સર્વાઈવ થવું કે થ્રાઈવ થવું : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૭ મે ૨૦૨૩ )

જિંદગીની જદ્દોજહદ બહુ ભારી છે અને માંડ માંડ બે છેડા ભેગા થાય એવો જમાનો છે. બાપદાદાઓ પણ આવી જ ફરિયાદ કરતા હતા. એ લોકો પણ સાચા હતા. એમના જમાનાને એની આગવી મુસીબતો હતી. અત્યારે ઉબર બોલાવીએ તો પીક અવર્સમાં પંદર-પંદર મિનિટ સુધી રાહ જોવી પડે છે, એ જમાનામાં કદાચ એક ગામથી બીજે ગામ જવા માટે બબ્બે અઠવાડિયાં સુધી ગાડાવાળો મળતો નહીં હોય.

વડીલો ઠોકઠાક કરીને સર્વાઈવ થઈ ગયા. તેઓ સર્વાઈવ થઈ ગયા ત્યારે તો આપણે આવ્યા. તેઓ જો જિંદગીથી નાસીપાસ થઈ ગયા હોત અને એમણે છોકરાઓને જણવાનું માંડી વાળ્યું હોત અથવા તો એથી પણ ખરાબ, એમણે હતાશામાં જીવન સાથે લડવાનું છોડીને આયુષ્ય ટૂંકાવી દીધું હોત તો આપણે જન્મ્યા જ ન હોત, આપણે જીવવાની આ જદ્દોજહદમાંથી પણ ઊગરી ગયા હોત. પણ આપણે જન્મ્યા અને સર્વાઈવ પણ થયા. હવે પછી આપણી નેક્સ્ટ જનરેશને ટકી રહેવાનું છે. જદ્દોજહદ કરીને સર્વાઈવ થવાનું છે. એ પછી એની નેક્સ્ટ જનરેશને, એ પછી એની નેક્સ્ટ જનરેશને…

એક વાત સમજી લેવી પડશે. જિંદગીમાં થ્રાઈવ થવું હશે તો પહેલાં સર્વાઈવ થવું પડશે. થ્રાઈવ થવું એટલે મહોરવું, સોળે કળાએ ખીલવું, સમૃદ્ધિની છોળોમાં મહાલવું. જિંદગી ફકત સર્વાઈવ થવા માટે નથી પણ થ્રાઈવ થવા માટે છે એ વાત જાણી રાખવી. જિંદગી કંઈ ખાઈપીને મઝા કરવા માટે નથી, માત્ર સર્વાઈવ થવા માટે નથી.

પણ થ્રાઈવ થવા માટે પાયાનું સર્વાઈવલ જરૂરી છે, ગરબડ ક્યાં થાય છે કે કેટલાક સ્વપ્નસેવીઓ થ્રાઈવ થવાના ચક્કરમાં સર્વાઈવ થવાની પાયાની શરત ભૂલી જાય છે અને વગર લેવેદેવે ખુવાર થઈ જતા હોય છે, પોતાનું અસ્તિત્વ મટી જાય ત્યાં સુધી તેઓ પોતાના સર્વાઈવલ પ્રત્યે બેદરકાર થઈ જતા હોય છે.

એક વાંસળીવાદક છે જે પં. હરિપ્રસાદ ચૌરસિયા બનવા માગે છે અને એવી ત્રેવડ, લગન તથા પરિસ્થિતિ પણ છે એની પાસે. એક ફિલ્મમેકર છે જે રાજ કપૂર, હૃષિકેશ મુખર્જી, યશ ચોપડા કે પછી અનુરાગ કશ્યપ બનવા માગે છે. એનામાં પણ જરૂરી એવાં બધા જ ઈન્ગ્રેડિયન્ટ્સ છે. એક કોઈ પણ છે… આ દરેક વ્યક્તિ જો જિંદગીમાં ટકી રહેશે તો જ મહોરી શકશે. એણે પોતાના બે ટંકના ભોજન, ઘર તથા જીવનની પાયાની જરૂરિયાતો પૂરતું સમાધાનો કરીને પણ સર્વાઈવ થવાનું છે. તો જ એ જિંદગીમાં જે કંઈ કરવા માગે છે તે કરી શકશે. એણે સર્વાઈવલ માટેનાં સમાધાનો માત્ર પોતાની જરૂરિયાતો માટે કરી લેવાનાં છે, નહીં કે પોતાની કળા માટે. એણે જો પં. હરિપ્રસાદ ચૌરસિયા કે અનુરાગ કશ્યપ બનવું હોય તો પોતાના ક્ષેત્રની ચિરકુટબાજીમાં નહીં પડવાનું.

અનુરાગ કશ્યપ ફિલ્મમૅકર જ બનવા માગતો હતો. એણે માસિક લાખ-બે લાખ રૂપિયા આપતી ટીવી સિરિયલ છોડી દીધી જે વર્ષો સુધી ચાલવાની હતી. શું કામ? એની પાસે એક ફિલ્મની પટકથા લખવાની ઑફર આવી. મહિને માત્ર દસ હજાર રૂપિયા અને તે પણ માત્ર દસ મહિના સુધી. કોઈ ભરોસો નહીં. ફિલ્મ બનશે કે નહીં અને બનશે તો કેવી બનશે. અનુરાગ કશ્યપે જિંદગીમાં સર્વાઈવ થવા માટે સમાધાનો કર્યાં હશે. ટેક્સીને બદલે રિકશામાં ફરીને કે મોંઘી જગ્યાને બદલે મામૂલી ફલેટમાં રહીને કે પછી જાહોજલાલીભરી લાઈફસ્ટાઈલ રાખવાને બદલે સાદગીભરી રીતે જીવીને એણે સમાધાનો કર્યાં હશે. કારણ કે એના માટે મુંબઈમાં સર્વાઈવ થવું અગત્યનું હતું, મુંબઈમાં જ શું કામ – આ પૃથ્વી પર સર્વાઈવ થવું અગત્યનું હતું. પણ એક વખત, આ રીતે તો આ રીતે – સમાધાનો – જોડતોડ કરીને પણ, સર્વાઈવ થઈ ગયા પછી એણે કોમ્પ્રોમાઈઝ કરવાનું છોડી દીધું, કારણ કે એ થ્રાઈવ થવા માગતો હતો, પોતાની પૅશનને સોળે કળાએ ખીલતી જોવા માગતો હતો. અને એટલે એણે ટીવી સિરિયલ બનાવવા જેવા, પોતાની પ્રતિભા માટે તુચ્છ કે ચિરકુટ એવા કામને છોડીને ફિલ્મની પટકથા લખવાનું સ્વીકાર્યું. બે વર્ષ પછી એ ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ હતું: ‘સત્યા’. રામ ગોપાલ વર્માની પાથ બ્રેકિંગ, લેજન્ડરી અને બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડનારી ફિલ્મ જેણે ક્રાઈમ ફિલ્મો કેવી હોવી જોઈએ એની એક ટેમ્પલેટ તૈયાર કરી અને જેના પરથી પ્રેરણા લઈને, જેમાંથી ઉઠાંતરી કરીને કેટલીક ઉત્તમ તો કેટલીક સિક્સ્થ ફોટોકૉપી જેવી ફિલ્મો બની.

જેમણે જિંદગીમાં કંઈક કરવું છે એમના માટેની આ બે વાત છે. અને આ બંને સમજ કોઈ પાઠ્યપુસ્તકમાંથી તમને નથી મળવાની. પડીઆખડીને જ આવશે: એક, જિંદગીમાં થ્રાઈવ થવું હશે તો પહેલાં સર્વાઈવ થવું પડશે. અને બે, જિંદગી થ્રાઈવ થવા માટે છે માત્ર સર્વાઈવ થવા માટે નથી.

પાન બનારસવાલા

જિંદગીમાં જો કંઈક એવું મેળવવું હશે જે અત્યારે તમારી પાસે નથી તો તમારે એવું કામ કરવું પડશે જે તમે અત્યાર સુધી ન કર્યું હોય.

—અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. Very nice Saurabhbhai. Some more thoughts from my side. Once we survive in any situtation then the next step is to thrive . But we can not thrive , if the life is too easy . In order to thrive, one must tackle the chaos . So many succesful starts-ups were concieved by the people who lived & worked from the garages. Surviving & thriving on chaos , is the reason ,we all Humans have outlived all other species. Thriving on Chaos, is the art of living .

  2. ખુબજ સરસ લેખ જીવન ને કેવી રીતે ટકાવી રાખવું તે માટે સચોટ માર્ગદર્શન

  3. Remembered Amitabh’s dialogue in Trishul, Aaj main 10 lakh ka contract sign kar raha hu, par meri Jeb me ek phuti koidi nahi.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here