એમણે વાટકા ટોપી ન પહેરી તે ન જ પહેરી

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 14 ડિસેમ્બર 2018)

1992માં બાબરી તૂટ્યાના લગભગ 10 વર્ષ બાદ ગોધરાની ઘટના બની. કોઈ કારણ વિના, કોઈ ઉશ્કેરણી વિના 27 ફેબ્રુઆરીની વહેલી સવારે ગોધરા સ્ટેશને ઊભેલી સાબરમતી એક્સપ્રેસના એસ-સિક્સ અને એસ-સેવન ડબ્બાઓમાં મુસાફરી કરી રહેલા 59 હિન્દુ કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. રાજદીપ સરદેસાઈ જેવા પત્રકારોએ કપોળકલ્પિત થિયરી ઘડી કાઢી કે ચા-પાણી-નાસ્તાનું બિલ આપવાના ઝઘડામાંથી આ ઘટના ઉદ્ભવી. કોઈએ કહ્યું કે ગોધરાના પ્લેટફોર્મ પરથી કોઈ મુસ્લિમ ટીનેજરને ઉઠાવીને હિન્દુ કારસેવકોએ ડબ્બામાં લઈ જઈને એના પર ગૅન્ગ રૅપ કર્યો એટલે ઉશ્કેરાયેલા મુસ્લિમોએ એ લોકોને જીવતા સળગાવી દીધા.

આ ઘટના જે રીતે બની તે જોતાં પ્રથમ દૃષ્ટિએ જ ખબર પડતી હતી કે આ પૂર્વયોજિત કાવતરું હતું. હું તે વખતે એક દૈનિકમાં તંત્રીની જવાબદારી સંભાળતો હતો અને આ સમાચાર આવતાવેંત મેં મારા ફોટોગ્રાફર તેમ જ બે રિપોર્ટર (એક હિન્દુ, એક મુસ્લિમ)ને પહેરેલ કપડે ઑફિસમાંથી જ સીધા સ્ટેશને જઈને ટ્રેન પકડીને ગોધરા મોકલી દીધા. સાંજ સુધીમાં એમના તરફથી ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ્સ આવવાના શરૂ થઈ ગયા. જાનના જોખમે મેળવેલા આંખેદેખ્યા અહેવાલનું સેન્ટ્રલ તથ્ય એ હતું કે આ પૂર્વયોજિત કાવતરું હતું. મેં એ રિપોર્ટ્સ વત્તા અલગથી મારું પૃથક્કરણ છાપવાનું શરૂ કર્યું પણ સેક્યુલર મીડિયા આ ઘટનાને રફેદફે કરી દેવા માગતું હતું. કોઈએ આ ઘટનાની ટીકા કરતી નુક્તેચીની કરવાનું પણ મુનાસિબ માન્યું નહીં. પણ જેવો આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે કોમી તનાવને કારણે વડોદરામાં એક મુસ્લિમની હત્યા કરવાનો છૂટક બનાવ બન્યો કે તરત જ, 28મી ફેબ્રુઆરીએ સેક્યુલરો હિન્દુઓની પાછળ હાથ ધોઈને પડી ગયા. એ પછીનું અઠવાડિયું ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ખાસ્સું તનાવપૂર્ણ રહ્યું. પ્રથમ દસ દિવસ પછી રોજ કોઈ છૂટક ઘટના બનતી જેમાં બે-પાંચ કિસ્સાઓ હત્યાના બનતા અને ક્રમશ: એ પણ ઘટી ગયા. માર્ચના અંત પહેલાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ. કુલ લગભગ 1,000 જેટલા લોકો આ રમખાણોમાં માર્યા ગયા જેમાંના બધા જ કંઈ મુસ્લિમો નહોતા. અલમોસ્ટ 40 ટકા જેટલા હિન્દુઓ હતા. રમખાણો એકપક્ષી હરગિજ નહોતા. જાનમાલનું નુકસાન બેઉ પક્ષે થયું હતું. માર્યા ગયેલા કુલ 1,000 જેટલા નાગરિકોમાંથી લગભગ 300 જેટલા પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા અને આ ત્રણસોમાં હિન્દુ-મુસ્લિમ ઈક્વલ પ્રમાણમાં હતા. પોલીસે કંઈ માત્ર મુસ્લિમોને જ ટાર્ગેટ નહોતા કર્યા.

પણ ડાબેરી મીડિયાએ તદ્ન ઊંધું જ ચિત્ર ઉપસાવ્યું. સમગ્ર ગુજરાતમાં રમખાણો થઈ રહ્યાં છે એવું કહ્યું જે જુઠ્ઠાણું હતું. મુસ્લિમોનું જાતિનિકંદન કાઢવામાં આવે છે એવું કહ્યું જે હાડોહાડ જુઠ્ઠાણું હતું. સરકાર કંઈ કરતી નથી, પોલીસો દ્વારા મુસ્લિમોની કતલ કરાવાય છે, હિન્દુઓને પોલીસ કંઈ કરતી નથી એવી બૂમાબૂમ કરવામાં આવી જેમાં સૌથી મોટો કકળાટ કરનારી તિસ્તા સેતલવાડ સહિતની કેટલીક એનજીઓની બહેનજીઓ હતી જેમનાં નામ લેતાં હિન્દુવાદીઓ પણ ડરતા. એક યુ-ટર્ન મારનારા હિન્દુવાદીએ તો જાહેરમાં બે હાથ જોડીને પોતાની માફી પણ છાપી આપી હતી. રાજદીપ, બરખા, તિસ્તા, શેખર અને બીજા અનેક હિન્દુવિરોધી સેક્યુલરવાદીઓનાં નામ દઈને એમનાં કુકર્મો હું મારા લેખોમાં ઉઘાડા પાડતો. આને કારણે હું ‘હિન્દુ કોમવાદી’ તરીકે ચીતરાઈ ગયો જેનો મને લેશમાત્ર અફસોસ નહોતો. ઈન ફેક્ટ, મેં આ બધા અને કેટલાક જૂના લેખોનો સંગ્રહ કરીને પ્રગટ કરેલ – પુસ્તકની પ્રસ્તાવનાના અંતમાં કંઈક આ મતલબનું લખ્યું પણ ખરું કે: હા, હું કોમવાદી છું. જો કોઈ પોતાના રાષ્ટ્રનું ઉપરાણું લે અને એને રાષ્ટ્રવાદી કહેવામાં આવે ત્યારે એને જે ગૌરવ થાય એવું જ ગૌરવ હું જ્યારે મારી કોમનું ઉપરાણું લઉં છું ત્યારે મને કોમવાદી કહેવામાં આવે છે તો મને ગૌરવ થાય છે.

મારી એ પ્રસ્તાવના યુ-ટર્નવાળા પેલા હિન્દુવાદીને એટલી સજ્જડ ચોંટી ગઈ કે મારું પુસ્તક પ્રગટ થયાના પોતાના બે-ચાર વર્ષ પછી એમણે પતોના એક લેખમાં (અને એ લેખ પોતાના પુસ્તકમાં છપાયો ત્યારે એમાં પણ) લખ્યું કે ‘હું (એટલે કે એ) કોમવાદી છું.’ ક્યાંય ઓરિજિનલ સોર્સનો ઉલ્લેખ પણ નહીં!

ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં રમખાણો દરમ્યાન સેક્યુલરોની જાત સાવ નિર્વસ્ત્ર થઈ ગઈ. ભારતીય પ્રજાએ જોઈ લીધું કે આ ડાબેરીઓ કેટલા ઝનૂની છે અને ભારતની હિન્દુ સંસ્કૃતિને તહસનહસ કરવા તેઓ શું શું નહીં કરે. ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં રમખાણો દરમ્યાન ડાબેરી સેક્યુલરોએ જે રીતે ગુજરાતની પ્રજા પર, હિન્દુઓ પર અને ઈનપર્ટિક્યુલર સી.એમ. નરેન્દ્ર મોદી પર જે માછલાં ધોયાં એને કારણે ઘડીભર લાગતું હતું કે ભારત પર હવે આ સેક્યુલરોનું રાજ કાયમ થઈ જવાનું. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી. 2009માં પણ સોનિયા સરકાર જ આવી. એ દસકો હતાશાનો દાયકો હતો. પણ ફસ્ટ્રેશનના એ દસ વર્ષ દરમ્યાન ભારેલો અગ્નિ પ્રજ્વળતો રહ્યો. કૉન્ગ્રેસની બનાવટી મુસ્લિપ્રીતિ વારંવાર ખુલ્લી થતી રહી. સાચર કમિટીનાં રેકમેન્ડેશન્સ વખતે વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે કહ્યું કે આ દેશનાં સંસાધનો પર મુસ્લિમોને હક્ક સૌથી પહેલો છે ત્યારે તો વાતની પરાકાષ્ઠા આવી ગઈ. આની સામે ગુજરાતના સી.એમ. તરીકે મુસ્લિમોનો પ્રેમ જીતવા સદ્ભાવના યાત્રાએ નીકળેલા નરેન્દ્ર મોદીએ મંચ પર, જાહેર જનતા તથા ટીવી કૅમેરાની સામે ધરાર મુસ્લિમ આગેવાનો એમને જે પહેરાવવા માગતા હતા તે જાળીદાર વાટકા ટોપી પહેરવાનો ઈનકાર કર્યો. આવું કરવાની હિંમત હજુ સુધી કોઈએ દેખાડી નહોતી. કૉન્ગ્રેસી નેતાઓ કે મુલાયમ તથા લાલુ જેવા નેતાઓ તો પોતાના ખિસ્સામાં જ આવી લીલી-સફેદ ટોપીઓ લઈને ફરતા અને તક મળે ત્યારે ઈફ્તારીઓમાં ઘૂસીને ટોપીવાળા ફોટાઓ પડાવતા. વાજપેયીજીએ પણ 2004ના ચૂંટણી પ્રવાહ દરમ્યાન મરણિયા થઈને ભાજપ માટે સત્તા બચાવવાના પ્રયાસરૂપે લીલી ટોપી પહેરેલા ફોટાઓ પડાવ્યા હતા. સી.એમ. મોદીની ખૂબ ટીકા થઈ. પણ એની સામે એમણે પુરવાર કરી બતાવ્યું કે 2002 પછી છેક 2014 સુધી (અને હજુ પણ) ગુજરાત મુસ્લિમો માટે એકદમ સુરક્ષિત હતું. અઝીમ પ્રેમજીથી લઈને રતન તાતા સુધીના દિગ્ગજ ઉદ્યોગ આગેવાનોએ 2002 પછી મોદીની ખુલ્લા મોઢે ટીકા કરી હતી તે જ ઉદ્યોગપતિઓ હવે મોદીના રાજમાં હજારો કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા. આ પ્રભાવ ગુજરાતે, ગુજરાતની પ્રજાએ અને ગુજરાતની પ્રજાના સિંહની છાતી ધરાવતા નેતા મોદીએ ઊભો કર્યો.

પણ સેક્યુલરો હજુ ગુજરાતની છાલ છોડે એમ નહોતા. ટીવીની ચર્ચાઓમાં તેમ જ અંગ્રેજી અખબારોની હેડલાઈનોમાં ગુજરાત હજુય પછાત, કોમવાદી માનસવાળું અને માત્ર પ્રચારના જોરે ઊજળું થયેલું રાજ્ય હતું.

ચાણક્ય બુદ્ધિ કરતાં ચાર ચાસણી ચડે એવી પ્રજ્ઞા ધરાવતા મોદીએ 2014ની લોકસભા ચૂંટણી માટે સૌપ્રથમ ભાજપના વડા પ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે પોતાનું નામ આવે એવું નિશ્ર્ચિત કર્યું ત્યારે એમના સપોર્ટર્સ પણ ચોંકી ગયા. શું મોદી ખરેખર રાષ્ટ્રીય સ્તરે કામગીરી કરવાને શક્તિમાન છે? 2014માં ભાજપને ચૂંટણી જિતાડી આપીને હક્કપૂર્વક વડા પ્રધાન બનેલા મોદીએ પુરવાર કર્યું કે ગઈ કાલ સુધી કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે ઉઠબેસ કરનારાનું રિયલ ટિમ્બર તો ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીન, જપાન, ફ્રાન્સ, બ્રિટન, સાઉદી અરેબિયાના વડાઓ સાથે ઊઠબેસ કરવાનું છે.

2014માં મોદી વડા પ્રધાન બન્યા પછી હિન્દુવાદીઓ પ્રગટપણે સેક્યુલરોની સામે પડ્યા. સોશ્યલ મીડિયા પર 2010થી 2013 સુધીનાં વર્ષોમાં સેક્યુલરોનું જોર ચાલતું તેઓ હવે ફરિયાદ કરવા લાગ્યા કે ‘મોદી ભક્તો’એ સોશ્યલ મીડિયા હાઈજેક કરી લીધું છે.

14 COMMENTS

  1. આપનો લેખ સરસ વિચાર સભર છે. પરંતુ આપના મોદીજી પ્રત્યે નાં પ્રેમ કે આદર નાં કારણે તેમને ચાણક્ય બુધ્ધિ કરતા ચાર ચાસણી ચડે તેવી પ્રજ્ઞા વાળા લખો છો ત્યારે વાહિયાત અતિરેક કરીને કલમ નું તેજ ઓછું કરો છો.

    • Chanakya na badha j pustako pahela vanchi leva karta samje leva jaruri chhe ane pachi Modiji e karela Kamo ane vicharo- strategy ane niti ne samjay evirite vanchi leva jaruri chhe, Shri Saurabh bhai Shah no jem,
      Pachhi Comment karva no layakat ABI kahevay, KADACH.

  2. હજુ દેશ કરવટ બદલીરહ્યોં છે. હજુ ઘણા ગમતા અને ના ગમતા નિર્ણયો અને પરિણામ આવીશક્શે.
    2019 એ છેલ્લી ચૂંટણી નહિ હોય તે શરૂઆત હશે.! અને મોદી વિચારધારા ની પ્રજવલિત જ્યોત અંતિમલક્ષ સુધી પહોંચશે…વાક્ય મેરાદેશ બદલરહા હૈ. તયારે બધુજ તાત્કાલિક બને એ શક્ય ના હોય, માત્ર ભાવિના ગર્ભ માં છુપાયેલા સૂર્ય ને બહાર આવવાની રાહ જોવાની હોય, અને તેપણ તેના ચોક્કસ સમયે..!!
    ચેતન ઠાકર

  3. આ કેવી લોકશાહી છે
    કે પત્રકારો ગોધરાકાંડ જેવા સંવેદનશીલ વિષયમા પણ જુઠ્ઠાણું ચલાવવા ની હરકત કરી શકે..
    અને પપ્પુ કે જે એક રાષ્ટ્રીય સંગઠન ના અધ્યક્ષ થઈ ને પણ રાફેલ મુદ્દે ‘ચોકીદાર ચોર છે ‘ જેવુ જોર થી જુઠું બોલી જાય ..
    એને ખુલ્લો પાડવાની આટલા મોટા લોકતંત્ર મા વ્યવસ્થાજ નથી…

  4. બોસ બહુ જ મસ્તાન આર્ટિકલ. ગોધરાકાંડ અંગે તમારો અભિગમ પહેલા દિવસથી પસંદ આવ્યો છે. ગુજરાતી મિડ ડે માં આપે લખી લ છેલ્લો લેખ.

    ન હોતા ગર જુદા તનસે તો ઝાનો પર ધરા હોતા. આજે પણ સાચવી રાખ્યો છે.

  5. Saras, Saurabhbhai ek dam point vise Aparna lekho Ghana Varsha thi vanchu chhu. Tamara Nana Eva article no pan hammesha intejar rage chhe. Khub Khub Abhinandan. First-time I have replied.

  6. ‘ હા, હું કોમવાદી છું’ – એ તમારો રણકાર મને ગમ્યો.. કારણ કે ‘seeker’ કે ‘aetheist’ હોવા છતાં અભ્યાસ અને વિશ્લેષણ પછી, સર્વસત્તાધીશ થવાની હોડમાંના બે મુખ્ય ધર્મો- ક્રિશ્ચ્યાનિટી અને ઈસ્લામ કરતાં, હિંદુ ધર્મ અનેકાનેક ગણો ચડિયાતો છે-માનવીય, સહિષ્ણુ અને સર્વસમાવેક છે..એમ કહીને- ‘હું હિંદુ છું’ એમ પ્રાઊડલી કહીને; એમ ઉમેરું પણ છું કે, ઊંચ-નીચના ભેદભાવ જેવી (મુળભૂત હિંદુ નહિ તેવી) તાજેતરની બદીઓ દૂર કરવા એણે બીજા ધર્મો પાસેથી શીખવું પણ જોઈએ !!

  7. સાહેબ, મંદિર ક્યારે બંધાશે. જો બહુમતી વાળી હિન્દુવાદી સરકાર પણ આ કામ નથી કરી શક્તી તો શો ફાયદો ? સરકાર તો આવે અને જાય , હીમ્મત ની જરૂર છે . ભગવાન રામ કોઈ ને દુઃખી નહીં કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here