દયા કે ઉપકાર કરવા જતાં તમે પસ્તાયા છો ક્યારેય?

લાઉડ માઉથ : સૌરભ શાહ

(‘સંદેશ, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૫ ડિસેમ્બર ૨૦૧૯)

આમ તો આપણામાં એટલી સમજ છે કે ક્યારે કોની સાથે કઈ લાગણી વ્યક્ત થાય. ઘરમાં પેરન્ટ્‌સ કે પત્ની-બાળકો સાથે નાનીમોટી વાતમાં ગુસ્સે થઈ જઈશું પણ ઑફિસમાં કો-વર્કર્સ કે ક્લીગ્સ સામે નાનીમોટી વાતે ગુસ્સે નહીં થઈએ, ગુસ્સો ગળી જઈશું. અને બૉસની સામે તો મોટી વાતેય ગુસ્સો નહીં કરીએ, આપણો વાંક નહીં હોય તોય કબૂલી લઈશું.

લાગણીઓનું મૅનેજમેન્ટ એક આખો ગજબનો વિસ્તાર પામતો વિષય છે જેના પર લખીએ એટલું ઓછું છે. આજે એ વિષયના વ્યાપને હજુ વધારે એક્‌સપ્લોર કરવો છે.
દરેક વ્યક્તિને ખબર હોય છે કે ઑન વિચ સાઈડ માય બ્રેડ ઈઝ બટર્ડ. મારો સ્વાર્થ ક્યાં છે. અને પોતાના સ્વાર્થને એટલે કે પોતાના હિતને કેન્દ્રમાં રાખીને જ દરેક વ્યક્તિ બીજા સાથે વર્તતી હોય છે, પોતાનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખીને વ્યવહાર કરતી હોય છે. આ બધું ક્યારેક સભાનતાપૂર્વક અને ક્યારેક કોઈ જાતની સભાનતા કે આયાસ-પ્રયાસો વિના થતું હોય છે.

આમ છતાં આપણે ઘણી વખત પસ્તાતા હોઈએ છીએ, અફસોસ કરતા હોઈએ છીએ કે મારે આવું નહોતું કહેવું જોઈતું, મારે આ રીતે નહોતું વર્તવું એની સાથે, મેં મારી ફીલિંગ્સ એની સમક્ષ વ્યક્ત કરી દીધી તે ખોટું થયું.

આવું શા માટે થતું હશે? અનેક કારણો છે. આપણા સૌનામાં વિવિધ પ્રકારની સારી-નરસી લાગણીઓનો ભંડાર ભરેલો છે. આ તમામ લાગણીઓને વ્યક્ત કરવી કે નહીં, કેટલી અને ક્યારે કરવી એનું કોઈ લેખિત બંધારણ નથી.

સારી લાગણીઓને પણ જ્યાં ત્યાં વ્યક્ત ન કરાય. એ વેડફાઈ જાય એટલું જ નહીં, ખોટા સમયે, કે અયોગ્ય વ્યક્તિ સમક્ષ પ્રગટ કરેલી સારી લાગણીઓ આપણા પોતાના જ માટે નુકસાનકારક પુરવાર થાય.

દયા કે ઉપકાર કરવાની લાગણી આપણ સૌનામાં હોય છે. સારી ભાવનાઓ છે. પણ તમે કેટલીયવાર જોયું હશે કે કોઈના પર દયા ખાઈને તમે એનું સારું કરવા ગયા હો અને છેતરાયા હો અથવા ભોંઠા પડ્યા હો અથવા દયાથી પ્રેરાઈને તમે જે કંઈ મહેનત કરી હોય કે તમારી શક્તિઓ અને નાણાં ખર્ચ્યા હોય તે વેડફાઈ ગયાં હોય. ઉપકારનું પણ એવું જ છે. ક્યારેક ઉપકાર કરવા જતાં એવી પરિસ્થિતિ સર્જાય કે તમને થાય કે આમાં તો અમે જ ફસાઈ ગયા. ઉપકારના બદલામાં જશને બદલે અપજશ મળ્યો.

પ્રેમમાં પણ એવું થતું હોય છે. પ્રેમ ક્યારે, કેવી વ્યક્તિ આગળ વ્યક્ત કરવો એનું પ્રમાણભાન નથી રહેતું અને માણસ જિંદગીભર પસ્તાય છે. પ્રેમ, દયા, ઉપકાર વગેરે એવી લાગણીઓ છે જેને વ્યક્ત કરવા આપણે તલપાપડ હોઈએ છીએ. આ લાગણીઓ વ્યક્ત થઈને બીજાઓ સુધી પહોંચે એટલે આપણે અધીરા બનીને આપણી આસપાસ જે હાથમાં આવ્યું તેની આગળ એ લાગણીઓને ઠાલવી દઈએ છીએ.

આપણે જો એટલું સમજી લઈએ કે સારી લાગણીઓની અભિવ્યક્તિ કરીને આપણે બીજાનું ભલું નહીં આપણું પોતાનું ભલું ઈચ્છતા હોઈએ છીએ તો જ આ સારી લાગણીઓની અભિવ્યક્તિથી ક્યારેક જે નુકસાન થતું હોય છે તેનાથી બચી શકીએ.

દયાની ભાવનાથી પ્રેરાઈને કે કોઈના પર ઉપકાર કરીને બીજાનું જે કંઈ ભલું થતું હશે તે થવાનું જ છે પણ અંદરખાનેથી, સબ કૉન્શ્યસલી, તો આપણે આપણી આગળ સારા દેખાવા માગતા હોઈએ છીએ. આપણે આપણી જાતને ફીલ ગુડ કરાવવા માગતા હોઈએ છીએ. આપણે સારા છીએ એવો અહેસાસ આપણી જાતને કરાવવા માગતા હોઈએ છીએ. અને આવો અહેસાસ થાય એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ એક વાત સ્પષ્ટ હોવી જોઈએ કે જે કંઈ સારું કરવાની તમન્ના મારામાં છે તે હું મને સારું ફીલ થાય માટે હું કરું છું – એને લીધે બીજાને ફાયદો થતો હોય તો એ આ મારા વર્તનની આડપેદાશ છે. કારણ કે બીજાને ફાયદો થતો હોય, લોકોનું ભલું થતું હોય એવું કામ કરીને જો મને સારું ન લાગવાનું હોય કે મને ત્રાસ મળવાનો હોય તો એવાં દયા-ઉપકારનાં કામો હું કરું? ના જ કરું.

આટલી સમજ કેળવાય તો દયા-ઉપકારનાં કામ કરતી વખતે આપણામાં નીરક્ષીર વિવેક આવશે કે ક્યારે આવાં કામ કરવાં, કોના માટે કરવાં, કેટલી હદ સુધી કરવાં. તમારે સારું ફીલ કરવું છે એટલે અધીરા બની જઈને જ્યાંને ત્યાં દયા-મમતા દેખાડવા કે ઉપકાર કરવા બેસી ન જવાનું હોય. કેટલાક લોકો તમને છેતરવા માટે જ તમારી પાસે દયા-કરુણા ઉઘરાવતા હોય છે. કેટલાક લોકો તમને શરમમાં નાખીને તમારી પાસે પોતાના પર ઉપકાર કરાવતા હોય છે – કોઈ મેરિટ્‌સ વિના.

ઉપકાર કે દયા કરીને સારું ફીલ કરવાની તમારી લાગણી પર તમારે નિયંત્રણ રાખવું જોઈએ. કોઈના પર તરત જ ભરોસો મૂકીને દયા-ઉપકારનાં કાર્યો કરતાં પહેલાં ચાર ગળણીએ એમની વાતોને ચકાસવી જોઈએ. આવું કામ કરીને મને પોતાને સારું લાગશે એ વિચારને કેન્દ્રમાં રાખ્યા વિના, આવું કામ કર્યા પછી, એના અમલીકરણ બાદ, કોનું – કેટલા લોકોનું – ક્યારે અને કઈ હદ સુધીનું કલ્યાણ થવાનું છે એની ગણતરી તમારે કરવી જોઈએ.

સાચી ભાવનાઓને, સારી લાગણીઓને આપણે વગર વિચાર્યે વ્યક્ત કરીને આપણા માટે ટેમ્પરરી ફીલ ગુડ કરીએ છીએ પણ ક્યારેક લાંબા ગાળા સુધી એનો કડવો સ્વાદ આપણા અંતરને કોતરી નાખે છે. સારી લાગણીઓમાં પ્રેમ, વહાલ, સ્નેહ વગેરેનો માન, આદર વગેરેનો અને બીજી પણ ઘણી લાગણીઓનો સમાવેશ થાય છે જેના વિશે આવતા અઠવાડિયે અને એ પછી ખરાબ લાગણીઓના મૅનેજમેન્ટ વિશે થોડુંક વધુ.

સાયલન્સ પ્લીઝ

જિંદગીમાં જે કંઈ શ્રેષ્ઠ છે તેમાંનું કશું જ પરસેવો પાડ્યા વિના મળવાનું નથી.

_એડગર એલન પો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here