કપરા સંજોગો અને બિહામણી કલ્પનાઓનું કૉમ્બિનેશન કેવું હોય

તડકભડક: સૌરભ શાહ

(‘સંસ્કાર’ પૂર્તિ, ’સંદેશ’, રવિવાર, ૨૨ માર્ચ ૨૦૨૦)

ખરાબ વાસ્તવિક પરિસ્થિતિ કરતાં એ પરિસ્થિતિ વિશેની અતિશયોક્તિભરી કલ્પનાઓ વધારે નુકસાન કરે છે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. કોરોના વાયરસથી જગતભરમાં જેટલા લોકોનાં મોત થાય છે( અથવા થઈ શકે એમ છે) એના કરતાં અનેક હજાર કે લાખગણાં મૃત્યુ ડાયાબીટીસ, બીપી, હાર્ટ ટ્રબલ જેવી બીજી પચાસ બીમારીઓથી થયાં છે, થતાં રહેશે. આમ છતાં છેલ્લાં થોડાક અઠવાડિયાથી સૌના મગજ પર કોરોનાનો ભય છવાઈ ગયો છે. આ ભય વાસ્તવિક પરિસ્થિતિને બદલે અતિશયોક્તિભરી કલ્પનાઓમાંથી સર્જાયો છે. કોરોનાને એનું કામ કરવા દઈએ, આપણે આપણું કામ કરીએ.

તમે બીમાર પડો છો કે ધંધામાં ખોટ ખાઓ છો કે પરીક્ષામાં નાપાસ થાઓ છો કે નોકરીમાંથી રુખસદ મેળવો છો કે પ્રેમભગ્ન થાઓ છો કે સ્વજનના મૃત્યુનો આઘાત અનુભવો છો કે પછી કોઈએ કરેલા વિશ્વાસઘાતનો ભોગ બનો છો ત્યારે અત્યંત કપરી પરિસ્થિતિ સર્જાતી હોય છે તમારા માટે. તમે એ વખતે દિશાશૂન્ય બની જાઓ છો, વિહ્‌વળ બની જાઓ છો. ભાંગી પડો છો.

પણ કુદરતે આપણા સૌમાં એક અદૃશ્ય શક્તિ આપી છે – આવી પરિસ્થિતિઓને સહન કરવાની. જે લોકોને આ કુદરતી હીલિંગ પાવરમાં શ્રદ્ધા છે તેઓ વખત જતાં ફરી પાછા રાબેતા મુજબનું જીવન જીવતા થઈ જાય છે. પણ ઘણા લોકો આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થતી વખતે એવી એવી કલ્પનાઓ કરીને મગજને રૂંધી નાખતા હોય છે કે વર્ષો સુધી એમણે આ પરિસ્થિતિએ સર્જેલો તાપ સહન કરવો પડતો હોય છે. કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવાને બદલે તેઓ એમાં વધુને વધુ ઊંડે સુધી ખૂંપતા જાય છે. કારણ કે એમને આવતીકાલે આના કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ સર્જાશે એનો ડર હોય છે. આ ડર કલ્પનાને કારણે સર્જાયેલો હોય છે. જો ખરેખર એ કલ્પના સાચી પડવાની હશે તો ત્યારની વાત ત્યારે. અત્યારે તો જે કપરી પરિસ્થિતિ ઑલરેડી સર્જાયેલી છે એની સાથે જ તમારે ડીલ કરવાનું છે, આજની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ તમારે તમારાં તમામ સંસાધનો-શક્તિનો ઉપયોગ કરવાનો છે. પણ તમે હવે ભવિષ્યમાં શું થશે એની કલ્પના કરીને ડરી જાઓ છો જેને કારણે આજની સમસ્યા પર ધ્યાન આપી શકતા નથી. 

કપરી પરિસ્થિતિ દરમ્યાન થતી કલ્પનાઓ બિહામણી હોય છે. અને કપરી પરિસ્થિતિ દરમ્યાન થતી સુંવાળી કલ્પનાઓ પણ તમને વાસ્તવિકતાથી દૂર લઈ જતી હોય છે. વખત જ્યારે કપરો ચાલતો હોય ત્યારે કલ્પના કરવાથી દૂર રહેવું. ખરાબ વખતને કારણે આર્થિક મૂંઝવણો ઊભી થઈ હોય તો ભવિષ્યમાં શું થશે એની કલ્પના કરીને ગભરાઈ જવાને બદલે આજની ચિંતા કરવી. આજના ખર્ચાની ચિંતા કરવી અને એને ઉકેલવા માટે બ્સ્ધી શક્તિઓ વાપરવી. 

બિહામણી કલ્પનાઓ આપણને વાસ્તવિકતાથી દૂર લઈ જતી હોય છે. આપણે હિંમત હારી જઈએ છીએ. જે પરિસ્થિતિ સર્જાઈ નથી તેને કલ્પનામાં જોતા રહીએ છીએ. તેના ઉકેલોની ચિંતા કરીએ છીએ. જે પરિસ્થિતિ સર્જાઈ જ નથી તેનો સામનો આજે કેવી રીતે કરી શકવાના છો તમે? એ તો સર્જાશે તો જ ખબર પડશે કે હવે એનો સામનો કેવી રીતે કરવાનો છે. પણ કલ્પનાને કારણે આપણે એટલા ભયભીત થઈ જઈએ છીએ કે એ કલ્પનાને સાચી માનવા લાગીએ છીએ.

અણગમતી કે કઠોર અવસ્થાઓ દરમ્યાન કલ્પનાઓ કરવાનું છોડીએ એમાં જ આપણું ભલું છે. કોઈના જવાથી જે શૂન્યાવકાશ ઊભો થાય છે તેનો વિકલ્પ શોધવાને બદલે આજે, આ ઘડીએ, એ શૂન્યાવકાશને પૂરવા શું કરવું છે તે વિચારવું. શેરબજારમાં આજે નુકસાન થયું હોય તો કલ્પનાઓ કરી કરીને દુઃખી થવાને બદલે આજે આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો છે તે વિચારવું. તબિયત ખરાબ થઈ ગઈ હોય ત્યારે આ બીમારી તમને મોત સુધી પહોંચાડી શકે છે એવી ભયંકર કલ્પનાઓ કરવાને બદલે એમાંથી સાજા થવા માટે આ ઘડીએ જે કંઈ કરવાનું છે એના પર ધ્યાન આપવું. અને બાકીનું કામ કુદરત પર છોડી દેવું.

કપરા સંજોગોમાં મનને ખુશ કરે એવી પ્રવૃત્તિઓ કરવામાં કે એવી કલ્પનાઓ કરવામાં આપણે ગિલ્ટ અનુભવીએ છીએ. ધંધામાં ખોટ આવી હોય તો હિલ સ્ટેશન પર જઈને વૅકેશન કેવી રીતે લઈએ, લોકો શું કહેશે? પતિનું અકાળે અવસાન થયું હોય ત્યારે કલ્પનામાં કોઈ ખુશનુમા વાતાવરણ સર્જવાની ઈચ્છા હોય તોય એવું વિચારતાં ગિલ્ટ અનુભવાય.

આને લીધે આપણા મનમાં સારા વાતાવરણને બદલે ખરાબ વાતાવરણ, વધુને વધુ ખરાબ વાતાવરણ સર્જાતું રહે છે. આપણે જાતે જ સર્જતા રહીએ છીએ. દુઃખી હોઈશું ત્યારે વધુ દુઃખી હોવાનો દેખાવ કરીશું તો વધારે સહાનુભૂતિ મળશે એવું આપણને લાગે છે. સહાનુભૂતિ અને નક્કર સપોર્ટમાં આસમાન-જમીનનું અંતર હોય છે. સહાનુભૂતિ આપવાવાળા બોલકા હોય છે પણ વખત આવ્યે તેઓ મોં ફેરવી લેતા હોય છે. નક્કર સપોર્ટ આપવાની દાનતવાળા હંમેશાં તમારી આસપાસ રહેતા હોય છે પણ કશું બોલતા નથી અને જેવી એમને ખબર પડે કે તમને કોઈ બાબતે નક્કર સપોર્ટની જરૂર છે કે તરત જ તમારા માગ્યા વિના તમને જોઈતી મદદ પહોંચાડી દેતા હોય છે.

આપણે બધા સમજીએ છીએ કે જિંદગીમાં તડકી-છાંયડી તો રહેવાની છે. સારા સંજોગો વખતે બહુ વિચારવાની જરૂર નથી પડતી. એ વખત જ એવો છે જ્યારે બધાં પાસાં અનાયાસે સવળાં પડતાં જાય. એ સંજોગો જ એવા છે જ્યારે તમારી કોઈ ભૂલ થતી હોય તોય તમને કોઈ કહેવા આવતું નથી. પણ કપરા સંજોગોમાં તમને સલાહ-સૂચનો આપનારાઓ કોણ જાણે ક્યાંથી ફૂટી નીકળતા હોય છે. અઢળક. આ બધાની શિખામણો સાંભળી સાંભળીને આપણી બિહામણી કલ્પનાઓ કાળી ડિબાંગ બનતી જતી હોય છે. ખરાબ વખતમાં કલ્પનાઓ પર તો લગામ રાખવી જ, સલાહ-શિખામણો આપનારાઓથી પણ દૂર જતા રહેવું. કોરોનાના સમયમાં વિદેશ જવા તો નહીં મળે. ઠીક છે. કોઈ નજીકના હવા ખાવાના સ્થળે કે પછી દરિયા કિનારે પહોંચી જવું.

પાન બનાર્સવાલા

મારા એક ચાઈનીઝ પ્રોફેસર મિત્ર સાથે હમણાં જ ફોન પર વાત થઈ. એમનું કહેવું છે કે અત્યારે આ કોરોના-૧૯માં પડવા જેવું નથી સપ્ટેમ્બરમાં એનું નવું વર્ઝન કોરોના-૨૦ પ્રૉ આવી રહ્યું છે, ત્યાં સુધી  રાહ જુઓ!

—વૉટ્‌સએપ પર વાંચેલું

10 COMMENTS

  1. ખૂબ જ સરસ લેખ…..સાહેબ… આપના દરેક લેખ એક ગજબનું આત્મબળ પૂરું પાડે છે…??

  2. કપરા સંજોગો અને બિહામણી કલ્પનાઓ નો આપનો લખેલ લેખ ખુબજ ઉત્સાહ વર્ધક અને ઘરે બેઠાં સુંદર માર્ગદર્શન આપનારો લેખ. ખુબ જીઓ સૌરભ ભાઈ ?

  3. એલા ભાઈ આવી વાતો થી લોકો ને પ્રોત્સાહન ના આપો… અમેય કોઈ માનતું નથી મામલો ખરેખર ગંભીર જ છે.

  4. આપનો ખુબ ખુબ આભાર, સૌરભભાઇ. બહુ જ સુંદર અને મનનીય લેખ છે, આપનો.

  5. ભારત ના માણસ ને વિસવાસ આપણા દેશની તૈયારી પર નથી

  6. Saurabhbhia,

    We need article like this in today’s situation. Ek dam sachot and sundar lekh.

    Aapni Sanksruti ma to Rushi Markandeya dwara Bhagwaan Mahadev ne aarpit karelo. Mahamritynaja Mantra – dwara Mrityu per Vijay ni Katha. Chandra ni pan kaatha chhe. Paschim ma Mrittyu no bhay dekhadva ma aaave chhe jyare aapna puraano ma – Mryto maa amrtiam gamay. Mrityunjay mantra – Aum Tryambakam Yajja Mahe Sugandhim Pushi Vardhanam, Urvarukmiv Bandhana Mrityomukshiya Mamurtat.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here