક્લેશ-ઉદ્વેગ કે કકળાટ સળવ્યા કરતો હોય એવું ક્યારેક બનતું હોય છે. અને ક્યારેક મન કોઈ જ દેખીતા કારણ વિના પ્રસન્નતા અનુભવતું હોય એવું પણ બનતું હોય છે. ધીમેથી સીટી વગાડીને કોઈ ફેવરિટ ગીતની ટ્યૂન વગાડવાનું મન થાય, ઘરમાં ચાલતાં ચાલતાં એક-બે સ્ટેપ્સ માટે નૃત્ય કરી લેવાનું મન થાય. પોતાની જાતને જ ભેટી લેવાનું મન થાય.

પ્રસન્નતા અને ક્લેશ – આ બેમાંથી કશું પણ વગર કારણે જન્મતું નથી. એનું દેખીતું કારણ કોઈ ન હોય એવું બને પણ કારણ તમને દેખાતું ન હોય એટલે કારણનું અસ્તિત્વ જ ન હોય એવું નથી. કોઈ સારા સમાચાર સાંભળીને મન પ્રસન્ન થઈ જાય કે માઠા ખબર સાંભળીને કે કોઈની સાથે ખટપટ થઈ જાય એટલે મન ઉદ્વિગ્ન થઈ જાય એવું બનવું તો ઘણું કૉમન છે. પણ કોઈ કારણ વિના (કોઈ ‘દેખીતા’ કારણ વિના) મન પ્રસન્નતા કે ક્લેશ અનુભવે એવું કેવી રીતે બને?

મનનું કૉમ્પ્યુટર જેવું છે. કૉમ્પ્યુટર પ્રચલિત થવા માંડ્યું ત્યારે એક ટર્મ બહુ જાણીતી થઈ: ગાર્બેજ ઈન, ગાર્બેજ આઉટ (જી.આઈ.જી.ઓ.). કૉમ્પ્યુટર આપમેળે કશું નહોતું કરી શકતું (આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સનો જમાનો આવવાને હજુ વાર હતી. એ.આઈ. માત્ર સાયન્સ ફિક્શન પૂરતી જ સીમિત હતી – એ જમાનાની આ વાત છે.) કૉમ્પ્યુટરને જે ફીડ કરશો તે જ એ તમને પાછું આપશે. તમે એમાં સરવાળો કરવાનો પ્રોગ્રામ નાખશો તો એની ગણતરી સરવાળાઓ પૂરતી જ સીમિત હશે, બાદબાકી – ભાગાકાર – ગુણાકાર એ નહીં કરી શકે. સરવાળા ઉપરાંતના પરિણામો જોઈતાં હશે તો તમારે એ માટેના પ્રોગ્રામો બનાવીને કૉમ્પ્યુટરને ફીડ કરવા પડશે. વર્ગ કે વર્ગમૂળ, સ્કવેર કે સ્કવેર રૂટના પ્રોગ્રામો બનાવીને ફીડ કરશો તો એ રીતની ગણતરીઓ કરી આપશે. એનાથી ઍડવાન્સ ગણતરીઓના પ્રોગ્રામો ફીડ કરશો તો તમારું કૉમ્પ્યુટર એટલી ઍડવાન્સ ગણતરીઓ કરતું થઈ જશે. મજાકમાં કહીએ તો જે ગાર્બેજ, જે કંઈ ‘કચરો’ તમે કૉમ્પ્યુટરમાં ઠાલવશો તે જ ‘કચરો’ એ તમને પાછો આપશે.

કૉમ્પ્યુટરની બાબતનું આ સત્ય તો વીસમી સદીમાં સમજાયું. પણ મનની બાબતમાં આ સત્ય હજારો વર્ષથી સ્વીકારાયેલું છે. મનને જે કંઈ ખોરાક આપશો તે જ ખોરાકનું પ્રોસેસિંગ થઈને તમને એનું પરિણામ મળતું હોય છે. તન માટે તો આપણે સ્વીકારી લીધું છે કે અન્ન તેવો ઓડકાર. જે કંઈ ખાઈએ છીએ તેવું જ શરીરનું બંધારણ બનવાનું. વડાપાંઉ અને ભેળપૂરી પર નભનારાઓનું શરીર તકલાદી જ બનવાનું. અને પંજાબના વિવિધ પ્રદેશોમાં જન્મનારા, ઉછરનારાઓનો જે ખોરાક છે એવા અન્ન દ્વારા ઘડાયેલું શરીર મજબૂત અને ખડતલ હોવાનું.

સંગ તેવો રંગ માત્ર દોસ્તીમાં જ જોવા નથી મળતો. આપણા મન સાથે પણ એવું જ બનતું હોય છે. જીવનમાં જો સંતોષ નહીં હોય, નાની નાની વાતોએ ફરિયાદ કરવાની ટેવ પડી ગઈ હશે તો મન પ્રસન્નતા ક્યાંથી અનુભવવાનું છે. દરેક બાબતમાં બીજાઓમાં ખોડ-ખાંપણ શોધવાની ટેવ હશે કે પછી જાતને કોસ્યા કરવાની આદત હશે તો મનમાં ક્લેશ જ રહેવાનો છે. આ દુનિયાનું શું થવા બેઠું છે કે આ દેશનું હવે કંઈ ન થઈ શકે કે આ શહેર આખું ખાડે ગયું છે કે સરકાર ચોર છે કે પોલીસ હરામી છે કે બધા મને લૂંટવા જ બેઠા છે એવી મેન્ટાલિટી ધરાવતા લોકો ક્યારેય પ્રસન્નતા અનુભવવાના છે? આવા લોકોનો જીવ વગર કારણે બળ્યા કરતો હોય તેમાં નવાઈ શું?

પણ જેમને પોતાની આસપાસનું વાતાવરણ ગમે છે, જેમનામાં પોતાની આસપાસના લોકો માટે કોઈ સ્વાર્થ વિના પ્રેમની લાગણીઓ છલકાતી રહે છે, ફૂલની દુકાનમાં ગયા વિના જ જેમની આસપાસનું વાતાવરણ મહેકતું રહે છે, જેમને જીવનમાં નાની નાની ખુશીઓ શોધી લેવાની આદત પડી ગઈ હોય છે તેઓ વગર કારણે પ્રસન્ન રહેવાના. ઍપરન્ટલી કોઈ સારા સમાચાર સાંભળ્યા નથી છતાં એમનું મન પ્રસન્નતા અનુભવતું રહે.

મનને તમે સતત કયો ખોરાક આપતા રહો છો તેના પર તમારી પ્રસન્નતાનો આધાર છે. મનને તમે જે ખવડાવતા રહો છો તે નક્કી કરશે કે તમારું મન કકળાટ, ઉદ્વેગ, કંકાસ કે ક્લેશ અનુભવશે કે કેમ.

મન ચંચળ છે કે મન આપણા કાબૂમાં રહેતું નથી એવી માન્યતા, એવી ફરિયાદ ખોટી છે. મન સાથે રમતરોળાં કરીને એને ચંચળ આપણે બનાવીએ છીએ. મનને મનફાવે ત્યાં દોડાદોડી કરવાની છૂટ આપીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે મન લગામમાં રહેતું નથી.

મનને કાબૂમાં રાખવાનું કામ આપણું છે. મન પ્રસન્નતા અનુભવશે કે ક્લેશ એ નક્કી કરવાનું કામ પણ આપણું જ છે. બસ, કૉમ્પ્યુટર માટેની પેલી વાત યાદ રાખવાની. જેવો ખોરાક એને આપશો એવો જ ઓડકાર એ તમને આપશે અને કેવો ખોરાક આપવો અને કેવા ખોરાકથી એને દૂર રાખવું એ તો આપણા જ હાથમાં છે ને. બરાબર?

એકદમ બરાબર.

પાન બનાર્સવાલા

સિંહ જો ગધેડાએ આપેલી ચૅલેન્જ સ્વીકારી લે તો સિંહ પોતે ગધેડો કહેવાય.

– ઓશો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here