( ગુડ મૉર્નિંગ : શુક્રવાર, ૩૦ ડિસેમ્બર ૨૦૨૨)
રાજેશ ખન્નાએ પોતે જ એક ઈન્ટરવ્યૂહમાં આ વાત કહેલી. સુપર સ્ટારડમના દિવસો ચાલી રહ્યા હતા. ૧૯૭૧ની આ વાત. જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમારનો કાર્ટર રોડ પરનો બંગલો રાજેશ ખન્નાએ ખરીદી લીધો હતો. બંગલોનું પેમેન્ટ કરવા માટે જ એમણે સાઉથની ‘કોઈ હાથીવાળી’ ફિલ્મ રિલક્ટન્ટલી સાઈન કરી હતી. ફિલ્મની વાર્તા સારી હતી પણ સ્ક્રીનપ્લે ઢીલો હતો. રાજેશ ખન્નાએ સલીમ ખાન અને જાવેદ અખ્તર નામના બે રાઈટર્સ જે જી. પી. સિપ્પીના સ્ટોરી ડીપાર્ટમેન્ટમાં કામ કરતા હતા એમનો સંપર્ક કર્યો. વધારે પૈસા આપવાનું પ્રોમિસ આપ્યું. એ બે રાઈટર્સે ફિલ્મમાં પોતાને સેપરેટ ક્રેડિટ આપવામાં આવે એવી શરત મૂકી. રાજેશ ખન્નાએ શરત કબૂલ રાખી. સલીમ-જાવેદની ક્રેડિટવાળી એ પહેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’. સાઉથના ફેમસ નિર્માતા ચિનપ્પા દેવરનું પ્રોડક્શન.
એઝ યુઝવલ રાજેશ ખન્ના સેટ પર મોડા પહોંચે. હીરો આવે ત્યારે પ્રોડ્યુસર પોતાની પાસે ઊભેલા એક છોકરાને નેતરની સોટીથી ફટકારે. દર વખતે આવું થતું. એક દિવસ રાજેશ ખન્નાએ પૂછયું ત્યારે ચિનપ્પા દેવરે ફ્રેન્કલી કહ્યું કે તમે તો બિગ સ્ટાર છો, ફાવે ત્યારે આવો અને ફાવે ત્યારે જઈ શકો છો. હું લાચાર છું. મારો ગુસ્સો હું આ છોકરા પર ઉતારું છું. બીજા દિવસથી રાજેશ ખન્ના ટાઈમસર સેટ પર આવતા થઈ ગયા.
‘આરાધના’ અને ‘કટી પતંગ’ની સફળતા પછી શક્તિ સામંતા ‘અમર પ્રેમ’માં કોઈ બીજા હીરોને લઈ રહ્યા છે એવી ખબર પડતાં જ રાજેશ ખન્ના શક્તિદાની ઑફિસમાં ધસી ગયા હતા. મેરે હોતે હુએ આપ કિસી ઔર કો સોચ ભી કૈસે સકતે હૈ એવા કોઈ ફિલ્મી ડાયલોગના જવાબમાં શક્તિ સામંતાએ કહ્યું કે તમારી પાસે મારા માટે ડેટ્સ જ કયાં છે. વાત સાચી હતી. રાજેશ ખન્નાની ડેટ્સ બધી અપાઈ ગઈ હતી, સાઈનિંગ અમાઉન્ટ્સ લેવાઈ ગયા હતા. રાજેશ ખન્નાએ કહ્યું રોજ રાત્રે અડધી શિફ્ટ તમારી. અને ‘અમર પ્રેમ’ ચાર-ચાર કલાકના ટુકડાઓમાં મુંબઈમાં શૂટ થઈ.
‘આનંદ’ની સફળતા પછી ઋષિકેશ મુખર્જી શશી કપૂરને લઈને ‘બાવર્ચી’ બનાવવા માગતા હતા કારણ કે ‘બાવર્ચી’ જેવી લો-બજેટ ફિલ્મમાં સુપર સ્ટારની ફી એમને પોસાતી નહોતી. રાજેશ ખન્નાને ખબર પડી. જે આપવું હોય તે આપજો, પણ કામ મને જ આપવાનું છે કહીને રાજેશ ખન્નાએ ‘બાવર્ચી’ કરી.
‘હાથી મેરે સાથી’, ‘અમર પ્રેમ’ અને ‘બાવર્ચી’ રાજેશ ખન્નાએ ન કરી હોત તો એમની સફળતા થોડીક ઝાંખી હોત. દરેક સફળ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે ક્યાં ધાર્યું કરવું અને ક્યાં જતું કરવું. રાજેશ ખન્નામાં આ સેન્સ હતી. ખબર નહીં કેમ, ૧૯૭૪ પછી આ સેન્સ ક્યાં જતી રહી. જે માણસ રોજ દારૂની મહેફિલો સજાવતા એ જ માણસ રોજ રાત્રે મિલ મજૂરની જેમ ઉજાગરા કરીને ચાર-ચાર કલાક શૂટિંગ કરવા પણ જતા. જે માણસ બંગલાની બહાર પ્રોડ્યુસરોને કલાકો સુધી ઊભા રાખે છે, એમના ફોન પણ નથી ઉઠાવતા એ સામે ચાલીને પ્રોડ્યુસરો પાસે પહોંચીને બાય, બૉરો ઓર સ્ટીલ કરીને ફિલ્મો કરે છે. આ બધું એક જ ગાળામાં, એ જ બે-ત્રણ વર્ષોમાં થાય છે.
તો પછી નિષ્ફળતા શું કામ આવે છે? લક જેવું કંઈ હશે? હોત તો બધા લોકો તમામ ગ્રહોને રિઝવવા માટે દસે આંગળામાં વીંટીઓ પહેર્યા કરતા હોત. સફળતાની કોઈ ફૉર્મ્યુલા હશે? હોત તો એવી ફૉર્મ્યુલા જેની પાસે હોત એ એને પેટન્ટ કરાવીને લોકોને વેચીને પ્રાઈવેટ ટાપુ પર જઈને એશઆરામ કરતો હોત. સફળતા કે નિષ્ફળતાનાં કોઈ સમીકરણો હોતાં નથી. માણસ સફળ થાય એ પછી એની સફળતાનાં અને એ નિષ્ફળ જાય એ પછી એની નિષ્ફળતાનાં કારણો શોધાતાં હોય છે.
આંખની તંદુરસ્તી માટે ઓપ્થેલ્મોલોજિસ્ટ 20/20 જેવી ટર્મ વાપરે છે. ચશ્માં વગર જે દૂરનું સ્પષ્ટ જોઈ શકે એની આઈસાઈટ20/20 છે એવું કહેવાય. હાઈન્ડ સાઈટ એટલે પાછોતરી નજર—જે બની ગયું છે તેના વિશે તમે વાત કરો, વિશ્ર્લેષણ કરો તે. એટલે જ અંગ્રેજીમાં આ રૂઢિપ્રયોગ છે કે હાઈન્ડસાઈટ ઈઝ ઑલવેઝ ટ્વેન્ટી/ટ્વેન્ટી! બાકી, આગળ જોવાની ટ્વેન્ટી/ટ્વેન્ટી દૃષ્ટિ બધા પાસે હોત તો આજે આપણે સૌ મહાભારતના ચોથા પાંડવ સહદેવના વારસદારો હોત.
રાજેશ ખન્ના આગળનું જોઈ શક્યા નહીં. કોઈ નથી જોઈ શકતું. મૉડરેટ સફળતા મેળવીને નીચે પછડાતા લોકોની નિષ્ફળતા વખતે પછડાટનો અવાજ ઓછો આવે છે. રાજેશ ખન્ના પ્રસિદ્ધિ, લોકપ્રિયતા અને દબદબાના શિખરની એવી ઊંચાઈએ હતા કે જ્યારે એ પછડાયા ત્યારે એની ગૂંજ ભારત આખાના આમ પ્રેક્ષકોએ સાંભળી.
જોકે, એ પછડાટ તો ૧૯૭૩-૭૪ પછી આવ્યો. એ પહેલાં શું થયું? ‘ફિલ્મફેર’ – યુનાઈટેડ પ્રોડ્યુસર્સ કમ્બાઈનની સ્પર્ધામાં દેશભરમાંથી દસ હજાર એન્ટ્રી આવી હતી. ફાઈનલ્સમાં મેલ રનર અપ વિનોદ મહેરા, ફિમેલ રનર અપ લીના ચંદાવરકર અને ફિમેલ વિનર (હોલ્ડ યૉર બ્રેથ) ફરિદા જલાલ! મેલ વિનર જતીન ખન્ના ઉર્ફે રાજેશ ખન્ના. ૧૯૬૫ની આ વાત. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના પ્રોડ્યુસરો દ્વારા યોજાયેલી આ કોન્ટેસ્ટમાં જે જીતે એનાં ભાગ્ય ઉઘડી જવાનાં હતાં. બી. આર. ચોપરા, બિમલ રોય, દેવેન્દ્ર ગોયેલ, એફ. સી. મહેરા, જી. પી. સિપ્પી, એચ. એસ. રવૈલ, હેમન્ત કુમાર, નાસિર હુસૈન, જે. ઓમ પ્રકાશ, મોહન સાયગલ, શક્તિ સામંતા અને સુબોધ મુખર્જી – આ બાર ફિલ્મ પ્રોડ્યુસરો સાથેની ફિલ્મોના કૉન્ટ્રાક્ટ્સ સામેથી ખોળામાં આવી જવાના હતા. રાજેશ ખન્નાએ અમુક સંજોગોને લીધે તેરમા પ્રોડ્યુસર ચેતન આનંદ સાથે કરિયરની પહેલી ફિલ્મ કરી ‘આખરી ખત’. પીટાઈ ગઈ. ૧૯૬૪માં ‘હકીકત’ જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર ચેતન આનંદ અહીં નિષ્ફળ ગયા. પછી જી. પી. સિપ્પીની ‘રાઝ’ (૧૯૬૭)આવી. એ જ વર્ષે નાસિર હુસૈનની ‘બહારોં કે સપને’ પણ આવી અને તમિળ ફિલ્મની રિમેક ‘ઔરત’ આવી. રાજેશ ખન્ના સાથે ફિલ્મ બનાવતાં પહેલાં જેઓ સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી હિટ્સ ફિલ્મો બનાવી ચૂક્યા હતા અને રાજેશ ખન્ના સાથે ફિલ્મ બનાવ્યા પછી પણ જેમણે એવી જ સુપરહિટ ફિલ્મો બનાવી એવા નિર્માતાઓ સાથેની ફિલ્મો ફ્લોપ ગઈ. કારકિર્દીની શરૂઆત જ એકદમ નરમઘેંસ જેવી થઈ. નસીબના દરવાજા ખુલી ગયા છે એવું લાગતું હતું ત્યાં જ કમાડ ભિડાઈ ગયા. પણ ઈન્ડસ્ટ્રીને આ નવા હીરો પર ભરોસો હતો. વિશેષ તો આ નવા હીરોને પોતાના પર ભરોસો હતો.
શક્તિ સામંતા સાથે રાજેશ ખન્નાએ એક ફિલ્મ સાઈન કરેલી જેમાં એરફોર્સના પાઈલોટનો રોલ હતો જે ઈન્ટરવલ પહેલાં મરી જાય છે. ઈન્ટરવલ પછી સ્વર્ગસ્થના પુત્ર તરીકે બીજો હીરો લેવાનું વિચારાયું હતું. ફિલ્મના નરેશન માટે રાજેશ ખન્ના શક્તિ સામંતાના સાંતાક્રુઝના ઘરે આવતા ત્યારે એમનો દીકરો આસિમ સામંતા સ્કૂલમાં ભણતો. આસિમ સામંતાએ એક ઈન્ટરવ્યૂ માં કહ્યું છે: ‘એ વખતે રાજેશ ખન્ના સ્ટાર નહોતા. ત્રણ ફિલ્મોના નિષ્ફળ અભિનેતા હતા. પણ શેવરોલેમાં આવતા. સુપર સ્ટાર બન્યા નહોતા, બનશે કે નહીં એની ભગવાન સિવાય કોઈનેય ખબર નહોતી પણ એ વખતેય એમની સ્ટાઈલ, એમનો રૂઆબ, એમની ઑરા સુપર સ્ટાર બન્યા પછી જેવી હતી એવી જ હતી.’
‘આરાધના’એ રાજેશ ખન્ના સહિત અનેકની લાઈફ ચેન્જ કરી નાખી. પણ એક તબક્કે, શૂટિંગના પ્રથમ દિવસની આગલી બપોરે, શક્તિ સામંતાએ ‘આરાધના’ બનાવવાનું માંડી વાળ્યું હતું.
‘આરાધના’ પહેલાં શક્તિ સામંતા ‘હાવરા બ્રિજ’, ‘ચાઈનાટાઉન’ અને ‘કશ્મીર કી કલી’ જેવી મૉડરેટલી હિટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એ પછી બનાવેલી ‘એન ઈવનિંગ ઈન પૅરિસ’ થિયેટર માલિકોની હડતાળને કારણે એવરેજ કમાણી કરી શકી. એ પછી શક્તિ સામંતાએ શમ્મી કપૂર અને વિનોદ ખન્નાને લઈને ‘જાને અન્જાને’ બનાવવાની શરૂઆત કરી પણ પત્ની ગીતા બાલીના અચાનક મૃત્યુ પછી શમ્મી કપૂર ડિપ્રેશનમાં સરી પડ્યા અને એ ગાળામાં એમની કરિયર ખોરવાઈ ગઈ. (‘જાને અન્જાને’ છેક ૧૯૭૨માં રિલીઝ થઈ).
૧૯૬૮-૬૯માં ‘જાને-અન્જાને’ અધૂરી હતી અને આ બાજુ શક્તિ સામંતાનું યુનિટ કામ વિનાનું હતું. શક્તિદાએ એક ક્વિકી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.
સચિન ભૌમિક પાસે પાયલોટવાળી એક વાર્તા હતી. ‘અનુરાધા’, ‘આઈ મિલન કી બેલા’, ‘જાનવર’, ‘લવ ઈન ટોકિયો’, ‘આયે દિન બહાર કે’ ‘એન ઈવનિંગ ઈન પેરિસ’, ‘બ્રહ્મચારી’ અને ‘આયા સાવન ઝૂમ કે’ જેવી ફિલ્મોના મશહૂર રાઈટર સચિન ભૌમિક પાસે જે સ્ટોરી હતી તે ૧૯૪૬ની હૉલિવૂડની ફિલ્મ ‘ટુ ઈચ હિઝ ઓન’ પરથી ઈન્સ્પાયર થયેલી. ઍરફોર્સનો પાઈલટ પ્લેન ક્રેશમાં મરી જાય છે અને એની કુંવારી પ્રેગ્નન્ટ પ્રેયસીને પાઈલટના પિતા પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારવાની ના પાડે છે. ‘આરાધના’ની આ સ્ટોરી શક્તિદાને પસંદ પડી. શૂટિંગનું શેડ્યુલ નક્કી થઈ ગયું. આવતી કાલથી ફિલ્મ ફલોર પર જવાની છે અને આજે શક્તિદા મહાલક્ષ્મીના ફેમસ સ્ટુડિયોમાં આવેલી પોતાની ઑફિસમાં બેઠા છે. પ્રોડ્યુસર સુરિન્દર કપૂર (અનિલ કપૂરના પપ્પા)ની ઑફિસ પણ ત્યાં જ હતી. સુરિન્દર કપૂરે એ દિવસે શક્તિદાને કહ્યું કે મારી નવી ફિલ્મ ‘એક શ્રીમાન, એક શ્રીમતી’ની લાસ્ટ બે રીલ ધોવાઈને – એડિટ થઈ ગઈ છે તમે જોવા ચાલો. એ જમાનામાં પ્રોડ્યુસરો વચ્ચે આવી ભાઈબંધી હતી. લંચ ટાઈમમાં સ્ક્રીનિંગ રૂમમાં શક્તિદાએ ‘એક શ્રીમાન, એક શ્રીમતી’નો એન્ડ જોયો અને થીજી ગયા. ‘આરાધના’નો એન્ડ પણ અદ્લોઅદ્લ આવો જ હતો. બેઉ ફિલ્મ સચિન ભૌમિકે લખી હતી. રાઈટરને તાબડતોબ બોલાવ્યા. રાઈટરે સમજાવવાની કોશિશ કરી કે દેખીતી રીતે બેઉ ફિલ્મોની ક્લાઈમેક્સ એકસરખી લાગતી હોવા છતાં વાત આખી જુદી જ બને છે. પણ શક્તિદા કન્વીન્સ ન થયા.
‘આરાધના’ હજુ શરૂ પણ નથી થઈ તો શરૂ કરતાં પહેલાં જ એનું પડીકું વાળી દઈએ તો લાંબું નુકસાન નથી એવું વિચારીને એ પોતાની ઑફિસની બહાર, સ્ટુડિયોના કંપાઉન્ડમાં ટહેલવા નીકળ્યા. ત્યાં એમને પોતાની ફિલ્મ ‘જાને અન્જાને’ના રાઈટર મધુસૂદન કાલેલકર અને ૧૯૬૬માં બનાવેલી એક ફિલ્મ ‘સાવન કી ઘટા’ના રાઈટર ગુલશન નંદા મળ્યા જે ઑલરેડી પૉકેટબુક્સ તરીકે પ્રગટ થતી હિંદી નવલકથાઓના લેખક તરીકે જાણીતા હતા.
શક્તિદાએ ગુલશન નંદાને પૂછ્યું, કોઈ સ્ટોરી હૈ આપ કે પાસ. ગુલશન નંદાએ કહ્યું કે એક વાર્તા છે, તમને પસંદ પડે એવી. ક્યારથી શૂટિંગ કરવાનો વિચાર છે? શક્તિદાએ કહ્યું: કાલથી. ત્રણેય જણ ઑફિસમાં આવ્યા. ગુલશન નંદાએ સ્ટોરી સંભળાવી. અડધો કલાક પછી શક્તિદાએ નક્કી કરી લીધું કે ‘આરાધના’ને બદલે આ નવી સાંભળેલી વાર્તા પરથી જ ફિલ્મ બનાવવી છે.
પણ ગુલશન નંદા અને મધુસૂદન કાલેલકરે એમને કહ્યું કે તમારે ‘આરાધના’ જ ચાલુ રાખવી જોઈએ. હવે શક્તિદાનો વારો હતો વાર્તા સંભળાવવાનો. એમણે ‘આરાધના’ની વાર્તા એ બેઉ રાઈટર્સને સંભળાવી દીધા પછી છેલ્લે કહ્યું કે આનો અંત સુરિન્દર કપૂરની ટૂંક સમયમાં રિલીઝ થનારી અને સચિન ભૌમિકે જ લખેલી ‘એક શ્રીમાન, એક શ્રીમતી’ જેવો જ છે. બેઉ રાઈટરોએ કહ્યું કે ‘આરાધના’નો સબ્જેક્ટ સારો છે, તમારે આટલા સારા વિષયને ખાલી એન્ડની સિમિલારિટીને કારણે છોડવો ના જોઈએ. બપોરના ચાર વાગ્યા હતા. બેઉ રાઈટર અને પ્રોડ્યુસર – ડાયરેકટર શક્તિદા મંડી પડ્યા. રાત્રે દસ વાગ્યે ત્રણેએ આખી વાર્તા નવી તૈયાર કરી નાખી. પાઈલટના મર્યા પછી એનો દીકરો મોટો થાય છે એ રોલમાં બીજા એકટરને લેવાનું નક્કી થયું હતું પણ હવે એ રોલ પણ સેમ એકટર પાસે કરાવવાનો એવું નક્કી થઈ ગયું. સચિન ભૌમિકની ભૂલને કારણે રાજેશ ખન્નાને ચાંદી થઈ ગઈ. અને હા, ગુલશન નંદાએ જે પેલી વાર્તા અડધો કલાક દરમિયાન સંભળાવેલી એના રાઈટ્સ પણ શક્તિ સામંતાએ લઈ લીધા જે એમણે ‘આરાધના’ પછી રાજેશ ખન્નાને જ લઈને બનાવી. ૧૯૫૦ની હૉલિવૂડની ફિલ્મ ‘નો મૅન ઑફ હર ઓન’ પર લૂઝલી બેઝ્ડ એ ફિલ્મ હતી ‘કટી પતંગ’.
‘આરાધના’ ક્વિકી હતી અને બજેટ પણ કંઈ બહુ મોટું નહોતું એટલે શક્તિ સામંતાએ પોતાની ‘એન ઈવનિંગ ઈન પૅરિસ’માં સુપરહિટ મ્યુઝિક આપી ચૂકેલા પણ ખૂબ તગડી ફી માગતા શંકર – જયકિશનને બદલે ઓછા બજેટવાળા એસ.ડી. બર્મનને કામ સોંપ્યું. શક્તિદાએ અગાઉની પોતાની ફિલ્મોમાં મોહમ્મદ રફીનો અવાજ વાપર્યો હતો પણ ‘આરાધના’ શરૂ થઈ ત્યારે રફી સાહેબ ત્રણ મહિનાની વર્લ્ડ ટૂર પર હતા એટલે મોડું કરવાને બદલે શક્તિદાએ કિશોરકુમારથી ‘ચલાવી લીધું’, હાલાંકિ બે ગીત રફી સાહેબ રેકોર્ડ કરીને ગયા હતા એટલે વપરાયા (બાગોં મેં બહાર હૈ અને બીજું ગુનગુના રહે હૈ ભંવરે).
જસ્ટ ઈમેજિન કરો કે એ વર્લ્ડ ટૂરનું આયોજન ન થયું હોત તો તમારે કોરા કાગઝ થા યે મન મેરા કિશોર નહીં પણ મોહમ્મદ રફીના અવાજમાં સાંભળવું પડ્યું હોત, એટલું જ નહીં રૂપ તેરા મસ્તાના પણ રફીસા’બે ગાયું હોત અને વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઑલ મોહમ્મદ રફી ફૅન્સ પણ મેરે સપનોં કી રાની કબ આયેગી તુ જો કિશોરને બદલે રફીના અવાજમાં આવ્યું હોત તો? કયામત આવી જાત.
કિશોરકુમારે ‘આરાધના’માં ગાયેલાં આ ત્રણેય ગીતોમાં એસ.ડી. પુત્ર પંચમનો ઘણો મોટો ફાળો છે. એસ.ડી. બર્મન ‘રૂપ તેરા મસ્તાના’ને કોઈ ફોક-ટ્યૂન જેવા મૂડમાં ગવડાવવા માગતા હતા પણ આર.ડી. બર્મનના આગ્રહથી કિશોરકુમારે ઈરોટિક અંદાઝમાં ગાયું. કોરા કાગઝ થાની ટ્યૂન પણ આર.ડી.એ બદલાવીને શક્તિદા પાસે મંજૂર કરાવી. મેરે સપનોં કી રાનીના રેકોર્ડિંગમાં ગીતના ઈન્ટ્રો વખતે ગિટાર વગાડવાની હતી પણ એસ.ડી.ને વગાડનારથી સંતોષ થતો નહોતો. છેલ્લી ઘડીએ આર.ડી.એ માઉથ ઑરગન પર ઈન્ટ્રોનો એ પીસ વગાડ્યો અને એ એવો મશહૂર થયો કે એના બે જ બાર સાંભળો અને તમે કહી આપો કે આ કયું ગીત છે.
૧૯૬૯માં ‘આરાધના’થી સડસડાટ ચાલેલી રાજેશ ખન્નાની ગાડી ક્યાંય રોકાયા વિના આગળ વધતી રહી. સિત્તેર અને એકોતેરનાં વર્ષો હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ક્યારેય ન જોયાં હોય એવા પુરવાર થયાં. એક જ વર્ષમાં એક જ હીરોની ચારથી છ ફિલ્મો જ્યુબિલી હિટ્સ થાય એવું ક્યારેય નહોતું બન્યું. ઓગણીસો બોંતેરના વર્ષનું ઓપનિંગ પણ સારું થયું. ‘દુશ્મન’, ‘અપના દેશ’ અને ‘અમર પ્રેમ’. આ ત્રણેય ફિલ્મો ૧૯૭૨માં શરૂના ત્રણેક મહિનામાં રિલીઝ થઈ અને ત્રણેય એકબીજાથી સાવ જુદી ફિલ્મો, ત્રણેયનાં ગીતો હિટ અને બોક્સ ઑફિસ પર ફિલ્મો સુપરહિટ.
પણ ૧૯૭૨ના સેકન્ડ હાફમાં ધબડકો: ‘દિલ દૌલત દુનિયા’, ‘બાવર્ચી’, ‘મેરે જીવન સાથી’, ‘જોરુ કા ગુલામ’, ‘માલિક’ અને ‘શહઝાદા’. ધડાધડ બધી જ ફિલ્મો પીટાઈ ગઈ. આ બધામાં ‘બાવર્ચી’ એક ક્લાસિક ફિલ્મ હતી પણ તે વખતે બૉક્સ ઑફિસ પર નહોતી ચાલી. ‘મેરે જીવન સાથી’નાં ગીતો ત્યારે તો હિટ હતાં જ આજે પણ ખૂબ કર્ણપ્રિય લાગે છે (ઓ મેરે દિલ કે ચૈન, દીવાના લે કે આયા, ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં) પણ ફિલ્મ ફલોપ થઈ ગઈ હતી.
૧૯૭૨ની આગલી ત્રણ સુપરહિટ ફિલ્મોની સફળતાને આ છ-છ એક સાથે ફલોપ ગયેલી ફિલ્મોએ ગ્રહણ લગાડી દીધું. રાજેશ ખન્નાનાં વળતાં પાણી – એવું આઠ કૉલમનું મથાળું બાંધવાનું જ અખબારોએ બાકી રાખ્યું. એ વર્ષના અંતે રાજેશ ખન્નાનું ફેવરિટ ગીત આ જ હોવું જોઈએ: યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ, ક્યોં હુઆ…
વધુ કાલે.
આજનો વિચાર
પડે છે ત્યારે સઘળું પડે છે.
—ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’
( ‘વિનિપાત’ વાર્તામાં)
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
અદ્દભુત લેખ
સાદર પ્રણામ
રાજેશ ખન્ના, ન ભૂતો ન ભવિષ્યતિ.
Khubaj saras ane janva j msliyu.bshuj saras lekh..
સૌરભભાઈ તમારા આ લેખનો ટોન એવો છે, જાણે કિશોરદાનાં ગીતો માટે રિપ્લેસમેન્ટ તરીકે રફી સાહેબના નામનો વિચાર જ ન થઈ શકે. ગાયકીના બધા જ માપદંડો પર રફી સાહેબ કિશોરદા કરતાં ઉત્તમ કહેવાય. હાથી મેરે સાથી ફિલ્મનાં બધાં ગીતો કિશોર કુમારે ગાયાં હતાં, અને એક ગીત ‘નફરત કી દુનિયા કો છોડ કે’ પણ કિશોર કુમાર પાસે જ ગવડાવવાનું હતું, પરંતુ ઘણા પ્રયત્નો બાદ આ ગીતમાં દર્દનો જે ભાવ લાવવો જરૂરી હતો એમાં કિશોર કુમાર સફળ થઈ ન શક્યા. છેવટે, કિશોર કુમારે સંગીત દિગ્દર્શક લક્ષ્મીકાંત-પ્યારેલાલને કહ્યું કે આ ગીત તમે રફી સાહેબ પાસે ગવડાવો. એ આ ગીતને પૂરો ન્યાય આપી શકશે. સંગીત દિગ્દર્શકે કિશોર કુમારની સલાહ માનીને એમ જ કર્યું અને રફી સાહેબે ગીતને સુંદર ન્યાય આપ્યો!
સૌરભભાઇ સુપર્બ…
રાજેશ ના એક અદના ફેન તરીકે આ લેખ વાંચતા દુઃખ થયું…
He was my favourite star and still he is..
Nobody can match his popularity during those years..and we have witnessed it.
In fact…we had seen three films in a day and those were….
Tyaag…Chhoti Bahu and Malik…
All starring Sharmila and Rajesh…
What a Star of Bollywood….!!!
વાહહહ… ખૂબ સરસ અને માહિતીસભર. સર, આજ રીતે આપ બીજા સ્ટારને લઈને લેખની શ્રેણી અહીં મૂકો તો મઝા પડી જાય વાંચવાની અને જાણવાની.
Very much interestingly factual and trustworthy!!!
Really genius reporting!!
સૌરભ શાહ, પ્રસ્તુત લેખ માં જાણકારી ની સાથે સાથે એટલી સ_રસ રીતે લખાયો છે, કે એકી બેઠકે વાંચવો પડે,રાજેશ ખન્ના અમારી પેઢી માં દરેક નો ફેવરિટ હતો.પડદા પાછળની વાતો ને તમે રસપ્રદ રીતે આલેખો છો, સંપૂર્ણ લેખ સૌરભ શાહ ની કલમ ની સાહેદી આપતો લેખ.આભાર ભાઈ.
Khubj sars , Vandan
યોગાનુયોગ જુઓ રાજેશ ખન્નાએ રાજેન્દ્ર કુમાર પાસેથી બંગલો ખરીદ્યો ત્યારે એ બંગલાનું નામ ડિમ્પલ હતું…. પછી રાજેશ ખન્નાએ બંગલાનું નામ આશીર્વાદ રાખ્યું….. ઋષિકેશ મુખર્જીની આનંદ માં રાજેશ ખન્નાને લેવાનું નક્કી થયું ત્યારે ઋષિકેશ મુખરજીએ રાજેશ ખન્ના સમક્ષ ત્રણ શરતો મૂકી હતી…. એક સળંગ ડેઈટ જોઈએ… બીજી શુટિંગ માટે સમયસર આવવું….઼઼
અને ત્રીજી મહેનતાણા રુપે ફક્ત એક લાખ જ મળશે…
( એ વખતે રાજેશ ખન્ના એક ફિલ્મના આઠ લાખ લેતા હતા) …… અને રાજેશ ખન્નાએ આ ત્રણેય શરતો પાળી હતી……
Very informative….
Very deep n informative research taking us back into that ERA . Btw I used to live in girgaum very close to place Khanna lived initially but I was not aware about it . Same way Jitendra was living 5 minutes away from my place . They studied in the same school where I had centre for my SSC exams .
સુદંર અને વૈવિધ્યપૂર્ણ લખ્યું
રાજેશ ખન્ના ઉપર બે પુસ્તકો 1) the untold story of india’s 1st superstar ( Yasser usmasn) 2) dark star : the loneliness of being rajesh khanna ( chintamani gautam) વાચવા જોઈએ દરેક રાજેશ ખન્ના ચાહકે
દાગ પીકચરની ફેમસ સ્પીચ ” મૈ તો કુછ ભી નહી” પણ જાણે એમના અભિનય જીવનની પઙતી માટે જ લખાઈ હોય એમ લાગે, જાણે એ ભવિષ્ય ભાખતા હોય ” શોહરતે, ઉલ્ફતે, ચાહતે સબકો મીલતી નહી, ઈતના પ્યાર ન દો દોસ્તો, મે ઈસકે કાબીલ નહી, ઈતના પ્યાર રખુંગા કહા, સોચ લો દોસ્તો, કલ જો ગુમનામ હે, કલ જો વીરાન હે. , આજ મૈ હુ જહા , કલ કોઈ ઓર થા, યે ભી એક દૌર હૈ વો ભી એક દૌર થા…..
સૌરભભાઈ,
ઘણી નવી માહિતી જાણવા મળી, મજા આવી ગઈ…..