ભીંતો રંગવી છે કે કૅનવાસ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શનિવાર, 15 ડિસેમ્બર 2018)

લખવું અને બોલવું એ તો સેકન્ડરી ક્રિયાઓ છે. પ્રાયમરી ક્રિયા વિચારવાની છે. વિચાર કર્યા પછી લખાય છે અથવા બોલાય છે અને વિચાર કરવો એટલે શું? અહીંથી ને ત્યાંથી ઉસેટીને ભેગા કરેલા વિચારોને રંગરોગાન કરીને પોતાના નામે ચડાવી દેવાની ક્રિયાને વિચાર કરવા ન કહેવાય. દુકાન આગળની ફૂટપાથ પર એન્ક્રોચમેન્ટ કરનારો દુકાનદાર જેમ કહી ન શકે કે સબ ભૂમિ ગોપાલ કી એમ અહીંથી-ત્યાંથી વાળીઝૂડીને વિચારો ભેગા કરનારા ન કહી શકે કે આ દુનિયામાં મૌલિકતા જેવું કશું છે જ નહીં, જે છે તે બધું જ અગાઉ કોઈ કહી ગયેલું છે.

અગાઉ કોઈકે તો કંઈક કહ્યું હતું. એ એની મૌલિકતા હતી. વેદ-ઉપનિષદના રચયિતાઓને એમની મૌલિકતા હતી. રામાયણ અને મહાભારતના મૂળ ગ્રંથો રચનારાઓની પાસે એમની મૌલિકતા હતી. મૌલિકતાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. જેઓ કશું મૌલિક વિચારી નથી શકતા, માત્ર ઉઠાંતરી કરીને લખી-બોલી જાણે છે તેઓ જ પોતાની ઊણપ ઢાંકવા કહેતા ફરે છે કે આ દુનિયામાં કશું મૌલિક નથી.

મૌલિકતા ઉછીની મેળવી શકાતી નથી. મૌલિકતા શીખી શકાતી નથી. મૌલિકતા ભગવાન બધાને આપતો નથી. એ એને જ આપે છે જેનામાં આ આશીર્વાદના બીજમાંથી વૃક્ષ થાય એવી ફળદ્રુપ ભૂમિ હોય અને જે પોતાની નિષ્ઠા ઉમેરીને એ ભૂમિમાં રોપેલા બીજની માવજત કરી શકે, પૂરતો પરસેવો પાડીને એને ખાતર-પાણીનો અનુકૂળ પુરવઠો આપતો રહે.

મૌલિક સર્જનો ચાહે તે કોઈપણ ક્ષેત્રના હોય, આઈફોનથી માંડીને નવા રાગ સુધીના કોઈપણ સર્જનો વિના આ દુનિયા અધૂરી હોત. સેલફોન તો બે ડઝન કંપનીઓ બનાવતી હોય, કૉમ્પ્યુટર કે સંગીત સાંભળવાના પર્સનલ સાધનો પણ અનેક કંપનીઓ બનાવતી હોય, પણ સ્ટીવ જૉબ્સની સર્જનાત્મકતા પરબીડિયામાં સમાઈ જાય એવા પાનામાં લૅપટોપ કે કેસેટ નાખવાની જંજાળ વિનાના આઈપોડ બનાવી શકે. રંગ વેચતી દુકાનો તો બેઉ છે, પણ એકમાં મકાન અને ઘરની દીવાલો રંગવાના ડબ્બા વેચાય છે. બીજી દુકાનમાં કૅનવાસ પર સર્જન કરવાના ઑઈલ પેઈન્ટ્સની ટયૂબો વેચાય છે. એક ફિલ્મમાં કહ્યું હતું એમ તમારે જાડા પીંછા વડે લોકો જે કહે તે રંગે દીવાલો રંગી આપવી છે કે પછી ઝીણી પીંછી વડે તમને મનગમતા રંગ વાપરીને મૌલિક ચિત્રો દોરવાં છે એ તમારા ઉપર છે. તમારી પાસે જેવી ટેલન્ટ હોય, જેવી દાનત હોય, જેવી હેસિયત હોય અને જેવી નિષ્ઠા હોય તેના પર તમારા નિર્ણયનો આધાર છે. રંગકામનો કૉન્ટ્રાક્ટ લેનારાઓ ક્યારેક ચિત્રકામ કરનારા કરતાં કંઈક ગણું અધિક કમાઈ લેતા હોય છે. નાનકડા કૅનવાસ પરનું ચિત્ર દોરાઈ જાય તો ચાર કલાકમાં અદ્ભુત કળાકૃતિ સર્જાન જાય અન્યથા બે વર્ષની મથામણ પછી ચિત્ર પૂરું થાય. ઉપરવાળાના હાથમાં છે એ બધું.

જે સત્વશીલ છે તે જ કાયમી છે, ચિરંજીવ છે. રાતોરાત કે વગર મહેનતે મળી જતું કશું પણ ઝાઝું ટકવાનું નથી. બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી જશે એની રાહ જોઈને બેસનારાઓ છેવટે બાય, બૉરો ઑર સ્ટીલમાં માનતા થઈ જતા હોય છે. જે ચીજ ખરીદી શકાય એમ ન હોય, ઉછીની લઈ શકાય એમ ન હોય એની ચોરી કરી લો, એને તફડાવી લો.

વીતેલા બે એક અઠવાડિયામાં બે ઘટનાઓ એવી બની ગઈ જેનું આ ફ્રસ્ટ્રેશન છે. 29મી નવેમ્બરે એઝ યુઝવલ વહેલી પરોઢે ઊઠીને ‘અરોરા’માં રજનીકાન્તની ‘ટુ પોઈન્ટ ઓ’ જોવા ગયા. નિરાસ થઈને પાછા આવ્યા. 8મી ડિસેમ્બરે ષણ્મુખાનંદમાં ‘આઠ પ્રહર’નું ચોથું લગલગાટ વર્ષ અટેન્ડ કર્યું. પૂરા 24 કલાકનું જાગરણ. બેઉ જગ્યાએ વાતાવરણની મઝા ભરપૂર માણી પણ સત્ત્વ કશું પામ્યા નહીં. રજનીસરની ફિલ્મોમાં ‘સત્ત્વ’ શોધવાનું ન હોય પણ ત્યાં સત્ત્વ એટલે મનોરંજન જે મળ્યું નહીં. આ બેઉ ઈવેન્ટ્સના અમે જબરા ફૅન, તમને તો ખબર જ છે. નૅકસ્ટ પર પણ મિસ નથી જ કરવાના, એય પાકું. પણ જ્યાં મૌલિકતા ઓસરી જાય અને દેખાદેખી પ્રવેશી જાય ત્યાં બાહ્ય ભપકો ગમે એટલો હોય, બહુ કંઈ મઝા આવતી નથી. મૌલિક કશું પણ મળે, ભલે એક છાંટો જ કેમ ન હોય, જાન પાથરી દેવા તૈયાર છીએ, પણ પેઈન્ટના કે પેઈન્ટના ડબ્બા વેચવામાંથી કરોડોની કમાણી થતી હોય તોય નથી કરવી. ઝીણી પીંછીથી થતું ચિત્રકામ જ કરવું છે. પછી ભલે ને ચિત્ર પૂરું કરવામાં વર્ષો વીતી જાય. અહીં ઉતાવળ કોને છે?

આજનો વિચાર

સવિનય જણાવવાનું કે ચાઈનીઝ દોરી વિશેના મેસેજ મોકલવાનું ચાલુ કરું કે હજુ વાર છે?

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બકાની વાઈફ: હું આજે સાંજે કંઈ રસોઈ બનાવવાની નથી, થાકી ગઈ છું. થાકી…

બકો: હા, હોં, ન બનાવતી… અમેય થાકી ગયા છીએ.

4 COMMENTS

  1. મસ્તાન આર્ટિકલ બોસ. વરસો પહેલા થોડાક જુદા સંદર્ભે દેવદાસ શાહ ‘અમીર’ સાહેબે સરસ વાત કરી હતી જ્યારે ગઝલ ગાયકી ખીલી રહી હતી કે હવે પીરસણીયાનો જમાનો છે. રસોઈયાને કોઈ ભાવ પૂછતું નથી.

  2. લખાણ ke સાહિત્ય ના ક્ષેત્ર માં કશું નથી કહી શકતો પણ આજકાલ ના મહાન કથાકારો કે ઉપદેશકો તો રજનીશ જી નો જ સહારો લે છે અને એટલે જ લોકપ્રિય થઇ રહ્યા છે …

  3. નિખાલસ લખાણ – વાચકો સાથે વાતચીત- એ આપની મૌલિકતા છે.
    આપ હંમેશા લખતા રહો. ✔

    ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here