તમારા પ્રેમને પાત્ર કોણ છે, તમારા માનને લાયક કોણ છે

લાઉડ માઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ’અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧ જાન્યુઆરી ૨૦૨૦)

ઉપકાર કે દયાની જેમ માયા કે પ્રેમની ભાવના પણ માણસમાં ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે અને એને ઠાલવવા માટે આપણે સદા તત્પર હોઈએ છીએ. કેટલીક વખત એવું બનતું હોય છે કે પ્રેમની લાગણી ઠાલવવાની આપણને એટલી બધી ઉતાવળ હોય છે, તીવ્ર હાજત હોય છે કે આપણી આજુબાજુમાં જે કોઈ વ્યક્તિ દેખાઈ એની પાસે જઈને આપણે આપણી આ લાગણી ઠાલવી દેતા હોઈએ છીએ – પાત્રતા કે કુપાત્રતાનો વિચાર પણ નથી કરતા.

ભૂખ લાગે ત્યારે આપણામાં એટલી સમજ તો હોય છે કે વાસી, ઊતરી ગયેલી, બેસ્વાદ અને એટલે તબિયત માટે હાનિકારક હોય એવો ખોરાક ન ખાવો જોઈએ. થોડીક રાહ જોઈને પણ આપણે તાજો સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ છીએ. ક્યારેક એવો પૌષ્ટિક ખોરાક ન મળે તો અડધા ભૂખ્યા રહીને ચલાવીએ છીએ પણ વાસી કે ઉકરડામાં પડેલો ખોરાક તો હરગિઝ નથી શોધતા.

પ્રેમની ભૂખ હોય – પ્રેમ પામવાની કે પ્રેમ આપવાની, આ બેઉ ભૂખ વાસ્તવમાં તો એક જ સિક્કાની બે બાજુઓ છે અને એકસરખી તીવ્રતાવાળી છે – આ ભૂખને સંતોષવા આપણે ધીરજ રાખતા નથી. નજીકમાં કે ઓળખાણમાં કે સહેજ નજર કરતાંમાં જે કોઈ સારું પાત્ર દેખાય તે આપણને તે વખતે ઘણું ઘણું સારું પાત્ર લાગવા માંડે છે. એના ઉપરછલ્લા પ્લસ માઈનસની ગણતરી કરીને આપણે મનને મનાવી લઈએ છીએ કે રાજાને ગમી તે રાણી. એ સ્ત્રી કે પુરુષ સાથે પ્રેમના બંધનમાં બંધાઈને( ક્યારેક ફસાઈને, સામે ચાલીને ફસાઈને) આપણે આપણી જાતને ભ્રમણામાં રાખતા હોઈએ છીએ કે આ પ્રેમબંધનની જોડી તો અગાઉથી ભગવાને નક્કી કરી રાખેલી હોય છે. હિન્દી ફિલ્મો-નવલકથાઓ આ ભ્રમણાને પોષતી રહે છે. મેરેજીસ આર મેઈડ ઇન હૅવન જેવા રૂપાળા રૂઢિપ્રયોગને આપણે વૈજ્ઞાનિક સત્ય માની બેઠા હોઈએ છીએ એટલે કમિટ કર્યા પછી આપણી ભૂલ સમજાય તો પણ આપણે આપણી જાત આગળ એ ભૂલ કબૂલ કરતા નથી. કબૂલ કરવાની હિંમત આવે તો પણ એટલી મોડી આવે અને ત્યારે ખૂબ જ મોડું થઈચૂક્યું હોય છે.

ટીનએજ સંતાનોને સમજાવવું જોઈએ કે પ્રેમ પામવાની અને પ્રેમ ઠાલવવાની લાગણીઓ સાહજિક છે અને એનો આવેશ ઘણો તીવ્ર હોય છે. ભૂખ લાગે ત્યારે કોઈ સારી જગ્યા શોધીને નિરાંતે જમી લઈએ છીએ ત્યારે ન તો આપણે એ રેસ્ટોરાંના માલિક બનવાનાં સપનાં જોઈએ છીએ, ન એવું નક્કી કરીએ છીએ કે હવે આખી જિંદગી આ જ જગ્યાએ ખાવું છે, આ સિવાયની બીજી કોઈ જગ્યાએ નથી ખાવું.

પ્રેમ પામવા કે પ્રેમ ઠાલવવા માટેનું પાત્ર જોતાંવેંત મળી જાય, લવ ઍટા ફર્સ્ટ સાઈટ જેવું થઈ જાય તો મોટાભાગે મનવું કે આ આવેશમય ઉતાવળિયા પગલાથી જે નુકસાન થવાનું છે એના હપ્તા તમારે આખી જિંદગી ભરવાના છે અને તે પણ તમાચો મારી મારીને ગાલ લાલ રાખતાં રાખતાં ભરવાના છે.

આપણે જો એટલું સમજીએ અને આપણી નવી જનરેશનને એટલું સમજાવી શકીએ કે પ્રેમ પામવા કે ઠાલવવાની તીવ્ર લાગણીને સંતોષવા માટે ધીરજ રાખવાની જરૂર છે તો આપણે જે ભૂલનાં પરિણામો ભોગવવા પડે છે એમાંથી એ બચી જશે. પ્રેમ એક કલ્પના છે, બહુ બહુ તો એક એહસાસ છે. જ્યારે પ્રેમની અભિવ્યક્તિ પછી થતું સ્વૈચ્છિક જોડાણ એક અનિવાર્ય બંધન છે અને એ બંધન હન્ડ્રેડ પર્સેન્ટ દુનિયાના ભૌતિક વ્યવહારો સાથે સંકળાયેલું છે. કલ્પનાઓ અને અહેસાસોથી આખી જિંદગી નીકળવાની નથી, વ્યવહારો તો છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાના છે. જે વ્યક્તિ આટલું સમજે છે એ ઉતાવળિયું પગલું ભરવાને બદલે ધીરજ રાખે છે અને એ ધીરજનું મીઠું ફળ ન મળે ત્યાં સુધી કામચલાઉ ઉપાયોથી કલ્પના તથા વ્યવહાર વચ્ચેનું બૅલેન્સ જાળવી લે છે.

પાયાની વાત એટલી સમજવાની કે જે લાગણી કે જે અહેસાસ પરમેનન્ટ નથી તેની અભિવ્યક્તિ કરીને કાયમી બંધનમાં જોડાઈને એને વ્યવહારમાં લાવવાની ઉતાવળ કરવી નહીં અને જેવું સમજાય કે ઉતાવળિયું પગલું ભરાઈ ગયું છે તો તરત જ એ ભૂલ સુધારી લેવાની. કોઈ પણ ભૂલ સુધારવાનો નિર્ણય લેવાનો સમય વીતી ગયો છે એવું માનવું નહીં. જે ઘડીએ સમજાય તે ઘડીએ સુધારી લેવાની. જે ભૂલો નથી સુધારવામાં આવતી તે જેમ જેમ વખત જાય તેમ તેમ વધુ નુકસાનકારક પુરવાર થતી જતી હોય છે.
પ્રેમ જેવું જ માન કે આદરનું છે. માન પામવાની લાગણી અને આદર આપવાની ઈચ્છા પણ આ બેઉ પણ એક સિક્કાની બે બાજુઓ છે. આપણને માન મેળવું ગમે છે, માન મેળવીને કેવું લાગશે એની ખબર છે. એટલે આપણે બીજાઓને માન આપીને એમનામાં રહેલી એવી લાગણીને સંતોષવા હંમેશા તત્પર હોઈએ છીએ. પણ આ તત્પરતામાં કેટલીક વખત આપણે કુપાત્રને આદર આપતાં થઈ જઈએ છીએ. અંદરખાનેથી આપણો સ્વાર્થ હોય, ઘણી વખત, કે આમને માન આપીશું તો આપણે એમની ગુડ બુક્‌સમાં રહીશું અને એવું થશે તો વખત આવ્યે એમનો ઉપયોગ કરી શકીશું.

માન આપવાની લાગણી પર પણ કન્ટ્રોલ રાખવો. જેને ને તેને માન આપવાની જરૂર નથી. એનો અર્થ એ નથી કે બધાનું અપમાન કરતાં ફરો. બધાની સાથે વિવેકથી જ વર્તવાનું હોય. દુશ્મન સાથે કે ન ગમતી વ્યક્તિ સાથે પણ વિવેકથી વર્તવાનું હોય. તમારી જિંદગીમાં કોઈએ તમારું ઘણું બધું બગાડ્યું હોય એવી હરામી, નફ્ફટ કે બદમાશ વ્યક્તિ મળી જાય તો એની સાથે પણ સૌજન્યતાથી અને વિવેકથી જ વર્તવાનું હોય. તમારો વિવેક તમારી સૌજન્યતા એ તમારી પર્સનાલિટીનો એક અનિવાર્ય હિસ્સો છે, એને દંભનું લેબલ ન અપાય. દંભ એક આખી અલગ જ ચીજ છે.

માન જ્યારે ગલત વ્યક્તિઓને આપવા માંડીએ છીએ ત્યારે આપણી આસપાસના લોકોમાં આપણી કિંમત ઉઘાડી પડી જતી હોય છે. તમારા ટૂંકા સ્વાર્થ ખાતર તમે અમુક વ્યક્તિઓને ખૂબ લળી લળીને સલામ ભરતા હો છો ત્યારે તમારું એ છીછરાપણું સામેની વ્યક્તિ જ નહીં, આસપાસની તમામ વ્યક્તિઓ પારખી જતી હોય છે. તમે જિંદગીમાં કોને કોને દુશ્મન બનાવ્યા છે, કોની કોને સાથે સંબંધો બાંધ્યા નથી કે રાખ્યા નથી અને કેવા લોકોને તમે ક્યારેય નજીક આવવા દેવાના નથી એ સઘળાના સરવાળા પરથી તમારા વ્યક્તિત્વનાં લેખાંજોખાં થતાં હોય છે. એ જ રીતે તમે કેવી વ્યક્તિઓને માનને પાત્ર ગણો છો એ વાત પણ નક્કી કરે છે કે તમારામાં ઊંડાણ છે કે પછી તમે હજુય છીછરા પાણીમાં છબછબિયાં કરો છો.

સાયલન્સ પ્લીઝ

સારું કે ખરાબ – તમે કરેલું કોઈ પણ કર્મ ક્યારેય ભૂંસાતું નથી.

_મહાભારત

6 COMMENTS

  1. આહાર, નિંદ્રા,ભય અને મૈથુન આ ચાર જ મૂળ આવેગો છે. બાકીની બીજી બધી લાગણી ઓ આ મૂળ લાગણીઓ ની મેળવણી-ભેળવણી જ છે. પ્રેમ પણ મૂળ આવેગ નથી.એ પણ ભય અને મૈથુન નું સંજોગો પ્રમાણે જુદા જુદા પ્રમાણ માં સંયોજન છે.

  2. Sir,
    Beginning of the new year with such an in-depth analysis on emotions.
    Thanks for the article. Understood this long back… Wish more people understand this

  3. સાહેબ, આ લેખ લખવામાં તમે ફક્ત 30 વરસ મોડા છો!! 30
    વરસ પહેલાં તમે લખ્યું હોત અને અમે વાંચ્યું હોત તો હકીકત થી ચિત્ર જુદું હોત! ? ખૂબ સરસ!

  4. બિલકુલ સત્ય કહ્યું છે આપે, વિવેક, નૈતિકતા અને ધીરજ માનવ માત્ર માટે અનિવાર્ય ગુણ છે અને સતત પ્રયત્નશીલ રહી તેને પ્રાપ્ત કરી શકાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here