દરેક વાતે વિરોધ કર્યા કરનારાઓ વિશે

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’પૂર્તિ, રવિવાર, ૨૯ ડિસેમ્બર ૨૦૧૯)

કેટલાક લોકોની આખી જિંદગી ફરિયાદો કરવામાં, વિરોધ કરવામાં જ વીતી જતી હોય છે. એમની જિંદગીનું ફોકસ જ કોઈ પણ વાતે વિરોધ કરવાનું હોય છે. કોઈ વાતે ક્યારેય એમને સમર્થન આપવાનું સૂઝતું નથી હોતું. ક્યારેક સમર્થન આપવા જેવી બાબત હોય ત્યારે ખુલીને ટેકો આપવાને બદલે તેઓ ચૂપ રહેશે અને પોતાની જાતને મનાવશે કે હું સમર્થન તો આપું જ છું, પછી બોલવાની શું જરૂર છે. આવું તેઓ વિરોધ કરતી વખતે પોતાની જાતને નહીં મનાવે કે આ બાબતનો મારો વિરોધ છે પણ હું મૂંગો રહીશ, મારે બોલવાની જરૂર નથી.

શાસ્ત્રોમાં કોઈ વાતનો વિરોધ કરવો એટલે એનું ખંડન કરવું અને કોઈ વાતનું સમર્થન કરવું એટલે એનું મંડન કરવું. આ દુનિયા લાર્જલી બે ભાગમાં વહેંચાયેલી છેઃ ખંડન અને મંડન.

દરેક વાતે ફરિયાદ કરનારા, વિરોધ કરનારા લોકો અંદરથી ખૂબ અશાંત હોય છે. કકળાટિયા જીવ હોય છે. કંકાસથી ભરેલા હોય છે. આને કારણે એમનું જીવન કર્કશ થઈ જાય છે, એમના સ્વભાવમાં કલહ વ્યાપી જાય છે. તેઓ પોતાના સંપર્કમાં આવતા તમામ લોકોના જીવનમાં કકળાટ ફેલાવ્યા કરે છે.

વિરોધ કે ફરિયાદ કંઈ રોજબરોજ કરવાનાં ન હોય. કોઈ પહાડ જેવડો મેજર ઈશ્યુ હોય ત્યારે વિરોધ કરીએ તે બરાબર છે અને એવા વખતે પણ જે પરિસ્થિતિનો કે જે વાતનો તમે વિરોધ કરો છો એની સામે તમે પોતે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે ઈચ્છો છો એ વાતનું સમર્થન કરવું જોઈએ – જેટલા જોરશોરથી વિરોધ કરવાની ઈચ્છા છે એટલા જ બોલકા બનીને તરફેણની પરિસ્થિતિ વિશે વાત કરવી જોઈએ.

ટીન એજમાં પ્રવેશતાંની સાથે જ વ્યક્તિમાં બળવાની ભાવના પેદા થતી હોય છે. ઇંડામાંથી બહાર આવવા માટે કોચલું તોડવા જોર અજમાવવું પડે એ સાહજિક છે. ટીન એજરે પણ આસપાસની દુનિયાનાં પોતે કલ્પી લીધેલાં બંધનો તોડવા માટે રિબેલ બનવું પડે. બળવાખોર બનવું પડે. પણ આ રિબેલ વિધાઉટ અ કૉઝ હોય છે. કોઈ કારણ વિનાની બળવાખોરી. ઝવેરચંદ મેઘાણી જેને ઘટમાં ઘોડા થનગનેવાળી ઉંમર કહેતા એ ઉંમરે રિબેલ વિધાઉટ અ કૉઝ હોવું સ્વાભાવિક છે. પણ ટીન એજમાંથી બહાર આવી ગયા પછી, વીસ-પચીસ વર્ષના થઈ ગયા પછી, દુનિયાદારી અને વ્યવહારજગત સાથે પનારો પાડ્યા પછી તમે અગાઉના જેવા ‘બળવાખોર’ નથી રહેતા. પણ કેટલાક લોકો વહેમમાં હોય છે. તેઓ આજીવન રિબેલ વિધાઉટ અ કૉઝ બની રહે છે.

પોતાના ઘરની સોસાયટીના મુદ્દાઓ હોય, કુટુંબ-જ્ઞાતિને લગતી વાતો હોય કે પછી ઑફિસ કે પોતાની કરિયરને લગતી વાત હોય – તેઓ હંમેશાં ફરિયાદો કરતા રહેશે, વિરોધ કરતા રહેશે, સંબંધોની તોડફોડ કરતા રહેશે. આમાંના કેટલાક લોકો તો રસ્તા પર જઈને રાષ્ટ્રીય સંપત્તિની પણ તોડફોડ કરવાના.

કોઈ વાતે તમે જોરશોરથી વિરોધ કરો છો ત્યારે તમે પોરસાઓ છો કે આજુબાજુના લોકો મારી નોંધ લેશે. નાની નાની વાતે પણ તમે બીજાઓથી જુદા પડવા માટે તમારો ભિન્ન મત પ્રગટ કરો છો ત્યારે તમને તમારું મહત્વ વધી જતું હોય એવું લાગવાનું. પણ આ બધી કામચલાઉ લાગણીઓ છે. તમને ખબર પણ નથી કે તમારા છ જણના સર્કલમાંથી પાંચ જણ સેન્ડવિચ ખાવાના પ્રોગ્રામની તરફેણમાં હોય ત્યારે તમે પાણીપુરી ખાવા જવાનો આગ્રહ રાખો ત્યારે અપ્રિય બનો છો અને વારંવાર આવું થાય ત્યારે ભૂંડા દેખાઓ છો. તમારે તમારા આગ્રહ મુજબ જીવવું હોય તો બીજી ઘણી મોટી મોટી વાતો છે, કરી જુઓ. દુનિયા આખી સિધ્ધાંતોને નેવે મૂકીને પૈસા કમાવવાની દોટ લગાવતી હોય ત્યારે તમે તમામ આદર્શો અને સિધ્ધાંતોને જાળવીને જ કમાણી કરીશ એવો આગ્રહ રાખીને જીવો. કશું ખોટું નથી એ રીતે જુદા પડવામાં. પણ એમાં ધીરજ, સાધના અને તપશ્ચર્યાની જરૂર પડે જ્યારે સેન્ડવિચ-પાણીપુરી જેવી બાબતમાં તમે તરત જ નોખા પડી આવશો એની તમને ખબર છે એટલે આવી બાબતોમાં તમે વિરોધ કરતા રહેવાના અને વગર લેવેદેવે તમારી આસપાસના સ્નેહીજનોથી દૂર, વધુ દૂર, અતિ દૂર થતા જવાના.

જિંદગીમાં જે કંઈ નથી ગમતું એનો વિરોધ કરવામાં આયુષ્ય ક્યાં પૂરું થઈ જશે, ખબર પણ નહીં પડે. જિંદગીમાં જે કંઈ ગમે છે તેનું સમર્થન કરીએ, તરફેણ કરીએ અને એમાં જ ગળાડૂબ રહીએ. તમે જે ઘરમાં રહો છો એ જગ્યા, એનો માહોલ તમને વર્ષોથી ગમે છે. જિંદગી આખી અહીં જ ગાળવા મળે તો તમારા જેવું ભાગ્યશાળી બીજું કોઈ નહીં એવું તમે માન્યું છે. પણ છેલ્લા થોડાક વખતથી ક્યાંક દૂરથી સતત કોઈ અવાજ વારંવાર તમને ખલેલ પહોંચાડે છે. કૂવાના પંપનો, કોઈ ધાર્મિક સ્થળનો, કોઈ ટ્રાફિકનો-હૉર્નનો કે પછી નવી ખૂલેલી શાળાના ચોગાનમાં પ્રેક્‌ટિસ કરતા વિદ્યાર્થીઓના કર્કશ બૅન્ડનો. આવો કોઈ પણ ઘોંઘાટ તમને ડિસ્ટર્બ કરે છે. શું કરશો તમે? ઈગ્નોર કરવાનું શીખી જાઓ. અન્યથા તમે જ દુઃખી થશો. તમારી સોનાની થાળીમાં લોઢાની મેખ જોવા મળે ત્યારે તમારું ફોકસ એ મેખ પર ન હોઈ શકે, રોજ સોનાની થાળીમાં જમવા મળે છે એ સદ્‌ભાગ્ય ઓછું છે?

આપણી આસપાસની પરિસ્થિતિઓમાં, વ્યક્તિઓમાં અને આપણા પોતાના સ્વભાવમાં અનેક વિસંગતિઓ રહેવાની. એને અવગણવી પડે. એનો વિરોધ કર્યા કરીશું તો જિંદગીમાં જે કંઈ કરવું છે, જિંદગીમાં જે કંઈ સારું છે તેને કેવી રીતે સમય આપશો? જે નથી ગમતું એનો વિરોધ કરીએ છીએ ત્યારે ઊલટાનું એ વાતને વધું પડતું ઈમ્પોર્ટન્સ આપી દઈએ છીએ. આપણાં ટાઈમ, એનર્જી, રિસોર્સીસ વિરોધ પાછળ વેડફી દઈએ છીએ. આને લીધે જે ગમે છે તેનું સમર્થન કરવાનો સમય બચતો નથી, એની તરફેણ કરવા માટે એનર્જી અને રિસોર્સીસ બચતાં નથી. તમને હિંદી ફિલ્મના સંગીતકારોમાંથી અમુક નથી ગમતા કારણ કે તેઓ પાકિસ્તાની કે સાઉથ ઈન્ડિયન ફિલ્મોનાં ગીતોની ચોરી કરી કરીને મશહૂર બન્યા છે. ભલે, તો નહીં સાંભળો એમનું મ્યુઝિક. એમને વખોડવામાં, ઉઘાડા પાડવામાં, એમની ચોરી વિશે કલાકો સુધી યુ-ટ્યુબ ખોલી ખોલીને બીજાઓ આગળ પુરવાર કરવામાં તમે જેટલો સમય ગાળશો એ બધો જ વેડફાઈ જવાનો છે. એને બદલે એટલો જ સમય તમને જે મ્યુઝિક સાંભળવું છે એમાં ગાળો. મન પ્રસન્ન થઈ જશે. વિરોધ અને સમર્થન વિશે આ સંગીતવાળું ઉદાહરણ જ સૌથી સચોટ લાગે છે.

પાન બનાર્સવાલા

મનમાં જેવા વિચારો સતત ચાલ્યા કરતા હોય છે, છેવટે એવા જ આપણે બની જતા હોઈએ છીએ.

_અજ્ઞાત

4 COMMENTS

  1. Your today’s article is excellent. But write more on TODAY’S POLITICAL SCENARIO. We are missing your valueable OPINIONS.

  2. Youth is rebale without reason.
    યુવાનો નો બળવો તર્ક શૂન્ય પણ હોય શકે છે .જો આ reasonbase માં તર્ક (કુતર્ક નહિ ) માં પરીણમિત
    કરવા ચર્ચક નહિ તારા જેવા વિચારક ની જરૂર છે.. આપ વધુ ને વધુ લોકો સુથી વ્યક્તિગત પહોંચી તોજ થઈ શકે ..કારણ letters are death. ..ખુબજ સમકાલીન લેખ. આભાર !

  3. પહેલા જ ફકરા પરથી મન માં વિચાર ઝબકી ગયો, ને યાદ આવ્યાં નગીનદાસ સંઘવી ને રાજીવ પંડિત તે લોકોને ભાજપ સરકાર કાઈ પણ સારું નથી કરી રહ્યા તેવું લખે પણ કોંગ્રેસ ,રાહુલ ગાંધી તેમજ ડાબેરી અને બીજાઓ ના તેમને મતે inteligent છે .વિરોધ પક્ષ માટે પણ વિરુદ્ધ સત્ય લખી શકે છે. આજ નું દિવ્યભાષકાર માં અને ચિત્રલેખા હાલનું માં ન.સ. નો લેખ વાંચ્યો.એકલી ફરિયાદ નકારાત્મક લખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here